હલ, ક્લાર્ક લિયોનાર્ડ (જ. 24 મે 1884, એક્રોન, ન્યૂયૉર્ક; અ. 23 જુલાઈ 1952, ન્યૂ હેવન) : નવ્ય-વર્તનવાદી (neo-behaviorial psychologist) અમેરિકી મનોવિજ્ઞાની, જે મનોવિજ્ઞાનમાં તેમના સિદ્ધાંતતંત્ર(system)ની સ્થાપના માટે ખૂબ જાણીતા છે. નવ્ય-વર્તનવાદી અભિગમમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયાની વચમાં પ્રાણી કે જીવતંત્ર(organism)ની અંદર કયા ઘટકો પ્રવર્તતા હશે તેની ધારણા કરવાનું હલને ખૂબ મહત્વનું જણાયું છે. ઉદ્દીપકો અને તેને લીધે ઉદભવતી પ્રતિક્રિયા એ બંને અવલોકી શકાય તેવી ઘટનાઓ છે. તેના સિવાય પ્રાણીના સજીવતંત્રમાં કઈ ક્રિયાઓ થતી હશે તે ધારવાનું સ્કીનર જેવા મનોવિજ્ઞાનીઓ જરૂરી માનતા નથી; પરંતુ હલ આ બાબતમાં સ્કીનરથી જુદા પડે છે.
ક્લાર્ક લિયોનાર્ડ હલ
હલનો હેતુ વર્તનના સર્વદેશીય નિયમો સ્થાપવાનો હતો. વૉટ્સન, ગથરી, થૉર્નડાઇક કે મિલરની જેમ હલના મંતવ્ય અનુસાર બધાં વર્તન ઉદ્દીપક-પ્રતિક્રિયાના જોડાણ તરીકે જ સમજી શકાય છે.
ધારણાત્મક–નિગમન પદ્ધતિ : અવલોકનોને આધારે સર્વસામાન્ય વિધાનો સ્થાપવાની પદ્ધતિને ‘વ્યાપ્તિલક્ષી પદ્ધતિ’ (Inductive method) કહેવાય છે. તેની વિરુદ્ધ હલ ધારણાત્મક-નિગમન પદ્ધતિ (Hypothetico-Deductive Method) પ્રયોજે છે. તેના ત્રણ તબક્કાઓ છે : પ્રથમ તબક્કામાં શબ્દો(મૂળભૂત પદો)ની વ્યાખ્યા નક્કી કરવામાં આવે છે. બીજો તબક્કો ગૃહીતો કે પૂર્વસ્થાપનાઓ (postulates) રજૂ કરવાનો છે. ત્રીજો તબક્કો આવાં ગૃહીતોમાંથી તર્કશાસ્ત્રના નિયમ પ્રમાણે ફલિત થતાં પ્રમેયો અને ઉપપ્રમેયો (theorems and corrollaries) તારવવાનો છે. ગૃહીતો પોતે ધારી લેવામાં આવે છે અને તાર્કિક દૃષ્ટિએ ગૃહીતો સત્ય હોય તો તેમાંથી નિગમનાત્મક રીતે ફલિત થતાં પ્રમેયો પણ સત્ય જ હોય તે સ્પષ્ટ છે.
આવાં ગૃહીતો અને પ્રમેયોનું જે તંત્ર રચાય તેમાં ગૃહીતો પરસ્પરને સુસંગત હોવાં જોઈએ. જરૂરી હોય તેટલાં જ ગૃહીતો ધારવામાં રાખ્યાં હોવાં જોઈએ અને તેમાંથી પ્રમેયો તાર્કિક રીતે તારવેલાં હોવાં જોઈએ, તે અત્યંત જરૂરી છે. તારવેલાં પ્રમેયોની પ્રાયોગિક રીતે ચકાસણી પણ જરૂરી છે. જો ચકાસણી પછી પ્રમેય અસત્ય જણાય તો ધારેલાં ગૃહીતોના સમૂહમાંથી કોઈ ગૃહીત અવશ્ય અસત્ય હશે તેમ કહી શકાય; પરંતુ તારવેલાં બધાં પ્રમેયો સત્ય હોય તોપણ તેને જેમાંથી તારવ્યાં હોય તે બધાં ગૃહીતો સત્ય જ હોય તેમ તાર્કિક રીતે કહી શકાતું નથી. હલે 17 ગૃહીતોમાંથી 133 વિશિષ્ટ પ્રમેયો અને ઉપપ્રમેયો તારવ્યાં છે.
