હાઇમેનોફાઇલેસી
February, 2009
હાઇમેનોફાઇલેસી : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગમાં આવેલા ફિલિકોપ્સીડા વર્ગનું એક કુળ. તે ગ્રેડેટી (Gradate) કુળો પૈકીનું પ્રથમ કુળ છે. તેની જાતિઓ અલ્પથી માંડી મધ્યમ કદ ધરાવે છે. તેઓ ભૂમિ પર કે પરરોહી (epiphytic) તરીકે છાયાયુક્ત ભેજવાળા આવાસોમાં ઝરણાની આસપાસ થાય છે અને શલ્કવિહીન, ભૂપ્રસારી, ગાંઠામૂળી (rhizome) ધરાવે છે. વિષુવવૃત્તીય વર્ષાઋતુ-પ્રભાવી જંગલોમાં તે વધારે પ્રમાણમાં થાય છે.
આ કુળનાં સ્વરૂપોને ‘ફિલ્મી ફર્ન’ તરીકે ઓળખાવવામાં આવે છે; કારણ કે તેમનાં પર્ણો અત્યંત પાતળાં, માત્ર એક કોષની જાડાઈ ધરાવતાં, સુંદર અને પારદર્શક હોય છે. આ કુળમાં આશરે 650 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે; તે પૈકી હાઇમેનોફાઇલમ 300 અને ટ્રાઇકોમેનિસ 350 જાતિઓ ધરાવે છે. ત્રિઅંગી વિજ્ઞાનીઓ (pteridologists) આ બે પ્રજાતિઓને અનેક પ્રજાતિઓમાં વિભાજિત કરવાનું વલણ ધરાવે છે. કૉપલૅન્ડે (1938) આ કુળમાં 33 પ્રજાતિઓનો સમાવેશ કર્યો છે. નવી શોધાયેલી રોસેનસ્ટોકિયા તથા ડાઇડીમોગ્લોસમ, ક્રેપીડોમેનિસ, કાર્ડિયોમેનિસ વગેરે પ્રજાતિઓને પણ આ કુળમાં સમાવવામાં આવી છે. હોલ્ટમે (1949) આ કુળમાં ફક્ત બે પ્રજાતિઓ(હાઇમેનોફાઇલમ અને ટ્રાઇકોમેનિસ)નો સમાવેશ કર્યો છે; જી. એમ. સ્મિથે (1955) ત્રણ પ્રજાતિઓ (હાઇમેનોફાઇલમ, ટ્રાઇકોમેનિસ અને કાર્ડિયોમેનિસ) આ કુળમાં મૂકી છે.
(અ) હાઇમેનોફાઇલમ ઍક્ઝર્ટમનો છોડ, (આ) ફળાઉ પર્ણિકાઓ, (ઇ) બીજાણુ-ધાનીપુંજમાંથી પસાર થતો ઊભો છેદ, (ઈ) બીજાણુધાનીઓ, (ઉ) ટ્રાઇકોમેનિસની ફળાઉ પર્ણિકાઓ અને બીજાણુધાનીપુંજમાંથી પસાર થતો ઊભો છેદ
ભારતમાં હિમાલય, આસામ, પશ્ચિમ ઘાટ, નીલગિરિ વગેરે પહાડી વિસ્તારોમાંથી હાઇમેનોફાઇલમની 8 જાતિઓ અને ટ્રાઇકોમેનિસની 17 જાતિઓ નોંધાઈ છે. હાઇમેનોફાઇલમ ઍક્ઝર્ટમ અને ટ્રાઇકોમેનિસ બાઇપંકટેટમ હિમાલયના પર્વતીય પ્રદેશોમાં મળી આવતી સૌથી સામાન્ય જાતિઓ છે.
ટ્રાઇકોમેનિસ સતત ભેજવાળા રહેતા ખડક ઉપર થાય છે. ક્યારેક તે મોટા વૃક્ષની શાખા ઉપર આવેલી ખાંચ કે તિરાડોમાં એકત્રિત થયેલા સડતા સેન્દ્રિય પદાર્થ પર પરરોહી તરીકે થાય છે.
