હવેલી (1977) : કવિ ઉમાશંકર જોષીના સન 1951માં પ્રગટ થયેલા દ્વિતીય એકાંકીસંગ્રહ ‘શહીદ અને બીજાં નાટકો’નું નવસંસ્કરણ; જેમાં મૂળ અગિયાર એકાંકીઓ ઉપરાંત બે અન્ય મૌલિક એકાંકીઓ ‘હવેલી’ અને ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ તથા ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના નાટક ‘ઇફિજિનિયા’ના પરાકાષ્ઠા-દૃશ્યનો એકાંકી રૂપે પદ્ય-અનુવાદ ઉમેરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચળવળના સમકાલીન વાતાવરણની પશ્ચાદભૂમાં નવલોહિયાની શહાદતનો વિષય લઈને આવેલું ત્રણ પ્રવેશો ધરાવતું એકાંકી ‘શહીદનું સ્વપ્ન’ (મૂળ શીર્ષક ‘ઈસુનું બલિદાન’). ઉમાશંકરનું સન 1932માં લખાયેલું પહેલું એકાંકી જે રાજકીય વિષયને કારણે છેક 1949 સુધી અપ્રસિદ્ધ રહ્યું હતું તે ‘શહીદ’ એકાંકીસંગ્રહમાં પ્રથમ વાર ગ્રંથસ્થ થાય છે. ચર્ચાપ્રચુર વિષયમાવજત, સ્વપ્નદૃશ્યનું વિશિષ્ટ આયોજન, દીપકનો પ્રતીકાત્મક વિનિયોગ તેમજ નિર્ધારિત અંત જેવાં શૈલીલક્ષણો કવિની પ્રારંભિક એકાંકીસૂઝને પ્રગટ કરી આપે છે. ગ્રામસમાજનું પ્રતિબિંબ ઝીલતી કૃતિ ‘વિદાય’માં નાયિકા નવી મા, માતા છે જે દેશને માટે પોતાનાં ઘરબાર અને કુટુંબકબીલાને છોડી ગામડામાં ઘૂમતા સ્વયંસેવકોને જોઈ ઓછી ઓછી થઈ જાય છે પણ એ જ સ્વયંસેવકો જ્યારે એના પોતાના પુત્રને ઉપાડી જઈ રહ્યા છે એવું લાગે છે ત્યારે તરત જ એની આખી દૃષ્ટિ બદલાઈ જાય છે અને ઊભરાઈ જતું વાત્સલ્ય એકાએક શમી જાય છે. અહીં લડતની તો માત્ર પશ્ચાદભૂ છે, આલેખન તો દૃષ્ટિ વચ્ચેના વિરોધનું છે. ‘નટીશૂન્યમ્’માં રંગમંચ પર સ્ત્રી હોય નહિ અને છતાંય આખા નાટકમાં દરેકેદરેક નાટકકાર (એમાં એરિસ્ટોટલ નાટ્યકાર નહિ, પણ નાટ્યવિદ) સાથે ચર્ચામાં એક જ હકીકતનું પ્રતિપાદન ફરી ફરીને કરવામાં આવ્યું છે તે એ કે નટી વિનાનું નાટક હોઈ શકે જ નહિ ! આમ, સ્ત્રીપાત્ર વિનાનું નાટક લખી આપવાની માગણી સંતોષવા રચાયેલી પ્રાસંગિક કૃતિ હોવા છતાં તે કવિના બુદ્ધિચાતુર્યનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે. ‘પારખું’ હળવી રગે લખાયેલું એકાંકી છે જેમાં ક્વિનાઇનની અસરથી બહેરાશ ચાલુ રહ્યાનો દેખાવ કરીને સુશીલા પતિની ફરી પરણવાની દાનતની ચકાસણી કરે છે. સાત જુદા જુદા લેખકોએ લખેલી વાર્તા ‘લતા’ના