હાફિઝ અહમદખાં (જ. 15 માર્ચ 1926, સહસવાન, જિ. બદાયૂં, ઉત્તરપ્રદેશ) : ઉત્તર હિંદુસ્તાની શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉપશાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક. સંગીતની પ્રાથમિક શિક્ષા પિતા ઉસ્તાદ રશીદ અહેમદખાંસાહેબ પાસેથી પ્રાપ્ત કરી હતી. શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉપરાંત તેમણે ઠૂમરી જેવી ઉપશાસ્ત્રીય ગાયનશૈલીની તાલીમ પણ પોતાના પિતા પાસેથી લીધી હતી. તેઓ ભજન અને ગઝલ-ગાયકીમાં નિપુણ હતા. ચૌદ વર્ષની ઉંમરે વર્ષ 1940માં તેઓ વડોદરા ગયા. જ્યાં તે પછીનાં ચાર વર્ષ સુધી (1940–1944) તેમણે ઉસ્તાદ ફિદા હુસૈનખાંના પુત્ર ઉસ્તાદ નિસાર હુસૈનખાં પાસેથી શાસ્ત્રીય સંગીતની ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરી. ત્યાર બાદ તેઓ કાનપુર જતા રહ્યા; તેમ છતાં સમય અને અનુકૂળતા હોય ત્યારે તેમણે નિસાર હુસેનખાંસાહેબ પાસેથી તાલીમ લેવાનું ચાલુ રાખ્યું હતું; સાથોસાથ તેમણે કૉલેજનું શિક્ષણ પણ ચાલુ રાખ્યું હતું. 1947માં તેમણે એક વર્ષ આકાશવાણીના લખનૌ કેન્દ્ર પર નોકરી પણ કરી હતી. 1950માં તેઓ એમ.એ. થયા અને ત્યાર બાદ નિવૃત્તિ સુધી તેઓ આકાશવાણીના કલાકાર તરીકે સેવા આપતા રહ્યા.

તેમના પરિવારમાં પરંપરાગત રીતે શાસ્ત્રીય સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત – આ ત્રણેય પદ્ધતિઓને સરખું મહત્વ અપાતું રહ્યું છે, જેને લીધે જ હાફિઝ અહમદખાં પણ તે ત્રણેય શૈલીના ગાયક તરીકે ખ્યાતિ પામ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે