હાફિજ શીરાની મહારદખાન
February, 2009
હાફિજ શીરાની મહારદખાન (જ. 5 ઑક્ટોબર 1880, ટોંક, રાજસ્થાન; અ. ફેબ્રુઆરી 1946, ટોંક) : ઉર્દૂ ભાષા-સાહિત્યના લેખક, સંશોધક અને પુરાતત્વવિદ. તેઓ પ્રાથમિક શિક્ષણ અને અરબી ભાષાની જાણકારી મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે લાહોર આવ્યા. ઓરિયેન્ટલ કૉલેજમાં વિદ્વાન મુફતી અબ્દુલ્લાહ ટોંકીના માર્ગદર્શન હેઠળ તેઓ મુનશી, મુનશીઆલિમ અને મુનશીફાઝિલની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. એન્ટ્રન્સ પરીક્ષા બાદ 1904માં બૅરિસ્ટરના અભ્યાસ માટે લંડન ગયા. બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કરીને ત્યાંની પબ્લિશર્સ લ્યુઝેક ઍન્ડ કંપનીમાં ‘અતીકીયાન’(અકીક પથ્થરો)ના તજ્જ્ઞ તરીકે જોડાયા. 1913માં ભારત પાછા ફર્યા.
1922માં તેઓ લાહોરની ઇસ્લામિયા કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. 1928માં પંજાબ યુનિવર્સિટીની ઓરિયેન્ટલ કૉલેજમાં જોડાયા. 1940માં સેવાનિવૃત્ત થઈ પોતાને વતન પાછા ફર્યા.
તેમનું લેખનક્ષેત્ર વિશાળ અને વિવિધરંગી હતું. ભાષાવિજ્ઞાન, સંશોધન, સંપાદન, સમીક્ષા, ઇતિહાસ, છંદ અને સિક્કાશાસ્ત્રના તેઓ નિષ્ણાત ગણાતા. તેમના શોધનિબંધો પ્રશંસાપાત્ર પુરવાર થયા છે. તેમને હિન્દુ-ઈરાની સંસ્કૃતિ માટે ભારે માન હતું. તેમને સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય અને તત્વજ્ઞાન પ્રત્યે પણ ખૂબ ચાહના હતી.
‘પંજાબ મેં ઉર્દૂ’ નામક તેમનો ભાષાશાસ્ત્રવિષયક ગ્રંથ ખૂબ જ જાણીતો છે. ‘તનકીદે શેરૂલ અજમ’ – નામાંકિત લેખક અલ્લામા શિમ્લી નોંમાતીની ફારસી શાયરીના 5 ગ્રંથોનું વિવરણ કરતો ગ્રંથ છે. તેમાં તેમણે કેટલાય ગ્રંથોના રચનાકાળ અને તેમના સાચા લેખકો તરફ સૂચક સંકેતો કરીને મહત્વનું કામ કર્યું છે. સિક્કાશાસ્ત્રના જાણીતા પશ્ચિમી નિષ્ણાત નેલ્સન રાઇટના પુસ્તકમાં તેમણે કેટલીક ભૂલો શોધી કાઢી હતી, જે બદલ તેમનો લેખકે આભાર માન્યો હતો. તેમણે ઘણીબધી હસ્તપ્રતો એકઠી કરીને ત્રણા જિલ્દોમાં વૈજ્ઞાનિક ઢબે કૅટલૉગ પ્રગટ કર્યું હતું. તે ઉર્દૂ જગતમાં ‘શીરાની કલેક્શન’ના નામે પ્રસિદ્ધ છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા