હસ્તરેખાશાસ્ત્ર

February, 2009

હસ્તરેખાશાસ્ત્ર

હાથની રેખાઓ અને રચનાના આધારે વ્યક્તિ અને તેના ભવિષ્યને જાણવાનું શાસ્ત્ર – સામુદ્રિકશાસ્ત્ર. સૂર્યના પ્રકાશમાં હાથની બારીક રેખાઓ બરાબર નિહાળી શકાય તે હેતુથી દિવસે જ હાથ જોવાની પરંપરા છે. વળી સવારે પ્રફુલ્લિત હોવાથી રેખાઓ વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. હાથ જોવા માટે સવારનો સમય વધુ સારો મનાય છે. એક જ વ્યક્તિની બંને હાથની રેખાઓમાં પણ (ઘણી વાર) ભેદ દેખાય છે. તો જોડિયાં બાળકોના હાથની રેખાઓ પણ એકસરખી હોય એ માન્યતા બરાબર જણાતી નથી. ગર્ભાવસ્થામાં હાથની વાળેલી રહેતી મૂઠીમાં થતી રેખાઓ પ્રાકૃતિક છે એમ માનનારો વર્ગ હસ્તરેખાને શાસ્ત્ર ગણવા સંમત થતો નથી. તો બીજી બાજુ સમાજનો વિપુલ વર્ગ હાથની રેખાઓ અને રચનાને વ્યક્તિત્વ અને જીવનની ઘટનાઓ માટે સૂચક ગણી તેનાં રહસ્યો પામવા મથે છે.

કોમળ હાથ આરામપ્રિયતા અને નાનકડી ઘટનાથી ગભરાટ અનુભવતું વ્યક્તિત્વ સૂચવે છે. કઠોર હાથ પરિશ્રમ અને ધીરજનો દ્યોતક છે. લાંબો હાથ બુદ્ધિમત્તા અને પહોળો પંજો પરિશ્રમપ્રિય અને કલારસિક હોવાનું સૂચન કરે છે.

સામાન્ય રીતે પુરુષનો જમણો હાથ અને પરણેલી સ્ત્રીનો ડાબો હાથ જોવાય છે. કુમારિકાઓનો જમણો હાથ જોવાય છે.

હથેળીના ત્રણ ભાગ છે : માનસિક, સાંસારિક અને પાશવી. મસ્તકરેખાની ઉપરનો ભાગ માનસિક છે. આ ભાગમાં બુધ, સૂર્ય, શનિ અને ગુરુ કનિષ્ઠિકાદિ ચારેય આંગળીઓ ચંદ્ર-મંગળના મૂળમાં અનુક્રમે આવેલાં છે. પહાડોવાળો હથેળીનો ભાગ માનવીની સાંસારિક બાબતો સૂચવે છે. ચંદ્ર, શુક્ર માનવીની વૃત્તિઓ સાથે સંકળાયેલા ગ્રહો છે. માનસિક ભાગ મોટો હોય તો બુદ્ધિશક્તિનો ભારે વિકાસ થાય છે. કવિ, બુદ્ધિશાળી, સફળ વ્યવસાયી બને છે. સાંસારિક હાથનો વધુ વિકાસ રાજકારણ, ધંધો, રોજગારી, લડાઈ-ઝઘડા, વકીલાત અને ભૌતિક બાબતો તરફ પ્રબળ આકર્ષણ જન્માવે છે. ચંદ્ર-શુક્રના પહાડોથી મણિબંધ સુધીનો ભાગ પાશવી વૃત્તિઓનો વિકાસ બતાવે છે. આ ભાગનો વધુ વિકાસ માનવીને સ્વચ્છંદી, અદેખો, કપટી, વિલાસી અને વિકારી બનાવે છે.

