હાથી ગુફાનાં શિલ્પો
May, 2023
હાથી ગુફાનાં શિલ્પો : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની ટેકરીઓમાં કોતરાયેલ 35 ગુફાઓ પૈકીની હાથી ગુફા કે ગણેશ ગુફા નામે પ્રસિદ્ધ મુખ્ય ગુફામાં કંડારાયેલ રાજપરિવારને લગતાં શિલ્પો. હાથી ગુફા અહીંની ગુફાઓમાં સૌથી અગત્યની છે. એના પગથિયાંની બંને બાજુએ હાથીઓની શ્રેણી કંડારેલી છે. એમાં ચેદિવંશના રાજા ખારવેલનો ઈ. સ. પૂર્વે 150 આસપાસનો લેખ ઉત્કીર્ણ છે. આ ગુફાને બે ખંડ છે. એમાં ત્યાંની રાણી ગુફામાં જે દૃશ્યો કોતરેલાં છે. એ જ અહીં નાના સ્વરૂપમાં કંડારેલાં છે. જેવાં કે પ્રથમ દૃશ્યમાં એક સ્ત્રીનું હરણ, પછી એ સ્ત્રી અને પુરુષ વચ્ચે સંઘર્ષ, ત્યારબાદ પુરુષનું ગુફા તરફ જવું, છેલ્લે પુરુષ ગુફાની આગળ લાંબો થઈને સૂતો ને પેલી સ્ત્રી એની બાજુમાં બેઠેલી છે. છજાના ડાબા છેડે જમણેથી ડાબે કોરેલાં દૃશ્યો આ પ્રમાણે છે : કિરાત સિપાઈઓ હાથી પર બેઠેલ સ્ત્રી સાથેની લશ્કરી ટુકડીની પાછળ દોડે છે. કિરાતવેશી રાજાના હાથમાં અંકુશ છે ને તેની પાછળ પડેલા કિરાતો તરફ એ તીર ફેંકે છે. રાજાની સાથેનો પરિચારક કોથળીમાંથી જમીન પર પૈસા ફેંકે છે, જેથી પૈસાના લોભે કિરાતો રાજાનો પીછો છોડે. બીજા દૃશ્યમાં આ આખી ટુકડી આગળ વધે છે. ધનુષ્ય સાથે રાજા, ફલાદિ સાથે સ્ત્રી અને હાથમાં દ્રવ્યની કોથળી સાથે પરિચારિક છે. રાજા એને દિલાસો આપે છે ને પરિચારક નિરાશ વદને ઊભો છે. તેના એક હાથમાં ધનુષ્ય અને બીજા હાથમાં દ્રવ્યની કોથળી છે.
હાથી ગુફાનાં આ શિલ્પોમાં ઘેરાં તક્ષણ, પ્રકાશ અને છાયાને સ્પષ્ટ ઉઠાવી આપતી રેખાઓ અને તે દ્વારા નિષ્પન્ન થતી પ્રગાઢ પ્રાણવાન ક્રિયાશીલતા નજરે પડે છે.
પ્રવીણચંદ્ર પરીખ