ઉપસંહાર રૂપે પ્રસ્તાવના તરીકે લખાયેલા પ્રાસંગિક એકાંકી ‘લતામંડપ’માં મૂળ કૃતિનો સંદર્ભ હોય કે ન હોય, સાંપ્રત લેખકવર્ગ–મિત્રવર્ગ–માંના કોઈની પામરતા તો કોઈની લોલુપતા, કોઈની બાઘાઈ તો કોઈની દોંગાઈ અને એકેએકની નિર્બળતા નિર્દંશ રીતે કુશળતાપૂર્વક આલેખાયેલી છે. સ્થૂળ/સૂક્ષ્મ કશું જ વસ્તુ ન હોવા છતાં તે સાદ્યંત રસપ્રદ કૃતિ બની રહે છે. ‘માણેકચોક’ એકાંકીમાં અમદાવાદની જૂની આબાદીના સ્થાપક-પ્રેક્ષક માણેકનાથને કેન્દ્ર પાત્ર તરીકે પ્રયોજી શહેરી સમાજ-સભ્યતાના શતમુખ નૈતિક વિનિપાતનું વેધક ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. સંવાદોમાં પકડાતો પાત્રોનો અમદાવાદી રંગ અને સ્વાભાવિક રીતે સધાતી સ્થળ-કાળ-કાર્યની એકતાને લીધે કવિનાં ઉત્તમ એકાંકીઓમાં તે સ્થાન પામે છે. ‘મુક્તિપ્રભાત’ (મુક્તિમંગલ) એકાંકી, તાત્યા ટોપે ને લક્ષ્મીબાઈથી શરૂ કરીને સ્વરાજ મળ્યું ત્યાં સુધીમાં દેશે ખેડેલા સ્વાતંત્ર્યપ્રવાસની મજલને વૃત્તાંતાત્મક ઢબે દર્શાવતું ને આકાશવાણી પરથી ઐતિહાસિક દૃશ્યમાળા રૂપે રજૂ કરવા માટે યોજાયેલું દસ્તાવેજી રેડિયો-રૂપક છે. રંગભૂમિ પરિષદમાં ભજવવા નિમિત્તે કોર્ટલાઇનના ‘પીસ ઍટ હોમ’ પરથી લખાયેલી ગૃહજીવનનાં પાત્ર-પ્રસંગ આલેખતી હળવી એકાંકી-રચના ‘ગૃહશાંતિ’માં કવિએ મૂળ લેખકની જેમ સંવાદબાની–ભાષાછટા પાસેથી કુશળતાથી કામ લીધું છે તો સ્થગિતstatic પરિસ્થિતિ પણ તખ્તા પર કેવી અપૂર્વ નાટ્યાત્મકતાથી રજૂ કરી શકાય તેનું સચોટ ઉદાહરણ, રાજકીય હોંસાતોંસીની અરાજકતામાં અટવાતી જનતાનું વેદનાચિત્ર આલેખતા પિન્સકીના ‘પોલૅન્ડ : 1919’ના અનુવાદ ‘શા માટે ? શા માટે ?’માં જોવા મળે છે. ઉદ્ધત કૉલેજિયન યુવકના ગ્રામીણ યુવતી તરફના અણગમાના તથા શહેરી યુવતી પ્રત્યેની જાતીય ચંચળતાનો ચીલાચાલુ વિષય ધરાવતું એકાંકી ‘ત્રણ ને ત્રીસે’ નાયકની સૌંદર્યવૃત્તિ જાતે નાયક પાસે પશ્ચાત્તાપ કરાવે એવા મનોવૈજ્ઞાનિક નિરૂપણ ને તે માટે પ્રયોજાયેલ ચેતનાપ્રવાહનું જ અન્ય રૂપ એવી હું અને હું વચ્ચેના સંવાદની પ્રયુક્તિને લીધે નોંધપાત્ર ઠરે છે. કોઈ પણ આદર્શ મળે તો માનવજાતિને હાથે તેની શી ગતિવિધિ થાય છે એ કારમા પ્રશ્નની વેધક રજૂઆત કરતા એકાંકી ‘જીવનદાતા’-(મૂળ શીર્ષક ‘શહીદ’)માં રવીન્દ્રનાથની અસર સ્પષ્ટ વરતાય છે.