હાથના આકાર : સામુદ્રિકશાસ્ત્રમાં હાથના સામાન્ય રીતે સાત આકાર મળે છે : (1) ચોરસ, (2) ચમચાકાર, (3) દાર્શનિક, (4) કલાકાર, (5) નિકૃષ્ટ (પ્રાથમિક), (6) આદર્શવાદી વિષમ હાથ અને (7) મિશ્રિત હાથ. સમકોણ કે ચોરસ હાથની લંબાઈ-પહોળાઈ પ્રાય: સમાન હોય છે. આંગળીઓ સરળ, સપાટ, સુડોળ હોય છે. મધ્યમાં આંગળીનો વચલો વેઢો આકારમાં થોડો મોટો હોય છે. નખ નાના અને ચોરસ હોય છે. અનુશાસનપ્રિયતા, મિલનસારપણું, નમ્રતા, કોમળતા, વિવેક, શાન્તિપ્રિયતા, ભાવનાશીલતા, સત્યપ્રિયતા જેવા તેના ગુણો હોય છે. ચમચાકાર હાથમાં આંગળીઓ કાંઈક ત્રાંસી, ઊભરેલી કે સીધી કાંડાના ભાગ કરતાં આંગળીઓના ભાગે ઓછી પહોળાઈ હોય છે અથવા એથી ઊલટું હોય છે. કર્મઠતા, વ્યવહારપટુતાવાળાના હાથ કાંડાના ભાગે ઓછા પહોળા હોય છે તો ધાર્મિક સમાજને આકર્ષનાર વર્ગના હાથ કાંડાના ભાગે વધુ પહોળા હોય છે. ગંઠાયેલા વેઢા પરિશ્રમપ્રિયતા, ક્રોધ ઉપર સંયમ, ધીરજ દર્શાવે છે. ખેલકૂદ, શિકાર, આદિમાં રસ ધરાવતા લોકોના હાથ કાંઈક આવા હોય છે. આવા લોકોના કઠોર હાથ કૃષિ, માળીકામમાં પ્રીતિ સૂચવે છે. કોમળ હાથ સ્વતંત્રતા પ્રિય, નવીન બાબતોમાં અભિરુચિ દર્શાવે છે. દાર્શનિક હાથ લાંબો, વચ્ચે ઝૂકેલો, આંગળીઓ વેઢાના ભાગે ઊપસેલી હોય છે. દર્શન, લેખન, વિજ્ઞાન, જ્યોતિષ, નીતિ આદિમાં આવી વ્યક્તિ રસ ધરાવે છે. કલાકાર કે વ્યાવસાયિક હાથ પ્રાય: સમચોરસ હોય છે. વાતચીતમાં નિપુણ, ચતુર, જલદી પ્રભાવિત થનારા, આવેશમય વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. જો હાથ લાંબો હોય તો દગાબાજ, અધિક વાસનામય, જુઠાણું ચલાવવામાં નિપુણ હોય છે. આવશ્યકતા કરતાં મોટો ભારે હાથ, નાનો ભરાવદાર અંગૂઠો અને ભરાવદાર આંગળીઓ નિકૃષ્ટ હાથનું લક્ષણ છે. સાહસ, ક્રોધ, પશુવૃત્તિ, દુષ્ટ બુદ્ધિ, ભૌતિક સુખમાં જ રાચવાનું વલણ તેની વિશિષ્ટતા છે. કોમળ હાથ આળસ અને ચંચળતાની નિશાની છે. દેખાવમાં દાર્શનિક જેવો હાથ પણ આંગળીઓનો ઉપરનો ભાગ પ્રમાણમાં લાંબો હોય છે. આંગળીઓ ઉપર પાતળી પણ નીચે ભાગે પુષ્ટ હોય છે. તેવા માણસો જલ્દી બીજા ઉપર વિશ્વાસ કરનારા, સ્વયં બુદ્ધિ ન ચલાવનારા હોય છે. તેમના પર દુ:ખ, શોકની ઘેરી અસર પડે છે. તે શાંતિપ્રિય અને સંતોષી હોય છે. કઠિન પરિશ્રમ કરવો તેમને ગમતો નથી. મિશ્રિત હાથમાં ઉપર્યુક્ત બધા પ્રકારના હાથનાં લક્ષણ હોય છે. પહેલી આંગળી અણીદાર, બીજી જુડેલી, સમકોણ અનામિકા તેની વિશિષ્ટતા છે. આવા લોકો આરંભે શૂરા હોવાથી ખાસ સફળ થતા નથી. નિકૃષ્ટ હાથનાં વધુ લક્ષણ લાપરવાહી બતાવે છે. પીપળના પાન જેવો હાથ પ્રશસ્ય છે. નાગની ફેણ જેવા હાથવાળા ધન-પુત્રવાળા બને છે.

હથેળી : હથેળીના મધ્યભાગ ઉપરની બાજુમાં બુધ, સૂર્ય, શનિ અને ગુરુ, બંને બાજુ ચંદ્ર-શુક્ર, તેની ઉપર મંગળ હોય છે. મધ્ય ભાગ રાહુનો છે. તે ઉપરથી મૃત્યુ, રોગ, વ્યસન, ઉપકાર, આદિનો વિચાર થાય છે. હથેળીની લંબાઈ, આંગળીઓની લંબાઈ જેટલી હોય તો વ્યક્તિ ભાગ્યશાળી, સુખી અને નીરોગી હોય છે. કોમળ અને ઢીલી હથેળી આળસ, મંદોત્સાહ બતાવે છે. કોમળની સામે દૃઢ હથેળી સાહસ, પ્રબળ ઇચ્છાશક્તિ આપે છે. લાંબી હથેળીવાળો પુરુષ સતત ક્રિયાશીલ હોય છે. નાની હથેળીવાળા વિચારે ઘણું પણ કામ ખોટું કરે. પહોળી હથેળી ઉદારતા સૂચવે છે. ઊંડી હથેળી સારી. ઊપસેલી હથેળી નાસ્તિકતા આપે. મિશ્ર પ્રકારની હથેળી દુષ્ટ બુદ્ધિ આપે. પાતળી, સૂકી હથેળી ભય, દુષ્ટતા, નિર્બળતા, હલકું ચારિત્ર્ય દર્શાવે. લાંબી મુલાયમ હથેળી પ્રેમાળ સ્વભાવ, આરામપ્રિયતા બતાવે. શુક્રનો ભાગ નીચો, જીવનરેખાની નજીક હોય તો નિરાશા અને રોગ સૂચવે છે. તેવી સ્થિતિ ભાગ્યરેખા સાથે અસ્થિર ભાગ્ય આપે. પણ રેખા તરફ નીચો ભાગ કુટુંબ કે મિત્રની સહાયનો અભાવ સૂચવે છે. બિલકુલ રેખા ન હોય કે વધુ રેખાઓ હોવી એ દુ:ખ અને ધનહીનતા સૂચવે છે. હથેળીમાં પસીનો રોગ અને નિર્બળતાનું સૂચન કરે. મોટી, ભારે હથેળી કામી બનાવે. નાની હથેળી વ્યર્થ અને વધુ બોલકો બનાવે છે. રક્તવર્ણી હથેળી ધનવાન, પીળી હથેળી અગમ્યાગમન કે ચીડિયો સ્વભાવ, પરસ્ત્રીસંબંધ, કામી, ધનહીનતા–દારિદ્રય દાખવે, ગુલાબી હથેળી સદભાગ્ય, ધન, સત્તા આપે. શ્વેત હથેળી ચતુર, સ્વાર્થસાધુ, કઠોર, પરદુ:ખે દુ:ખી થનાર સ્વભાવ સૂચવે છે.

અંગૂઠો : અંગૂઠાના, સુદૃઢ–સીધો અને કોમળ–ઝૂકેલો, એમ બે પ્રકાર છે. સીધો, કડક અંગૂઠો અનિશ્ચિતતા આપે. મસ્તકરેખા સીધી હોય તો સ્થિર સ્વભાવ સૂચવે. સ્વેચ્છાચારી, દૃઢ અને મિતભાષી સ્વભાવ એના વ્યક્તિત્વની વિશિષ્ટતા છે. કોમળ અંગૂઠો અસ્થિર સ્વભાવ, બધા સાથે હળવા-મળવામાં ચતુર અને વિદ્વત્પ્રિય વલણ બતાવે છે. પહોળો ચપટો અંગૂઠો વાતપ્રકૃતિસૂચક મનાય છે. મજબૂત અંગૂઠો બુદ્ધિ, ધીરજ, પાકો ઇરાદો સૂચવે છે. ચપટો, અંગૂઠાનો ઉપરનો ભાગ કોમળ અને રેખાવાળો હોય તો ડરપોક સ્વભાવ સૂચવે છે. લચીલા અંગૂઠાવાળો પુરુષ નકામી ચર્ચા કરે. કડક અંગૂઠાવાળો કર્મશીલ, સ્વભાવે શાંત, વિચારશીલ, સારી ગ્રહણશક્તિ અને ઓછો ખર્ચાળ હોય છે. નખના ભાગ તરફ વધુ પહોળો અંગૂઠો વિશેષે પાતળો હોતો નથી. આવા લોકો વ્યવહારકુશળ હોતા નથી. મિશ્રિત અંગૂઠાવાળા વિશ્વાસપાત્ર નથી હોતા. તેઓ ધોખાબાજ, ચતુર, સદાય વિરોધ કરનારા હોય છે. લાંબો અંગૂઠો પ્રેમાળ સ્વભાવવાળા અને નાનો અંગૂઠો કર્મશીલ બનાવે છે.

આંગળીઓ : લાંબી આંગળીવાળા લોકો વેપારી, એકાઉન્ટન્સી, ઇજનેરી, કારકુન જેવા વ્યવસાયો પસંદ કરે છે, જેમાં ઝીણવટભર્યું કામ કરવાનું હોય છે. શણગાર, સંગીતપ્રેમી કે કલાકારોની આંગળીઓ પણ આવા પ્રકારની હોય છે.

ટૂંકી આંગળીઓવાળા વકીલાત, વહીવટ, લેખક જેવા વ્યવસાયો પસંદ કરે છે. આવા લોકો સારગ્રાહી, ખંતીલા હોવાથી હાથ ધરેલું કામ પાર પાડે છે.

સુંવાળી આંગળીઓવાળા કલાપ્રેમી હોય છે. જ્યારે ગંઠાયેલી આંગળીઓવાળા તકસાધુ, વૈજ્ઞાનિક, ધનિક, તત્વવેત્તા, વક્તા, કુશળ રાજકારણી હોય છે. તેમનું બુદ્ધિકૌશલ્ય સારું હોય છે.

આંગળીઓમાં ચપટાં ટેરવાં કર્તવ્યનિષ્ઠ, કુશળ ઇજનેર, વૈજ્ઞાનિક, પ્રવાસી બને. શંખાકાર ટેરવાં કલાપ્રિય, સંગીત, નૃત્યની ચાહના દર્શાવે છે. અણિયાળાં ટેરવાં ઉત્કટ કલાપ્રેમ બતાવે છે. તેમની કલ્પનાશક્તિ પ્રબળ હોય છે. ઊર્મિશીલતા, ભક્તિ અને કલાપ્રેમ સૂચવે. ચોરસ ટેરવાંવાળા વ્યવહારપટુ અને શિસ્તબદ્ધ હોય છે. આંગળીઓમાં ટેરવાંના ભાગે પદ્મ, શંખ, ચક્ર અને ગદાનાં ચિહનો હોય છે. તે આંગળીઓના મૂળ ભાગે પહાડો હોય છે.

આકૃતિ 1

પર્વતો : અંગૂઠા પાસેથી તર્જની આંગળીના મૂળમાં ગુરુનો પહાડ હોય છે. અતિશય ઊપસેલો ગુરુ પ્રબળ સ્વાર્થ, મહત્વાકાંક્ષા અને આડંબર આપે. તે દ્વેષીલો, ઝેરીલો, સત્તાનો શોખીન હોય છે. કંઈક ગોરો વાન, મોટું કપાળ, વિશાળ આંખો, ભરાવદાર ભમ્મર, પહોળું મુખ, મોટા હોઠ હોય. અંગે રુવાંટી વધુ આવે. તેને કંઠરોગ, ચર્મરોગ, ગઠિયો વા જેવા રોગ થાય.

મધ્યમ ગુરુગિરિ ઉદારતા, સારો સ્વભાવ, ધર્મનિષ્ઠા, કલહવિમુખતા, મન્ત્ર-તંત્ર-ઇષ્ટદેવમાં નિષ્ઠા, ગુરુભક્ત બનાવે. જ્ઞાનપિપાસા તેનું પ્રઘાત લક્ષણ છે. મિષ્ટાન્નપ્રિય, મિતવ્યયી, સ્ફૂર્તિવાળા, બહોળું કુટુંબ સૂચવે. અધ્યયન, અધ્યાપન, યોગ, મંત્ર, જ્યોતિષ, લેખન આદિમાં અભિરુચિ, પ્રવાસપ્રેમ આપે છે.

