હાફિઝ ઔર ઇકબાલ (1976)
February, 2009
હાફિઝ ઔર ઇકબાલ (1976) : ઉર્દૂના વિદ્વાન. વિવેચક યૂસુફ હુસેન ખાન(જ. 1942)નો અભ્યાસગ્રંથ. ખ્વાજા હાફિઝ શિરાલી તથા મોહમદ ઇકબાલ ફારસી ભાષાના મહાન શાયરો છે. એ બંનેની કાવ્ય-વિશેષતાઓના સામ્ય-વૈષમ્યની રસપ્રદ ચર્ચા અને છણાવટ તુલનાત્મક પદ્ધતિએ આ પુસ્તકમાં કરવામાં આવી છે. હાફિઝની શાયરી-શૈલીની ઇકબાલની શાયરી-રચનાઓ પર જે પ્રભાવ પડ્યો છે તેનું તેમણે અહીં વિચારપ્રેરક પૃથક્કરણ રજૂ કર્યું છે. હાફિઝના કાવ્યતત્વ તથા તેની વિશેષતાઓની પોતે ખાસ્સી અસર ઝીલી છે અને પોતાની કવિતામાં તેને ઝીલવા-ઉતારવાનો પ્રયાસ કર્યો છે એમ ઇકબાલે એક વાર લંડનમાં તથા બીજી વાર લાહોરમાં કબૂલ્યું છે. હાફિઝનાં કાવ્યોનાં સૌંદર્યતત્વોની પ્રશંસા કરી તેમને આત્મસાત્ કરનાર ઇકબાલ હતા. કર્મપ્રવૃત્તિ(action)ના જીવ એટલે તેમણે હાફિઝની કવિતામાં ઉદબોધાયેલી અકર્મણ્યતા (inaction) તથા શરાબખોરીની આકરી ટીકા કરી છે. એક બીજા મત અનુસાર હાફિઝની શાયરીની શરાબખોરીમાં આધ્યાત્મિક મસ્તીના નશાનું અર્થઘટન કરવામાં આવ્યું છે, કારણ કે હાફિઝ ખુદ આધ્યાત્મિક પ્રકૃતિના જીવ હતા. ગ્રંથલેખક કદાચ આ મતના સમર્થક છે. હાફિઝ અને ઇકબાલ વિશે જે કાંઈ સાહિત્ય ઉપલભ્ય છે તેમાં આ વિદ્વત્તાપૂર્ણ અભ્યાસગ્રંથથી મૂલ્યવાન ઉમેરો થયો છે.
આ ગ્રંથને સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી