હવાઈ ટાપુઓ

February, 2009

હવાઈ ટાપુઓ : પૅસિફિક મહાસાગરમાં આવેલું યુ.એસ.નું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 19° થી 20° ઉ. અ. અને 155° થી 156° પ. રે.ની આજુબાજુનો આશરે 16,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. યુ.એસ.નું આ એકમાત્ર એવું રાજ્ય છે, જે યુ.એસ.ની મુખ્ય ભૂમિ પર નથી. તે ઉત્તર પૅસિફિકના મધ્યભાગમાં કુલ 132 ટાપુઓનો સમૂહ ધરાવે છે. ભૌગોલિક દૃષ્ટિએ જોતાં, યુ.એસ.ની સરહદ માટે આ રાજ્ય વધુમાં વધુ દક્ષિણ તરફ આવેલું છે. યુ.એસ.ની મુખ્ય ભૂમિથી તે આશરે 3,860 કિમી.ને અંતરે આવેલું છે. હોનોલુલુ આ ટાપુરાજ્યનું પાટનગર છે.

 

હવાઈ ટાપુઓ

હવાઈ ટાપુઓને મુખ્ય ત્રણ સમૂહોમાં વહેંચેલા છે : (i) અગ્નિકોણમાં આવેલા એક હારમાં ગોઠવાયેલા મુખ્ય આઠ ટાપુઓ; (ii) મધ્યમાં આવેલા નાના ખડકાળ ટાપુઓ અને (iii) વાયવ્યમાં આવેલા રેતાળ ભૂપૃષ્ઠ ધરાવતા ટાપુઓ તેમજ પરવાળાંના ટાપુઓ. મોટા ભાગના હવાઈ ટાપુઓ પૅસિફિક મહાસાગર તળ પર થયેલાં જ્વાળામુખી-પ્રસ્ફુટનોથી બનેલા છે. મુખ્ય આઠ ટાપુઓ સફેદ રેતીથી બનેલા કંઠારપટ ધરાવે છે. અન્ય કેટલાક ટાપુઓના કંઠારપટ જ્વાળામુખીજન્ય ચૂર્ણવાળી કાળી રેતીથી બનેલા છે. કેટલાક ટાપુઓના કાંઠા પર લાવાથી બનેલા કાળા રંગના ખરબચડા ખડકો પથરાયેલા છે, તો કેટલાકમાં સમુદ્રસપાટીથી ઉપર તરફ ઊપસી આવેલી ભેખડો જોવા મળે છે.

મુખ્ય આઠ ટાપુઓનાં નામ આ પ્રમાણે છે : હવાઈ, માવી, ઓઆહુ, કાહુલાવી, મોલોકાઈ, લનાઈ, કાઉઆઈ અને નિહાઉ. (i) હવાઈ અહીંનો સૌથી મોટો ટાપુ છે. તેના ઈશાન અને અગ્નિકાંઠા ભેખડોથી બનેલા છે. આ ટાપુ પર કી લોઆ (ઊંચાઈ 4201 મીટર) અને મોના લોઆ (ઊંચાઈ 4170 મીટર) નામના બે સક્રિય જ્વાળામુખી આવેલા છે. કી લોઆ નજીકથી પસાર થતા ધોરીમાર્ગ પરથી અગ્નિશિખાઓ તેમજ પરપોટા છોડતાં લાવાદૃશ્યો નિહાળી શકાય છે. આ ટાપુ પર આવેલા રજતશ્વેત જળધોધ સીધેસીધા સમુદ્રમાં ખાબકે છે. શેરડી અહીંની મુખ્ય કૃષિપેદાશ છે. હવાઈ વોલે નૅશનલ પાર્ક, મોના કી પરનું દૂરબીન સહિતનું ખગોલીય મથક, કાઉ ડેઝર્ટ, ધોધ સહિતની વાઈપિયો ખીણ, 1791માં સ્થપાયેલાં મંદિરો સહિતનું પુકોહોલા નૅશનલ હિસ્ટોરિક સાઇટ તથા 1880માં બાંધેલો ઉનાળુ નિવાસસ્થાન માટેનો હુલિહિયા શાહીમહેલ અહીંનાં જોવાલાયક સ્થળો છે. 1881માં હોનાક્કા ખાતે મેકેડેમિયાનાં વૃક્ષો (macadamia nuts) બહારથી લાવીને વાવવામાં આવેલાં છે.

