હર્ઝબર્ગ, ગરહાર્ડ (Herzberg, Gerhard) (જ. 29 ડિસેમ્બર 1904, હેમ્બુર્ગ, જર્મની; અ. 3 માર્ચ 1999, ઓટાવા, કૅનેડા) : પારમાણ્વિક અને આણ્વિક સ્પૅક્ટ્રમિકી(સ્પેક્ટ્રમવિજ્ઞાન, spectroscopy)માં મહત્વનું સંશોધન કરનાર અને 1971ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા જર્મન-કેનેડિયન ભૌતિકવિજ્ઞાની. જર્મનીમાં જ શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ 1928માં ડાર્મસ્ટાડ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી સ્નાતક થયા. 1930માં ત્યાં જ બિનપગારી વ્યાખ્યાતા (Privatdozent; unsalaried lecturer) તરીકે જોડાયા. 1935માં નાઝી જર્મની છોડીને તેઓ કૅનેડાની સાસ્કેટચેવાન (Saskatchewan) યુનિવર્સિટીમાં જોડાયા. 1945માં તેઓ કેનેડિયન નાગરિક બન્યા. 1945થી 1948 દરમિયાન શિકાગો યુનિવર્સિટીની વિલિયમ્સ બે (Williams Bay) વિસ્કોન્સીન ખાતે આવેલ યર્કીઝ ઑબ્ઝર્વેટરી(Yerkes Obeservatory)માં કાર્ય કરી તેઓ કૅનેડા પાછા આવ્યા અને ઓટાવાની નૅશનલ રિસર્ચ કાઉન્સિલમાં જોડાયા. 1955માં તેઓ કાઉન્સિલના શુદ્ધ ભૌતિક વિજ્ઞાન વિભાગના નિયામક બન્યા અને 1969 સુધી ત્યાં જ રહ્યા. તેમણે પોતાના સંશોધનકાર્ય દ્વારા અહીં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતું કેન્દ્ર વિકસાવ્યું.

ગરહાર્ડ હર્ઝબર્ગ

તેમનાં સંશોધનો દરમિયાન હર્ઝબર્ગે નોંધ્યું કે પરમાણુઓ તથા અણુઓ ચોક્કસ તરંગલંબાઈના વીજચુંબકીય વિકિરણ(electro-magnetic radiation)નું પરિસ્થિતિની અનુકૂળતા મુજબ અવશોષણ કે ઉત્સર્જન કરે છે. આ વિકિરણનો વર્ણપટ પરમાણુ અથવા અણુની ઇલેક્ટ્રૉનીય અને ભૌમિતીય સંરચના ઉપર આધારિત હોય છે. તેમના આ સંશોધને ભૌતિક રસાયણ, ખગોલ-ભૌતિકી (astrophysics), ક્વાટમ-યાંત્રિકી (quantum mechanics) જેવાં ક્ષેત્રોમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. તેમનું સંશોધન મહદ્ અંશે દ્વિપરમાણુક અણુઓ (દા. ત., H2, O2, N2, CO) ઉપર કેન્દ્રિત થયેલું હતું. કેટલાક મુક્ત મૂલકો(free radicals)ના વર્ણપટ પણ તેમણે મેળવ્યા અને સાબિત કર્યું કે અનેક રાસાયણિક પ્રક્રિયાઓમાં મુક્ત મૂલકો મધ્યવર્તી (intermediated) તરીકે ઉદભવતા હોય છે. આંતરતારકીય (interstellar) વાયુઓમાં રહેલા કેટલાક મુક્ત મૂલકોના વર્ણપટ મેળવનાર તે સૌપ્રથમ હતા. બાહ્યાવકાશમાંના તારાઓ તથા ગ્રહો અંગેની વર્ણપટલેખીય (spectrography) માહિતી એ તેમનું મહત્વનું પ્રદાન છે.

મુક્ત મૂલકોના ઇલેક્ટ્રૉનીય બંધારણ તથા અણુઓની ભૌમિતીય સંરચના સંબંધી તેમના સંશોધન બદલ તેમને 1971ના વર્ષનું રસાયણશાસ્ત્ર માટેનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

હર્ઝબર્ગનાં જાણીતાં પુસ્તકોમાં ‘ઍટમિક સ્પેક્ટ્રા ઍન્ડ ઍટમિક સ્ટ્રક્ચર’ (1944) તથા ‘મોલેક્યુલર સ્પેક્ટ્રા ઍન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર’ (4 ખંડો : 1939, 1945, 1966 અને 1979)નો સમાવેશ થાય છે.

જ. પો. ત્રિવેદી