હસ્તમૈથુન (Masturbation)

February, 2009

હસ્તમૈથુન (Masturbation) : સ્ત્રીના સહવાસ વિના જ્યારે પુરુષ પોતે સ્વપ્રયત્નથી જાતીય ઉત્તેજનાનો અનુભવ કરે તેને લગતી લૈંગિક ક્રિયાની રીત. મૈથુન અથવા સંભોગની ક્રિયા નર અને માદા, પુરુષ અને સ્ત્રી વચ્ચે તેમનાં જાતીય અંગોના સહિયારા સહવાસ દ્વારા થાય છે જે અંતે પુરુષમાં વીર્યસ્રાવ તેમજ પુરુષ અને સ્ત્રી બંનેમાં સામાન્યત: જાતીય સુખની ચરમ સીમા(orgasm)માં પરિણમે છે. પુરુષ જે ક્રિયા પોતાના લિંગના સ્ત્રી-યોનિના સહવાસ દ્વારા કરે છે તે ક્રિયા પોતાના લિંગને પોતાના હાથની હથેળીમાં પકડી કરે, તેથી જાતીય ઉત્તેજના અનુભવે અને પરિણામે વીર્યસ્રાવ થાય તેમજ જાતીય સુખની ચરમસીમા અનુભવાય તેને હસ્તમૈથુન કહે છે. હસ્તમૈથુન એ સ્વપ્રયાસથી જાતીય ઉત્તેજના પ્રાપ્ત કરવાની એક રીત છે. સામાન્ય વપરાશની ભાષામાં હસ્તમૈથુનનો ‘હસ્તદોષ’ તરીકે પ્રયોગ થાય છે; પરંતુ ‘દોષ’ શબ્દમાં નકારાત્મક ભાવની છાયા છે. તેથી ‘મૈથુન’ શબ્દ વધારે યોગ્ય છે.

હસ્તમૈથુન દ્વારા જાતીય ઉત્તેજના અને સુખ પ્રાપ્ત કરવું એ કોઈ અપવાદરૂપ ક્રિયા નથી. સામાન્યત: ટીન-એજ, પુખ્ત વયમાં પ્રવેશ થયા પછી હસ્તમૈથુન સાર્વત્રિક રૂપે થતી ક્રિયા છે, જે લગ્ન પછી પણ અમુક સંજોગોમાં પ્રાસંગિક રૂપમાં ચાલુ રહે છે. જુદા જુદા અનેક પ્રદેશોમાં વસતાં જૂથો વિશે થયેલાં સર્વેક્ષણો બતાવે છે કે 80થી 94 ટકા પુરુષો હસ્તમૈથુન કરતા હોય છે અને તેનો 10થી 15 વર્ષની વયમાં આરંભ થઈ જાય છે. આનાથી નાની ઉંમરે શિશુવયમાં પણ હાથ દ્વારા જાતીય અંગ સાથે રમત કરી ઉત્તેજના પ્રાપ્ત કરવાની ચેષ્ટાઓ થતી હોય છે. શરૂઆતમાં હસ્તમૈથુનની વારંવારતા વધારે હોય છે. 17થી 20 વર્ષની વયમાં કેટલાક યુવકો માટે આ રોજિંદી ક્રિયા હોય છે. પછી વારંવારતામાં ઘટાડો આવે છે.

સ્ત્રીઓમાં પણ પોતાની જાતે જાતીય અંગને ઉત્તેજિત કરી સુખ અનુભવવાની હસ્તમૈથુનની ક્રિયા થાય છે. પુખ્ત વયમાં પ્રવેશ કરતી ‘ટીન-એજ’ કિશોરીઓ યોનિના બાહ્ય આવરણ ઉપર દબાણ આપી, યોનિમાં આંગળી દાખલ કરી, ભગાંકુર(clitoris)ને દબાણ આપી તેમજ મસળવાની ક્રિયા દ્વારા જાતીય ઉત્તેજના અને આનંદનો અનુભવ મેળવે છે. પુખ્ત વયની સ્ત્રીઓમાં મહિનામાં આઠથી દસની વારંવારતા જોવા મળે છે.

