હળદણકર, બબનરાવ (જ. 29 સપ્ટેમ્બર 1926, મુંબઈ) : આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક, પ્રયોગકાર તથા ગાયનગુરુ તરીકે પ્રતિષ્ઠા ધરાવતા શાસ્ત્રીય સંગીતકાર. પિતા કલામહર્ષિ સાવળારામ અખિલ ભારતીય સ્તરના ચિત્રકાર હતા. શિક્ષણ બી.એસસી. (ટૅક્) સુધીનું, ટૅક્સટાઇલ ક્ષેત્રમાં લાંબા સમય સુધી વ્યાવસાયિક ધોરણે કાર્યરત રહ્યા; પરંતુ શાસ્ત્રીય સંગીતમાં બાળપણથી વધુ રસ હોવાથી તેના અધ્યયન અને અધ્યાપન પર વિશેષ ભાર મૂક્યો અને આજન્મ શાસ્ત્રીય સંગીતને સમર્પિત રહેવાનું બીડું ઝડપ્યું. મૂળ નામ શ્રીકૃષ્ણ પરંતુ બબનરાવ નામથી વધુ પ્રસિદ્ધિ પામ્યા. 1959–1993 દરમિયાન આગ્રા ઘરાનાના વિખ્યાત ગાયક ઉસ્તાદ ખાદિમહુસેનખાં સાહેબ પાસેથી તે ઘરાનાની સંગીતશૈલી આત્મસાત્ કરી; પરંતુ તે પૂર્વે પાંચ વર્ષ સુધી જયપુર ઘરાનાની વિખ્યાત ગાયિકા પદ્મભૂષણ મોગુબાઈ કુડીકર પાસેથી જયપુર ઘરાનાની તાલીમ પણ તેમણે લીધી હતી (1950–1955). તેથી આગ્રા ઘરાના અને જયપુર ઘરાના બંનેની ગાયનશૈલીમાં માહેર થયા, જોકે મૂળભૂત રીતે તેઓ આગ્રા ઘરાનાના ગાયક તરીકે જ વધુ જાણીતા બન્યા છે. 1985માં તેઓ ગોવા કલા અકાદમીના સંચાલક નિમાયા જ્યાં તેમણે 1990 સુધી કામ કર્યું અને ત્યાર બાદ ગોવા છોડીને ફરી મુંબઈ પાછા ફર્યા.
બબનરાવ મહેફિલ-ગાયક કરતાં ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયનગુરુ તરીકે વધુ જાણીતા છે. પોતાના શિષ્યોને તેઓ પરંપરાગત બંદિશોની સાથોસાથ સ્વરચિત બંદિશોની તાલીમ પણ આપતા હોય છે. આગ્રા ઘરાના અને જયપુર ઘરાનાની ગાયકીનો તુલનાત્મક અભ્યાસ તેમણે હાથ ધર્યો અને તેને આધારે તેમણે મરાઠી ભાષામાં ‘જુળુ પહાણારે તેન તંબોરે’ શીર્ષક હેઠળ એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં બંને ઘરાનાઓની શૈલીઓની વિશેષતાઓ અને ખૂબીઓ તો ઉજાગર કરી છે જ; પરંતુ તે ઉપરાંત તેમાં પ્રયોગ-આધારિત વિશ્લેષણને મહત્વનું સ્થાન આપ્યું છે. હાલ (2007) તેઓ અખિલ ભારતીય સ્તર પર શાસ્ત્રીય રાગોના પ્રમાણીકરણ-(standardization)ના કાર્યમાં વ્યસ્ત છે જેની પૂર્વભૂમિકા તેમણે તેમના ગોવાનિવાસ (1985–1990) દરમિયાન તૈયાર કરી હતી.
બબનરાવ હળદણકર
તેમના બહોળા શિષ્યવર્ગમાં અરુણ કશાળકર, મંજરી આલેગાંવકર અને કવિતા ખરવંડીકર વિશેષ નોંધપાત્ર છે.
‘રસપિયા’ તખલ્લુસથી તેમણે ઘણાં ઘરાનાની બંદિશો અને તરાનાઓની રચના કરી છે તે પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે