હાઇડેગર માર્ટિન (Heidegger Martin)
February, 2009
હાઇડેગર, માર્ટિન (Heidegger, Martin) (જ. 26 સપ્ટેમ્બર 1889, મેસકિર્ખ, જર્મની; અ. 26 મે 1976, મેસકિર્ખ, જર્મની) : જર્મન તત્વચિંતક. આ જર્મન ચિંતક હાઇડેગરના વિચારો વિશે વીસમી સદીના ચોથાથી આઠમા દાયકા સુધી પાશ્ચાત્યયુરોપીય તત્વચિંતનમાં ખૂબ ઊહાપોહ થયો છે. પ્રખ્યાત જર્મન ચિંતક હુસેર્લ(1859 –1938)ના ચિંતનથી હાઇડેગર ખૂબ જ પ્રભાવિત થયા હતા. હાઇડેગરે ફ્રેન્ચ અસ્તિત્વવાદ, ફ્રેન્ચ પ્રતિભાસવિચાર (pheno-menology), ફ્રેન્ચ અનુસંરચનાવાદ (poststructuralism) અને જર્મન અર્થઘટનવિચાર (hermeneutics) – એ બધાં વિચાર-આંદોલનોને ખૂબ જ પ્રભાવિત કર્યાં છે.
જર્મનીમાં ફ્રાઇબર્ગ (1915–1923) અને મારબુર્ગ(1923–1928)માં અધ્યાપન-સંશોધન કર્યા પછી હુસેર્લના અનુગામી તરીકે હાઇડેગર પાછા ફ્રાઇબર્ગ યુનિવર્સિટીમાં જોડાયા હતા. ફ્રાઇબર્ગમાં રેક્ટર તરીકે (1933–34) તેમણે હિટલરના નાઝીવાદનું સમર્થન કર્યું હતું. વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને સંનિષ્ઠ અસ્તિત્વને આગળ કરનારા આ ચિંતકે એટલે સુધી કહ્યું હતું, હિટલર જ જર્મનીનું ભાવિ અને તેની નિયતિ છે. હિટલરના જુલમી શાસનનો સક્રિય રીતે પક્ષ લેવાના કારણે 1945માં તેમના અધ્યાપનકાર્ય ઉપર કેટલાંક વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હાઇડેગરે હિટલરે આયોજિત કરેલા યહૂદીઓના સામૂહિક હત્યાકાંડો વિશે પાછળથી પણ કશું કહ્યું નથી તે બાબત બૌદ્ધિકોને ખૂબ આઘાતજનક લાગી છે.
માર્ટિન હાઇડેગર
હાઇડેગરના મહત્વના જર્મન ગ્રંથો તેમના અંગ્રેજી અનુવાદ પ્રમાણે નીચે મુજબ છે :
– ‘બીઇંગ ઍન્ડ ટાઇમ’ (જર્મન : 1927; અંગ્રેજી અનુવાદ : 1962)
– ‘કાન્ટ ઍન્ડ ધ પ્રૉબ્લેમ ઑવ્ મેટાફિઝિક્સ’ (જર્મન : 1929; અંગ્રેજી અનુવાદ : 1962)
– ‘ઇન્ટ્રોડક્શન ટુ મેટાફિઝિક્સ’ (જર્મન : 1935; અંગ્રેજી અનુવાદ : 1959).
સત-વિષયક વિચારણા :
(1) હાઇડેગર પ્રમાણે સત વિશેનો પ્રશ્ન તત્વજ્ઞાનનો એક અને એકમાત્ર મહત્વનો પ્રશ્ન છે.
(2) સૉક્રેટિસ પૂર્વેના ગ્રીક ચિંતકોએ સત વિશેનો મૌલિક પ્રશ્ન પૂછ્યો હતો; પરંતુ ત્યાર પછી પ્લેટોથી માંડીને નિત્શે સુધીના પાશ્ચાત્ય તત્વવિચાર(metaphysics)માં સત અંગેના પ્રશ્નનું વિસ્મરણ થઈ ગયું છે; તેથી જ,
(3) પાશ્ચાત્ય તત્વવિચારનું વિસર્જન થવું ઘટે અને હાઇડેગરની રીતે નવેસરથી ગ્રીક ભાષાની જેમ જર્મન ભાષામાં આ પ્રશ્ન પૂછવો જરૂરી છે.
