હાઇડ્રોજન સાયનાઇડ (ફૉર્મોનાઇટ્રાઇલ)

February, 2009

હાઇડ્રોજન સાયનાઇડ (ફૉર્મોનાઇટ્રાઇલ) : કડવી બદામની વાસવાળું, બાષ્પશીલ અને અત્યંત ઝેરી પ્રવાહી. સૂત્ર HCN. તેનું જલીય દ્રાવણ [HCN(aq)] હાઇડ્રોસાયનિક અથવા પ્રુસિક ઍસિડ તરીકે ઓળખાય છે. કુદરતમાં તે કડવી બદામ અને કરેણ (oleender) જેવી વનસ્પતિમાં શર્કરાઓ સાથે સંયોજિત સ્વરૂપે મળી આવે છે. 1782માં સ્વીડિશ રસાયણજ્ઞ કાર્લ વિલ્હેમ શીલેએ તેની શોધ કરેલી. તેમણે પ્રુશિયન બ્લૂ (Prussian blue) નામના વર્ણકમાંથી તે બનાવેલ.

ઔદ્યોગિક રીતે તે મિથેન અથવા કુદરતી વાયુ સાથે એમોનિયા અને હવાની ઉદ્દીપકીય પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. બિટ્યુમિનસ (bituminous) કોલસો અને એમોનિયાની 1250° સે. તાપમાને પ્રક્રિયા દ્વારા તેમજ કોકભઠ્ઠી(coke oven)ના વાયુઓમાંથી પણ તે મળે છે. આ ઉપરાંત ફૉર્મેમાઇડ(HCONH2)ના ઉદ્દીપકીય વિઘટનથી તેમજ ધાતુનાં સાયનાઇડ સંયોજનો (દા. ત., NaCN) ઉપર ઍસિડની પ્રક્રિયા દ્વારા પણ તે મેળવી શકાય છે.

HCNનું ગ.બિં. –14° સે., ઉ.બિં. 26° સે. તથા પ્રવાહીની સાપેક્ષ ઘનતા 0.699 (22° સે.) છે. તે નિર્બળ ઍસિડ છે (Ka = 2.1 × 10–9 મોલ/ડેમી.3) પાણીમાં દ્રાવ્ય. જલીય દ્રાવણ નિર્બળપણે ઍસિડિક અને પ્રકાશ પ્રત્યે સંવેદી હોય છે. જો તે સંપૂર્ણ શુદ્ધ ન હોય તો તે સ્વયંસ્ફુરણાથી (spontaneously) વિસ્ફોટી ઉગ્રતા સાથે બહુલીકરણ પામે છે. આલ્કલી સાથે તે સાયનાઇડ ક્ષારો આપે છે :

KOH + HCN → KCN + H2O

હાઇડ્રોજન સાયનાઇડ અત્યંત વિષાળુ હોઈ કોષિકીય (cellular) ઉપચાયી (oxidative) પ્રવિધિઓને અટકાવે છે. હવામાં તે દસ લાખ ભાગે 50થી 60 ભાગ (ppm) જેટલો હોય તો એક પુખ્ત માણસ આ હવાનો એક કલાક સુધી પ્રતિકાર કરી શકે છે પણ જો આ પ્રમાણ 200થી 500 ppm જેટલું થાય તો 30 મિનિટમાં તે મારક નીવડે છે. સાયનાઇડ સંયોજનોની પ્રક્રિયા ઝડપી હોઈ તેઓ શ્વાસ અથવા મોં વાટે શરીરમાં જાય તો સાયટોક્રોમ (cytrochrome) શ્વસન-ઉત્સેચકોને નિષ્ક્રિય બનાવી લોહીમાંના ઑક્સિજનનો પેશીઓ દ્વારા થતો ઉપયોગ અટકાવે છે.

HCNના ક્ષારો અયસ્કોના નિષ્કર્ષણ, વિદ્યુતવિભાજની (electrolytic) પ્રવિધિઓ અને સ્ટીલની માવજત માટે વપરાય છે. હાઇડ્રોજન સાયનાઇડ આલ્ડિહાઇડ અને કીટૉન સંયોજનો સાથે સાયનોહાઇડ્રિન સંયોજનો બનાવે છે. જે ઘણા કાર્બનિક સંશ્લેષણમાં મધ્યવર્તીઓ તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત એક્રિલોનાઇટ્રાઇલ, એક્રિલેટ સંયોજનો, એડિપોનાઇટ્રાઇલ જેવાં મહત્વનાં કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં, સાઇનાઇડ ક્ષારો બનાવવામાં તથા રંગકો અને કિલેટ સંયોજનો બનાવવામાં પણ HCN વપરાય છે. કૉપર સાયનાઇડ [Cu(en)2] કીટનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે.

પ્ર. બે. પટેલ