‘હવેલી’ ગ્રામજીવનનો ધબકાર ઝીલતી કૃતિ છે જેમાં સ્વરાજ્ય આવ્યા પછીના સમયની ઘટના વણી લેવામાં આવી છે. જેને ભણાવવા માટે માએ હવેલી ગીરો મૂકેલી ને જેને વ્યવહારમાં ‘ઢ’ ગણીને ભૂદરકાકાએ તેના કુટુંબ સાથેનો સંબંધ તોડીને તિરસ્કાર બતાવેલો તે પ્રામાણિક ધારાસભ્ય કેશવ પ્રધાન બનતાં ભૂદરકાકા કેવું વલણ બદલીને વહાલા થવા જાય છે તેનું સુંદર આલેખન કરતી આ રચનામાં કેશવ પ્રધાન થયાના સમાચાર આવતાં પહેલાં તેમની મા વાણિયાને હવેલી લખી આપે છે તે માર્મિક વળાંક દર્શાવતી મહત્ત્વની નાટ્યક્ષણ કુશળતાથી નિરૂપાઈ છે. નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન કરવા ગયા તે પ્રસંગને તેમની કાવ્યપંક્તિઓની બેવડમાં પાંચ દૃશ્યોમાં રજૂ કરતા એકાંકી ‘હળવા કર્મનો હું નરસૈંયો’ હિંદીમાં દિલ્હી આકાશવાણી મથકથી રજૂ થયું હતું અને મરાઠી ‘નવભારત’ માસિકે તેનો અનુવાદ કર્યો હતો. સન 1933માં ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’માંથી અભિજ્ઞાન-દૃશ્ય નિરૂપતા 300 પંક્તિઓના પદ્યખંડનો વનવેલી છંદમાં, અભિનયક્ષમ ગુજરાતી ભાષામાં કરેલો અનુવાદ ગુજરાત યુનિ. અધ્યાપક નાટ્યશિબિરાર્થીઓએ રંગભૂમિ પર રજૂ કર્યો હતો જે કવિની પદ્યનાટક રચવાની મથામણની દિશામાં પહેલું પગરણ કહી શકાય. ‘સાપના ભારા’ એકાંકીસંગ્રહની સરખામણીમાં એકાંકી આયોજન અંગેના પ્રયોગશીલ ઉન્મેષો દાખવનાર ‘હવેલી’-સંગ્રહ વિષય, વસ્તુ અને આકારની દૃષ્ટિએ વૈવિધ્યસભર છે. ગ્રામજીવનના વિષમ રૂઢિરિવાજો અને નારીજીવનની કરુણતાના સ્થાને અહીં શહેરી જીવનનું સાંપ્રત પરિસ્થિતિનું વિવિધ વિચારપ્રેરક ચિત્ર અને સમગ્ર માનવજીવનની કરુણતા કેન્દ્રસ્થાને છે. વાસ્તવલક્ષી અભિગમને અપાયેલો આદર્શનો પુટ આગળ તરી આવે છે ને ઊર્મિશીલતા કરતાં બુદ્ધિપ્રવણતાના અંશો પ્રબળ બને છે. કૃતિઓ ગાંભીર્ય ત્યજી હળવાશ ધારણ કરે છે તેમ છતાં પુરોગામી એકાંકીસંગ્રહ કરતાં અહીં નાટ્યરચનાની શિસ્ત ઢીલી પડતી જણાય છે. કવિ ગામઠી સંવાદોમાં જેટલા પ્રભાવક બને છે તેટલા નાગરી સંવાદોમાં નથી બનતા. રંગનિર્દેશોનો અતિરેક પણ કઠે છે.
મહેશ ચંપકલાલ