જૈવીય અભિગમ : વર્તન અંગેનાં ગૃહીતો કે પૂર્વસ્થાપનાઓ હલની દૃષ્ટિએ મનોવિજ્ઞાન માટે તો જૈવીય અભિગમમાંથી જ મળી શકે છે. જૈવીય અભિગમ પ્રમાણે, જરૂરિયાત ઉદભવે તો પ્રાણી ક્રિયા કરે છે અને ક્રિયા કરવાથી પ્રાણીની જરૂરિયાત શમી જાય છે. આ રીતે કોઈ પણ વર્તન લક્ષ્યગામી હોય છે અને વર્તનનું લક્ષ્ય જરૂરિયાતોના વિલયનું કે જરૂરિયાતોમાંથી ઉદભવતી તાણ (tension) ઘટાડવાનું હોય છે. દા. ત., લાંબા સમયની ખોરાકની વંચિતતાથી ખોરાકની જરૂરિયાત ઉદભવે છે અને ખોરાક ખાવાથી તેનો અંત આવે છે.
જરૂરિયાતોને દૂર કરતું કોઈ પણ ઉદ્દીપક બીજા તટસ્થ ઉદ્દીપક સાથે જોડાઈ જાય ત્યારે અભિસંધાન (conditioning) સ્થપાય છે. પ્રેરણા શમે તો અને તો જ પ્રાણીને પ્રબલન (reinforcement) મળે છે અને પ્રબલન મળે તો અને તો જ પ્રાણી અભિસંધાનથી શીખે છે. ટૂંકમાં, હલની મુખ્ય સ્થાપના એ છે કે શીખવાની પ્રક્રિયા (learning) પ્રબલન વિના શક્ય જ નથી અને જરૂરિયાતોના શમન કે વિલય (need-reduction) વગર પ્રબલન શક્ય નથી. ઇષ્ટતમ (optimum) જૈવીય સ્થિતિમાંથી વિચલન થાય તો જ પ્રાણીમાં જરૂરિયાતો ઉદભવે છે અને તેની જરૂરિયાતો પ્રતિક્રિયાને લીધે શમી જાય તો જ તેને પ્રબલન મળે છે અને પ્રબલન થાય તો જ શીખવાની પ્રક્રિયા શક્ય બને છે.
આ અભિગમને કેન્દ્રમાં રાખીને મનોવિજ્ઞાનમાં જુદાં જુદાં ગૃહીતો પસંદ કરીને તેમાંથી તારવેલાં પ્રમેયોની પ્રાયોગિક ચકાસણી કરવાનું હલને માટે ખૂબ જ મહત્વનું જીવનકાર્ય બની રહ્યું હતું.
હલે વર્તનને કેવળ અલગ અલગ સ્નાયુના હલનચલન અને જ્ઞાનતંતુઓનાં ઉદ્દીપનના સંદર્ભમાં જ વિચાર્યું નથી. તેમનો અભિગમ સમગ્રલક્ષી (motor) હતો.
હલના તંત્રની રૂપરેખા (લિફ્રેન્કોઇસ 1972 પ્રમાણે) :
સ્વતંત્ર પરિવર્ત્યો :
N = પૂર્વે મળેલાં પ્રબલનોની સંખ્યા
CD = પ્રેરણા-સ્થિતિ
S = ઉદ્દીપક-તીવ્રતા
w = પુરસ્કાર(પ્રબલન)નું કદ કે પ્રમાણ
W = પ્રતિક્રિયા કરવામાં જરૂરી શ્રમ
મધ્યવર્તી પરિવર્ત્યો :
SHR = ટેવ-પ્રબળતા
D = પ્રેરણા
V = ઉદ્દીપન-તીવ્રતા, ગતિશીલતા
K = પ્રલોભન-પ્રેરણા
SER = પ્રતિક્રિયા, સુપ્તશક્તિ
= સમુચ્ચિત અવરોધ સુપ્તશક્તિ
= ચોખ્ખી પ્રતિક્રિયાશક્તિ
SLR = પ્રતિક્રિયા-ઉંબર (threshold)
SOR = પ્રતિક્રિયાશક્તિની દોલાયમાનતા
અવલંબી પરિવર્ત્યો :
R = પ્રતિક્રિયા
·StR = પ્રતિક્રિયા સુપ્તકાળ
A = પ્રતિક્રિયાનું પ્રમાણ (કદ)
n = વિલોપન માટે જરૂરી અપ્રબલિત પ્રયત્નોની સંખ્યા
ø = પ્રતિક્રિયાનો અભાવ (હલે આ પ્રતીક પ્રયોજ્યું નથી.)