(ii) માવી એ અહીંનો બીજા ક્રમે આવતો મોટો ટાપુ છે. બે જ્વાળામુખી પર્વતો વચ્ચે પહોળી, નીચી ભૂમિપટ્ટી અને કોતરોવાળો હોવાથી તે ખીણટાપુ તરીકે ઓળખાય છે. અહીંની ભૂમિપટ્ટી પર શેરડીનું વાવેતર થાય છે. હેલિયાકાલા નૅશનલ પાર્ક, ઍલેક્ઝાન્ડર બાલ્ડવિન સ્યુગર મ્યુઝિયમ, વાઈલુકુ હિસ્ટોરિકલ ડિસ્ટ્રિક્ટ અને 1873માં વાવેલા વટવૃક્ષ સહિતનું લાહાઇ અહીંનાં જોવાલાયક સ્થળો છે.

હોનોલુલુ : હવાઈ ટાપુઓનું પાટનગર તથા મોટું શહેર

(iii) ઓઆહુ એ ત્રીજા ક્રમે આવતો, ગીચ વસ્તી ધરાવતો મોટો ટાપુ છે. આ ટાપુ પર આવેલું પાટનગર હોનોલુલુ હવાઈ ટાપુ પરનું મોટામાં મોટું શહેર છે; એટલું જ નહિ, તે પ્રવાસીઓ માટેનું આકર્ષણનું સ્થળ પણ બની રહેલું છે. આ ટાપુ પહોળી ખીણથી અલગ પડતી બે પર્વતમાળાઓથી બનેલો છે. વાઈકીકી રેતપટ, 1820 પછી અહીં આવેલા ધર્મપ્રસારકોનું નિવાસસ્થાન  મિશન હાઉસ મ્યુઝિયમ, કાવાઈઆહાઓ ચર્ચ (1842), શાહી ઠાઠ ધરાવતો યુ.એસ.નો એકમાત્ર આયોલાની મહેલ (1882), જૂનું ન્યાયમંદિર, હોનોલુલુ નગરગૃહ (1929), હોનોલુલુ એકૅડેમી ઑવ્ આર્ટ્સ, મેમૉરિયલ સહિતનું પર્લ હાર્બર નૌકામથક તેમજ એરિઝોના પર્લ હાર્બર અહીંનાં જોવાલાયક સ્થળો છે. પર્લ હાર્બર એ પૅસિફિક મહાસાગરમાં આવેલું વિશાળ કુદરતી બારું છે, તે ઓઆહુના દક્ષિણ કાંઠે આવેલું છે. રાજ્યની આશરે 80 % વસ્તી આ ટાપુ પર વસે છે. આ ટાપુને મિલન-સ્થાન (Gathering Place) તરીકે ઓળખવામાં આવે છે.

પર્લ હાર્બર ખાતે આવેલું યુએસનું ઍરિઝોના સ્મૃતિમથક

(iv) કાહુલાવી એ મુખ્ય ટાપુઓ પૈકી નાનામાં નાનો અને નિર્જન ટાપુ છે. તે શુષ્ક આબોહવા ધરાવે છે તેમજ તેના પર પવનો ફુંકાયા કરે છે.

(v) મોલોકાઈ મૈત્રીના ટાપુ તરીકે ઓળખાય છે, કારણ કે અહીં આવતા પ્રવાસીઓને લોકો ખૂબ પ્રેમભાવથી સત્કારે છે. તે ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે : પશ્ચિમ વિભાગ પહોળો, સૂકો અને ઉચ્ચપ્રદેશથી છવાયેલો છે, અહીં ઢોરવાડા આવેલા છે; પૂર્વ વિભાગ ખરબચડા પર્વતો અને ઊંડાં કોતરોવાળો છે; જ્યારે મધ્ય વિભાગ ફળદ્રૂપ મેદાનો ધરાવતો હોવાથી તેમાં પાઇનૅપલ તેમજ અન્ય પાકોનું વાવેતર કરવામાં આવે છે. 1888 સુધી અહીં કુષ્ઠરોગીઓની વસાહત હતી. અહીં મેયર સુગર મિલ આવેલી છે તથા કાલાઉપાપા નૅશનલ હિસ્ટોરિક પાર્ક અહીંનું જોવાલાયક સ્થળ છે.

