હાથીપગો તથા તનુસૂત્રિકાવિકાર (elephantiasis and filariasis)
February, 2009
હાથીપગો તથા તનુસૂત્રિકાવિકાર (elephantiasis and filariasis) : તનુસૂત્રિકા કૃમિ(filarial worm)ના ચેપને કારણે પગ કે શરીરનો કોઈ ભાગ હાથીના પગ જેવો સૂજી જવો (હાથીપગો) તથા તેને કારણે લોહીના ઇઓસિનરાગી શ્વેતકોષો(eosinophils)ની સંખ્યામાં વધારો જેવા વિકારો થવા તે. શરીરની પેશીમાં પ્રવાહી ભરાય અને તંતુમયતા (fibrosis) વિકસે ત્યારે હાથીપગનો સોજો આવે છે. જો શુક્રપિંડ(વૃષણ, testiss)ના આવરણમાં પ્રવાહી ભરાય તો તેને સજલકોષ્ઠ (hydrocoele) કહે છે.
તનુસૂત્રિકા કૃમિ પેશીમાં રહેતા સૂત્રાભકૃમિ (nematode) છે. તેઓ ‘દોરી’ (સૂત્ર) જેવા દેખાતા હોવાથી તેમને સૂત્રાભકૃમિ કહે છે. પુખ્તકૃમિ 2થી 50 સેમી. લાંબો હોય છે અને લસિકાવાહિનીઓ(lymphatic)માં રહે છે. પેશીમાં ધમની દ્વારા આવેલું લોહી શિરા દ્વારા પાછું જાય છે, પરંતુ પેશીમાંનું પ્રવાહી તથા અન્ય ચયાપચયી દ્રવ્યો લસિકા (lymph) નામના પ્રવાહી રૂપે તેની ખાસ નસોલસિકાવાહિનીઓ દ્વારા પાછું જાય છે. તનુસૂત્રિકાકૃમિના પુખ્ત કૃમિ આ લસિકાવાહિનીઓમાં સ્થાયી થાય છે. તેમાં નર-માદાના સમાગમ પછી 170થી 320 માઇક્રૉન લંબાઈની લાખ્ખો સૂક્ષ્મસૂત્રિકાઓ (microfilariae) ઉત્પન્ન થાય છે, જે લોહી કે ચામડીમાં ગતિ કરે છે. માનવ તેનો એકમાત્ર આશ્રયદાતા (host) છે. જ્યારે મચ્છર કરડે ત્યારે લોહી/ચામડીમાંની સૂક્ષ્મસૂત્રિકાઓ મચ્છરમાં જાય છે, જે ચેપવાહક (vector) તરીકે કાર્ય કરે છે. મચ્છરમાં તેનાં ડિમ્ભ (larva) બને છે, જે માનવને મચ્છર કરડે ત્યારે તેના શરીરમાં પ્રવેશે છે અને પુખ્ત કૃમિ બનીને લસિકાવાહિનીઓમાં સ્થાયી થાય છે. આમ તનુસૂત્રિકાકૃમિનું જીવનચક્ર ચાલ્યા કરે છે.
વ્યક્તિ સૂક્ષ્મસૂત્રિકા અને પુખ્તકૃમિ બંને (ખાસ કરીને મૃત્યુ પામતા કૃમિ) સામે પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ (immune response) આપે છે. તેમના સ્થાયી થવાનાં સ્થાન અને તેમની સામેના પ્રતિભાવની તીવ્રતાને આધારે રોગનાં લક્ષણો અને ચિહનો ઉદભવે છે. સૂક્ષ્મસૂત્રિકાઓ 2થી 3 વર્ષ અને પુખ્ત કૃમિ 10થી 15 વર્ષ જીવે છે અને તેથી દીર્ઘકાલી (chronic) ચેપ બને છે. જે વ્યક્તિઓ વારંવાર ચેપગ્રસ્ત થાય તેમાં તે વધુ તીવ્ર સ્વરૂપે રોગ કરે છે. વિવિધ પ્રકારના સૂત્રાભકૃમિઓ માનવમાં રોગ કરે છે, જેમાંથી ડબ્લ્યૂ. બૅન્ક્રોફ્ટિ અને બી. મલાયી નામના કૃમિઓ હાથીપગો અને સજલકોષ્ઠનો વિકાર કરે છે.