(4) પાશ્ચાત્ય તત્વવિચારે જ્ઞાનવિષયક ચિંતનને (ખાસ તો ડેકાર્ટથી કાન્ટ સુધીના) કેન્દ્રમાં મૂક્યું હતું. હાઇડેગર સત-વિષયક ચિંતનને કેન્દ્રમાં મૂકે છે; કારણ કે જ્ઞાનપ્રાપ્તિ એ પણ જ્ઞાતાના સતને માન્યા વગર સમજી શકાય નહીં. ‘હું વિચારું છું તેથી હું અસ્તિત્વમાં છું’ – ડેકાર્ટ. ‘હું અસ્તિત્વમાં છું તેથી હું વિચારું છું’ – હાઇડેગર.
(5) સત (જર્મન – das Sein-Being) અને વિશેષ સત-વસ્તુઓ(જર્મન – das Seiende – દાસ ઝાએન્ડે – અંગ્રેજીમાં things, entities)નો ભેદ પાડવો હાઇડેગર મુજબ અત્યન્ત આવશ્યક છે.
(6) સત-વિષયક વિચારણાને હાઇડેગર ‘ઑન્ટૉલૉજિકલ’ (ontological) વિચારણા ગણે છે. વિશેષ વસ્તુઓ અંગેની વિચારણાને તેઓ વિશેષ સત-વસ્તુનિષ્ઠ (ontical) વિચારણા તરીકે ઘટાવે છે.
(7) વિશેષ વસ્તુ-વિષયક (ontical) વિચારણા અવલોકનાશ્રિત છે; સતને પોતાને વિશેની ‘ઑન્ટૉલૉજિકલ’ વિચારણા અનુભવથી સ્વતંત્ર એવી પ્રાગનુભાવત્મક (a-priori) વિચારણા છે. સત પોતે એ વિશેષ સત-વસ્તુ નથી; (જર્મનમાં ‘das Sein ist nicht seiend.’ – દાસ ઝાઇન ઇસ્ટ નિક્ટ ઝાઍન્ડ). આ કે તે વસ્તુ શું છે તે પ્રશ્ન અવલોકનાશ્રિત રીતે ઉકેલી શકાય; પરંતુ ‘હોવું’ એટલે શું ? (જર્મન, was ist das ‘ist’ ?) તે પ્રશ્ન મૂળભૂત પ્રશ્ન છે અને પાશ્ચાત્ય ચિંતનમાં મૂળ સત(Being)ને કોઈક પ્રકારની સત-વસ્તુ (thing) ગણીને વિચારવામાં આવી છે તે યોગ્ય નથી.
(8) મૂળ પ્રશ્ન તો એ છે કે કશુંય ન હોત તેવું બની શક્યું હોત તે જોતાં જગત પોતે અને તેમાં કશુંય પણ શાથી છે ? ‘શું હોવાપણું’ (whatness) અને ‘હોવાપણું’ (thatness) વચ્ચે ભેદ પાડવો પડે. કશુંક છે તે બાબત(that-being)ને અને વસ્તુ શું છે તે બાબત-(what-being)ને જુદી સમજવી ઘટે.
(9) સત અંગેનો પ્રશ્ન (seinsfrage) – એ કેટલાક ચિંતકોને નિરર્થક પ્રશ્ન લાગે છે. હાઇડેગર માટે એ એકમાત્ર સાર્થક પ્રશ્ન છે. સત સ્વયં અને વિશેષ સત-વસ્તુઓ વચ્ચેનો તફાવત એ મૂળભૂત તફાવત છે તેમ હાઇડેગર માને છે. સત માનવસતના ક્ષેત્રમાં પ્રકાશિત થાય છે. હાઇડેગર સતને માનવસત સાથે તેમજ કાળ સાથે જોડીને વિચારે છે.