(vi) લનાઈ પાઇનૅપલના ટાપુ તરીકે ઓળખાય છે. ત્યાં માત્ર પાઇનૅપલની જ ખેતી થાય છે. આ ટાપુની 98 % ભૂમિ કૅસલ ઍન્ડ કૂક કંપનીને હસ્તક છે, બાકીની 2 % ભૂમિ રાજ્ય સરકારની માલિકીની છે.

(vii) કાઉઆઈને વાડીઓનું નગર તથા ટાપુને બગીચાઓનો ટાપુ (garden island) કહે છે. અહીં ઘણા બગીચા આવેલા છે, તેથી આ ટાપુ હરિયાળી અને લીલોતરીથી હર્યોભર્યો રહે છે. વર્તુળ જેવા આકારમાં પથરાયેલા આ ટાપુની મધ્યમાં 1576 મીટરની ઊંચાઈ ધરાવતું કાવા ઇ કિનારી શિખર આવેલું છે. 1097 મીટર ઊંડું, 16 કિમી. લાંબું અને 3.2 મીટર પહોળું વાઇમિયા કોતર તથા 1837માં સ્થપાયેલું હાનાલેઈ ખાતેનું વાઇઓલી મિશન અહીંનાં જોવાલાયક સ્થળો છે.

(viii) નિહાઉ ટાપુને નાકાબંધીવાળો ટાપુ (forbidden island) કહે છે. 1864માં રાજા કામેહામેહા પાંચમા પાસેથી એલિઝાબેથ સિંકલેરે આ ટાપુનો મોટો ભાગ ખરીદી લીધેલો, તેનું વંશજ રૉબિન્સન કુટુંબ હજી આજે પણ તેની માલિકી ધરાવે છે. આ કુટુંબ લગભગ આખાય ટાપુને આવરી લેતો એક મોટો ઢોરવાડો પણ ચલાવે છે.

હવાઈ ટાપુઓ અત્યંત ખુશનુમા આબોહવા ધરાવે છે. અહીંનાં જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 20° સે. અને 24° સે. જેટલાં રહે છે. જ્યાં ભારે વરસાદ પડે છે અને સમૃદ્ધ જમીનો આવેલી છે ત્યાં અયનવૃત્તીય છોડવા તથા વૃક્ષો ગીચોગીચ વિકસેલાં જોવા મળે છે. દુનિયાભરમાં ક્યાંય પણ ન મળે એવા કેટલાક છોડ માત્ર આ ટાપુઓ પર જ મળે છે. અહીં વન્યજીવન સાવ ઓછું છે; પરંતુ અહીં જે પ્રાણીઓ જોવા મળે છે તે પણ દુનિયાભરમાં વિરલ છે.

અર્થતંત્ર : હવાઈ ટાપુ પર થતી કૃષિપેદાશોમાં શેરડી, પાઇનૅપલ અને ફૂલો મુખ્ય છે, જ્યારે ઉત્પાદકીય પેદાશોમાં પેટ્રોલિયમ પેદાશો, ખાદ્યપેદાશો અને છાપેલી સામગ્રી તથા ખાણપેદાશોમાં પથ્થરો, ગ્રેવલ અને રેતીનો સમાવેશ થાય છે.

સેવાઉદ્યોગ, પ્રવાસન, લશ્કરી, સામાજિક અને વૈયક્તિક પ્રવૃત્તિઓ અહીંનાં અર્થતંત્રને નિભાવે છે. હોટેલો, સ્વાસ્થ્યસંભાળ-મથકો, કૃષિપેદાશો, પેટ્રોલિયમ પેદાશો તેમજ છૂટક અને જથ્થાબંધ વેપારમાંથી પણ રાજ્યને આવક મળી રહે છે. હવાઈ દળ, નૌકાદળ અને ભૂમિદળની પ્રવૃત્તિઓ ઓઆહો ટાપુ પરથી થાય છે. અહીંના ટાપુઓ પર ઉપયોગી ભૂમિનું પ્રમાણ ઓછું હોવાથી તથા વસ્તીનું પ્રમાણ વધુ હોવાથી મિલકતની આપલેની પ્રવૃત્તિ વિકસી છે, તેથી મિલકતોના ભાવ ઊંચકાયા છે. યુ.એસ. આખામાં થતી શેરડીનો ત્રીજો ભાગ અહીં થાય છે. ખાંડ, કૉફી, પાઇનૅપલ, ફૂલો અને સ્ત્રીઓનાં કપડાંના ઉદ્યોગો મુખ્ય છે. શેરડી, પાઇનૅપલ, ફૂલો, ખાંડ તેમજ તેમની પેદાશોની નિકાસ કરવામાં આવે છે.