હાથીપગાનો રોગ કરતા કૃમિનું જીવનચક્ર : (1) ચેપ ફેલાવતો મચ્છર, (2) ચેપ કરતી ડિમ્ભ (larva), (3) લસિકાવાહિનીઓ(lymphatics)માં પુખ્ત કૃમિ, (4) રુધિરાભિસરણમાં પરિભ્રમણ કરતી સૂક્ષ્મસૂત્રિકાઓ (microfilariae), જે ફેફસામાં ફસાઈ જાય અથવા (5) મચ્છરમાં ડંખ વખતે પ્રવેશે, (6) સંવૃષણમાં આવતો સોજો, (7) હાથીપગાનો સોજો.
સારણી 1 : વિવિધ સૂત્રાભકૃમિના ચેપમાં સ્થાન અને કૃમિના જીવનચક્રના તબક્કા પ્રમાણેના વિકારમાં અસરગ્રસ્ત પેશી અને તેની તીવ્રતા
ક્રમ | કૃમિ |
પુખ્તકૃમિ (adult worm) |
સૂક્ષ્મસૂત્રિકાનો તબક્કો (microfilariae) |
||
સ્થાન | તીવ્રતા | સ્થાન | તીવ્રતા | ||
1. | ડબ્લ્યૂ. બૅન્ક્રોફ્ટિ | લસિકા-વાહિનીઓ
(lymphatis) |
અતિશય | લોહી ફેફસાંની કેશવાહિનીઓ
(pulmonary capillaries) |
મંદ |
2. | બી. મલાયી | “ | “ | “ | મધ્યમ |
3. | લૉઆ લૉઆ | ચામડી નીચે | મંદ | લોહી | મંદ |
4. | ઓ. વોલ્વ્યૂલસ | ચામડી નીચે | મંદ | ચામડી, આંખ | અતિશય |
5. | એમ. પર્સ્ટાન્સ | પેટમાં પાછળના ભાગે (retroperitoneal,
પશ્ચપરિતની) |
ભાગ્યે જ
રોગ થાય |
લોહી | ભાગ્યે જ રોગ થાય |
6. | એમ. પ્ટોસેર્કા | ચામડી | મંદ | ચામડી | મધ્યમ |
ડબ્લ્યૂ. બૅન્ક્રોફ્ટિ અને બી. મલાયીના ચેપમાં લક્ષણ કે તકલીફ વગરના વિકારથી માંડીને હાથીપગો અને સજલકોષ્ઠ સુધીની તકલીફો થાય છે. ડબ્લ્યૂ. બૅન્ક્રોફ્ટિનો ચેપ રાત્રે ક્યૂલૅક્સ ક્વિન્ક્વેફૅસિએટસ નામના મચ્છરના કરડવાથી ફેલાય છે. તેનો પુખ્ત કૃમિ 4થી 10 સેમી.નો હોય છે, અને તે લસિકાવાહિનીઓમાં સ્થાયી થાય છે. સમાગમ પછી માદા કૃમિ મોટી સંખ્યામાં સૂક્ષ્મસૂત્રિકાઓ ઉત્પન્ન કરે છે. શરીરમાં પરિભ્રમણ કરતા લોહીમાં ફરે છે. રાત્રે કરડતો ક્યૂલેક્સ મચ્છર તેમને મેળવે છે અને તેના શરીરમાં તે ચેપી ડિમ્ભ(infective larva)માં રૂપાંતરિત થાય છે, જે ફરીથી જ્યારે કોઈ વ્યક્તિને તે કરડે ત્યારે તેનામાં પ્રવેશીને તેને ચેપ કરે છે. આ રોગનો વ્યાપ ભારત, આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ પ્રશાંત મહાસાગરના ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ, અમેરિકા વગેરેના દરિયાકિનારાના પ્રદેશોમાં વધુ જોવા મળે છે.
