હાયડેટિડ રોગ
February, 2009
હાયડેટિડ રોગ : એકિનોકોકસ જૂથના પટ્ટીકૃમિથી થતો રોગ. તેમાં જલબિન્દુસમ (hydatid) પ્રવાહી ભરેલી પોટલી (કોષ્ઠ, cyst) બને છે માટે તેને બિંદ્વાભ કોષ્ઠ(hydatid cyst)નો રોગ કહે છે. દરેક કોષ્ઠમાં ફક્ત એકજલપુટિ (unilocule) એટલે કે પ્રવાહી ભરેલી પુટિકા હોય છે. તેને એકિનોકોકોસિસ પણ કહે છે; કેમ કે તે એકિનોકોકસ જૂથના પરોપજીવીના ડિમ્ભ(larva)થી થાય છે. આ સજીવ કંટકવાળા અને રસાળ ફળ રસકંટકફળ (berry) જેવો દેખાય છે માટે તેને રસકંટકાભ કૃમિ (ecchinococcus) કહે છે.
હાયડેટિડ રોગ : (અ) હાયડેટિડનો રોગ કરતા કૃમિનું જીવનચક્ર, (આ) મગજ અને પેટનો સીટી-સ્કૅન. નોંધ : (1) કૂતરાના આંતરડામાં પુખ્ત કૃમિ; (2) કૂતરાના મળમાં બહાર નીકળતું ઈંડું; (3) ચરતી કે ખાતી વખતે ગાય, ઘેટું કે ડુક્કર ઈંડાને આહાર સાથે લઈ લે; (4) કૂતરા સાથેના સંસર્ગથી માનવમાં પણ ઈંડું પ્રવેશે અને ચેપ ફેલાય; (5) માનવ કે પશુના શરીરમાં તેમાંથી બનતી કોષ્ઠો (cysts) મગજ, યકૃત, માંસ, ફેફસાં વગેરેમાં સ્થાપિત થાય અને રોગ કરે; (6) મગજના સીટી-સ્કૅનમાં દેખાતી રોગની કોષ્ઠ; (7) પેટના સીટી-સ્કૅનમાં યકૃતમાં દેખાતી રોગની કોષ્ઠ; (8) પશુનું માંસ ખાવાથી કૂતરામાં ફેલાતો ચેપ; (9) કૂતરાના આંતરડામાં પુખ્તકૃમિ વિકસે છે; (10) પ્રમુખ આશ્રયદાતા (કૂતરો); (11) અંતરાલીય આશ્રયદાતા (ગાય, ડુક્કર, ઘેટું વગેરે).
જીવનચક્ર : તેના જીવનચક્રમાં 2 પ્રકારના આશ્રયદાતા (hosts) હોય છે : મુખ્ય (definitive) અને અંતરાલીય (intermediate). કૂતરા જેવા માંસાહારી પશુઓ તેના મુખ્ય આશ્રયદાતા છે, જ્યારે વનસ્પત્યાહારી પ્રાણીઓ (ઢોર, ઘેટાં વગેરે) તેના અંતરાલીય આશ્રયદાતાઓ છે. માણસ પણ તેનો અંતરાલીય આશ્રયદાતા બને છે. માનવ જ્યારે આશ્રયદાતા હોય ત્યારે તે પરોપજીવ તેના જીવનચક્રમાં પૂર્ણાંતે (dead end) પહોંચે છે; જ્યારે માંસાહારી આશ્રયદાતા (દા. ત., કૂતરો) તેના ચેપગ્રસ્ત શિકારને ખાય છે ત્યારે તેના અવયવોમાંના બિંદ્વાભ કોષ્ઠ તથા તેમાંનાં ડિમ્ભ કૂતરાના અન્નમાર્ગમાં પ્રવેશે છે. ત્યાં પુખ્ત પટ્ટીકૃમિ બને છે અને તે ઈંડાં ઉત્પન્ન કરે છે, જે મળમાર્ગે બહાર જાય છે. અંતરાલીય વનસ્પત્યાહારી પ્રાણી તેના ખોરાક સાથે ઈંડાં પણ ગળે છે. ઈંડાંમાંથી ભ્રૂણ (embryo) છૂટા પડીને લોહી દ્વારા પ્રાણીના અવયવો(યકૃત, ફેફસું, મૂત્રપિંડ, બરોળ વગેરે)માં જાય છે અને ત્યાં તે બિંદ્વાભ કોષ્ઠ રૂપે વિકસે છે. આ કોષ્ઠમાં પટ્ટીકૃમિનાં અનેક ડિમ્ભો બને છે, જે તે પ્રાણીનું સજીવ કે મૃત હોય ત્યારે ભક્ષણ થાય ત્યારે તે મુખ્ય આશ્રયદાતાનાં આંતરડાંમાં જાય છે અને જીવનચક્ર આગળ ચાલે છે.
