હર્સ્ટ, ડૅમિયન (જ. 1965, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ) : કલાક્ષેત્રે અવનવીન વસ્તુઓના પ્રવર્તક. આંગ્લ કલાકાર. તેમણે લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ખાતે કલાનો અભ્યાસ કર્યો અને અનેક ચિત્રો તેમજ મિશ્ર માધ્યમનાં શિલ્પોનું સર્જન કર્યું.
ડૅમિયન હર્સ્ટ
ત્યાર પછી તેમણે મૃત પ્રાણીઓનાં શરીર કે અમુક ભાગોનો ઉપયોગ કરીને બનાવેલી કૃતિઓથી તે બહુ જાણીતા થયા. ‘મધર ઍન્ડ ચાઇલ્ડ ડિવાઇડેડ’ નામની કૃતિમાં 4 ટૅન્ક ભરીને ગાય તથા વાછરડાંનાં કાપીને છૂટાં કરેલાં અંગો રજૂ કરવામાં આવ્યાં હતાં. 1994માં યુવા કલાકારો માટે તેમણે યોજેલ કલા-પ્રદર્શન ખાસું વિવાદાસ્પદ નીવડ્યું, તેમાં તેમણે ‘અવે ફ્રૉમ ધ ફ્લૉક’ નામની કૃતિમાં મૃત ઘેટાને એક ટૅન્કમાં લટકાવ્યું હતું.
ડૅમિયન હર્સ્ટની એક કૃતિ : ‘અવે ફ્રૉમ ધ ફ્લૉક’
1998માં તેમને ટર્નર પ્રાઇઝ આપવામાં આવ્યું ત્યારે કલાકાર તરીકે તેમની પ્રતિષ્ઠા નિશ્ચિત બની. ‘નો સેન્સ ઑવ્ ઍબ્સોલૂટ કરપ્શન’ નામના 1996માં યોજાયેલા તેમના પ્રદર્શનમાં અનેક મોટાં ચિત્રો તેમજ અગાઉની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.
મહેશ ચોકસી