હલદાર અસિતકુમાર

February, 2009

હલદાર, અસિતકુમાર (જ. 1890; અ. 1962) : કોલકાતાના બંગાળ શૈલીના ભારતીય ચિત્રકાર. ભારતીય પુનરુત્થાન શૈલીના પ્રણેતા. તેમને દાદા રાખાલદાસ તથા પિતા સુકુમાર હલદાર તરફથી કલાની પ્રેરણાઓ મળતી રહી, એટલે 14 વર્ષની ઉંમરે શાળાનો અભ્યાસ જતો કરી કોલકાતા ખાતેની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં અબનીન્દ્રનાથ ટાગોર તેમના પ્રથમ ગુરુ હતા. અબનીન્દ્રનાથ ટાગોરને સુરેન્દ્રનાથ ગાંગુલી, નંદલાલ બોઝ અને અ. હલદાર જેવા ઉત્સાહી વિદ્યાર્થીઓ મળ્યાનો આનંદ થયેલો. હલદારને શિલ્પ-શિક્ષણનો અનુભવ લીઓનાર્ડ જેનિંગ્સે કરાવ્યો. 1906–1910 સુધીમાં કલા-અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે તેમની કાવ્યાત્મક ચિત્રશૈલી વિકસાવી. વિષયમાં વૈવિધ્ય આણ્યું અને પોતાની સ્વતંત્ર અસ્મિતા સિદ્ધ કરી. વિક્ટોરિયા યુગમાં વિસરાઈ જતી ભારતીય કલાનું પુનરુત્થાન કર્યું. આ કૉલેજના આચાર્ય ઈ. બી. હવેલે તેમને પ્રોત્સાહન આપ્યું. સી. જે. હેરીંગહામના કલાકારવૃંદમાં સ્થાન મળવાથી 1909–10નાં વર્ષો દરમિયાન અજંતાની પ્રાચીન કલાકૃતિઓની પ્રતિકૃતિઓ કરવાનું કામ મળ્યું. તેમાં સફળતા મળવાથી 1914માં પુરાતત્વ વિભાગે તેમને જોગીમારાની ગુફાઓમાં કામ સોંપ્યું. 1917–1921માં બાઘ ગુફાઓનાં ચિત્રોની અનુકૃતિઓ તેમના હાથે થઈ. આટલું બધું કામ કરવા છતાં તેઓ પોતાના સર્જનમાં હંમેશાં કલ્પનાપ્રધાન અને કંઈક નવું આપવામાં કાર્યરત રહ્યા. પોતાની અસ્મિતા જરાય ગુમાવ્યા વિના ચિત્રકાર્ય ચાલુ રાખવાથી, તેમની સિદ્ધિઓને બિરદાવવા તેમને 1911–1923 સુધી શાંતિનિકેતનમાં કલાચાર્ય બનાવવામાં આવ્યા. 1923માં પાશ્ચાત્ય વિદેશપ્રવાસ કરવાનો મોકો મળ્યો ત્યારે તેમણે જોયું કે વિદેશી કલાકારો ‘મૉડેલ’ને જુદી જુદી રીતે યોજી પોતાનાં ચિત્રો સર્જતા હતા, એટલે ચિત્રો નિરીક્ષણપ્રધાન અને નિશ્ચિત મર્યાદામાં સર્જાતાં જોયાં. આ જોયા પછી તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો. ત્વરિત માનવપ્રવૃત્તિ પરનાં કે પદાર્થો પરનાં રેખાંકનો પરથી જીવંત ચિત્રસંયોજનો તૈયાર થાય છે. પોતે પોતાની શૈલીમાં ખરા નીવડ્યા. ઇચ્છિત અંગમરોડ અને ભાવનિયોજન તેઓ સહેજે બતાવી શકતા. વિષયવૈવિધ્યમાં માનસિક ઊંડાણ અને લાગણી-પ્રધાનતા પણ ખરાં.

