હરિ દિલગિર [જ. 15 જૂન 1916, લારખાના, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમણે ડી. જે. સિંઘ કૉલેજ, કરાચીમાંથી બી.એસસી. તથા બી.ઈ.(સિવિલ)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઇજનેરી સેવામાંથી નિવૃત્ત થયા અને લેખનકાર્યમાં પડ્યા. 1965માં તેઓ ગાંધીધામ મ્યુનિસિપાલિટીમાં અધ્યક્ષ, 1994–1999 દરમિયાન સિંધી સાહિત્ય અકાદમી, ગુજરાતના અધ્યક્ષ રહ્યા.

તેમણે સિંધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કોઢ’ (1942), ‘પાલ પાલ જો પાર્લૌ’ (1977), ‘લહરું લાખ લિબાસ’ (1993). તેમના કાવ્યસંગ્રહો : ‘મઝેદાર ગીત’ (1983), ‘ગીત ગુલાબી’ (1989), ‘પિરો-લ્યૂન’ (1991). બાળગીતો : ‘ચોલો મુન્હિન્જો ચિક મેં’ (1987) આત્મકથા ‘રુહાની રાસ’ (1988) કાવ્યાત્મક ગદ્યની અનૂદિત કૃતિ છે.

તેમને 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર, 1983ના વર્ષનો બાળસાહિત્ય માટેનો નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રૅનિંગ ઍવૉર્ડ, 1992માં ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ સિંધી લેખક તરીકેનું સન્માન તેમને પ્રાપ્ત થયું હતું.

બળદેવભાઈ કનીજિયા