હસ્તમૈથુન એટલે ‘જાતીય અંગ સાથે રમત’ એવો અર્થ કરીએ તો આ ક્રિયા અત્યંત નાની વયથી શરૂ થઈ જાય છે. નાનું બાળક છોકરો કે છોકરીને શરીર ઉપર હાથ પસરાવતાં જાતીય અંગ સાથે સ્પર્શ થતાં, સ્પર્શસુખનો આનંદ અને અસ્પષ્ટ પ્રકારની જાતીય ઉત્તેજનાનો અનુભવ થાય છે, પછી તે વારંવાર પોતાના અંગ સાથે રમત કરવા લલચાય છે. બાળકોમાં અંગને જાતે સ્પર્શ કરી આનંદ મેળવવાની આ પ્રક્રિયા, હસ્તમૈથુનને દૂર કરવી અશક્ય છે.

બાળકો તેમજ કિશોરોમાં હાથના ઉપયોગ સિવાય અન્ય રીતોથી પણ જાતીય ઉત્તેજના અને આનંદ અનુભવાય છે; લિંગ ઉપર ઓશીકું કે કશાકથી દબાણ આપીને, સખત પદાર્થ સાથે અંગનું ઘર્ષણ થાય તેવાં હલનચલન કરીને, લિંગ ઉપર નળના પાણીની ધાર વાળીને, જાતીય રમતો દ્વારા, એકબીજાના લિંગને સ્પર્શ કરીને વગેરે રીતે. બાળકીઓ તેમજ કિશોરીઓમાં યોનિના બાહ્ય આવરણ ઉપર દબાણ આપીને, જીન્સ પેન્ટની સિલાઈનો સાંધો અંગ ઉપર ઘસાય તેવાં હલનચલનો કરીને, યોનિમાં લિંગ આકારની લંબાઈનો પદાર્થ નાખીને, વાઇબ્રેટરના ઉપયોગથી વગેરે રીતોથી ઉત્તેજના અનુભવાય છે. પુરુષોમાં ગુદામાં આંગળી નાંખી પ્રોસ્ટેટ ગ્રંથિ ઉપર દબાણ કરવાથી, વૃષણને મસળવાથી જાતીય ઉત્તેજનાનો અનુભવ ઊપજે છે. સ્ત્રીઓને પણ ગુદામાં આંગળી નાખવાથી, સ્તનની ડીંટડીને મસળવાથી, બે પગને આંટી મારી યોનિ ઉપર દબાણ આવવાથી જાતીય ઉત્તેજના ઊપજે છે.

સામાન્યત: લગ્ન પહેલાં વિજાતીય પાત્રની ગેરહાજરીમાં હસ્તમૈથુન દ્વારા જાતીય ઉત્તેજના અને સુખ મેળવવાનું સ્વાભાવિક છે. કેટલેક અંશે લગ્ન પછી પણ હસ્તમૈથુન ચાલુ રહે છે. જોકે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં લગ્ન પછી હસ્તમૈથુનનું પ્રમાણ વધારે જોવા મળે છે. જાતીય સંભોગ દ્વારા સ્ત્રી કે પુરુષને પૂર્ણ સુખપ્રાપ્તિનો અનુભવ ન થતો હોય તો બંનેને હસ્તમૈથુન દ્વારા કામવાસનાની ચરમસીમાનો અનુભવ થઈ શકે છે. સંભોગની રીત ઉપરાંત એકબીજાંનાં અંગોનું મર્દન કરી જાતીય સુખનો અનુભવ સ્ત્રી તેમજ પુરુષ બંનેના માટે નવીન તેમજ વધારે ઉત્તેજનાસભર લાગતો હોય છે. સજાતીય સંબંધમાં બે પુરુષો તેમજ બે સ્ત્રીઓમાં એકબીજાને હસ્તમૈથુન દ્વારા આનંદ આપવાનું વલણ વધારે પ્રમાણમાં પ્રવર્તતું હોય છે. જાતીય ઉત્તેજના ઉપજાવે તેવા વાતાવરણના સંપર્કમાં સતત રહેવાથી, જેમ કે સમવયસ્કો વચ્ચે જાતીય બાબતોની ચર્ચા, ‘પોર્નોગ્રાફિક’ સાહિત્યનું વાંચન તેમજ તેવી ફિલ્મો, શરીરમાં હોર્મોનલ સ્રાવોમાં વિષમતા વગેરે પરિસ્થિતિઓમાં હસ્તમૈથુન કરવાની કામના અને પ્રમાણ વધે છે.