મધ્યમા આંગળીના મૂળમાં શનિગિરિ છે. લાંબોપાતળો દેહ, શ્યામ વર્ણ, મધ્યમ ગતિ, લાંબો ચહેરો, પાતળા હોઠ, ગાલમાં ગાંઠ, સુંદર દાંત, મંદ ધ્વનિ, ગંભીર સ્વભાવ આપે. મિતવ્યયી, નિ:સ્વાર્થી, શાંત, ખાવાપીવામાં તટસ્થ, પરિવારના સભ્યોને તંગ કરે. તે ખેતી, જ્ઞાનપિપાસા, ગણિતપ્રેમી બને છે.

આ ગિરિ ઉપરથી કષ્ટ, વ્યસન, મૃત્યુ, સંપત્તિ, આપત્તિ, પોતાની બુદ્ધિ-કલ્પના વગેરે જોઈ શકાય છે.

ઊપસેલો શનિનો પર્વત વ્યક્તિને શાંત, એકાંતપ્રિય, જ્યોતિષ-ગુપ્તવિદ્યામાં રસ, કર્તવ્યનિષ્ઠા, જ્યોતિષપ્રેમ, કૃષિપ્રેમ, બાગકામ પ્રતિ પ્રેમ આપે. દબાયેલો શનિગિરિ ચંચળતા, વ્યર્થ ભ્રમણ, જુઠ્ઠાબોલાપણું, વ્યસનપ્રેમ, ડરપોકપણું, વિશ્વાસઘાત કરે તેવો સ્વભાવ સૂચવે છે. અતિ વિકસેલો શનિપર્વત નીચની સંગતિ આપે. નિર્ધન બનાવે. અસફળતા આપે. ઉદર અને મૂત્ર સંબંધિત રોગ આપે.

અનામિકાના મૂળે સૂર્ય તેજસ્વિતા આપે છે. મસ્તક ઊંચું, વિશાળ, તેજસ્વી કીકી, ગોળ ગાલ, લાંબા કાન, લાંબી ડોક આપે.

આવા લોકો થોડી મહેનતથી વધુ પામે. પ્રાકૃતિક સૌંદર્યને ચાહે. મિત્રતા અને શત્રુતા જલ્દી કરી બેસે. વિચારશક્તિ પ્રબળ બને. પ્રતિષ્ઠા, પદલાભ, વિદ્યા, ધર્મ, હાડકાંના રોગ સૂચવે. સાહસિક, ધીર, પરિશ્રમપ્રિય, ઉદ્યમી બને. દબાયેલો સૂર્યપર્વત ચારિત્ર્યહીનતા, દુશ્ચરિત્ર, ચિંતાને કારણે પરિવારને ધિક્કારે. તેને સ્ત્રીભોગી, ઘમંડી બનાવે. અલ્પસંતતિ થાય અને ગર્ભપાત થાય. વધુ વિકસેલો સૂર્યગિરિ વાચાળતા, નિષ્ઠુરતા, બંધુદ્વેષ, પરસ્ત્રી-ગામિત્વ, નેત્રરોગ, યકૃત-હૃદયના રોગ આપે.

નાની આંગળી-કનિષ્ઠિકાના મૂળમાં હૃદયરેખાની ઉપર બુધ પર્વત હોય છે. પરિશ્રમપ્રિય, સ્વભાવે ચંચળ, પ્રબળ વક્તૃત્વશક્તિ, નવા વિચાર આપે. વૈદિક, જ્યોતિષકળામાં અભિરુચિ આપે. કલાપ્રેમ આપે. વિકસેલો બુધગિરિ સાહસ, વિદ્વત્તા, તીક્ષ્ણ બુદ્ધિ, પ્રવાસપ્રેમ, કલાપ્રેમ આપે. શીઘ્ર લગ્ન કરાવે. દબાયેલો બુધગિરિ વિદ્યાપ્રેમી બનાવે. આર્થિક મુશ્કેલી પણ આવે. સદા ચિન્તાગ્રસ્ત રાખે. વધુ પડતો બુધનો વિકાસ વિશ્વાસઘાતી, જૂઠાબોલો, પ્રલાપ કરનારો, ધૂર્ત બનાવે.

બુધની નીચે ચંદ્રની ઉપર મંગળગિરિ આવે. બીજો મંગળ ગુરુગિરિ અને શુક્રગિરિની વચ્ચે આવે. પિત્તપ્રકૃતિ, ક્રોધ, આચારમાં ન માનવું, કલહપ્રિયતા આપે. ઊંચું મસ્તક, નાના કેશ, ગોળ ચહેરો, મોટી-ભૂરી-રતાશ પડતી આંખ, પોપટની ચાંચ જેવું નાક, ભારે કઠોર અવાજ આપે. અભિમાની બનાવે. રોગ, ભાઈ, ભૂમિ, પુત્ર, ધન, કુટુંબ, રક્તવિકાર સાથે આ ગિરિ સંકળાયો છે. વિકસિત મંગળ ઔદાર્ય, સાહસ, પ્રતાપ, ઉદ્યમશીલતા આપે. દબાયેલો મંગળ કલહપ્રિયતા, પૈતૃક ધન નષ્ટ કરનાર બનાવે. ગુરુની નીચેનો મંગળ આત્મવિશ્વાસ, ધીરજ આપે. વધુ પડતો વિકસેલો મંગળ સ્થાવર સંપત્તિ, પૈતૃક સંપત્તિમાં વૃદ્ધિ આપે. નિર્દયતા, રાષ્ટ્રદ્રોહ, ગુનાઇત માનસ આપે. બુધ નીચેના મંગળનો વિકાસ સાહસિક બનાવે.

