હસ્તપ્રતવિદ્યા

February, 2009

હસ્તપ્રતવિદ્યા : હસ્તપ્રતોનાં સંશોધન-સંપાદનને અનુલક્ષતી શાસ્ત્રીય જ્ઞાનપરંપરા. જુદી જુદી લિપિઓમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રતો, શિલાલેખો, દાનપત્રો, મુદ્રાઓ વગેરે પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ વિશેની માહિતી માટેના મૂળ સ્રોતો મનાયા છે.

આ બાબતમાં પહેલ કરી છે પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ. ઈ. સ. 1894માં તેમનો 84 પટ્ટો(plates)વાળો હિન્દી ગ્રંથ ‘ભારતીય પ્રાચીન લિપિમાલા’ પ્રકટ થયો. તેની ત્રીજી આવૃત્તિ 1959માં પ્રકાશિત થઈ. પૂ. પુણ્યવિજયજી મુનિનો ‘ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા’  એવો 136 પૃષ્ઠનો લાંબો ગુજરાતી લેખ 1936માં પ્રકાશિત થયો છે, જે વ્યાપક પ્રશંસા પામ્યો. તેમાં પણ 21 પટ્ટો આપેલા છે.

આ બંનેએ હસ્તપ્રતવિદ્યાનાં દ્વાર ખોલી નાખ્યાં. તેમાં સમય જતાં કેટલીય બાબતો ઉમેરાઈ છે : (1) લેખનકલા, (2) પ્રાચીન લિપિઓને ઉકેલવાના પ્રયાસો, (3) પ્રાચીન તથા અર્વાચીન લિપિઓનો ઉદભવ-વિકાસ, (4) અંકોનો ઉદભવ-વિકાસ, (5) જેના ઉપર લખાતું તેવા વિવિધ પ્રકારના કાગળો, (6) કલમો તથા અન્ય લેખનનાં સાધનો, (7) અનેક પ્રકારની શાહી અને તેમાં નાખેલા પદાર્થોનું પ્રમાણ, (8) ચિત્રો માટે રગડો અને રંગ, (9) કર્તારચયિતા, (10) લહિયો, (11) હસ્તપ્રતો અને તેના પ્રકાર, (12) તેમનાં કદ અને આકારો, (13) તેમાં આવતાં ચિત્રો અને સુશોભનો, (14) તેના હાંસિયા, પ્રારંભ અને અન્ત, તેમાં કરાયેલ ઉમેરાઓ તેમજ સુધારાઓ, (15) તેમાંની સંખ્યા, પદ્ધતિ, વિસ્તાર, મુખપૃષ્ઠો, (16) તેમાંની પુષ્પિકાઓ અને તે પછી કરાયેલાં લખાણો, (17) તેમનાં પૂઠાં અને તેમની ઉપરનાં લખાણો, (18) તેમની જાળવણી માટે વીંટાળવાનાં વસ્ત્રો, (19) ગ્રંથાલયો અને તેમાંની વ્યવસ્થા, (20) જીવજન્તુ, ઉંદર, આગ, પાણી તથા હવામાન, રાજકીય તથા અન્ય પ્રકારની ઊથલપાથલો, આદિસામે હસ્તપ્રતોનું સંરક્ષણ અને (21) આ રીતે સચવાયેલ હસ્તપ્રતોને યોગ્ય નિયમો અનુસાર સમીક્ષાપૂર્વક સંપાદિત કરી પ્રગટ કરવી. આ સર્વની માહિતી ભેગી થતાં હસ્તપ્રતવિદ્યાનું વિજ્ઞાન જ તૈયાર થઈ જાય છે. આ રીતે પ્રાચીન ગ્રંથોમાં રસ ધરાવનારને માટે એક નવું ક્ષેત્ર ખૂલે છે.

જયન્ત પ્રે. ઠાકર