ઉપર્યુક્ત રૂપરેખામાં આવતાં પ્રતીકોનું સ્પષ્ટીકરણ નીચે મુજબ છે :
SHR અને D : પ્રાણીમાં પ્રવર્તતી આ અવસ્થાઓ ધારવામાં આવેલી અવસ્થાઓ છે. તેનું સીધું અવલોકન થઈ શકતું નથી. ઉદ્દીપક અને પ્રતિક્રિયાના શીખેલા જોડાણની પ્રબલનને લીધે ઉદભવતી પ્રબળતા એટલે SHR (ઉચ્ચારણ SHR) તેમાં ‘S’ અને ‘R’ અનુક્રમે ઉદ્દીપક અને પ્રતિક્રિયા માટે છે. જ્યારે ‘H’ (Habit) ટેવ સૂચવતી સંજ્ઞા છે. ટેવ એ ઉ-પ્ર વચ્ચેનું કાયમી જોડાણ છે. શીખવાની તમામ પ્રક્રિયામાં તેનું ઘણું મહત્વ છે. દરેક વખતે જ્યારે ઉદ્દીપકની હાજરીમાં પ્રતિક્રિયા થાય છે અને પ્રબલન મળે છે ત્યારે ઉ-પ્ર નું જોડાણ (ટેવ) પ્રબળ બને છે. તે જ પ્રમાણે પ્રેરણા (D) એ પ્રાણીની એવી સર્વસામાન્ય સ્થિતિ છે કે જે ખોરાક, પાણી વગેરેની વંચિતતાને લીધે કે પીડાકારક ઉદ્દીપનને લીધે ઉદભવે છે. દરેક જુદી જુદી જરૂરિયાતની સાથે તેને લગતું લાક્ષણિક ઉદ્દીપક સંકળાયેલું હોય છે. આવા પ્રેરણારૂપ ઉદ્દીપક(drive stimulus)માં ઘટાડો કે તેની નાબૂદી એટલે જ પ્રબલન. પ્રેરણા પ્રાણીને સક્રિય કરે છે.
K (પ્રલોભન–પ્રેરણા) : પ્રલોભન-પ્રેરણા પુરસ્કારના પ્રમાણ કે કદ સાથે સંકળાયેલી છે. પુરસ્કારનું કદ વધારીએ તો પ્રાણીની પ્રતિક્રિયા ઝડપી બને છે. પ્રલોભન (K) અને પ્રબલન જુદી બાબતો છે. ટેવ-પ્રબળતા સ્થપાય તે માટે પ્રતિક્રિયા પછી પુરસ્કાર (reward) મળવો જોઈએ. પુરસ્કારનું કદ ટેવ-પ્રબળતાના દરને અસર કરતું નથી. નાનો પુરસ્કાર પણ ટેવ-પ્રબળતા સ્થાપી શકે છે, પણ મોટો પુરસ્કાર પ્રલોભન-પ્રેરણા (K) વધારે છે. નાની અન્નગુટિકા આપવાથી ઉંદરમાં દોડવાની પ્રતિક્રિયા સ્થપાય છે. પણ મોટી અન્નગુટિકાથી અથવા પોતાને પસંદ એવા ખોરાકથી તેની દોડવાની ઝડપ વધે છે. કારણ તેથી K વધે છે.
SER (પ્રતિક્રિયા–સુપ્તશક્તિ–ઉત્તેજનશીલતા) : SHR, D અને Kના સંયોજનથી SER ઉદભવે છે. તેથી તે બીજી કક્ષાનું મધ્યવર્તી પરિવર્ત્ય છે. અમુક ઉદ્દીપક પ્રત્યે અમુક પ્રતિક્રિયા કરવાનું વલણ એટલે SER (excitatory potential). SHR એટલે પ્રતિક્રિયા કેવી રીતે કરવી તેની જાણકારી. K એટલે પ્રતિક્રિયાથી શું મળશે તેની જાણકારી અને D એટલે પ્રતિક્રિયાથી મળનારી બાબત મેળવવાની પ્રેરણા. જેમ જેમ SER વધે તેમ તેમ પ્રતિક્રિયાનું કદ (A) કે પ્રમાણ વધે છે. તેનો સુપ્તકાળ (StR) ઘટે છે. પ્રતિક્રિયાના વિલોપન કરવા માટેના અપ્રબલિત પ્રયત્નોની સંખ્યા વધે છે તેમજ પ્રતિક્રિયાની ઝડપ વધે છે.
