હલ્સ રસેલ એલન

February, 2009

હલ્સ, રસેલ એલન (જ. 28 નવેમ્બર 1950, ન્યૂયૉર્ક, એન. વાય., યુ.એસ.) : અમેરિકાના ભૌતિકવિજ્ઞાની, પોતાના ભૂતપૂર્વ શિક્ષક જોસેફ એચ. ટેલર, જુનિયરના પ્રથમ યુગ્મ પલ્સાર(Binary Pulsar)ની શોધ માટે 1993ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારના સહવિજેતા. આ એવી શોધ હતી જેના થકી ગુરુત્વાકર્ષણના અભ્યાસો માટે નવી શક્યતાઓ ઊભી થઈ.

રસેલ એલન હલ્સ

આ શોધ રસેલ એ. હલ્સ અને જોસેફ એચ. ટેલરે 1974માં વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા પ્યુએર્ટોરિકો(Puerto Rico)માં આર્સીલો ખાતે આવેલા 300 મીટરના રેડિયો-ટેલિસ્કોપથી કરી હતી.

પલ્સાર અતિઝડપથી પ્રચક્રણ કરતી ‘વૈશ્વિક દીવાદાંડી’ સમાન છે, જેનું દળ સૂર્ય કરતાં વધારે હોય છે; પરંતુ તેની ત્રિજ્યા અંદાજે માત્ર દશ કિલોમીટર હોય છે. આ દીવાદાંડી ઘણુંખરું રેડિયોતરંગનું ઉત્સર્જન કરતી હોય છે. તે સ્પંદ (pulse) રૂપે રેડિયો-ટેલિસ્કોપ દ્વારા ઝિલાય છે. તેથી તેને ઝબૂકતા રેડિયો-તારા કહી શકાય છે.

પલ્સાર નામનો આકાશીય પિંડ સૌપ્રથમ 1967માં ઇંગ્લૅન્ડમાં રેડિયો એસ્ટ્રૉનોમી લૅબોરેટરી, કેમ્બ્રિજ ખાતે શોધાયો હતો.

હલ્સ અને ટેલરે એકાદ ડઝન જેટલા પલ્સાર શોધ્યા હતા. પલ્સાર તીવ્ર ઝડપે પ્રચક્રણ કરતા ન્યૂટ્રૉન તારક (‘ગુજરાતી વિશ્વકોશ’ ખંડ 10, પૃ. 502) છે. તીવ્ર ઝડપે નિયમિત રીતે રેડિયોતરંગના સ્પંદ રૂપે તેના ઝબકારા ઝિલાતા રહે છે. હલ્સ અને ટેલરે શોધેલા એક પલ્સાર PSR 1913 + 16 દ્વારા ઉત્સર્જિત રેડિયોતરંગના ઝબકારામાં અનિયમિતતા જોવા મળી. તેના પરથી તારણ કાઢવામાં આવ્યું કે આ પલ્સારને એક સાથીદાર ન્યૂટ્રૉન તારક પણ છે. તે બંને ચુસ્ત કક્ષામાં બંધાઈને ફેરફૂદરડી ફરી રહ્યા છે.

પલ્સાર PSR 1913 + 16ની શોધ બમણી અગત્યની પુરવાર થઈ, કારણ કે તેણે ગુરુત્વાકર્ષી તરંગો શોધવાનું પ્રથમ સાધન પૂરું પાડ્યું. બે પલ્સાર તારાનાં પ્રબળ ગુરુત્વાકર્ષી તરંગો શોધવાનું પ્રથમ સાધન પૂરું પાડ્યું. બે પલ્સાર તારાનાં પ્રબળ ગુરુત્વાકર્ષી ક્ષેત્રો વચ્ચેની આંતરક્રિયા રેડિયો સ્પંદના ઉત્સર્જનની નિયમિતતાને અસર કરે છે. તે સમયનું માપન કરી અને તેનાં વિચલનોનું પૃથક્કરણ કરી ટેલર અને હલ્સે પુરવાર કર્યું કે આ તારાઓ વધુ ને વધુ ચુસ્ત થતી કક્ષામાં વધતી જતી ઝડપે પરિભ્રમણ કરે છે. આ રીતે કક્ષીયક્ષય થવાનું કારણ યુગ્મ પલ્સારનું તંત્ર ગુરુત્વાકર્ષી તરંગો રૂપે ઊર્જા ગુમાવે છે તેમ માનવામાં આવ્યું. ટેલર અને હલ્સે 1978માં પ્રતિવેદન કરેલાં સંશોધનો આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેના વ્યાપક સાપેક્ષવાદમાં પૂર્વસૂચિત કરેલા ગુરુત્વાકર્ષી તરંગોના અસ્તિત્વનો પ્રથમ પ્રાયોગિક પુરાવો ગણી શકાય.

રસેલ એ. હલ્સને તેનાં માતાપિતા તરફથી જિજ્ઞાસા પોષવા માટે પૂરતું પ્રોત્સાહન મળેલ; પરંતુ વિજ્ઞાનમાં તેને એટલી ઊંડી રુચિ અને તીવ્ર જિજ્ઞાસા હતી કે પ્રાથમિક શાળામાં કેટલાક શિક્ષકો તેના પ્રશ્નોના ઉત્તરો આપવા મુશ્કેલી અનુભવતા હતા અને તેને સંતોષી શકતા ન હતા.

1967માં તે બ્રોન્ક્સ હાઈસ્કૂલ ઑવ્ સાયન્સમાં જોડાયા. ત્યાં તેમની વિજ્ઞાનરુચિ સંતોષે તેવું વાતાવરણ મળ્યું. વળી, ‘હોમ પ્રૉજેક્ટ’ના લીધે મોટું બળ મળ્યું. સૌથી મોટા હોમ પ્રૉજેક્ટમાં તેમણે ઍમેચ્યૉર રેડિયો ટેલિસ્કોપ બનાવેલું.

હલ્સ કૂપર યુનિયન કૉલેજ, ન્યૂયૉર્ક સિટીમાં જોડાયા. 1970માં બી.એસ. થયા. 1975માં એમહર્સ્ટન યુનિવર્સિટી ઑવ્ મૅસેચૂસેટ્સમાંથી પીએચ.ડી. થયા. 1977માં હલ્સે ખગોળ, ભૌતિકવિજ્ઞાનને બદલે પ્લાઝ્મા ભૌતિકવિજ્ઞાનના અભ્યાસક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું. પ્રિન્સ્ટન યુનિવર્સિટી પ્લાઝમા ફિઝિક્સ લૅબોરેટરીમાં જોડાયા. ત્યાં તેમણે પ્રાયોગિક ન્યૂક્લિયર સંલયન સુવિધા ટોકામાક ફ્યુજન ટેસ્ટ રિએક્ટર સાથે સંકળાયેલાં સંશોધનો કર્યાં.

અલબત્ત, વિજ્ઞાનમાં તેમની અભિરુચિ તેમના વ્યવસાયના કારણે ન હતી; પરંતુ ઘણી વ્યાપક હતી. તેમને આ જગત કેવી રીતે કામ કરે છે તે જાણવાની અત્યંત ઉત્કંઠા હતી.

વિહારી છાયા