હર્ક્યુલેનિયમ : ઇટાલીમાં આવેલું રોમન સંસ્કૃતિ ધરાવતું એક વખતનું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : 40° 50´ ઉ. અ. અને 14° 15´ પૂ. રે.. પૉમ્પી અને સ્ટૅબ્યાની જેમ આ શહેર પણ ઈ. સ. 79માં વિસુવિયસના જ્વાળામુખી પ્રસ્ફુટન દ્રવ્ય ખડકાવાથી દટાઈ ગયેલું. જે પંક અને લાવા હેઠળ હર્ક્યુલેનિયમ દટાઈ ગયું, તેની નીચે પ્રાચીન સમયનો, સ્થળના પુરાવા રજૂ કરતો જે સંગ્રહ દટાઈ ગયેલો તે જળવાઈ રહેલો. પંદરસો વર્ષ પછી જ્યારે પુરાતત્વવિદોએ તે સ્થળનું ઉત્ખનન કરાવ્યું ત્યારે સખત બની ગયેલા પંક અને લાવાના થર હેઠળથી અમૂલ્ય હસ્તપ્રતો, કલાકારીગરીના નમૂનાઓ તેમજ રોજબરોજનાં ઓજારો મળેલાં.

હર્ક્યુલેનિયમની શેરી

નેપલ્સથી માત્ર 10 કિમી.ને અંતરે, વિસુવિયસ પર્વતની તળેટીમાં આવેલું હર્ક્યુલેનિયમ ખુશનુમા હવામાન ધરાવતું સારું બંદર પણ હતું. તેની ફરતે મજબૂત કિલ્લેબંધી હતી. તેમાં ઘણા કલાત્મક ખજાનાઓ પણ હતા. ઈ. સ. 63માં થયેલા ભૂકંપથી તે બહુ જ ખરાબ રીતે તારાજ થઈ ગયેલું; પરંતુ તે પછીથી તો તેને સરખું કરી લેવામાં આવેલું.

તે પછીનાં 16 વર્ષ બાદ અહીં જ્વાળામુખી પ્રસ્ફુટન થયું, હર્ક્યુલેનિયમ, પૉમ્પીઆઇ અને સ્ટૅબ્યા દટાઈ ગયાં; હજારો લોકો મોતને શરણ થયેલા; પૉમ્પીઆઇ અને સ્ટૅબ્યા પર લાવા અને ભસ્મના થર ચઢી ગયા. આ બંને સ્થળો હર્ક્યુલેનિયમની જેમ સારી રીતે જળવાયાં નહિ. ઘણી ચીજવસ્તુઓ નષ્ટ પામી; પરંતુ હર્ક્યુલેનિયમ 30 મીટર જેટલી જાડાઈના લાવાપ્રવાહ અને પંકનાં પડ હેઠળ દબાઈ જવા છતાં ત્યાંની ચીજવસ્તુઓ જળવાઈ રહી. ત્યાર પછી તે સ્થળે એક નાનું ગામ વસ્યું. અઢારમી સદીના પ્રારંભમાં અહીં કોઈ એક ખેડૂતને કૂવાનું ખોદકામ કરાવતાં નીચેથી આરસનાં બાવલાં મળી આવ્યાં; બીજા એક માણસને આ જ રીતે ખાડો ખોદાવતાં એક થિયેટર મળ્યું. આ નમૂનાઓ મળ્યા બાદ નેપલ્સની સરકારે 1738માં ઉત્ખનનનું કામ હાથ પર લીધું. ખોદકામથી જાણવા મળ્યું કે પૉમ્પીઆઇ પર ચઢેલાં પડો કરતાં અહીંનાં પડોની જાડાઈ વધુ હતી, ચીજવસ્તુઓ દટાયેલી તો મળતી ગયેલી; પરંતુ ઉત્ખનનનું કામ કપરું પડતું હોવાથી બંધ કરાવવું પડેલું. 1926માં ઇટાલીની સરકારે તે ફરીને શરૂ કરાવ્યું.

હર્ક્યુલેનિયમ : ઈ. સ. 79માં વિસુવિયસ જ્વાળામુખીના પ્રસ્ફુટનથી ખંડિયેરમાં ફેરવાયેલી ઇમારતો

આ સ્થળ આજે તો લૂંટારાઓ દ્વારા ખોદાયેલાં બોગદાંઓથી માર્ગોની ગૂંથણીવાળું બની રહેલું છે, તે બધા અહીંથી ચોરીને કલાના અમૂલ્ય નમૂનાઓ લઈ ગયા છે. જો કે ઉત્ખનનકારોને પણ અહીંથી આરસનાં અને કાંસાનાં બાવલાંના, ચિત્રોના અને કાગળના વીંટા જેવા ગૂંચળાંના કેટલાક અજાયબ નમૂનાઓ હાથ લાગ્યા છે. આ બધી અમૂલ્ય ચીજો આજે નેપલ્સના નૅશનલ મ્યુઝિયમમાં કાયમી પ્રદર્શન માટે જાળવી રખાઈ છે.

ગિરીશભાઈ પંડ્યા