SLR : ઉત્તેજનશીલતા (StR) અમુક ન્યૂનતમ મૂલ્ય ધરાવે તો જ પ્રતિક્રિયા થાય. SER પ્રતિક્રિયાનો ઉંબર (threshold) ઓળંગી જાય તો જ પ્રતિક્રિયા થાય છે. SHR, કે D કે K નાં મૂલ્યોમાં વધારો થાય તો SER અને SLR કરતાં SER વધુ હોય તો જ પ્રતિક્રિયા ઉદભવે.
SOR દોલાયમાનતા (oscillation) : કોઈ પણ સમયે SERનાં મૂલ્યોમાં યાદૃચ્છિક ફેરફારો થાય છે. એટલે SER પ્રતિક્રિયા-ઉંબર ઓળંગી જાય તોપણ તેનાં મૂલ્યોમાં યાદૃચ્છિક પરિવર્તનો થતાં હોવાથી એટલે કે દોલાયમાનતા (SOR) હોવાથી એક પ્રસંગે પ્રતિક્રિયા થાય તેવું બને તો બીજે પ્રસંગે તેવું ન થાય તેવું પણ બને. તેનું કારણ એ છે કે દોલાયમાનતાને લીધે SERનાં મૂલ્યો અમુક ક્ષણે ઘણી વાર પ્રતિક્રિયાના ઉંબરથી નીચાં આવી જાય તો પ્રતિક્રિયા થતી નથી. SERના આવા ફેરફારો યાદૃચ્છિક ફેરફારો હોય છે.
IR અને SIR : પ્રતિક્રિયા કરવામાં જે પ્રયત્નો થાય છે તેમાંથી થાક (fatigue) લાગે છે. તેથી પ્રતિક્રિયા ન કરવાનું વલણ ઉદભવે છે. તેને હલ IR (reactive inhibition) કહે છે. જેટલી વાર પ્રતિક્રિયા થાય તેટલી વાર IR વધે છે. પણ આરામ પછીનો સમય જતાં IR ઘટે છે. પ્રતિક્રિયાત્મક અવરોધ(IR)ને લીધે પ્રતિક્રિયા ન કરવાની જે ટેવ પડે છે તેને હલ SIR (અભિસંધિત અવરોધ) કહે છે. SIR એ પ્રતિક્રિયા ન કરવાની શીખેલી ટેવ છે.
કેટલાંક સમીકરણો :
(1) SER = SHR × D × V × K
તેનો અર્થ એ છે કે ટેવ-પ્રબળતા, પ્રેરણા, પ્રલોભન અને ઉદ્દીપન-તીવ્રતાથી પ્રવર્તતી ગતિશીલતાના સંયોજનથી SER (પ્રતિક્રિયાશક્તિ) ઉદભવે છે. તેમાં ગુણાકારની નિશાનીઓનો અર્થ એ છે કે જો SHR, D, V, કે Kમાંથી કોઈનું પણ મૂલ્ય શૂન્ય હોય તો SER ઉદભવે જ નહિ.
(2) = IR + SIR
એટલે સમુચિત અવરોધકતા. તેમાં પ્રતિક્રિયાથી ઉદભવતો થાક (IR) અને તેને લીધે પડેલી પ્રતિક્રિયા ન કરવાની ટેવ (SIR) બન્નેનું સંયોજન થાય છે.
(3) SER = − =
સમીકરણ (1) મુજબ ઉદભવેલ SERમાંથી સમીકરણ (2) મુજબ ઉદભવેલ બાદ કરો તો જે ઉત્તેજનશીલતા બચે તે ચોખ્ખી (net) ઉત્તેજનશીલતા કહેવાય.
જો > SLR, તો જ પ્રતિક્રિયા થાય. એટલે કે ચોખ્ખી ઉત્તેજનશીલતા ઉંબરને ઓળંગી જાય તો જ પ્રતિક્રિયા થાય.