બુધની નીચેના મંગળની નીચે રાહુ-કેતુથી ઘેરાયેલા ચંદ્રગિરિ સુવિકસિત હોય તો ગોરો વાન, પાતળી માંસપેશી, નાનું નાક, ગોળ મસ્તક, મોટા પગ, મંદ અવાજ આપે. અંધવિશ્વાસ, પાખંડ, શરીરની નાદુરસ્તી આપે. મન સાથે સંબંધિત હોવાથી પ્રેમાળ અને પ્રવાસ-પ્રિય સ્વભાવ દર્શાવે. જલોદર, ટી.બી., ઉન્માદના રોગો સૂચવે. ઊપસેલો શુક્ર હોય તો પ્રબળ વાસના અને ભાવુકતા આપે. નબળી મસ્તકરેખા દુ:ખદ પરિણામ આપે. ઊપસેલો ચંદ્ર દયાળુ, મધુરભાષી, સંગીતપ્રેમ, લેખનપ્રિય અને ભ્રમણશીલ બનાવે. અવિકસિત ચંદ્ર ચંચળતા આપે. વધુ પડતો વિકાસ, આળસ, પ્રબળ કલ્પનાશક્તિ, વ્યસનપ્રેમ આપે અને અસત્યભાષી બનાવે.

સુવિકસિત શુક્ર કલાપ્રેમ, મિત્રપ્રેમ, પ્રવાસ-અલંકાર-વસ્ત્રાભરણ તરફ પ્રેમ આપે. અતિવિકસિત શુક્ર કામી, સ્વચ્છંદી બનાવે. વિકૃતિ પણ આપે. દબાયેલો શુક્ર અલ્પકામી આપે. કપટી થાય. લાગણીશૂન્ય થાય.

રેખાઓ : હથેળીમાં આડી અને ઊભી રેખાઓ હોય છે. હૃદયરેખા, મસ્તકરેખા અને લગ્નરેખા આડી રેખાઓ હોય છે. આયુષ્યરેખા કે જીવનરેખા, મંગલરેખા, ભાગ્યરેખા, સૂર્યરેખા, બુધ કે આરોગ્યરેખા અથવા ધંધાની રેખાઓ ઊભી હોય છે. આ રેખાઓ લાલ, પીળી, કાળી, નીલવર્ણી, ધૂંધળી કે મધુવર્ણી હોય છે. લાલ રેખા આવેશ, સ્ફૂર્તિ, દાનશીલતા આપે. પીળી રેખા અભિમાન, ઉગ્ર સ્વભાવ, ક્રોધ અને ગાંભીર્ય સૂચવે છે. કાળી રેખા મૂર્ખતા, દુ:ખ અને કલહપ્રિયતા આપે. નીલવર્ણીરેખા ધૂર્ત, પાખંડી, દંભી બનાવે. બુધની રેખા નિષ્ફળતા આપે. મધુવર્ણ, બુદ્ધિમત્તા અને સુખ આપે.

રેખાઓના સ્નિગ્ધ, નિમ્ન, રુક્ષ, અતિનિમ્ન, ગંભીર (ઊંડી), સૂક્ષ્મ, સુમૂલિકા, છિન્ના, સપલ્લવા, સ્થાનચ્યુતા, વિષમા, સ્ફુરિત, તન્વી, વ્યક્તપૂર્ણા જેવા પ્રકારો છે. સ્નિગ્ધ, ગંભીર, સૂક્ષ્મા, સમૂલિકા અને વ્યક્તરેખા શુભ છે.

જીવનરેખાને આયુ, કુલ, ગોત્ર, અમૃત વગેરે નામે ઓળખવામાં આવે છે. અંગૂઠા અને તર્જનીની મધ્ય મંગળ ઉપરથી નીકળી શુક્ર પર્વતને ઘેરી મણિબંધમાં કેતુની પાસે પૂર્ણ થાય છે. જીવનમાં શુક્રનું પ્રાધાન્ય સૂચવે છે. શુક્રના પહાડનો વિસ્તાર કરતી જીવનરેખા, શુક્ર અને તેનું ક્ષેત્ર સંકુચન કરતી જીવનરેખા ઉદાસીન બનાવે છે. આ રેખા માનવીનું આયુષ્ય અને તંદુરસ્તી બતાવે છે. મોટી રેખા સારી. સંકુચિત રેખા સંકટ, માંદગી અને ટૂંકું આયુષ્ય બતાવે છે.

હૃદયરેખા બુધના પહાડ પાસેથી શરૂ થઈ ગુરુપર્વત સુધી જાય છે. ક્યારેક ગુરુ અને શનિની વચ્ચે કે શનિના પર્વત સુધી લંબાયેલ હોય છે. હૃદયરેખાનો અભાવ લાગણીહીનતા સૂચવે છે. હૃદયરેખાના અંતે બે કે વધુ ફાંટા પડતા હોય તો લાગણીતંત્ર વહેંચાયેલું હોય છે. સાંકળીરેખા (સાંકળ જેવો આકાર) બીમારી, આફત અને અવરોધો બતાવે છે.

આકૃતિ 2

મસ્તકરેખા આરંભનું સ્થાન નિશ્ચિત નથી. જીવનરેખાના મૂળ પાસેથી નીકળી હથેળીના બીજા છેડા સુધી અથવા જીવનરેખાના મૂળ પાસેથી નીકળી હથેળીના મધ્યભાગ સુધી લંબાય છે. ક્યારેક વચ્ચેથી ઉપર કે નીચે વળાંક લે છે. મસ્તકરેખા અને હૃદયરેખા વચ્ચે સમપ્રમાણ અંતર બુદ્ધિ અને લાગણી વચ્ચે સંતુલન બનાવે છે. ઝૂકેલી મસ્તકરેખા ચંદ્રના પ્રભાવમાં આવતાં લાગણીશીલ બનાવે છે.

