હાઈકુ : જાપાનનો એક અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર. છેલ્લાં પાંચસો વર્ષથી જાપાનની શ્રેષ્ઠ કોટીની કવિતા હાઈકુમાં ઊતરતી રહી છે. ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં તેનું આકર્ષણ ઘણું છે. જાપાની હાઈકુનાં અંગ્રેજીમાં ભાષાંતર થયેલાં છે. અંગ્રેજીમાં પણ હાઈકુ પ્રકારની રચનાઓ વર્ષોથી થતી આવી છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ તેના પ્રયોગો થતા રહ્યા છે.
હાઈકુની રચના સાદી, સંક્ષિપ્ત અને ધ્વનિપૂર્ણ હોય છે. સંયમી અને ઓછાબોલા જાપાની કવિને સત્તર અક્ષરનો આ કાવ્યબંધ ફાવી ગયેલ છે. તેની ત્રણ પંક્તિઓનું વિભાજન 5, 7, 5 – એ રીતે થતું હોય છે. તે સંપૂર્ણપણે વસ્તુલક્ષી હોય છે. કવિના અંગત ભાવ કે ચિંતનને તેમાં ભાગ્યે જ અવકાશ હોય છે. કવિ વસ્તુને જ બોલવા દે છે. તેમાંથી ઊપસતું ચિત્ર વાચકના ચિત્તમાં સંવેદન ધ્વનિત કરે તેના પર તેની સફળતાનો આધાર હોય છે. તેનો એક એક શબ્દ અર્થસભર હોય છે. બીજા કવિઓ ઊર્મિ કે ચિંતનના કથનમાં વા તેને પ્રેરનાર વસ્તુ યા ઘટનાના વર્ણનમાં રાચે, ત્યારે જાપાની કવિ તેનું મિતાક્ષરી ચિત્ર દ્વારા સૂચન કરીને સંતોષ માને છે.
હાઈકુ વસ્તુત: ચિત્રણ જ છે. તેનો પ્રત્યેક શબ્દ વાચકના ચિત્તમાં સૌન્દર્યચિત્ર ઉપસાવતો જઈને સત્તર અક્ષરના ગુચ્છ વડે એક અપૂર્વ અનુભવ ઊભો કરે છે. અદભુત પ્રકૃતિ-સૌન્દર્યના દર્શને થતો સ્તબ્ધતાનો અનુભવ એકીશ્વાસે બોલાતી સત્તર અક્ષરની પંક્તિમાં ઝિલાય છે એટલે હાઈકુને માટે એ મર્યાદા બાંધી છે એમ એક વિવેચકે કહ્યું છે. એક સળંગ સંવેદનચિત્ર રૂપે વાચકના ચિત્તમાં ઊપસે, પછી તેની શબ્દસંખ્યા સોળ કે અઢારની હોય તો કાવ્ય તરીકે તેનો સ્વીકાર કરવામાં વાંધો ન ગણાય, પણ નિયમ તરીકે સૉનેટ માટે જેમ ચૌદ પંક્તિઓનું તેમ હાઈકુ માટે પણ સત્તર અક્ષરનું માપ સ્વીકારાયેલું છે.
કેટલાકનું માનવું છે કે હાઈકુ રેખાચિત્ર કે તેની આછેરી લકીર માત્ર છે. તે ચિત્રના શીર્ષક જેવું છે; પરંતુ હાઈકુ સ્વયંસંપૂર્ણ ચિત્રની છાપ પાડે છે, તે એ રીતે કે તેની રચનામાં કલાની અખિલાઈ હોય છે. તેનો બાંધો એટલો નાજુક હોય છે કે તેમાં પ્રાસ અને લયની પાંખડીઓને છૂટી પાડવા જતાં ફૂલ વીંખાઈ જવાનો સંભવ રહે છે. મર્મ અને લય એક થઈને સૌન્દર્ય અને સુવાસની મીઠી લહર રૂપે વાચકના ચિત્તમાં સ્ફુરીને આહલાદ ઉપજાવે તેમાં તેનું સાર્થક્ય છે.
ગુજરાતીમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનાં નામ નિર્દેશાય છે. આ પ્રકારને સંકલ્પપૂર્વક ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં કવિશ્રી સ્નેહરશ્મિનો ફાળો મહત્વનો છે. ગુજરાતીમાં હાઈકુની એ રીતે શરૂઆત 1965માં થઈ કહેવાય. તેના પ્રથમ પ્રયોજક સ્નેહરશ્મિ હતા. તેમણે એક સાથે સંખ્યાબંધ હાઈકુ રચ્યા તેની સાથે કવિ રાજેન્દ્ર શાહ, ઉશનસ, પ્રિયકાન્ત મણિયાર, રાવજી પટેલ, ધીરુ પરીખ, ધનસુખલાલ પારેખ જેવા અનેક કવિઓએ આ પ્રકારમાં પોતાની ઇચ્છાનુસાર કલમ ચલાવી છે. વીસમી સદીના આઠમા દાયકા દરમિયાન આધુનિકોએ હાઈકુના ઘણા પ્રયોગો કર્યા છે. તે પછી તેનો પ્રવાહ ક્ષીણ થઈને એકવીસમી સદીમાં જાણે કે લુપ્ત થવાની અણી ઉપર છે.
જેમ કવિતા અને ચિત્ર વચ્ચે છે તેમ હાઈકુ અને ચિત્ર વચ્ચે પણ તફાવત છે. ચિત્ર સ્થળના પરિમાણમાં વસ્તુને મૂકે છે, હાઈકુ કાવ્યપ્રકાર હોઈ સમયના પરિમાણમાં તેને રજૂ કરે છે. એ રીતે ચિત્રમાં વસ્તુને સ્થિતિ મળે છે, હાઈકુમાં ગતિ. ચિત્રની દૃશ્યરચનાની માફક હાઈકુમાં પણ શ્યની રચના થાય છે. હાઈકુની ખૂબી એ છે કે જે ક્રમમાં પ્રકૃતિની અંદર ગોઠવાયું હોય તે જ ક્રમમાં હાઈકુનો કવિ તેને કાવ્યમાં ગોઠવે છે. હાઈકુમાં વર્ણન નહિ; પણ રજૂઆત તેના કવિનું લક્ષ્ય હોય છે.
જાપાનના વતની પણ અમેરિકામાં ઊછરેલા કવિ કેનેથ યેસુદા હાઈકુમાં ઊપસતા ચિત્રની સ્થિતિ-ગતિ અનુસાર હાઈકુને પ્રલંબ (vertical), સમક્ષિતિજ (horizontal) અને તિર્યક (diagonical) – એમ ત્રણ પ્રકારમાં ગોઠવે છે.
આ ત્રણેય પ્રકારનાં દૃષ્ટાન્તો સ્નેહરશ્મિનાં હાઈકુમાં મળે છે.
વળી સ્નેહરશ્મિના આ હાઈકુમાંનું ચિત્ર જોવા જેવું છે :
જળે ઠીકરી
ઠેકતી જાય – સરે
ઝાંઝર એનાં
કવિએ જળમાં ઠેકતી ઠીકરીની જેમ કાવ્યમાં શ્લેષની રમત કરી છે. ‘સરે’ શબ્દ નામ અને ક્રિયાપદ બંને અર્થમાં તેમણે અહીં વાપર્યો છે. ‘ઝાંઝર’ શબ્દ જળમાં સંચરતી લહરીનું સૂચન કરે છે. કવિએ અહીં વાસ્તવિક દર્શનને જ સંયતપણે રજૂ કર્યું છે.