હાઇમેનોફાઇલમની ગાંઠામૂળી ભૂમિગત કે અર્ધ-ભૂમિગત પૃષ્ઠવક્ષીય વિકસતી જોવા મળે છે. તે લાંબી અને શાખિત થાય છે અને આદિમધ્યરંભ (protostele) ધરાવે છે. તેના ઉપરના ભાગમાંથી બે પંક્તિમાં પર્ણો ઉત્પન્ન થાય છે. મૂળ અસ્થાનિક (adventitious) પ્રકારનાં અને ગાંઠામૂળીની અંદરની બાજુએથી અનિયમિત રીતે વિકાસ પામે છે. કેટલીક જાતિઓમાં મૂળનો અભાવ હોય છે. આવા કિસ્સાઓમાં ગાંઠામૂળી મૂળનું કાર્ય કરે છે. પર્ણો સંયુક્ત પીંછાકાર હોય છે; જેઓ ગાંઠામૂળીના અગ્રભાગેથી ઉદભવે છે. તેમનો પત્રાક્ષ વારંવાર વિભાજિત થઈ તેની અંતિમ શાખાઓ ઉપર પર્ણિકાઓ ધરાવે છે. પર્ણિકાની મધ્યશિરા અને ઉપરિઅધિસ્તર ઉપરથી લાંબા એકકોષી શલ્કો ઉત્પન્ન થાય છે. પર્ણિકાઓ મહદ્અંશે અત્યંત પાતળી અને પારદર્શક હોય છે. તેની ઉપર ગોઠવાયેલા બદામી રંગના શલ્કોથી તે આકર્ષક લાગે છે. એક કોષની જાડાઈ ધરાવતી પર્ણિકાની મધ્યશિરા ગાઢી હોય છે. ડાઇડીમોગ્લોસમની પર્ણિકા તલસ્થ ભાગેથી અંદરની તરફ વળેલી હોય છે. ક્રેપીડોમેનિસમાં આભાસી શિરિકાઓ (false veinlets) જોવા મળે છે. ટ્રાઇકોમેનિસનાં પર્ણો સાદાં અને દંતુરિત પર્ણકિનારી ધરાવે છે. ટ્રાઇકોમેનિસ ગોબેલીએનમનાં પર્ણો અત્યંત નાનાં, 3–4 મિમી. જેટલાં હોય છે. કાર્ડિયોમેનિસ રેનિફૉર્મીની પર્ણિકાઓ વૃક્કાકાર કે મૂત્રપિંડ આકારની હોય છે.
બીજાણુધાનીઓ બીજાણુધાનીપુંજમાં તલાભિસારી (basipetal) ક્રમમાં ઉદભવે છે. બીજાણુધાનીપુંજ શિરાના અંતિમ પ્રક્ષેપ ઉપર જોવા મળે છે. તે પુંજછદ (indusium) દ્વારા આવરિત હોય છે. પુંજછદ તલભાગેથી પાંખ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. હાઇમેનોફાઇલમમાં પુંજછદ દ્વિઓષ્ઠીય અને ટ્રાઇકોમેનિસમાં નલિકાકાર હોય છે. ટ્રાઇકોમેનિસના બીજાણુધાનીપુંજનો અક્ષ ઘણી વાર વંધ્ય પ્રક્ષેપ તરીકે લંબાય છે. બીજાણુધાની ત્રાંસા-ઊભા બીજાણુધાનીપુંજમાં ગોઠવાયેલી હોય છે. તેનું સ્ફોટન અનુપ્રસ્થ રીતે થાય છે. જન્યુજનક (gametophyte) તંતુમય કે પટ્ટી આકારનો હોય છે.
આ કુળનો ભૂસ્તરીય ઇતિહાસ સ્પષ્ટ નથી; પરંતુ ઉપરિ-અંગારયુગ(upper Carboniferous)માં મળી આવેલું હાઇમેનોફાઇલાઇટિસ તેનું સંબંધી હોવાનું કેટલાક માને છે. જોકે સિવાર્ડ આ પ્રકારના સંબંધ વિશે શંકા સેવે છે.
હાઇમેનોફાઇલેસી માર્જિનેલિસ-ગ્રેડેટીનું પ્રાચીન કુળ છે. ટ્રાઇકોમેનિસમાં અજન્યુતા (apogamy) અત્યંત સામાન્યપણે જોવા મળે છે.
જૈમિન વિ. જોશી
બળદેવભાઈ પટેલ