લક્ષણો, ચિહનો, નિદાન : અંતરાલીય આશ્રયદાતા(માણસ તથા અન્ય વનસ્પત્યાહારી પ્રાણીઓ)ના શરીરમાં જુદા જુદા અવયવોમાં મોટી પ્રવાહી ભરેલી પોટલીઓ (કોષ્ઠ) ઉદભવે છે. જ્યારે કોષ્ઠ મોટી થઈને આસપાસ અવયવમાં કે લોહીની નસો પર દબાણ કરે છે ત્યારે તકલીફ સર્જે છે. જો મોટી કોષ્ઠ ફાટે તો તે ક્યારેક લોહીનું દબાણ ઘટી જવાથી આઘાત(shock)ની સ્થિતિ સર્જે છે. ભૂમધ્ય સમુદ્રના દેશોમાં ઇ. ગ્રેન્યુલોસસનો ચેપ વધુ વ્યાપક છે. સીટી સ્કૅન કે સોનોગ્રાફી વડે યકૃત, ફેફસું, મૂત્રપિંડ અને બરોળમાંની કોષ્ઠ દર્શાવી શકાય છે. શરૂઆતના તબક્કામાં મોટી કોષ્ઠમાં નીચે રજકણોનો થર થયો હોય (flaky appearance) તેવું દેખાય છે. તેને બિંદ્વાભ રજસ્તર (hydatid sand) કહે છે. બીજા તબક્કામાં અનેક અનુસંભવી કોષ્ઠો (daughter cysts) જોવા મળે છે. વેન્બર્ગની પ્રતિક્રિયા નામે ઓળખાતી એક રુધિરરસીય આમાપન-પદ્ધતિ (serological assay) વડે યકૃતમાંના હાયડેટિડ કોષ્ઠનું નિદાન થઈ શકે છે. જોકે તે 50 % કિસ્સામાં ખોટી રીતે નકારાત્મક પરિણામ દર્શાવે છે. યકૃત અને ફેફસાંની કોષ્ઠો મોટે ભાગે કોઈ તકલીફ કરતી નથી, પણ તે ફાટે ત્યારે લોહીનું દબાણ ઘટે અને ‘આઘાત’ની સ્થિતિ ઉદભવે છે. તેવે સમયે લોહીમાં ઇઓસિનરાગી શ્વેતકોષો(eosinophils)નું પ્રમાણ વધે છે. જો કેઓનીની પ્રતિક્રિયા હકારાત્મક હોય તો તે આવી આઘાતની સ્થિતિની સંભાવના સૂચવે છે. આઘાતની સ્થિતિ ઍલર્જીજન્ય વિકાર છે અને તેને અતિપ્રતિગ્રાહ્યતાજન્ય આઘાત (anaphylactic shock) કહે છે. તે સમયે ચેપ ફેફસાંની આસપાસ આવરણ કરતી પરિફેફસીકલાના કે પેટમાંના પોલાણમાં પ્રસરે છે. ક્યારેક તેમાં દ્વિતીય આનુષંગિક વિકાર રૂપે જીવાણુજન્ય ચેપ થાય તો પરુ થાય છે અને તેથી ગૂમડું બને છે. જો કોષ્ઠની દીવાલ છૂટી પડી જાય તો કોષ્ઠ ચીમળાઈ જાય છે. તે વૉટર-લીલી જેવો આકાર ધારણ કરે છે.
જો ચેપ ઇ. મલ્ટિઑક્યૂલારિસથી થાય તો તે પરોપજીવજન્ય ગાંઠો કરીને યકૃત, ફેફસાં, મગજ અને અન્ય અવયવોને અસરગ્રસ્ત કરે છે. ઇ. વોગેલીથી થતો ચેપ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે અને તે બહુકોષ્ઠી રોગ (polycystic disease) રૂપે જોવા મળે છે, જેમાં અનેક અવયવોમાં અનેક કોષ્ઠો થાય છે.
સારવારમાં મેટ્રોનિડેઝોલ તથા એપેન્ડેઝોલ નામનાં ઔષધોનું સેવન, શસ્ત્રક્રિયા વડે આખી કોષ્ઠ દૂર કરવી, શસ્ત્રક્રિયા વડે તેની ઉપરની દીવાલ દૂર કરીને, તેને ચામડી પર ખુલ્લી કરીને મૂકી દેવી વગેરેનો સફળ ઉપયોગ કરાય છે. તેને ફરી થતી અટકાવવા મેબેન્ડોઝોલ અપાય છે. શસ્ત્રક્રિયા પહેલાં પ્રેઝિક્વાન્ટેલ નામના ઔષધ વડે સારવાર કરાય છે.
વ્યક્તિગત સફાઈ તથા કૂતરાને અપાતા ખોરાકની કાળજી લેવાથી આ રોગ થતો અટકાવી શકાય છે. પ્રેઝિક્વાન્ટેલ વડે કૂતરામાંના પરોપજીવ(કૃમિ)ને મારી નાંખવાથી પણ રોગ ફેલાતો અટકે છે. હાલ ઘેટાં માટે અસરકારક રસી તૈયાર કરાઈ રહી છે.
શિલીન નં. શુક્લ