હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી

February, 2009

હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી : અધિક શક્તિ ધરાવતાં ક્ષ-કિરણો અને કૉસ્મિક કિરણોનો ખગોળ-ભૌતિકીય અભ્યાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલા અમેરિકાના ઉપગ્રહોની શ્રેણી. તેને High Energy Astrophysical Observatory અથવા ટૂંકમાં HEAO નામ આપવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં કુલ ત્રણ ઉપગ્રહો હતા, જેની વિગતો નીચે પ્રમાણે છે :

HEAO-1 ઉપગ્રહ

HEAO–1 : કેપ કેનાવરલ (ફ્લૉરિડા, અમેરિકા) પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી 12 ઑગસ્ટ, 1977ના રોજ ઍટલાસ-સૅન્ટૉર રૉકેટ દ્વારા 2,720 કિગ્રા. વજન ધરાવતો HEAO–1 ઉપગ્રહ લગભગ 450 કિમી.ની ઊંચાઈએ પૃથ્વીની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. પૃથ્વીના વિષુવવૃત્તીય તલ સાથે HEAO–1ની કક્ષાનો નમનકોણ (inclination) લગભગ 23° હતો. તેનાં ઉપકરણોની મદદથી ક્ષ-કિરણો ઉત્સર્જિત કરતા સ્રોતો વિશે નીચેની માહિતી મળી હતી :

(1) પ્રક્ષેપિત થયા પછી શરૂઆતના છ મહિના સુધી ક્ષ-કિરણોની તરંગલંબાઈમાં આકાશનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. પરિણામમાં જાણવા મળ્યું હતું કે અગાઉ જાણીતા 350 જેટલા સ્રોતો ઉપરાંત આકાશમાં અન્ય ઘણા સ્રોતો અસ્તિત્વમાં છે, જેની કુલ સંખ્યા 1,500 જેટલી થઈ હતી.

(2) આ ઉપરાંત, ક્ષિ-કિરણો ઉત્સર્જિત કરતાં ત્રણસોથી વધારે તારક-સ્રોતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તથા એક નવા શ્યામ-ગર્ત (black hole) વિશે માહિતી મળી હતી. (તે સાથે જાણીતા શ્યામ-ગર્તની કુલ સંખ્યા ચાર થઈ હતી.)

(3) અંતરિક્ષમાં સર્વત્ર અત્યંત ગરમ ઉષ્મીય (thermal) પ્લાઝ્મા વિશે જાણકારી મળી હતી.

HEAO–1 ઉપગ્રહ 15 માર્ચ 1979ના રોજ નીચેના વાતાવરણમાં પુન:પ્રવેશ કરીને સળગી ગયો હતો.

HEAO–2 : 13 નવેમ્બર 1978ના રોજ કેપ કેનાવરલ પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી ઍટલાસ-સૅન્ટૉર રૉકેટ વડે 2,720 કિગ્રા. વજનનો HEAO–2 ઉપગ્રહ લગભગ 520 કિમી.ની ઊંચાઈએ પૃથ્વીની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત થયો હતો. પૃથ્વીના વિષુવવૃત્તીય તલ સાથે તેની કક્ષાનો નમનકોણ લગભગ 23°નો હતો.

એ દિવસોમાં દુનિયાભરમાં મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન (1879–1955)ની જન્મશતાબ્દી ઊજવાઈ રહી હતી, તેથી HEAO–2 ઉપગ્રહનું નામ ‘આઇન્સ્ટાઇન વેધશાળા’ (Einstein Observatory) રાખવામાં આવ્યું હતું. ‘આઇન્સ્ટાઇન વેધશાળા’ ઉપગ્રહમાં સહુથી મોટું ક્ષ-કિરણ-દૂરબીન મૂકવામાં આવ્યું હતું, જેની મદદથી સૌપ્રથમ સૂર્ય સિવાયના બધા ક્ષ-કિરણ સ્રોતોની પ્રતિબિંબિત તસવીરો મળતી હતી. આઇન્સ્ટાઇન વેધશાળા દ્વારા મળેલાં અગત્યનાં પરિણામો નીચે પ્રમાણે છે :

(1) ક્ષ-કિરણોનું અત્યંત શક્તિશાળી ઉત્સર્જન કરતા પૃથ્વીથી અંદાજે દસ અબજ પ્રકાશવર્ષ દૂરના ક્વાસારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

(2) અધિક દ્રવ્યમાન ધરાવતા ‘0’ વર્ગના ગરમ, યુવાન તારા પણ ક્ષ-કિરણના સ્રોત હોવાનું જાણવા મળ્યું હતું. આવા કેટલાક સ્રોતો Eta Carinae nebula-માં શોધી કાઢવામાં આવ્યા હતા.

(3) વિપુલ પ્રમાણમાં ક્ષ-કિરણોના ધોધનું અચાનક ઉત્સર્જન કરતા સ્રોતો(X-ray Bursters)નાં પ્રતિબિંબ મેળવી શકાયાં હતાં.

(4) એક આશ્ચર્યજનક પરિણામ એ જાણવા મળ્યું હતું કે પૃથ્વી અને ગુરુ ગ્રહ પણ ક્ષ-કિરણો ઉત્સર્જિત કરે છે. આ સિવાય સૌર-મંડળના બીજા કોઈ ગ્રહ ક્ષ-કિરણો ઉત્સર્જિત કરતા નથી.

‘આઇન્સ્ટાઇન વેધશાળા’ ઉપગ્રહ 25 માર્ચ 1982ના રોજ પૃથ્વીના નીચલા વાતાવરણમાં પુન:પ્રવેશ કરીને સળગી ગયો હતો.

HEAO–3 : કેપ કેનાવરલ પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી ઍટલાસ-સૅન્ટૉર રૉકેટ દ્વારા 10 સપ્ટેમ્બર, 1979ના રોજ 2,720 કિગ્રા. વજનનો HEAO–3 ઉપગ્રહ લગભગ 500 કિમી.ની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. વિષુવવૃત્તીય તલ સાથે તેની કક્ષાનો નમનકોણ 43.61° જેટલો હતો. HEAO–3 ઉપગ્રહનું અપેક્ષિત આયુષ્ય એક વર્ષ જેટલું માનવામાં આવતું હતું; પરંતુ તેનું કાર્ય વીસ મહિના ચાલ્યું હતું અને ત્યાર બાદ તેના દિશા-નિયંત્રણ ઉપતંત્રનું પ્રોપેલન્ટ ખૂટી જવાથી તેનું કાર્ય સ્થગિત થયું હતું. આ સમય દરમિયાન તેનાં ઉપકરણોની મદદથી ગૅમા-કિરણો અને કૉસ્મિક કિરણોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર, 1981માં HEAO –3 ઉપગ્રહ વાતાવરણમાં સળગી ગયો હતો.

સમગ્ર રીતે જોઈએ તો HEAO ઉપગ્રહ શ્રેણીનાં પરિણામો દ્વારા બ્રહ્માંડના પ્રચલિત ખયાલોમાં ગજબનું પરિવર્તન આવ્યું છે.

પરંતપ પાઠક