પુરુષો અનેક રીતોથી હસ્તમૈથુન કરે છે. હથેળીથી લિંગ ફરતી મૂઠી વાળીને ઊંચું-નીચું કરીને અથવા લિંગની અગ્રત્વચાને આગળ પાછળ કરીને લિંગને ઉત્તેજિત કરી વીર્યસ્રાવ કરવો એક રીત છે. શિશ્નના અગ્રભાગ (glans) ઉપર મસાજ કરીને કે આંગળી અને અંગૂઠાથી અગ્રભાગ ઉપર દબાણ આપવાથી પણ જાતીય ઉત્તેજનાનો અનુભવ થાય છે. જેની સુન્નત કરવામાં આવી છે તેવા યુવકોમાં અગ્રભાગને મસળી કે દબાણ આપી ઉત્તેજિત થવાની રીત વધારે પ્રમાણમાં હોય છે. કૃત્રિમ યોનિમાં લિંગ દાખલ કરી વીર્યસ્રાવનો આનંદ માણવામાં આવે છે. ‘ઉપર-નીચે કરો અને અટકો’ એટલે કે લિંગને હલનચલન કે મસળી, દબાવીને ઉત્તેજિત કર્યા પછી વીર્યસ્રાવની ક્ષણ આવે તે પહેલાં અટકી જાઓ, અને લિંગ નરમ પડ્યા પછી હિલચાલ શરૂ કરો. આમ વારંવાર કરવાથી હસ્તમૈથુન દ્વારા જાતીય આનંદ મેળવવાની સમયાવધિ અને આનંદની તીવ્રતા વધારી શકાય છે. હસ્તમૈથુન કરતી વેળા વ્યક્તિ પોતાના પ્રિયપાત્ર કે ‘સેક્સી મૉડલ’ સાથે સંભોગ કરવા કલ્પનાવિહારમાં રાચે તો તે વધારે ઉત્તેજના અનુભવે છે. હસ્તમૈથુનની વિશેષતા એ છે કે વ્યક્તિ પરિણીત ન હોય, પરિણીત હોય તોપણ લગ્નજીવનમાં પતિ કે પત્ની દૂર હોય અથવા લગ્નથી તેમને પૂર્ણ સંતોષ ન મળતો હોય, વ્યક્તિ એકલવાયી હોય, વિધુર કે વિધવા પરસ્ત્રી કે પરપુરુષ સાથે સમાગમનો સંકોચ હોય, એઇડ્ઝ કે જાતીય રોગનો ડર હોય, આવી જાતીય અતૃપ્તિની પરિસ્થિતિઓમાં હસ્તમૈથુન દ્વારા જાતીય આનંદ મેળવવાનો સરળ અને ઉત્તમ વિકલ્પ છે.

હસ્તમૈથુન વિશે નિષેધો : આજે જાતીય શિક્ષણનો પ્રચાર છતાં જાતીયતા વિશે માત્ર અજ્ઞાનતા જ નહિ; પરંતુ ગેરસમજ, ખોટી માન્યતાઓ, વહેમો તેમજ પૂર્વગ્રહો અને તજ્જન્ય અનેક પ્રકારનાં બંધનો અને નિષેધો પ્રવર્તે છે. દુનિયાની લગભગ તમામ પ્રજાઓ અને સભ્ય સંસ્કૃતિઓમાં જાતીય બાબતો વિશે ગુપ્તતા સેવવી, પરસ્પર તેમજ જાહેરમાં ચર્ચા ન કરવી, મુખમૈથુન, હસ્તમૈથુન વગેરે વિશે માત્ર નિષેધો જ નહિ; પરંતુ એમ કરવું અનૈતિક અને પાપ છે એમ મનાય છે. બાળકને તેની લિંગ સાથેની હરકતો, જાતીય રમતો વગેરે વિશે ‘આ તો ગંદું છે’, ‘અનિચ્છનીય છે’ એમ કડકાઈથી કહી રોકવામાં આવે છે. આવાં નકારાત્મક વલણોને પરિણામે હસ્તમૈથુન વિશે વ્યક્તિમાં પાપભાવના, અપરાધ અને અનુચિત કર્યાની લાગણી જન્મે છે.

બાઇબલમાં હસ્તમૈથુનનો Onanism તરીકે ઉલ્લેખ છે અને તે વિશે નિષેધ ફરમાવવામાં આવ્યો છે.