માનવસત : (જર્મન શબ્દ Dasein – ડાઝાઇન)
(1) જે સત તેના પોતાના હોવાપણા વિશે પ્રશ્ન ઉઠાવે છે અને તેના દ્વારા સતને વિશે જ પ્રશ્ન ઉઠાવે છે તે સત એટલે માનવસત.
(2) મનુષ્યનું હોવાપણું એટલે ‘મનુષ્યનું જગતમાં હોવાપણું’ [Man’s being-in-the-world; જર્મનમાં In der Welt Sein (ઇન ડેર વેલ્ટ ઝાઇન)].
(3) મનુષ્યનું અસ્તિત્વ એટલે Dasein : જર્મનમાં da એટલે ત્યાં/અહીં અને sein એટલે હોવું. મનુષ્ય હોવું એટલે ત્યાં હોવું અને ત્યાં હોવું એટલે જગતમાં હોવું. મનુષ્યનું હોવું આ રીતે જગતસંબદ્ધ, જગતસંલગ્ન અસ્તિત્વ જ છે. જગતની પેલે પાર કોઈ મોક્ષ કે અમરતાનો પ્રશ્ન જ નથી. આ જગત મિથ્યા નથી અને તેમાંથી મનુષ્યનો કોઈ છુટકારો પણ નથી. જગતસંલગ્નતા એ મનુષ્યના અસ્તિત્વની સંરચના જ છે. (To be is to be worldly.)
(4) મનુષ્યની જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયા પણ મનુષ્યના જગતમાં હોવાપણાની મૂર્ત તથ્યરૂપતા(facticity)ના સંદર્ભે જ સમજવાની છે. જ્ઞાતા/જ્ઞેય, મન-શરીર એવા નિરપેક્ષ ભેદો પાડીને તત્વચિંતકોએ મનુષ્યના અસ્તિત્વને જગતથી વિયોજિત કરીને જ વિચાર્યું છે. મનુષ્યના લૌકિક-વ્યાવહારિક રોજિંદા હોવાપણાનો તેમણે અનાદર કર્યો છે. વસ્તુઓ સાથે કામ પાડવાની ચિંતનપૂર્વેની સમજણ મનુષ્યોનાં જીવનક્ષેત્ર(life-world)માં પ્રવર્તતી હોય છે. હાઇડેગર ત્યાંથી ચિંતન શરૂ કરે છે.
(5) જગતમાં જે રીતે અન્ય માનવેતર વસ્તુઓ હોય છે એ જ રીતે જગતમાં મનુષ્યો હોતા નથી. મનુષ્યોનું અસ્તિત્વ અન્ય વસ્તુઓના અસ્તિત્વ કરતાં અત્યન્ત ભિન્ન છે. ખુરશી કે ટેબલ એકબીજાની સાથે કોઈ સાક્ષીને માટે હોય છે, પણ એકબીજાને માટે તે ઉપસ્થિત થતાં નથી. મનુષ્ય સમક્ષ જ અન્ય તમામ વસ્તુઓ ઉપસ્થિત કે ઉપયોગી વસ્તુ તરીકે પ્રસ્તુત થાય છે.
(6) મનુષ્ય આ જગતમાં ફેંકાયેલો (thrown) છે.
(7) મનુષ્યનું અસ્તિત્વ એ જ તેનું સત્વ છે. તે સ્વતંત્ર પસંદગીથી પોતાના આપેલા સંજોગોમાં પોતાના જીવનને નવો ઘાટ કે આકાર આપી શકે છે. સાર્ત્રના અસ્તિત્વવાદનો આ મુખ્ય વિચાર બની ગયો.