હવાઈ ટાપુઓ પર પરિવહનની સમસ્યા મોટી છે. અહીં ઉત્પાદકીય એકમોની સંખ્યા તદ્દન ઓછી હોવાથી ઘણોખરો આયાતી-નિકાસી માલસામાન જળમાર્ગે કે હવાઈમાર્ગે કરવો પડે છે. આથી માલ પર નૂર વધુ ચઢે છે અને ખર્ચાળ બની રહે છે. વળી ટાપુઓ એકબીજાથી વધુ અંતરે છૂટા છૂટા આવેલા હોવાથી, રાજ્યમાં પણ માલ મોંઘો પડે છે. હવાઈમાર્ગો પરિવહનની સેવાઓ પૂરી પાડે છે. અહીંનાં મુખ્ય બંદરોમાં હોનોલુલુ, હવાઈ ટાપુ પરનાં હિલો અને કાવાઈહી, કાઉઆઈ પરનાં નાવિલીવિલી અને પૉર્ટ ઍલન તેમજ માવી પરના કાહુલુઈનો સમાવેશ થાય છે.

વસ્તી : 2000 મુજબ હવાઈ ટાપુઓની કુલ વસ્તી 12,11,537 જેટલી છે. વસ્તી પૈકીના 34 % યુરોપિયન, 25 % જાપાનીઝ, 14 % ફિલિપિનો, 12 % હવાઈયન, 6 % ચીની અને બાકીના 9 % અન્ય છે. હવાઈના લગભગ બધા જ નિવાસીઓ 8 મુખ્ય ટાપુઓ પૈકી 7 ટાપુઓમાં રહે છે. હવાઈ ટાપુના 80 % લોકો ઓઆહુ ટાપુ પર અને તેમાં પણ ઘણાખરા હોનોલુલુમાં રહે છે.

હવાઈ ટાપુઓ તેની સુંદરતા, રમણીય દૃશ્યો અને ખુશનુમા આબોહવા માટે દુનિયાભરમાં જાણીતા છે. અહીંનાં ઘેરાં વાદળી જળ, સુંદર રંગબેરંગી ફૂલો, તાડનાં ઊંચાં વૃક્ષો, ભવ્ય ધોધ તેમજ અહીંની પરંપરાગત મિજબાનીઓ પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવતા પ્રવાસીઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવે છે. હવાઈયન લોકો તેમના નૃત્ય માટે પણ જાણીતા છે.

હવાઈ રાજ્યની ભાષા ઇંગ્લિશ છે. લગભગ બધા જ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે, જોકે થોડાક બૌદ્ધધર્મીઓ પણ છે. હવાઈના મૂળ વસાહતીઓ તો પૅસિફિકના જુદા જુદા ટાપુઓમાં વસતા પોલીનેશિયનો હતા, તેઓ અહીં આવીને વસેલા છે. આ ઉપરાંત જાપાન, ચીન, ફિલિપાઇન્સ અને કોરિયાથી પણ ઘણા લોકો અહીં આવીને વસ્યા છે; તેઓ બધા તેમની સાથે પોતાના રિવાજો પણ લઈ આવ્યા છે. અહીં યુરોપિયનો અને અમેરિકી લોકો પણ છે. આ બધા પોતપોતાના ઉત્સવો પોતાની રીતે ઊજવે છે અને માણે છે.