પ્રતિક્રિયા પહેલાં આવતાં ઉદ્દીપકો અને તેની મજ્જાતંત્ર પર થતી અસરો અંગે હલનાં ગૃહીતોમાં એવી રજૂઆત છે કે જ્ઞાનેન્દ્રિયોના અંતર્વાહક અવયવો(receptors)માં ઉદ્દીપકને લીધે ઉત્તેજના પ્રવર્તે છે; પરંતુ ઉદ્દીપન શમી જતાં ધીરે ધીરે એ અસર મંદ પડી જાય છે અને અંતે ઉત્તેજના શમી જાય છે. ઉદ્દીપક દૂર થયા પછી પણ તેનાથી ઉદભવેલી ઉત્તેજના શમી જતાં થોડો સમય જાય છે અને તે દરમિયાન બીજા ઉદ્દીપકથી ઉદભવેલ ઉત્તેજના સાથે તે ભળી જાય છે. ઘંટડીના અવાજ પછી તરત જ પ્રાણી સમક્ષ ખોરાક રજૂ કરવામાં આવે તો તેની પહેલાંની ઘંટડીથી ઉદભવેલી ઉત્તેજના થોડો સમય પ્રવર્તતી હોય તે દરમિયાન ખોરાક રજૂ થવાથી નવી ઉત્તેજના પ્રવર્તે છે અને બંને ઉત્તેજના પરસ્પર વ્યાપ્ત બની જાય છે. હલે એ પણ સ્પષ્ટ કર્યું કે જુદાં જુદાં ઉદ્દીપકોથી એકસાથે ઉત્પન્ન થયેલા સાંવેદનિક મજ્જા-પ્રવાહો (sensory impulses) વચ્ચે મજ્જાતંત્ર(nervous system)માં આંતરક્રિયા થાય છે અને આવી આંતરક્રિયાને લીધે જુદી જુદી ઉત્તેજના પરસ્પર પ્રભાવિત કરે છે. હલ પોતાનાં ગૃહીતો દ્વારા એ સ્પષ્ટ કરે છે કે ઉદ્દીપકો રજૂ થતાં વિવિધ પ્રકારની મજ્જાકીય પ્રક્રિયાઓ પ્રાણીમાં પ્રવર્તે છે.
સંવેદનતંત્રની જેમ હલે સ્નાયુ દ્વારા થતી પ્રતિક્રિયાઓનાં તંત્રો (effector systems) વિશે પણ ગૃહીતો રજૂ કર્યાં છે. સંવેદનતંત્ર ઉદ્દીપકજનિત ઉત્તેજના ગ્રહણ કરે છે પણ ક્રિયાતંત્રો દ્વારા જરૂરિયાતની તૃપ્તિ પ્રાણીને માટે શક્ય બને છે. હલ પ્રમાણે જ્યારે કોઈ સ્નાયવિક ક્રિયા (effector activity) અને સંવેદનગ્રહણક્રિયા સમયમાં એકબીજાની ખૂબ જ નિકટવર્તી (temporally contiguous) હોય અને જ્યારે ઉદ્દીપક તેમજ પ્રતિક્રિયા વચ્ચેના સમયની આવી સમીપતા, જરૂરિયાત(G)ના ઘટાડા સાથે નિકટવર્તી રીતે સંકળાયેલી હોય ત્યારે પ્રાણીની ટેવપ્રબળતા(SHR)માં વૃદ્ધિ થાય છે. એટલે કે ઉદ્દીપક રજૂ થતાં તે પ્રતિક્રિયા ઉદભવવાનું વલણ પ્રાણીમાં દૃઢ બનતું જાય છે. હલની દૃષ્ટિએ શીખવાની પ્રક્રિયા(learning)માં સમયની સમીપતા ખૂબ જ મહત્વની છે એટલે કે ઉદ્દીપક-પ્રતિક્રિયાના નવા જોડાણની સ્થાપના માટે સમયની સમીપતા અનિવાર્ય છે. દા. ત., ઘંટડીના અવાજ પછી તરત જ ખોરાક રજૂ થાય તો અને તો જ કૂતરામાં ઘંટડી પ્રત્યે લાળ ટપકવાની અભિસંધિત પ્રતિક્રિયા સ્થાપી શકાય છે. હલ સ્પષ્ટ કરે છે કે સમયની સમીપતા (contiguity) અભિસંધાન માટે