સજીવ પૃખ્ત કૃમિ સામે પ્રતિરક્ષા-પ્રતિભાવ થાય છે, જે કૃમિનું મૃત્યુ સર્જે છે. ત્યાં પાછળથી જીવાણુજન્ય ચેપ પણ થાય છે. મૃત કૃમિમાંનાં ઝેરી દ્રવ્યો લસિકાવાહિનીઓને પહોળી કરે છે. તેને લસિકાવાહિની-વિસ્ફારણ (lymphangiectasia) કહે છે. તેને કારણે લસિકાપ્રવાહી (લસિકાતરલ, lymph) પેશીમાં ભરાઈ રહે છે, જે લસિકાશોફ (lymphoedema) અને સજલકોષ્ઠ (hydrocele) કરે છે. પેશીમાં લસિકાતરલ ભરાવાથી થતા સોજાને લસિકાશોથ કહે છે. કૃમિના મૃત્યુથી ત્યાં લસિકાવાહિનીમાં પીડાકારક સોજો આવે છે. તેને ઉગ્ર તનુસૂત્રિકાકીય લસિકાવાહિનીશોથ (acute filarial lymphangitis) કહે છે. કૃમિના મૃત્યુ પછી પણ લસિકાવાહિનીમાં વહનરોધ (obstruction) રહે છે અને તેથી લસિકા(પ્રવાહી)નું પેશીમાં ભરાવાનું અને લસિકાશોફ થવાનું ચાલુ રહે છે. તેમાં વારંવાર ચેપ લાગે છે અને પેશીને ઈજા થતી રહે છે, જેથી ચામડી નીચેની પેશીમાં લસિકાશોફ અને તંતુમયતા (fibrosis) વધે છે. સૂક્ષ્મસૂત્રિકાઓ લોહીમાં પરિભ્રમણ કરે ત્યારે તેની સામે પ્રતિકાર રૂપે લોહીના ઇઓસિનરાગી શ્વેતકોષો (eosinophils) વધે છે અને શ્વાસ ચડવો, રાત્રે જ્યારે સૂક્ષ્મસૂત્રિકાઓ લોહીમાં પરિભ્રમણ કરતી હોય ત્યારે ખાંસી ચડવી જેવી તકલીફો થાય છે. આ સમગ્ર વિકારને ઉષ્ણકટિબંધીય ફેફસી અતિઇઓસિનરાગકોષિતા (tropical pulmonary eosinophilia) કહે છે.
નિદાન : શરૂઆતના લસિકાવાહિનીશોથ(lymphagitis)ના તબક્કામાં લાલાશ પડતી, દુખાવો કરતી લસિકાવાહિનીની ચામડી પરની રેખાઓ, લોહીમાં ઇઓસિનરાગી કોષો (eosinophils)ની અધિકતા અને રુધિરરસીય કસોટી (serological test) વડે નિદાન કરાય છે. બધા પ્રકારના કૃમિરોગોમાં તનુસૂત્રિકાકૃમિ(filarial worm)ના ચેપમાં સૌથી વધુ ઇઓસિનરાગી કોષોની અધિકતા જોવા મળે છે. રાત્રે લોહીની તપાસ કરવાથી તેમાં સૂક્ષ્મસૂત્રિકાઓ-(microfilariae)ને દર્શાવી શકાય છે. તેઓ સજલકોષ્ઠના પ્રવાહીમાં પણ હોય છે. ક્યારેક તેમાં પુખ્ત કૃમિ પણ જોવા મળે છે. હાથીપગાનો તબક્કો શરૂ થાય એટલે લોહીમાં સૂક્ષ્મસૂત્રિકાઓ જોવા મળતી નથી. ક્યારેક ઍક્સ-રે ચિત્રણમાં કૅલ્શિકૃત (calcified) પુખ્ત કૃમિ દર્શાવી શકાય