હાથીદાંતનો હુન્નર : હાથીદાંત પર કોતરણીયુક્ત કૃતિઓનું સર્જન અને વ્યાપાર. હાથીદાંત પરનું કોતરકામ ભારતમાં ઘણા પ્રાચીન કાળથી જાણીતું હતું. હડપ્પા સભ્યતાના ખોદકામોમાંથી પણ હાથીદાંત પરની કોતરણીના અનેક નમૂનાઓ મળ્યા છે.

ભારતમાં હાથીદાંત પર કોતરણી કરનાર વર્ગને ‘દંતકાર’, ‘દંતઘાટક’ વગેરે નામે ઓળખવામાં આવતો. વાત્સ્યાયન કામસૂત્રમાં કાલિદાસ અને માઘની કૃતિઓમાં હાથીદાંતનાં રમકડાંનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં હિરણ્યકશિપુનો મહેલ હાથીદાંત વડે સજાવેલો હોવાનું નોંધાયું છે. હાથીદાંતની કોતરણીના સહુથી પ્રાચીન ઉલ્લેખોમાંનો એક, સાંચીના મોટા સ્તૂપના એક તોરણસ્તંભ પર કોતરેલા દાનવિષયક અભિલેખમાં ઉપલબ્ધ છે. એ નોંધે છે કે એ સ્તંભ વિદિશાના હાથીદાંત કોતરનારાઓનું દાન હતો. એ હુન્નર ગ્રીક અને રોમન સંપર્કના સમય જેટલો પ્રાચીન કાળમાં સુપ્રચલિત હતો. એની કૃતિઓ દેશની નિકાસની મુખ્ય ચીજોમાંથી એક રહી છે. ભારતમાંથી નિકાસ થયેલા સુંદર રીતે કોતરેલા હાથીદાંતના દાબડા ઈ. સ.ની 16મી સદીથી ઘણા વહેલા મધ્યકાલીન યુરોપમાં જતા હતા. માતૃદેવીને રજૂ કરતી સહુથી પ્રાચીન ભારતીય હાથીદાંત કૃતિ ઇટાલીમાં પોમ્પઇના પ્રાચીન નગરના અવશેષોમાં મળી હતી એ હાલ નેપલ્સ મ્યુઝિયમમાં છે. અફઘાનિસ્તાનમાં બેગરામ(પ્રાચીન કપિશા)માં ઉત્ખનનો દરમિયાન મળેલી પ્રાચીન હાથીદાંત-કૃતિઓ વિશિષ્ટ ભારતીય લક્ષણો અને ક્રિયાપદ્ધતિ દર્શાવે છે. નેપલ્સ મ્યુઝિયમની માતૃદેવીની કૃતિ ઈસુ પૂર્વેના કાળની જણાય છે. જ્યારે બેગરામની કૃતિઓ ઈ. સ.ની આરંભિક સદીઓની છે. હાથીદાંતની આ ચીજો સાબિત કરે છે કે ભારતીય હાંથીદાત કોતરનારાઓની કલાની વિદેશોમાં ઘણી કદર થતી હતી.

મધ્યકાળમાં મુઘલ બાદશાહોના આશ્રય નીચે હાથીદાંતનો હુન્નર ખીલ્યો. મુસ્લિમ પ્રભાવને લઈને અગાઉ સુશોભન પટ્ટ અને પ્રાણીઓની આકૃતિઓ થતી હવે એની સાથે જાળીકામ સંયોજવામાં આવ્યું. ટેરીએ હાથીદાંત, છીપ, અબનૂસ, કાચબાની ઢાલ તેમજ તારના જડતરવાળાં કબાટનાં ખાનાંઓ – મોટી પેટીઓ તેમજ તાસક મૂકવાની ઘોડીઓ વગેરે બનાવનારા હિંદી કારીગરોના કૌશલનું વર્ણન કર્યું છે.

આમ ભારતની હાથીદાંતની કોતરણીનો ઇતિહાસ 2000 વર્ષથી ઓછો નથી. કોતરણીમાં સુરુચિ અને કુશળતા માટે માયસોર અને ત્રિવેન્દ્રમનાં ઉત્પાદનો ખૂબ કીમતી ગણાતાં. મુર્શિદાબાદ અને કટકની કૃતિઓ કલાત્મક દૃષ્ટિએ ઊતરતી હોવા છતાં અભિરુચિ થાય એવું વૈવિધ્ય ધરાવતી હતી. અમૃતસર, પતિયાળા, અંબાલા અને લુધિયાણા નાજુક પણ ટકાઉ ચીજો બનાવતાં. મુર્શિદાબાદની બારીક અલંકરણ ધરાવતી કૃતિઓ ખૂબ પ્રશંસા પામતી. હૈદરાબાદ હાથીદાંતના હુન્નરનું બીજું કેન્દ્ર હતું. હાથીદાંતના જડતરનું ઉત્તમ કામ અમૃતસરના સુવર્ણમંદિરમાં જોવા મળે છે. જોધપુર ભભકાભરી રંગીન અને અલંકૃત હાથીદાંતની ચૂડીઓ માટે જાણીતું છે. કાષ્ઠની જેમ હાથીદાંતની કોતરણીનું કામ આજે પણ ભારતના અનેક પ્રદેશોમાં ખાસ કરીને દક્ષિણમાં થતું જોવા મળે છે.

પ્રવીણચંદ્ર પરીખ