હાઇમૅનડોર્ફ ક્રિસ્ટૉફ વૉન ફ્યૂરેર

February, 2009

હાઇમૅનડોર્ફ ક્રિસ્ટૉફ વૉન ફ્યૂરેર (જ. 1909, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1995) : ભારતના વિવિધ આદિવાસી સમૂહોનો અભ્યાસ કરનાર નૃવંશશાસ્ત્રી. પિતા ઑસ્ટ્રિયાની નાગરિક સેવામાં એક ઉચ્ચ અધિકારી હતા. તેમણે માનવશાસ્ત્રનો અભ્યાસ વિયેના યુનિવર્સિટીમાંથી કરીને 1927માં સ્નાતકની અને 1931માં ડી.ફિલ.(D.Phil)ની પદવી મેળવી. ત્યાર બાદ બ્રિટિશ અને ઑસ્ટ્રિયન ઍન્થ્રૉપૉલૉજીની તાલીમ મેળવી. બ્રિટિશ માનવશાસ્ત્રી મેલિનૉવ્સ્કીની પ્રેરણા લઈને 1936માં ભારતમાં એક વર્ષ માટે આવીને આસામના નાગા આદિવાસી સમુદાયનો અભ્યાસ કર્યો અને પોતાના દેશમાં ગયા. 1939માં તેઓ ફરીથી ભારતમાં આવ્યા. આ સમયે બીજું વિશ્વયુદ્ધ થયું. તેમને રાષ્ટ્રના દુશ્મન માનીને કેદ કરી લીધા અને આંધ્રપ્રદેશની જેલમાં રાખ્યા. આ દરમિયાન તેમણે હૈદરાબાદમાં વસતા ચેંચુ, રેડ્ડી, રાજગોંડ જેવા આદિવાસી સમુદાયો પર સંશોધન-અભ્યાસો હાથ ધર્યા. આ સિવાય તેમણે આસામ અને અરુણાચલ પ્રદેશના આદિવાસીઓના એથ્નૉગ્રાફિક અભ્યાસો કર્યા. તદુપરાંત વિવિધ આદિવાસી સમુદાયોના સામાજિક સાંસ્કૃતિક જીવનને આવરી લઈ કેટલાક સંશોધન-અભ્યાસો કર્યા.

બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થતાં હૈદરાબાદના નિઝામના સલાહકાર તરીકે સેવાઓ આપી. 1945થી 1950ના સમયગાળા દરમિયાન ટ્રાઇબ્ઝ ઍન્ડ બૅકવર્ડ ક્લાસીઝ ઍડ્વાઇઝર તરીકે સેવાઓ આપી. તેમણે આદિવાસીઓનાં કલ્યાણ અને વિકાસ માટેની કેટલીક સંસ્થાઓ તેમણે સ્થાપી.

1951માં લંડન યુનિવર્સિટીમાં એશિયન ઍન્થ્રૉપૉલૉજિકલ ચૅર સંભાળી. માનવશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપક તરીકે કાર્યભાર સંભાળ્યો. આ ઉપરાંત સ્કૂલ ઑવ્ ઑરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝના ડિરેક્ટર તરીકે 1976 સુધી કામ કર્યું. આ દરમિયાન તેઓ કેટલાક વિદ્યાર્થીઓની સાથે ભારત આવ્યા અને નેપાળના શેરપા ઉપર પ્રૉજેક્ટ હાથ ધરીને પુસ્તક પ્રકાશિત કર્યું.

પ્રાધ્યાપક તરીકેની સેવાઓથી નિવૃત્ત થયા પછી 1976માં ભારતમાં આવીને નેપાળ અને ભારતનાં આદિવાસી જૂથો પર સંશોધન-અભ્યાસો કર્યા. આ અભ્યાસો ભારતના દ્વીપકલ્પો તથા આસામ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારોને આવરી લઈને કર્યા હતા. આસામના રાજ્યપાલે તેમને ‘NEFA’ વિભાગ અને સબાનસિરી ફ્રન્ટિયરના આદિવાસી પટ્ટામાં રહેલા આદિવાસી લોકોનો અભ્યાસ કરવા માટે આમંત્રણ આપ્યું જેનો સ્વીકાર કરીને હાઇમૅનડોર્ફે સંશોધન-પ્રૉજેક્ટો બે દાયકાથી પણ વધુ સમય માટે હાથ ધર્યા. એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફરીને તેમણે ગહન ક્ષેત્રકાર્ય કર્યું અને આદિવાસી લોકોના સામાજિક-સાંસ્કૃતિક જીવનના અભ્યાસો કર્યા. આ અભ્યાસોના આધારે લખાયેલા કેટલાક લેખો વિવિધ જર્નલો, બુલેટિનો, મૅગેઝિનો અને સેન્સસ ઑવ્ ઇન્ડિયાના અહેવાલોમાં પ્રકાશિત થયા છે. તેમણે 18 જેટલા ગ્રંથો પ્રગટ કર્યા હતા અને બે ગ્રંથોનું સંપાદન કર્યું હતું. એ પૈકી કેટલાક ગ્રંથો આ પ્રમાણે છે : ‘ધ રેડ્ડીઝ ઑવ્ ધ બિસ્ટોન હિલ્સ’; ‘ધ રાજ ગોન્ડાઝ ઑવ્ ઓડિલાબાદ’; ‘હિમાલયન બારબેરી’; ‘ધ શેરપાઝ ઑવ્ નેપાળ’; ‘ધ કોંયાક નાગાઝ’; ‘ધ ગોન્ડાઝ ઑવ્ આંધ્ર પ્રદેશ અને ઍન્થ્રૉપૉલૉજિકલ બિબ્લિયૉગ્રાફી ઑવ્ સાઉથ એશિયા’ (થ્રી વૉલ્યૂમ્સ); ‘ઇન્ડિયન ટ્રાઇબ ઇન અ ચેન્જિંગ વર્લ્ડ’.

આમ હાઇમૅનડોર્ફે નૃવંશશાસ્ત્રમાં અને ભારતના આદિવાસી સમાજના અભ્યાસો કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

હર્ષિદા દવે