છે. સંવૃષણ(શુક્રપિંડની કોથળી, scrotum)માં સોનોગ્રાફીની મદદથી પુખ્ત કૃમિનું હલનચલન દર્શાવી શકાય છે. ઇન્ડાયરેક્ટ ફ્લોરેસન્સ અને એલિઝા પદ્ધતિઓથી સક્રિય ચેપના 95 % કિસ્સાઓમાં અને હાથીપગાના 75 % કિસ્સાઓમાં નિદાનસૂચક પ્રતિદ્રવ્યો (antibodies) દર્શાવી શકાય છે. રોગ મટ્યા પછી 1થી 2 વર્ષ કસોટી નકારાત્મક બને છે. જો દર્દીને મુખ્યત્વે ફેફસાંનો વિકાર થયો હોય તો રાત્રે શ્વાસ અને ખાંસી ચડે છે, લોહીમાં ઇઓસિનરાગી કોષો વધે છે, IgE-નું સ્તર ઊંચું જાય છે અને રુધિરરસીય કસોટીઓ (serological tests) હકારાત્મક બને છે.
સારવાર : ડાયઇથાયલ કાર્બામૅઝિન (DEC) પુખ્ત કૃમિ તથા સૂક્ષ્મસૂત્રિકાઓને મારે છે. તેની દિવસની 3 માત્રા (dose) 12 દિવસ સુધી અપાય છે. જોખમી વિષમોર્જાલક્ષી (allergic) પ્રતિભાવ ન સર્જાય તે માટે સાવચેતીપૂર્વક માત્રા વધારાય છે. મૃત્યુ પામતી સૂક્ષ્મસૂત્રિકાઓની સંખ્યા પ્રમાણે દવા શરૂ કર્યાના પ્રથમ 24થી 36 કલાકમાં તાવ, માથાનો દુખાવો, ઊબકા, ઊલટી, સાંધાનો દુખાવો વગેરે થઈ આવે છે. આ વિકારો આશ્રયદાતા(દર્દી)ના મૃત સૂક્ષ્મસૂત્રિકા તરફના પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવને કારણે હોય છે અને તેથી પ્રતિહિસ્ટામિન ઔષધો અને કોર્ટિકોસ્ટિરૉઇડને સાથે આપવાથી તેનું જોખમ ટળે છે. ઇવૅર્મેક્ટિન પણ અસરકારક દવા છે. દીર્ઘકાલી ફાયલેરિયાના રોગ(દા. ત., હાથીપગો)માં DEC-નો ઉપયોગ સફળ થતો નથી.
દીર્ઘકાલી રોગ(હાથીપગો)માં સૂજેલા ગાત્રની સફાઈ, સંભાળ અને જીવાણુજન્ય અને ફૂગજન્ય ચેપ સામે પૂર્વનિવારણ કરવાથી દર્દીને રાહત રહે છે. મસાજ, પથારીમાં આરામ અને દબાણ કરતો પાટો બાંધવાથી પણ ફાયદો રહે છે. પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા (plastic surgery) ઉપયોગી નીવડે છે. સજલકોષ્ઠ(hydrocele)માં શસ્ત્રક્રિયા એક માત્ર ઉપાય છે.
જે વસ્તી/વિસ્તારમાં હાથીપગાનો રોગ ખૂબ જોવા મળતો હોય ત્યાં વ્યાપક દરે DEC તથા ઇવૅર્મૅક્ટિન એકલી અથવા ઍલ્વેન્ડેઝોલ સાથે આપવાથી વસ્તીમાં તેનું પ્રમાણ ઘટાડી શકાય છે. આની સાથે મચ્છરનિયંત્રણ કાર્યક્રમ પણ અમલમાં મૂકવો જરૂરી બને છે.
શિલીન નં. શુક્લ