અનિવાર્ય છે પણ પર્યાપ્ત નથી. સમયની સમીપતા હોય તોપણ જ્યાં સુધી પ્રબલન (re-inforcement) થતું ન હોય તો ત્યાં સુધી ઉદ્દીપક-પ્રતિક્રિયા વચ્ચેનું જોડાણ સ્થાપી શકાતું નથી. હલે પ્રબલનના બે પ્રકારો દર્શાવ્યા છે; દા. ત., બાળકને ખોરાક આપવાથી પૂર્વશિક્ષણ વિના બાળક રડતું બંધ થાય તે ઘટનામાં ખોરાક પ્રાથમિક પ્રબલન છે. પણ માતા બાળકને ખોરાક આપ્યા પહેલાં તેને ખોળામાં લે કે વહાલ કરે તો માતા દ્વારા પૂરાં પાડવામાં આવતાં આ તટસ્થ ઉદ્દીપકો પ્રાથમિક પ્રબલનકારક ખોરાકના ઉદ્દીપક સાથે જોડાઈ જાય છે અને આવા ઘણા અનુભવો પછી બાળકને ખોરાક આપ્યા પહેલાં માતા તેડી લે કે પંપાળે તોપણ તેનું રડવાનું બંધ થાય છે. આ રીતે ઘણાં બધાં તટસ્થ ઉદ્દીપકો પોતે જ પ્રબલનકારક ઉદ્દીપકો સાથે જોડાઈ જતાં પ્રબલનકારક બની જાય છે. આ રીતે પ્રાથમિક અને દ્વૈતીયિક પ્રબલનનો ભેદ માલૂમ પડે છે.
મનોવિજ્ઞાનમાં નિગમનાત્મક તંત્ર સ્થાપવાનો હલે એક ખૂબ જ મહત્વાકાંક્ષી કાર્યક્રમ હાથ ધર્યો હતો. કેનિથ સ્પેન્સ (1907–1967) પણ હલની પદ્ધતિને અનુસર્યા હતા. જોકે સ્પેન્સે ઉત્તેજનક્ષમતા(E)ને E = H (D + K) એ રીતે રજૂ કરી છે એટલે કે D કે Kમાંથી કોઈ પણ એકનું મૂલ્ય શૂન્ય હોય તોપણ પ્રતિક્રિયા ઉદભવી શકે છે.
હલના મનોવિજ્ઞાનથી કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નો ઉદભવ્યા છે. દા.ત., તમામ વર્તન પર્યાપ્ત રીતે સમજાવવા માટે હલે દર્શાવ્યું છે તેવું નિગમનાત્મક તંત્ર સ્થાપી શકાય કે કેમ તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. આ ઉપરાંત હલે ગણિતની પરિભાષામાં રજૂ કરેલાં સમીકરણો યોગ્ય છે કે કેમ તે પ્રશ્ન પણ ઉદભવ્યો છે. મધ્યવર્તી પરિવર્ત્યોથી સિદ્ધાંત-રચના કરવી જ પડે કે કેમ અને તેમાં હલે દર્શાવેલાં મધ્યવર્તી પરિવર્ત્યો જ ધારવાં પડે કે કેમ તે અંગે પણ પ્રશ્નો થાય છે. શીખવાની પ્રક્રિયા માટે પ્રબલન અનિવાર્ય છે અને પ્રબલન એટલે જરૂરિયાતોની તૃપ્તિ અને તેથી તેની સમાપ્તિ હલની એ બંને મુખ્ય સ્થાપનાઓને પણ ઘણા મનોવિજ્ઞાનીઓએ પડકારી છે.
હલના નીચેના ગ્રંથો મહત્વના છે : (1) પ્રિન્સિપલ્સ ઑવ્ બિહેવિયર (1943), (2) ઇસેન્શ્યલ્સ ઑવ્ બિહેવિયર (1951), (3) એ બિહેવિયર સિસ્ટિમ (1953). આ ઉપરાંત તેમના અનેક સંશોધન-લેખો ‘સાઇકૉલૉજિકલ રિવ્યૂ’, ‘સાઇકૉલૉજિકલ બુલેટિન’ વગેરે પ્રતિષ્ઠિત સંશોધન-સામયિકોમાં પ્રકાશિત થયા છે.
શશીકાંત પાઠક