પોલીનેશિયનો અહીં આવીને વસ્યા અને તેમણે આ ટાપુઓને હવાઈ-લોઆ અથવા હવાઈ કી નામ આપેલું. તેમની દંતકથાઓમાં મળતું આવતું આ તેમનું વતન-નામ છે. અહીંના લોકો પ્રવાસીઓ સાથે મૈત્રીભર્યો વ્યવહાર દાખવતા હોવાથી હવાઈ ટાપુ રાજ્યને આલોહા (અર્થ = પ્રેમ) રાજ્ય-નામ પણ અપાયેલું છે.

ઇતિહાસ : હવાઈ ટાપુઓ યુ.એસ.નું એક રાજ્ય બન્યું તે અગાઉ તે એક અલગ સ્વતંત્ર રાજ્ય હતું. આજથી આશરે 2000 વર્ષ પહેલાં પૅસિફિકના અલગ અલગ ટાપુઓ પરથી મોટી હોડીઓ મારફતે પોલીનેશિયન લોકો હવાઈ ટાપુઓ પર આવેલા. છઠ્ઠી સદીથી અહીં પોલીનેશિયનોનું શાસન હતું. અઢારમી સદીના અંતિમ ચરણ સુધી આ ટાપુઓ અન્યોન્ય ભેગા મળી અહીંનું એક પોલીનેશિયન સામ્રાજ્ય ઊભું કરેલું.

બ્રિટિશ નૌકાસૈન્યનો કૅપ્ટન જેમ્સ કૂક 1778ના જાન્યુઆરીની 18મી તારીખે અહીં ઊતરેલો. તેણે અહીંના હવાઈયનો સાથે વેપારી રીતરસમો અપનાવેલી. હવાઈયનોએ કૂકને દૈવી શક્તિ ધરાવતા માનવી તરીકે નવાજેલો. કૂકના આ ઉતરાણ બાદ બીજા ઘણા વેપારીઓ અને અભિયંતાઓ અહીં વહાણો લઈને આવતા-જતા રહેલા, તેઓ તેમની સાથે ઢોર, ઉત્પાદકીય પેદાશો, માલસામાન તેમજ અન્ય દેશોના છોડ લઈ આવેલા. ઓગણીસમી સદી દરમિયાન અન્ય દેશોમાંથી અહીં ફેલાયેલા રોગોથી ઘણા સ્થાનિક લોકો મૃત્યુ પામેલા.

જેમ્સ કૂકે જ્યારે અહીંની મુલાકાત લીધેલી ત્યારે અહીંના ટાપુઓ પર સ્થાનિક લોકોનું શાસન હતું. 1782માં અહીં દસવર્ષીય યુદ્ધ શરૂ થયેલું, તેમાં અહીંના કામેહામેહાએ હવાઈ ટાપુનો કબજો મેળવી લીધો, તે પછી તેણે બીજા ટાપુઓ પણ મેળવી લીધા; દરેક ટાપુ પર ત્યાંના સ્થાનિક મુખ્ય માણસને ગવર્નર તરીકે નીમ્યો અને પોતે કામેહામેહા પહેલા તરીકે રાજા બન્યો.

1811થી 1880 વચ્ચેના ગાળામાં હવાઈ ટાપુએ ચીનને ઘણા મોટા પ્રમાણમાં સુખડની નિકાસ કરી. આ વેપારમાંથી હવાઈ ટાપુઓને ઘણી સારી આવક મળતી રહી. ઓગણીસમી સદી દરમિયાન યુ.એસ.માંથી વ્હેલના શિકાર માટે વહાણોની અવરજવર થતી રહેલી. આ વેપારમાંથી પણ હવાઈને 1860ના દશકા સુધી ઘણી આવક થયેલી.

1819માં કામેહામેહા પહેલાનો પુત્ર લિહોલિહો કામેહામેહા બીજા તરીકે ગાદીએ આવ્યો. તેણે અહીંના સ્થાનિક ધર્મને નાબૂદ કર્યો. 1820માં પ્રોટેસ્ટંટ ધર્મપ્રસારકોએ અહીંના ઘણા લોકોને ખ્રિસ્તી બનાવ્યા. 1827માં અહીં આવેલા રોમન કૅથલિક ધર્મપ્રસારકોને હવાઈ નિવાસીઓએ 1831માં હવાઈ છોડી જવાની ફરજ પાડી, ઘણા કૅથલિક હવાઈવાસીઓને જેલમાં પૂરી દીધા. 1839ના જુલાઈમાં આવેલા ફ્રેન્ચ જહાજોએ, કૅથલિક કેદીઓને મુક્ત ન કરે ત્યાં સુધી હોનોલુલુને ઘેરી રાખ્યું; આમ કૅથલિકોને પણ તેમનો ધર્મ પાળવાની છૂટ મેળવી આપી.