‘મધર’ : અસિતકુમાર હલદારે દોરેલું ચિત્ર

સન 1924 દરમિયાન તેમણે ‘મહારાજા સ્કૂલ ઑવ્ આર્ટ અને ક્રાફ્ટ’ (જયપુર) અને ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ અને ક્રાફ્ટ’(લખનૌ)માં આચાર્યપદ શોભાવ્યું. લગભગ દશેક વર્ષ પછી 1934માં ‘રૉયલ સોસાયટી ઑવ્ આર્ટ(લંડન)’માં તેઓ ‘ફેલો’ તરીકે સ્વીકારાયા. તેઓ આ સન્માન પામનાર પ્રથમ ભારતીય હતા. આ પછી તો તેમની પ્રવચનશ્રેણીઓ કોલકાતા વિશ્વવિદ્યાલય (1934–1955), વડોદરા સંગ્રહાલય (1934), ‘એશિયાટિક સોસાયટી ઑવ્ ઇંડિયા’ (1949) વગેરે કલાધામોમાં સફળ રીતે યોજાઈ. લલિત કલા અકાદમી(દિલ્હી)માં કલાકાર સભ્ય તરીકે 1959માં ચૂંટાયા. છેલ્લે 1961માં કોલકાતામાં ટાગોર શતાબ્દી ઊજવાઈ ત્યારે મહત્વનો ભાગ ભજવ્યો.

તેમનાં અનેક ચિત્રો સાર્વજનિક અને ખાનગી સંગ્રહાલયોમાં મોજૂદ છે. કેટલાંક વિદેશનાં બોસ્ટન અને મોસ્કો મ્યુઝિયમોમાં જોવા મળે છે. ભારતમાં દિલ્હી, ત્રિવેન્દ્રમ, અલ્લાહાબાદ, ચેન્નાઈ અને રવીન્દ્રનાથ ટાગોરનાં સંગ્રહાલયોમાં સંગ્રહ પામ્યાં છે. તેમનાં 32 બુદ્ધ શ્રેણીનાં ચિત્રો અને 30 ભારતીય ઇતિહાસ શ્રેણીનાં ચિત્રોમાં આંતરિક મૂલ્યાંકન અને વિચારોનું સ્પષ્ટ દર્શન થાય છે. 1938માં ‘અલ્લાહાબાદ સંગ્રહાલય’માં તેમના નામનો ‘હલદાર હૉલ’ બનાવી ચિત્રો મુકાયાં છે.

તેઓ કવિ ઉપરાંત નિબંધલેખક પણ હતા. તેમનાં અંગ્રેજી પુસ્તકો ‘આર્ટ ઍન્ડ ટ્રેડિશન’, ‘અવર હેરિટેજ ઇન આર્ટ’ તથા બંગાળી ગ્રંથો ‘અજંટા’, ‘ભારતેર શિલ્પકથા’, ‘ભારતેર કારુશિલ્પ’ તથા હિન્દીમાં ‘રૂપદર્શિકા’ પ્રસિદ્ધિ પામેલાં છે. આ ઉપરાંત આધ્યાત્મિક રસપ્રધાન ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’, ‘રામાયણી’, ‘ગૌતમકથા’ જેવા ગ્રંથોનું બંગાળીમાં ભાષાંતર કર્યું છે. ગીતો પણ લખ્યાં છે. ચૅકોસ્લોવાકિયા સરકારે ‘ધ ડાન્સ ઑવ્ ડિસ્ટ્રક્શન’ નામે તેમનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે (1943). ‘લલિત કલા અકાદમી’એ ‘હલદાર’ નામની પુસ્તિકા (1961) પ્રસિદ્ધ કરી સચિત્ર અને ચરિત્રચિત્રણ સાથે અંજલિ આપી હતી. તેમાંનાં ચિત્રો જોતાં વર્ણનાત્મક-સંવેદનાત્મક મૂલ્યો અને આંતરિક અર્થોની કવિકલ્પના સ્પષ્ટ થતી લાગે ! તેમની શિલ્પ-રચનાઓ બહુ ઓછી પ્રસિદ્ધ છે.

કનુ નાયક