હાફિજ, મુહંમદ ઇબ્રાહીમ (જ. 1889, નગીના, જિ. બીજનોર, ઉત્તરપ્રદેશ; અ. 1964) : પંજાબના ગવર્નર, ઉત્તરપ્રદેશ તથા કેન્દ્ર સરકારમાં પ્રધાન, રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. તેમના પિતા હાફિજ નજમલ હુડા એક નાના જાગીરદાર હતા. શરૂઆતના જીવનમાં મુહંમદ ઇબ્રાહીમે મુસ્લિમ મદરેસામાં પરંપરાગત શિક્ષણ મેળવ્યું. તેમણે પવિત્ર કુરાન મોઢે કર્યું અને ‘હાફિજ’નો સન્માનદર્શક ખિતાબ મેળવ્યો. પછી તેમણે 1908થી 1915 દરમિયાન અલીગઢ જઈને ડ્યૂટી સોસાયટીમાંથી આર્થિક સહાય મેળવીને અભ્યાસ કર્યો અને પોતાના જિલ્લામાં વકીલાત કરવા માંડી. તે સાથે તેઓ રાજકારણમાં પણ રસ લેતા થયા.

મુસ્લિમ લીગના ઉમેદવાર તરીકે ઉત્તરપ્રદેશ(તે વખતે સંયુક્ત પ્રાંતો)ની ચૂંટણીમાં 1937માં તેઓ વિધાનસભામાં ચૂંટાયા. તે પછી કૉંગ્રેસ અને મુસ્લિમ લીગને પ્રધાનમંડળમાં ખાતાંઓની વહેંચણીની બાબતમાં ઝઘડો થયો. મુહંમદ ઇબ્રાહીમ તે વખતે મુસ્લિમ લીગ છોડીને કૉંગ્રેસમાં જોડાયા. તેનાથી બંને પક્ષો વચ્ચે સમાધાનની શક્યતા રહી નહિ. ત્યારથી લઘુમતીઓ માટે આવશ્યક બંધારણીય રક્ષણ મેળવવાની આશા મુસ્લિમ લીગે ગુમાવી. નવી રચાયેલી પ્રાંતિક સરકારમાં મુહંમદ ઇબ્રાહીમને મંત્રી બનાવવામાં આવ્યા. તે પછી જીવનના અંત પર્યન્ત તેમણે સરકારમાં એક યા બીજો હોદ્દો ભોગવ્યો. તેઓ રાષ્ટ્રવાદી મુસ્લિમ અને કૉંગ્રેસના મુસ્લિમ પ્રતિનિધિ હતા. તેઓ મુસ્લિમ લીગની મુસ્લિમો માટેની વિવિધ માગણીઓ વખતે કાગ્રેસની સાથે જ રહ્યા. સ્વતંત્રતા મેળવ્યા પછી ઘણાં વર્ષો સુધી ઉત્તરપ્રદેશની સરકારમાં તેમણે મંત્રીમંડળમાં યશસ્વી સેવાઓ આપી. મૌલાના અબુલકલામ આઝાદના 1958માં અવસાન બાદ, કેન્દ્ર સરકારમાં તેમને કૅબિનેટમાં મંત્રી નીમવામાં આવ્યા. 1963માં લોકસભાની ચૂંટણીમાં પરાજય મળ્યા બાદ, તેમને પંજાબના ગવર્નર તરીકે નીમવામાં આવ્યા. તેમના અંગત જીવનની નોંધપાત્ર બાબતો તેમની સાદગી તથા નમ્રતા હતાં. સત્તાનાં ઉચ્ચ સ્થાનો ભોગવવા છતાં તેઓ શ્રીમંતાઈથી દૂર રહ્યા હતા.

જયકુમાર ર. શુક્લ