બ્રિટન, યુ.એસ. અને ફ્રાન્સ વચ્ચે આ ટાપુઓ માટે સંઘર્ષો થતા રહ્યા. કામેહામેહા ત્રીજાના શાસન હેઠળ 1851માં હવાઈ ટાપુઓ યુ.એસ.ના રક્ષણ હેઠળ મુકાયા. 1854થી 1872 સુધી અહીં જુદા જુદા દેશોમાંથી લોકો આવવા માંડ્યા. અહીં શેરડીનાં ખેતરોમાં શ્રમિકોની તંગી પડતી હોવાથી ખેતમાલિકો બહારથી મજૂરો લઈ આવ્યા. 1874માં કાલાકાઉઆ રાજા બન્યા. તે ખૂબ આનંદી સ્વભાવ ધરાવતા હોવાથી લોકો તેમને મેરી મોનાર્ક કહેતા. તેમણે ખ્રિસ્તી ધર્મપ્રસારકોની માગણીને માન આપીને અગાઉ મનાઈ ફરમાવેલા હવાઈ સંગીત (હુલા) તેમજ અન્ય હવાઈ રીતરિવાજો ફરીથી ચાલુ કર્યા. તેમના શાસન દરમિયાન, શેરડીનો ખેતી-ઉદ્યોગ વિકસ્યો, શેરડી યુ.એસ. ખાતે નિકાસ થતી રહી. 1885ના અરસામાં જમૈકાથી પાઇનૅપલના છોડ લવાયા અને તેની ખેતીને પણ ઉત્તેજન મળ્યું. 1887માં જકાતમુક્ત ખાંડ મોકલવા સામે લાદવામાં આવેલી સંધિ મુજબ પર્લ હાર્બર યુ.એસ. સાથે જોડવામાં આવ્યું અને યુ.એસ. તરફથી અહીં નૌકામથક સ્થાપવામાં આવ્યું. 1893માં નવ અમેરિકી, બે બ્રિટિશ અને બે જર્મનોની નેતાગીરી હેઠળ રાણી લીલીઉઓકલાનીને ગાદી પરથી ઉઠાડી મૂકી, રાજાશાહી પ્રથાને સમાપ્ત કરી. 1898માં હવાઈને, હવાઈ નિવાસીઓનો વિરોધ હોવા છતાં, યુ.એસ.માં ભેળવી દીધું અને પ્રજાસત્તાક બનાવવા માટેની મંજૂરી મળી. 1900માં તેને યુ.એસ.નું પચાસમું રાજ્ય બનાવવાનું નક્કી કર્યું. 1919માં યુ.એસ. કૉંગ્રેસે ખરડો મૂક્યો, 1959માં તે પચાસમું રાજ્ય બની રહ્યું.

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં યુ.એસ. નૌકાસૈન્યે પર્લ હાર્બર ખાતે મોટું નૌકાસૈન્ય-મથક બાંધવાનું શરૂ કર્યું. આ પર્લ હાર્બર પર જાપાને 1941ના ડિસેમ્બરની સાતમી તારીખે હુમલો કર્યો; યુ.એસ.એ બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું.

1960ના દશકા દરમિયાન, હવાઈ ટાપુઓની વસ્તી વધી. અર્થતંત્ર વિકસતું ગયું. 1970 અને 1980ના દશકાઓમાં ઉત્પાદકીય એકમો વધ્યા. હવાઈ ટાપુઓનો એક્વાકલ્ચર ઉદ્યોગ (પ્રાણીઓ-વનસ્પતિનો વિકાસ) વિકસતો ગયો. આ ઉપરાંત હવાઈ ટાપુઓને તેલ પર આધાર ન રાખવો પડે તે માટે સૂર્યશક્તિ (સૌરઊર્જા) અને પવનશક્તિ તેમજ અન્ય શક્તિસ્રોતોના વિકલ્પો વિકસાવવા પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે.

ગિરીશભાઈ પંડ્યા