(8) મનુષ્યનું જગતમાં હોવાપણું એટલે તેનું તેના જેવા અન્ય મનુષ્યો સાથેનું હોવાપણું. (being-with-others : Mitsein)
(9) મનુષ્યનો પાશ્ચાત્ય ચિંતનમાં કેવળ સાક્ષીરૂપ જ્ઞાતા તરીકે વસ્તુઓનું જ્ઞાન મેળવતી હસ્તી તરીકેનો જ વિચાર થયો છે. ખરેખર તો, જગતની વસ્તુઓ સાથે પોતાનાં પ્રયોજનોને માટે કામ પાડતા પ્રવૃત્તિશીલકર્તા તરીકેનો મનુષ્યોનો વિચાર એ જ મહત્વનો વિચાર છે. મનુષ્યની જગતમાં હોવાની રીત એ એક વ્યાવહારિક કર્તા તરીકે જગતમાં પ્રવર્તવાની રીત છે અને એ જ તેની મૂળભૂત રીત છે. તટસ્થ સાક્ષી તરીકેનો વૈજ્ઞાનિક–સૈદ્ધાંતિક અભિગમ એ જગતમાં પ્રવર્તવાની મનુષ્યની મૂળભૂત રીત નથી.
(10) વસ્તુઓને બે રીતે સમજી શકાય છે : નરી ઉપસ્થિત વસ્તુ તરીકે (present at hand : જર્મનમાં vorhandensein.) અને મનુષ્યના પ્રયોજનો માટેની ઉપયોગી હાથવગી સાધનરૂપ વસ્તુઓ તરીકે (readiness to hand : જર્મનમાં zuhandenheit.) : વસ્તુઓને છત્રી, કાતર, અરીસો, ટેબલ, પેન, ટાંકણી – એ રીતે અર્થપૂર્ણ વ્યાવહારિક પદાર્થો તરીકે જોવાનો અભિગમ મનુષ્યના અસ્તિત્વનું રોજિંદાપણું (everydayness) વ્યક્ત કરે છે.
(11) મનુષ્ય સમજણ પ્રાપ્ત કરતી અને અર્થઘટન કરતી હસ્તી છે. સમજણ અને અર્થઘટન કેવળ વૈજ્ઞાનિક પ્રવૃત્તિ નથી. એ કોઈ પદ્ધતિનો પ્રશ્ન નથી. જગતમાં હોવાની મનુષ્યની એ મૂળભૂત રીત છે.
(12) મનુષ્યમાં ચિંતનપૂર્વેની, વિચારપૂર્વેની, મનનપૂર્વેની (pre-reflective) એવી સત-વિષયક સમજણ હોય છે. વ્યક્તિ બીજાએ બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તેના અર્થો સમજે છે. એ રીતે પોતાનાથી અન્યનું અસ્તિત્વ શંકાસ્પદ રહેતું નથી.
(13) બીજા પોતાના જેવા જ મનુષ્યોની સાથે મનુષ્યનું હોવાપણું પ્રવર્તે છે. તેમ છતાં મનુષ્યનું પ્રમાણિત (authentic) અસ્તિત્વ તો વ્યક્તિની પોતાની સ્વાયત્તતા–સ્વતંત્રતાને જાળવવામાં જ રહેલું છે. મનુષ્ય પોતે પોતાનાં પસંદગીના સ્વાતંત્ર્યને છોડીને બીજાને અધીન થઈ જાય, બીજા (they) જે રીતે જીવે છે તે જ રીતે જીવે ત્યારે મનુષ્ય પોતાનું અસ્તિત્વ અપ્રમાણિત (inauthentic) બનાવી દે છે. બીજાને વશ થયા વિના બીજાની સાથે રહેવાનું મુશ્કેલ કાર્ય સિદ્ધ થઈ શકે તો જ પ્રમાણિત અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. સંનિષ્ઠ અને અસંનિષ્ઠ – બંને રૂપે જગતમાં મનુષ્યો (ડાઝાઇન) પ્રવર્તે છે. અંતરાત્મા-(conscience)ના અવાજ દ્વારા દૃઢ નિશ્ચય કરીને તેઓ(they)માં ખોવાઈ ગયેલી અપ્રમાણિત વ્યક્તિ પોતાના અસ્તિત્વ તરફ પ્રમાણિત રીતે પાછી વળી શકે છે. જોકે તેનો અર્થ એમ નથી કે ‘તેઓ’ને છોડીને વ્યક્તિ કેવળ પોતાનો જ વિચાર કરે. ઊલટાનું પ્રમાણિત વ્યક્તિએ તો બીજા લોકોને વશ થયા વગર તેમની સંભાળ રાખવાનું સક્રિય વર્તન દર્શાવવું જોઈએ. ચિંતા (anxiety), સંભાળ (care) અને સ્વનિષ્ઠા એ પ્રમાણિત અસ્તિત્વની એક રીત છે.