લંડનમાં 1716માં એક પત્રિકા વહેંચાઈ જેમાં હસ્તમૈથુન ‘પાપ’ હોવા ઉપરાંત તેનાથી ગોનોરિયા, એપિલેપ્સી, નપુંસકતા ઊપજે છે એમ કહેવાયું હતું. 1760માં સેમ્યુઅલ ટીસોટે (Samual Tissot) હસ્તમૈથુન તબીબી દૃષ્ટિએ હાનિકારક છે એવો લેખ લખ્યો જેનાથી પ્રભાવિત થઈને ઇમ્માનુએલ કાન્ટ, વૉલ્ટેર જેવા વિદ્વાનોએ પ્રભાવિત થઈ હસ્તમૈથુનથી થતા નુકસાન ઉપર ભાર મૂક્યો. હસ્તમૈથુન વિશેનાં પાપગ્રંથિયુક્ત વલણોમાં વીસમી સદીમાં બદલાવ આવવા માંડ્યો. 1940–1950ના ગાળામાં આલ્ફ્રેડ કિન્સેએ પુરુષ તેમજ સ્ત્રીઓના જાતીય વ્યવહારો વિશેના હેવાલમાં હસ્તમૈથુનને સાહજિક, તેમજ મૂળવૃત્તિજન્ય ક્રિયા ગણાવી અને હસ્તમૈથુનની વારંવારતાના આંકડા પણ આપ્યા.

હસ્તમૈથુન વિશે પ્રજાના તમામ વર્ગો અને ધર્મોમાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ, વહેમો અને નિષેધો પ્રવર્તે છે. હસ્તમૈથુન વિકૃત, અકુદરતી અને અપવ્યાપાર છે, તેથી વ્યક્તિ ર્નિર્વીર્ય થઈ જશે, જાતીય શક્તિ હણાઈ જશે, વીર્ય પાતળું પડી જશે, લગ્નજીવન ભોગવી શકશે નહિ, પ્રજનનશક્તિ ક્ષીણ થઈ જશે, શરીર ઉપર ચાંદાં અને ડાઘા પડશે, આંખની નીચે કાળા કૂંડાળાં થશે, ક્ષય, એપિલેપ્સી જેવા રોગનો ભોગ બનશે, માથાના વાળ ઊતરશે, હથેળીમાં વાળ ઊગશે. શરીરનો વિકાસ કુંઠિત થઈ જશે વગેરે જેવી અનેક ખોટી માન્યતાઓ અને વહેમોથી આપણો યુવાવર્ગ પીડાય છે. આવી નકારાત્મક ડરામણી માન્યતાઓ છતાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હસ્તમૈથુનથી મુક્ત રહી શકે છે અને પરિણામે હસ્તમૈથુન કર્યા પછી વ્યક્તિ પાપ અને અપરાધભાવનાથી, તેમજ લગ્નજીવનમાં નિષ્ફળતાના ડરથી પીડાય છે.

હસ્તમૈથુન તંદુરસ્ત વ્યાપાર છે : મનોવિજ્ઞાનીઓ, મનોરોગચિકિત્સકો, જાતીયતાના નિષ્ણાતો હવે નિ:શંકપણે માને છે કે હસ્તમૈથુન સ્વાભાવિક અને તંદુરસ્ત વ્યાપાર છે. હસ્તમૈથુનની વારંવારતા વધારે પડતી કે ઓછી કહેવાય એનો કોઈ માપદંડ નથી. હસ્તમૈથુન વિશે પ્રવર્તતા વહેમો, ગેરમાન્યતાઓમાં કોઈ તથ્ય નથી, ઊલટું જાતીય વંચિતતાની કેટલીક પરિસ્થિતિઓમાં જાતીય અતૃપ્તિથી ઉત્પન્ન થતી તાણ દૂર કરવા માટે હસ્તમૈથુન અતિ આસાન માર્ગ છે. માનસિક સ્વાસ્થ્યના પુરસ્કર્તાઓ માને છે કે હસ્તમૈથુન માનસિક તાણ, અવસાદ, ઉદાસીને દૂર કરવામાં મદદ કરે છે. હસ્તમૈથુન પછી વ્યક્તિને રાહત તેમજ પોતાની જાત વિશે પોતે સક્ષમ છે, નકામો નથી એવી લાગણી પ્રબળ બને છે. જાતીય અતૃપ્તિના પરિણામે ચીડ, અજંપો, અસ્વસ્થતા જેવી આવેગિક સમસ્યાઓ અનુભવતી વ્યક્તિ માટે હસ્તમૈથુન સલામત, વિધાયક અને તંદુરસ્ત માર્ગ છે. હસ્તમૈથુનથી પ્રોસ્ટ્રેટ ગ્રંથિને કૅન્સર થવાની સંભાવના ઘટે છે, ઊંઘ દરમિયાન જાતીય સ્વપ્નો અને રાત્રિવીર્યસ્રાવનું પ્રમાણ ઘટે છે. શરીરમાં જાતીય હોર્મોનલ સ્રાવોનું પ્રમાણ વધવાથી વ્યક્તિ ઉત્સાહિત અને ઉલ્લાસમય રહે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ચેપ લાગવાની સંભાવના ઘટે છે. હસ્તમૈથુન કરતી સ્ત્રીઓમાં માસિક રજસ્રાવના દિવસોમાં આવતા આંચકા અને સણકામાં ઘટાડો આવે છે.