હથેળીમાં ભાગ્યરેખાનું સ્થાન મહત્વનું છે. સ્પષ્ટ, નિર્દોષ ભાગ્યરેખા સફળતા આપે છે. ક્યારેક આ રેખા મણિબંધમાંથી નીકળી શનિના પહાડ તરફ જાય છે, તો ક્યારેક આ રેખા જીવનરેખામાંથી નીકળતી હોય છે. તો ક્યારેક શુક્રના પહાડ ઉપરથી તેનો ઉદભવ થયો હોય છે. ક્યારેક મંગળના પહાડમાંથી તેનો ઉદભવ થયો હોય છે. રાહુક્ષેત્ર કે હૃદયરેખા, ચંદ્રના પહાડમાંથી કે મસ્તકરેખામાંથી આ રેખા નીકળી શનિ ઉપર જતી હોઈ શનિરેખા તરીકે પણ તે ઓળખાય છે. આ બધા પ્રકારોમાં મણિબંધથી શનિપર્વત પર્યંત લંબાતી રેખા શુભ ગણાય છે.

સૂર્યરેખા કે યશરેખા શુક્ર ઉપરથી, જીવનરેખાની સમાપ્તિથી, મંગળના પહાડ ઉપરથી કે મસ્તક અથવા હૃદયરેખા ઉપરથી ઉદભવી સૂર્ય તરફ જાય છે. લાંબી, સ્પષ્ટ, સીધી રેખા યશ, પ્રતિષ્ઠા આપે છે. તેને કાપતી નાની રેખાઓ અવરોધ આપે, ઊભી રેખાઓ સહાયક બને. આ રેખા કપાય તો દેવું, બીમારી રહે. ત્રિશૂળનું ચિહન, યશ, સફળતા, દાનશીલતા સૂચવે છે.

આરોગ્ય કે બુધરેખા બુધ ઉપર અંત પામે છે. શુક્રપર્વત, જીવનરેખા, શનિપહાડ, ભાગ્યરેખા. મંગળના પહાડમાંથી આ રેખા નીકળે છે. સ્પષ્ટ, લાંબી, ઊંડી રેખા બુદ્ધિકૌશલ્ય, વેપારનૈપુણ્ય વગેરે આપે.

બુધના પહાડની નીચે અને હૃદયરેખાની ઉપર આવેલી રેખાઓને લગ્નરેખા કે પ્રણયરેખા કહે છે. બેત્રણ રેખાઓમાંથી સ્પષ્ટ લાંબી રેખા જ લગ્નરેખા છે. હૃદયરેખાથી જેટલી દૂર એટલાં લગ્ન મોડાં થાય.

લગ્નરેખા ઉપર-નીચે ફૂટેલ ઝીણી ઝીણી રેખાઓ સંતાનરેખાઓ છે. ઉપરની બાજુ ફૂટતી રેખાઓ પુત્રની અને નીચે ફૂટતી રેખાઓ પરથી પુત્રીની સંખ્યા ગણાય છે.

મંગળરેખા મંગળના પહાડમાંથી નીકળી પોંચા તરફ આયુષ્યરેખામાં સમાય છે. લાંબી-ઊંડી રેખા ઉત્સાહી બનાવે. આને આયુષ્યરેખાની ભગિનીરેખા પણ કહે છે.

શુક્રકંકણ : ગુરુની આંગળીની વચ્ચેથી નીકળી શનિ-રવિના પહાડ નીચેથી પસાર થઈ સૂર્ય કે બુધ પાસે વિરામ પામે છે. આને શુક્રકંકણ કે હૃદયરેખાની ભગિનીરેખા કહે છે. આવા લોકો સુખ-લાલસા ધરાવે છે.

મંગળક્ષેત્રમાંથી નીકળી જીવનરેખાની પછીની રેખા કે વચલી આંગળીના તળ ભાગે ચંદ્ર હોય તો યાત્રા કરાવે છે. તે યાત્રા-સમુદ્રયાત્રા કરે. ચંદ્રમાંથી નીકળી રેખા શુક્રક્ષેત્ર કે નેપ્ચ્યુનમાંથી પસાર થાય તો વિદેશયાત્રા કરાવે. રાહુક્ષેત્ર, ચંદ્રક્ષેત્ર કે મણિબંધ ઉપરની આવી રેખાઓ બુધ કે સૂર્ય તરફ જાય તો અવશ્ય વિદેશયાત્રા થાય.

નાનીમોટી રેખાઓનાં જાળાં અને ચિહનો અશાંત મન, ઉશ્કેરાટ, વિલાસપ્રિયતા, વ્યસન તરફ રુચિ બતાવે છે. આવાં ચિહનો વિશે હવે જોઈએ.

હથેળીનાં વિવિધ ચિહનો : જેના હાથમાં કુંડળ, ચક્ર, અંકુશનાં ચિહન હોય તે રાજા, મંત્રી બને. એકાદ ચિહન હોય તો પ્રાંતીય મંત્રી કે ઉપમંત્રી બને. જેના હાથમાં પર્વત, યોનિ, કળશ આદિ ચિહન હોય તો મંત્રી, ઉપમંત્રી કે સચિવ બને. તોમર, તલવાર, શક્તિ, બાણનાં ચિહન હોય તે ધનિક કે પદાધિકારી થાય. જેના હાથમાં ઘોડો, યજ્ઞકુંડ, વૃક્ષ, ધજા, ચામર, યજ્ઞવેદીનું ચિહન હોય તે મહાપુરુષ, કુશળ રાજનીતિજ્ઞ બને. જેના હાથમાં કમળપુષ્પ, શંખ, ચક્ર, માછલી, યજ્ઞપતાકા, રથ આદિનાં ચિહન હોય તે મહામંત્રી કે મહાપુરુષ થાય.

