હસ્તવપ્ર : ભાવનગર જિલ્લામાં ઘોઘાથી પશ્ચિમ દિશામાં આશરે નવેક કિમી. દૂર આવેલું હાથબ ગામ. એ હસ્તકલ્પ-હસ્તિકલ્પ-હસ્તવપ્ર-હસ્તકવપ્ર-અસ્તકંપ્ર તરીકે પણ ઓળખાતું. પૂર્વકાલીન હડપ્પીય નાવિકો કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ જતા. સૌરાષ્ટ્રમાં દક્ષિણ કાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપ્પીય બંદરોના સ્થાનથી આને સમર્થન મળે છે. ‘પેરિપ્લસ’ના લેખકે ‘અસ્તકંપ્ર’ કહ્યું છે. તે આ ‘હસ્તકવપ્ર’ છે. અહીંથી તાંબાના આહત સિક્કાઓ પણ મળ્યા છે. ક્ષત્રપકાલમાં ભરૂચ ઉપરાંત હાથબ, વલભી, ઘોઘા, નગરા વગેરે સમુદ્રની નજીક આવેલાં સ્થાનો વેપારનાં કેન્દ્રો તરીકે સુસ્થાપિત થયાં હોવાનું જણાય છે. હાલ ‘ભાવનગરની ખાડી’ તરીકે ઓળખાતી હસ્તવપ્રની ઉત્તરે ઓલી ખાડી ત્યારે છેક વલભી સુધી અંદર લંબાઈ હતી. એ ખાડી સિહોરથી 19 કિમી. જેટલી જ દૂર હતી. સમય જતાં તે પુરાઈ ગઈ.

મૈત્રકકાલમાં આ હસ્તવપ્રને ‘આહરણી’ તરીકે દ્રોણસિંહના દાનશાસન(ઈ. સ. 502)માં, ધ્રુવસેન 1લાનાં દાનશાસનો (ઈ. સ. 525થી 529) અને ધરસેન 2જાનાં દાનશાસન(ઈ. સ. 588)માં દર્શાવાયું છે. એનો ‘નગર’ તરીકે ઉલ્લેખ ધ્રુવસેન 1લાનાં બે દાનશાસનો(ઈ. સ. 525 અને 529)માં તથા ધરસેન 3જાના દાનશાસન(ઈ. સ. 623)માં થયો છે. જ્યારે ‘આહાર’ – જિલ્લાને મળતો વિભાગ – તરીકેનો નિર્દેશ ધરસેન 3જાના દાનશાસન (ઈ. સ. 623), ધરસેન 4થા (ઈ. સ. 644) અને શીલાદિત્ય 3જાનાં (ઈ. સ. 664નાં બે) દાનશાસનોમાં થયેલો છે.

જૈન સાહિત્યમાં જણાવ્યા મુજબ ‘દીપાયન’ નામે પરિવ્રાજક, જે સાંબ આદિ સુરામત્ત યાદવકુમારોને હાથે મરણ પામી અગ્નિકુમાર દેવ થયો હતો તેણે દ્વારકાનું દહન કર્યું. પછી બલરામ અને શ્રીકૃષ્ણ સુરાષ્ટ્ર છોડી પાંડવો પાસે દક્ષિણ મથુરા તરફ જતા હતા; દ્વારકાથી પૂર્વ તરફ નીકળી તેઓ હસ્તકલ્પ (હસ્તવપ્ર) નગરમાં આવ્યા, ત્યાંના રાજા અચ્છંદત્તને હરાવી દક્ષિણ તરફ જતાં તેઓ ‘કોસુંબારણ્ય’(દક્ષિણ ગુજરાતનું કોસંબા)માં આવ્યા. આમ આ નગર સૌરાષ્ટ્રમાં આવેલું હતું અને એ વિશે જૈન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે.

‘પુરાતનપ્રબંધસંગ્રહ’માં આપેલા ‘અંબુચીચનૃપપ્રબંધ’માં ‘હસ્તિકલ્પપુર’માં અંબુચીચ (કાને બહેરા) રાજા પાસે વિદુર બ્રાહ્મણવેશે અને શ્રીકૃષ્ણ એના શિષ્ય બટુવેશે ગયા હોવાનું કથાનક છે. દ્વારકાથી કોસુંબારણ્ય જતાં વચ્ચે આવતું ‘હસ્તિકલ્પ’ એ ગોહિલવાડનું ‘હાથબ’ લાગે છે.

રામજીભાઈ ઠા. સાવલિયા