હસ્તમૈથુનની વારંવારતા ઊંચી હોવાના કેટલાક કિસ્સાઓમાં યુવાનને શિશ્નમાં દુખાવો લાગે, ત્વચામાં બળતરા ઊપજે, શિશ્નના અગ્રભાગમાં થોડી વેદના ઊપજે ત્યારે પાપ-અપરાધભાવ અનુભવવાને બદલે વેસલાઇન જેવા તૈલી પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ.

લગ્નજીવનમાં જાતીય સંબંધ ન ભોગવી શકતી વ્યક્તિ માટે હસ્તમૈથુન સહજપ્રાપ્ત વિકલ્પ છે. પરંતુ લગ્ન કરેલી વ્યક્તિમાં વિજાતીય સંબંધથી દૂર રહી કેવળ હસ્તમૈથુનથી જ જાતીય સંતોષ મેળવવાનું સ્થાપિત વલણ હોય તે તંદુરસ્ત નથી. વ્યક્તિ ઉપર સતત હસ્તમૈથુન કરવાના જ વિચારોનું આક્રમણ રહ્યા કરે અને હસ્તમૈથુન કરવાનું અનિવાર્ય દબાણ અનુભવાય તેવું વલણ માનસિક વિષમતા સૂચવે છે. આવી વ્યક્તિમાં જાતીયતા વિશેનાં વલણોમાં બદલાવ લાવવા માટે જાતીય નિષ્ણાતની સલાહ અને સારવાર જરૂરી બને છે.

આદિવાસી સમાજ અને હસ્તમૈથુન : હસ્તમૈથુન તેમજ જાતીય બાબતો વિશે સભ્ય સમાજ કરતાં આદિવાસી સમાજોમાં વધારે ખુલ્લાં અને તંદુરસ્ત વલણો જોવા મળે છે.

એરિઝોનાના હોપી તેમજ આફ્રિકાની કેટલીક આદિવાસી જાતિઓમાં બે પુરુષો એકબીજાનું હસ્તમૈથુન કરે તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. મેલાનેસિયાની કેટલીક કોમોમાં મોટી અને નાની વયના છોકરાઓ પરસ્પર હસ્તમૈથુન કરે છે. કેટલીક સંસ્કૃતિઓમાં બાળકની પુખ્તાવસ્થામાં પ્રવેશની વિધિવત્ કર્મકાંડોથી ઉજવણી કરવામાં આવે છે અને વચમાં આવતા કિશોરને જાહેરમાં હસ્તમૈથુન દ્વારા વીર્યસ્રાવ કરાવવામાં આવે છે.

ભારતમાં ખજૂરાહો, કોણાર્ક જેવાં સૂર્યમંદિરનાં શિલ્પોમાં, ઈ. પૂ. ચોથી સદીમાંના માલ્ટાના મંદિરમાં પ્રાચીન ઇજિપ્તમાં અટમ (Atum) દેવનું શિલ્પ વગેરેમાં પુરુષલિંગ પકડી હસ્તમૈથુન કરતી મૂર્તિઓ છે. વર્તમાન યુગમાં Masturbation-a-thon નામની સંસ્થા સાનફ્રાન્સિસ્કો(યુ.એસ.)માં છે, જે હસ્તમૈથુન પરત્વેના નિષેધો દૂર કરવા, જાગૃતિ લાવવા જાહેરમાં હસ્તમૈથુનના કાર્યક્રમો યોજે છે. 1997માં સાનફ્રાન્સિસ્કો તેમજ 2006માં લંડનમાં આવા કાર્યક્રમો યોજાયા હતા.

ભાનુપ્રસાદ અ. પરીખ