મત્સ્ય : માછલીનું ચિહન સફળતા, પુત્રપૌત્રાદિ સંતતિ, ઐશ્વર્ય આપે. તલવાર ધનુષ્યનું ચિહન વીર બનાવે. કમળપુષ્પ કે અષ્ટકોણ ધનવાન અને પુત્રવાન, રાજા કે રાણી જેવો વૈભવી થાય. ચતુષ્કોણ, નગર, વજ્જ, ગામ-નગરનું ચિહન વેપારથી ધનપ્રાપ્તિ કરાવે. શંખ-ચક્રનાં ચિહન પાંડિત્ય, ધજાચિહન વેદ અને યજ્ઞકર્મમાં રુચિ આપે. સૂર્ય ચંદ્ર, ત્રિકોણ, અષ્ટકોણ, લતા, મંદિરનાં ચિહન નગરપતિ, ગ્રામપતિ બનાવે. સૂર્ય ઉપર અર્ધચંદ્ર-બાલચંદ્ર આંખોનું કષ્ટ આપે. અસત્યભાષી બનાવે. ત્રીજી આંગળીના નીચેના ભાગે દરિદ્રી બનાવે. ચંદ્ર ઉપર જળઘાત આપે. જીવનરેખા ઉપર આ ચિહન મંત્રતંત્રમાં અભિરુચિ આપે.

વર્તુળ : વર્તુળ ગ્રહોના પહાડ ઉપર અશુભ છે. પણ સૂર્યક્ષેત્રમાં ધન, યશ, સુખ આપે. ગુરુ ક્ષેત્રમાં યશ, સન્માન આપે. ચંદ્ર ઉપર મૃત્યુ કે અકસ્માત કરાવે. શનિ ઉપર ધાતુવિદ્યાથી ઉદય કરાવે. બુધ ઉપર વ્યસની બનાવે. સ્ત્રીઓને ચંદ્રક્ષેત્રમાં આ ચિહન યોનિરોગ આપે. પુરુષને બંને હાથમાં આ ચિહન અલ્પાયુ આપે. નાનકડું વર્તુળ પુરુષને બળવાન બનાવે. જીવનરેખા ઉપર આંખનું દર્દ આપે. વ્યાપાર નિષ્ફળ થાય. મસ્તક રેખા ઉપર મનોરોગ આપે. તે સાથે ચોકડી હોય તો ગાંડપણ પણ આવે. જીવનરેખા અને મસ્તકરેખાની વચ્ચે આ ચિહન અને બંને તૂટક રેખાઓ અપમૃત્યુસૂચક છે.

ચોકડી : સામાન્ય રીતે ચોકડીના ચિહને અશુભ માનવામાં આવે છે. તે અંતરાયસૂચક છે. જ્યાં આ ચિહન હોય તે ક્ષેત્ર અંતરાયયુક્ત બને. ગુરુના પહાડ ઉપર મસ્તકશૂળ આપે. પણ જો તૂટક ન હોય તો શુભ અને ધનદાયક બને. ચંદ્ર ઉપર ચોરવૃત્તિ, અસત્ય ભાવો અને જળરોગથી મૃત્યુ આવે. શુક્ર ઉપર અંગૂઠાની નીચે પ્રેમમાર્ગમાં વિઘ્ન આવે. બુધ ઉપર ચૉકડી ચોરવૃત્તિ આપે. કનિષ્ઠિકાના ત્રીજા છેડા ઉપર હોય તો તેનાં લગ્ન પ્રાય: થતાં નથી. શનિ ઉપર અસ્વાસ્થ્ય આપે. મંગળ ઉપર ક્લેશપ્રિય, ક્રોધી અને ક્યારેક આત્મઘાતી બનાવે. સૂર્ય ઉપર અલ્પધન આપે. શનિ ઉપર લકવો સૂચવે. ક્યારેક તો મૃત્યુ પણ પામે. જીવનરેખા ઉપર મસ્તકરોગ, દાવા-વિવાદમાં ફસાય. ભાગ્યરેખા ઉપર હોય તો દુ:ખ–બાધા–મુશ્કેલી આપે. શુક્ર ઉપર માતાપિતાના સુખનો અભાવ આપે. હૃદયરેખા ઉપર પ્રિયજનનો વિરહ કરાવે.

ચૉરસ : ચૉરસનું ચિહન દુર્ઘટનાથી બચાવ કરે છે. સૂર્ય ઉપર વ્યાપારમાં સફળતા આપે. ચંદ્ર ઉપર જળરોગથી મુક્તિ આપે. મંગળ ઉપર અકસ્માતથી બચાવે. બુધ ઉપર ધનવાન, યશ અને સામાજિક ગૌરવ આપે. ગુરુ ઉપર માન, ગૌરવ, ઉન્નત પદ આપે. શુક્ર ઉપર પ્રેમમાં સહાય મળે. શુક્ર મંગળની સાથે હોય તો પ્રેમસંબંધને લીધે કારાવાસ અને શનિ ઉપર તે આફતમાં રક્ષા કરે. તૂટક જીવનરેખા ઉપર તે રક્ષક છે. મસ્તકરેખા ઉપર રોગથી રક્ષણ કરે. વક્તૃત્વશક્તિ આપે. હૃદયરેખા ઉપર તે અસંભવિત કાર્ય પણ કરવાની ક્ષમતા આપે.

ત્રિશૂળ : સદભાગ્યનું દ્યોતક આ ચિહન ધન, સુખ, દૃઢ નિશ્ચય આપે. હથેળીમાં વચ્ચે વધુ શુભ, ધર્મનિષ્ઠ, ગુરુજનસેવાની વૃત્તિ, પ્રતાપ, પ્રસિદ્ધિ આપે.