(14) મનુષ્ય કાળબદ્ધ (temporal), ઇતિહાસબદ્ધ, દેહબદ્ધ, પરિમિત અને મરણશીલ હસ્તી છે. ભૂતકાળના પ્રકાશમાં ભવિષ્યના પ્રૉજેક્ટ અંગે વર્તમાનની ક્ષણોમાં સક્રિય થવા માટે કાળનાં ત્રણેય પરિમાણો એકબીજાં સાથે ભળીને કાળવિસ્તાર(duration)ને પુષ્ટ (thick) બનાવે છે. એકક્ષણનિષ્ઠ વર્તમાનકાળનો વિચાર એ કૃશ (thin) કાળનો વિચાર છે. કાળને અધીન હોવાથી મનુષ્યનું હોવાપણું તેના ન-હોવાપણામાં પરિણમે છે. મૃત્યુ દરેક વ્યક્તિને તેની પોતાની વ્યક્તિવિશેષતા (individuality) આપે છે. હાઇડેગર મનુષ્યની અસ્તિત્વવિષયક પતનની સ્થિતિ(fallenness)ને સ્વીકારે છે, પણ તેમાંથી સંનિષ્ઠ અસ્તિત્વ તરફ જઈ શકાય છે તેવું પણ તેઓ દર્શાવે છે.
(15) મનુષ્ય જગતમાં જરૂર તેની ઇચ્છા કે સંમતિ વગર ફેંકાયેલો છે; પરંતુ તે એક એવું સત છે કે જેના ક્ષેત્રમાં સત પોતે વિશેષ સત-વસ્તુઓ દ્વારા પ્રકાશે છે. સત્ય એટલે ખુલ્લાપણું (unconcealedness) એવું હાઇડેગર માને છે. સત વિશે વિચારી શકતો હોવાથી જ મનુષ્ય ખાસ અર્થમાં અસ્તિત્વ ધરાવે છે. [exist = મનુષ્યની પોતાના અસ્તિત્વમાંથી બહાર પડીને તેને ભાવિ તરફ અભિમુખ કરવાની શક્તિ.]
ભાષા, કવિતા, કલા અને નવા સર્જનાત્મક મૌલિક ચિંતન ઉપર હાઇડેગરનું ઉત્તરકાલીન ચિંતન ભાર મૂકે છે.