હાઈકુમાં કવિ સંયમ રાખીને પોતે પદાર્થ જેવો જોયો હોય તેવો જ – કશી ટીકાટિપ્પણી કે ઢોળ-ચમક વિના – રજૂ કરે એ એની પૂર્વશરત છે. સહેલી લાગતી આ શરત પાળવી કેવી અઘરી છે તે તો કવિઓ જ કહી શકે.
કવિની કલ્પના હાઈકુમાં ગુપ્ત રૂપે પ્રવર્તે છે. ચિત્રની વિભાવનામાં તેની કસોટી થાય છે. શ્વેત કિરણનો વૈભવ વખત આવ્યે મેઘધનુષ્યમાં પ્રગટ થાય છે તેમ કવિની પ્રતિભાનો ક્યાસ ચિત્રમાંથી ફૂટતી ધ્વનિરેખાઓ પરથી નીકળે. મનોરમ અને અર્થસભર પ્રકૃતિચિત્રોની વિભાવના હાઈકુના કાવ્યરસનું સાચું ઉદભવસ્થાન છે.
પોતે મુક્તકનો પ્રયોગ કરતાં કરતાં હાઈકુ તરફ વળ્યા એવો ખુલાસો સ્નેહરશ્મિએ કર્યો છે. આ બંને પ્રકારનાં કદ અને મર્મ એમની વચ્ચે સામ્યનો આભાસ ઊભો કરે છે; પરંતુ મુક્તકમાં ચિંતન અને કલ્પનાનો પ્રગટ આવિર્ભાવ હોય છે. હાઈકુમાં તે સ્ફોટક ચિત્રમાં ભારેલાં હોય છે. મુક્તક એકથી પાંચ કે છ પંક્તિઓ સુધી વિસ્તરી શકે છે. હાઈકુનું માપ 17 અક્ષરનું નક્કી થયેલું છે. મુક્તકમાં ક્વચિત્ સીધો ઉપદેશ હોઈ શકે છે. તેમાં આત્મલક્ષી સંવેદનને પણ અવકાશ હોય છે. હાઈકુના કવિનું વલણ તદ્દન બિનંગત કે વસ્તુનિષ્ઠ હોય છે. તારની મિતાક્ષરી ભાષામાં હાઈકુનો કવિ બોલે છે એટલે અંગ્રેજીમાં તેને versegram કહે છે. ગુજરાતીમાં તેને ‘અણુકાવ્ય’ કહી શકાય.
હાઈકુ ઉખાણું કે જોડકણું નથી. તેના સાદા અને સંક્ષિપ્ત રૂપથી આકર્ષાઈને કરેલું દરેક કથન હાઈકુ બનતું નથી. 17 અક્ષરમાંથી ઊપસતું ચિત્ર પોતે જ મનોહર કલ્પનાને ઉત્તેજે તેવું હોય છે. તેનો વિપુલ પ્રયોગ ભવિષ્યમાં ગુજરાતી કવિતાનું ગજું માપી આપે એ સંભવિત છે.
બાશો અને બુસોન જાપાનના શ્રેષ્ઠ હાઈકુ-કવિઓ છે. તેમના તેમજ બીજા કવિઓના હાઈકુનું અંગ્રેજી ભાષાંતર કેનેથ યેસુદાએ ‘શોસોન’ ઉપનામથી કરેલ છે. ઉપરાંત અંગ્રેજીમાં સ્વતંત્ર રીતે પણ હાઈકુ આ અમેરિકી કવિએ રચેલાં છે. તેમનો સંગ્રહ ‘એ પેપર પૉંડ’ નામે 1947માં પ્રગટ થયો હતો. ગુજરાતીમાં સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ ‘સોનેરી ચાંદ અને રૂપેરી સૂરજ’ 1966માં પ્રગટ થયો હતો. એ પછી તો ગુજરાતીમાં નાનામોટા બીજા કેટલાક હાઈકુ-સંચયો પણ પ્રકાશિત થયા છે.
ધીરુભાઈ ઠાકર