રેખાઓનું જાળું : આ ચિહન શુભ ફળનો નાશ કરે. સૂર્ય ઉપર મંદબુદ્ધિ, ક્રૂરતા આપે. ચંદ્ર ઉપર વ્યર્થ ચિન્તાઓ, કમનસીબ, કંજૂસાઈ અને આત્મગ્લાનિ આપે. મંગળ ઉપર અપમૃત્યુ, ઉદરરોગ આદિ કરાવે. બુધ ઉપર બેઈમાની, અસત્ય ભાષણ, કેદ કરાવે. શુક્ર ઉપર વિલંબે લગ્ન, કલહપ્રિયતા, ઓછી વિદ્વત્તા અને ઘમંડ આપે. વ્યભિચાર, ભોગલાલસા પાછળ ઉન્માદ કેદ આપે. શનિ ઉપર નીચકર્મ કરાવે. જીવનરેખા ઉપર નિર્ધનતા, મસ્તકરેખા ઉપર નીચ વિચાર. અકર્મપરતા, નીચ બુદ્ધિ અને હૃદયરેખા ઉપર હૃદયની તકલીફ આપે.

ત્રિકોણ : સૂર્ય ઉપર ત્રિકોણ કલારસિક બનાવે. મંગળ ઉપર વીરતા, શૌર્ય-સંબંધિત કાર્ય કરાવે. બુધ તરફ ઢળતો હોય તો સર્જન બને. ગુરુ ઉપર સેવાકાર્ય કે સરકારી નોકરી આપે. શુક્ર ઉપર કામી બનાવે. ગણિતપ્રેમ આપે. શનિ ઉપર મંત્રતંત્રના જ્ઞાતા બનાવે. જીવનરેખા ઉપર ધન, ઐશ્વર્ય આપે, ભાગ્યરેખા ઉપર અનાયાસ ધનપ્રાપ્તિ, મસ્તકરેખા ઉપર પૈતૃક સંપત્તિનો લાભ, જીવનરેખા ઉપર માતૃસંપત્તિ કે મોસાળની સંપત્તિનો લાભ આપે. ત્રણે મુખ્ય રેખાઓનો ત્રિકોણ ધન, શુભ ચારિત્ર્ય આપે. સ્વાસ્થ્યરેખા, જીવનરેખા અને અંતે મસ્તકરેખા ઉપર દીર્ઘ આયુષ્ય આપે.

યવ : અંગૂઠાની મધ્યમાં યવનું ચિહન કુલદીપક બનાવે છે. તે વિદ્વાન, બુદ્ધિમાન, ગુણિયલ, ધનવાન બને છે. સૂર્ય ઉપર આ ચિહન ઉડાઉપણા અને અપયશની નિશાની છે. બુધ ઉપર ચોરવૃત્તિ, અસત્ય ભાષણ અને વ્યભિચારી-વિલાસીપણાની નિશાની છે. ગુરુ પર આ ચિહન કલહપ્રિયતા, મર્યાદાહીનતા આપે છે. શુક્ર ઉપર પ્રેમીઓમાં કલહ કરાવે. જીવનરેખા અને મસ્તકરેખા ઉપર પ્રેમાંધતાથી આપઘાત કરાવે. કેવળ જીવનરેખા ઉપર આ ચિહન આકસ્મિક બીમારી આપે. મસ્તકરેખા ઉપર મસ્તકશૂળ આપે. વિવાહરેખા ઉપર સ્ત્રીપુરુષમાં અણબનાવ આપે. સૂર્યરેખા સુધી લંબાતો દ્વીપ-યવ અપમાન અપયશ આપે. હૃદયરેખા ઉપર તે નિરાશા જન્માવે. ભાગ્યરેખા ઉપર હોય તો બાળવયે માબાપ ગુમાવે. સ્ત્રીના હાથમાં લોભામણી જાળમાં ફસાય છે.

કોણ : બે રેખાઓથી કોણ બને. રેખાઓના સ્વરૂપ પ્રમાણે તે ફળ આપે. જીવનરેખા અને સ્વાસ્થ્યરેખાનો કોણ અસ્વાસ્થ્ય અને વ્યાપારવૃદ્ધિ આપે. મસ્તકરેખા અને હૃદયરેખાથી બનતો કોણ બુદ્ધિ, દીર્ઘાયુ, સ્વાસ્થ્ય, વ્યવહારપટુતા, તર્કસંગતિ આદિ આપે. મસ્તકરેખા અને જીવનરેખાથી થતો કોણ ચારિત્ર્યબુદ્ધિ, વિદ્વત્તા અને બુદ્ધિમત્તા આપે. આ કોણ સુવિકસિત ન હોય તો દુશ્ચરિત્ર, આળસ અને અસભ્યતા આપે. આવો કોણ ન હોય તો વ્યક્તિ સ્વતંત્ર વિચાર ધરાવે.

આમ હાથનાં ચિહનોની માફક પગ, પગના અંગૂઠા અને પંજાના આકાર તથા ચિહનો ઉપરથી પણ વ્યક્તિત્વનો અંદાજ મેળવી શકાય છે. ભાગવતપુરાણમાં ગોપીઓએ સ્ત્રીપુરુષનાં પગલાંમાંથી શ્રીકૃષ્ણનાં પગલાં શોધી કાઢ્યાં હતાં. પ્રાચીન સમયમાં પગીઓ પગના અભ્યાસથી ગામની અને પરગામની વ્યક્તિનાં પગલાં પારખી ચોરી, લૂંટના ગુનાઓ ઉકેલવામાં સહાયભૂત થતી હતી. આવી જ રીતે સામુદ્રિકશાસ્ત્રમાં તલ, મસા, માથાનો આકાર, કપાળની રેખાઓનો અભ્યાસ પણ બતાવાયો છે. (હાથની રેખાઓના અભ્યાસ માટે આ સાથે બે ચિત્રો આપવામાં આવ્યાં છે.)

કનુભાઈ પંચાલ

દશરથલાલ ગૌ. વેદિયા