હાઇડેગર તેમની પાછળની કૃતિઓમાં સતને ઇતિહાસ સાથે જોડીને પણ વિચારે છે. તત્વવિચારનો ઇતિહાસ એ સતનું ક્રમિક રીતે થતું વિસ્મરણ નિરૂપે છે અને અત્યારના ટૅક્નૉલૉજીના અંધકારના યુગમાં સત (Being) પોતે પોતાને મનુષ્યથી સંપૂર્ણ રીતે છુપાવે છે. હાઇડેગર મુજબ સત પોતે માનવજાત સમક્ષ યુગે યુગે અમુક યુગનિષ્ઠ દૃષ્ટિકોણ (standpointstance) મોકલે છે અને તેને દૃષ્ટિકોણ મુજબ તે તે યુગના લોકો જગતને સમજે છે. આવી યુગદૃષ્ટિ તે તે ઐતિહાસિક યુગના પાશ્ચાત્ય તત્વવિચારમાં અભિવ્યક્ત થાય છે. પાશ્ચાત્ય તત્વવિચારમાં નિત્શેનો ‘સત્તા અંગેની ઇચ્છા/સંકલ્પ’નો વિચાર ટૅક્નૉલૉજીના યુગમાં પ્રભાવક નીવડ્યો છે. તેથી તમામ વસ્તુઓને અત્યારે ઉપભોગનાં અને ઉત્પાદનનાં સાધનો તરીકે સમજવામાં આવે છે. હાઇડેગર માને છે ઇતિહાસના પ્રારંભે જ સત પોતે મનુષ્યથી વિમુખ થઈ ગયું છે. મૅટાફિઝિક્સ એટલે સત્યના વિસ્મરણનો ઇતિહાસ, સત પોતે મનુષ્યથી પોતાને છુપાવે છે તેવું હાઇડેગર માને છે. સતને પ્રકાશિત કરવા દેવાનું નવું વલણ રાખીને વિજ્ઞાન/ટૅક્નૉલૉજી દ્વારા પ્રકૃતિ ઉપર કાબૂ કે વિજય મેળવવાનો દાવો છોડી દેવો જોઈએ (deep ecology).
‘Let things be’ (જર્મનમાં seinlassen) – એ સૂત્ર પ્રવર્તવું જોઈએ.
સત એ વિશેષ સત-વસ્તુઓ(things)ની સમગ્રતાથી પર છે, તેને અતિક્રમી જાય છે; તેથી સત જગતથી સંપૂર્ણ રીતે ઇતર છે, ભિન્ન છે અને પારગામી છે.
આવા પારગામી સતને સતની પોતાની યોજના પ્રમાણે અપ્રગટ રહેવા દેવાનો કે પ્રગટ થવા દેવાનો સમય મનુષ્ય નક્કી કરી શકે નહીં.
હાઇડેગરની ઉત્તરકાલીન વિચારણા અસ્તિત્વવાદી (existentialist) નહીં, પણ કેવળ સત્યવિષયક (ontological) જ બની ગઈ છે. તમામ સત-વસ્તુઓની સમગ્રતાને પાર કરી જતું તેનાથી પર એવું સત (transcendent Being) એ જ અર્થો અને મૂલ્યોનું અધિષ્ઠાન છે. પ્લેટોથી નિત્શે સુધીના તત્વવિચારમાં કાં તો મૂળ સત(Being)ને એક સત-વસ્તુ (entity) તરીકે સમજવામાં આવ્યું છે અથવા તો મૂળ સતનો કે પારગામી સતનો વિચાર જ પડતો મૂકવામાં આવ્યો છે અને વિશેષ સત-વસ્તુઓની સમગ્રતા તરીકે જ metaphysics પ્રવર્ત્યું છે. આવા તત્વવિચારમાં સતનું વિસ્મરણ જ થાય તે સ્વાભાવિક છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો સત પોતે જ પાશ્ચાત્ય તત્વવિચારના સ્વરૂપમાં દરેક યુગને – તે તે યુગને સમગ્ર રીતે સમજવાની દૃષ્ટિ મોકલતું હોય તો પછી નિત્શેના તત્વવિચાર દ્વારા આધુનિક ટૅક્નૉલૉજીનો અંધકારયુગ પણ સતે પોતે જ મોકલ્યો હશે તેવું માનવું પડે અને ચિંતકો, કવિઓ વગેરે નવા સ્વરૂપે સતને પ્રકાશિત કરે તે શક્યતાને પણ સત દ્વારા જ નિર્ધારિત થયેલી ગણવી પડે. આ સંજોગોમાં મનુષ્યોએ કશું કરવાનું રહેતું જ નથી. હાઇડેગરે પારગામી સતને ઈશ્વર તરીકે સ્વીકાર્યા વગર એક જાતની એકેશ્વરવાદી પરિભાષા જ યોજી છે. હાઇડેગર સતના પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર આપી શક્યા જ નથી.
મધુસૂદન બક્ષી