હરિપુરા કૉંગ્રેસ અધિવેશન : સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે યોજાયેલ કૉંગ્રેસનું અધિવેશન. હિંદી રાષ્ટ્રીય મહાસભાનું 51મું અધિવેશન તા. 19, 20, 21 ફેબ્રુઆરી, 1938ના રોજ ગુજરાતમાં હરિપુરા મુકામે યોજાયું હતું. આ સમયે ખેડા જિલ્લાના કૉંગ્રેસી આગેવાનોએ ચરોતરમાં આવેલ રાસ ગામમાં અધિવેશન યોજવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી; પરંતુ એ પછી એમણે એ માગણી જતી કરી અને આ અધિવેશન દક્ષિણ ગુજરાતમાં યોજવા સંમતિ આપી. અધિવેશન માટે સૂરત જિલ્લાના બારડોલી તાલુકાના આભવા, સ્યાદલા અને હરિપુરા એ ત્રણ સ્થળોની વિચારણા થયા પછી અંતે હરિપુરા ઉપર પસંદગી ઊતરી. હરિપુરા સૂરત–ભુસાવળ રેલવે લાઇનના મઢી સ્ટેશનેથી 17 કિલોમીટરના અંતરે હતું. એ વખતે મોટાં શહેરોને બદલે નાનાં ગામોમાં અધિવેશન ભરવાનું નક્કી થયું હતું, જેથી ગ્રામપ્રજામાં જાગૃતિ આવે અને નેતાઓ ગ્રામજનતા તથા ગ્રામવાતાવરણથી પરિચિત બને. આવું પ્રથમ અધિવેશન દક્ષિણમાં ફૈજપુર નામના ગામમાં યોજાયું હતું અને હરિપુરામાં આવું બીજું ગ્રામ-અધિવેશન યોજાયું.

ગાંધીજી સાથે મંત્રણા કરતા સુભાષચંદ્ર બોઝ

હરિપુરા અધિવેશનના પ્રમુખ ક્રાંતિકારી નેતા સુભાષચંદ્ર બોઝ હતા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના સંપૂર્ણ માર્ગદર્શન નીચે એ અધિવેશન યોજાયું હતું. સ્વાગતસમિતિના પ્રમુખ તરીકે દરબાર ગોપાળદાસ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી ભક્તિલક્ષ્મી દેસાઈ (ભક્તિબા), મીઠુબહેન પીટીટ, વિજયાગૌરી કાનૂગા તથા મણિલાલ ચતુરભાઈ શાહની પસંદગી થઈ હતી. સ્વાગતમંત્રી તરીકે કનૈયાલાલ નાનાભાઈ દેસાઈ (હિતેન્દ્રભાઈ દેસાઈના પિતા) અને સંયુક્ત મંત્રીઓ તરીકે ભોગીલાલ લાલા, જીવણલાલ દીવાન, નરહરિ પરીખ, કલ્યાણજી વિઠ્ઠલજી મહેતા, સન્મુખલાલ શાહ અને જ્યોત્સ્નાબહેન શુક્લ હતાં. સ્વયંસેવકોના સેનાપતિ તરીકે હરિવદન ઠાકોર અને સ્વયંસેવિકાઓનાં વડા તરીકે કુ. મૃદુલાબહેન સારાભાઈની વરણી થઈ હતી.

હરિપુરા અધિવેશનના સ્થળને સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલની સ્મૃતિમાં ‘વિઠ્ઠલનગર’ નામ અપાયું હતું. એમની વિશાળ કદની પ્રતિમા ત્યાં મૂકવામાં આવી હતી, જેનું અનાવરણ વરાયેલા પ્રમુખ સુભાષચંદ્ર બોઝે કર્યું હતું. અધિવેશન પછી એ પ્રતિમા કડોદ ગામની હાઈસ્કૂલના પ્રાંગણમાં રાખવામાં આવી હતી. વિઠ્ઠલનગરના એક દરવાજા સાથે કવિ નર્મદનું નામ જોડવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં લગભગ 2900 પ્રતિનિધિઓએ અને એક લાખથી વધારે પ્રેક્ષકોએ ભાગ લીધો હતો. અધિવેશનના સ્થળે હસ્તકલા-કારીગરીનું પ્રદર્શન યોજાયું હતું. અધિવેશનના પ્રમુખ સુભાષચંદ્ર બોઝના સરઘસ માટે વાંસદાના મહારાજાએ પોતાનો ચાંદીનો કલાત્મક રથ આપ્યો હતો. આ અધિવેશનમાં હાજર રહેવાની ભાવનગરના વયોવૃદ્ધ દીવાન પ્રભાશંકર પટ્ટણીની ખાસ ઇચ્છા હતી. તેઓ વિમાનમાં આવી શકે એ માટે હરિપુરા નજીક કામચલાઉ વિમાનીમથક (ઍરોડ્રોમ) બનાવવાની વિચારણા થઈ હતી, પરંતુ તેમનું એકાએક અવસાન થયેલું.

આ અધિવેશનમાં ભાગ લેવા સુભાષચંદ્ર બોઝ હરિપુરા આવ્યા ત્યારે ત્યાંથી પાછા ફરતાં તેઓ સૂરત આવ્યા હતા. ગોપીપુરાના ચૉકમાં એમનું ભવ્ય સ્વાગત થયું હતું. એ મુલાકાતની યાદમાં જ એ ચૉકને ‘સુભાષચૉક’ નામ આપવામાં આવ્યું હતું. શ્રીમતી સરોજિની નાયડુએ પણ સૂરત આવીને ત્યાંની સાર્વજનિક કૉલેજમાં (આજની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં) પ્રવચન આપ્યું હતું. આ અધિવેશને સૂરત શહેર અને જિલ્લા ઉપર પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ગાઢ અસર કરી હતી.

પોતાના પ્રમુખ તરીકેના પ્રવચનમાં સુભાષચંદ્ર બોઝે સમવાયતંત્રની વિરુદ્ધ કૉંગ્રેસનું વલણ તથા મુસ્લિમો સાથે સમજણ કેળવીને રાષ્ટ્રવાદને અનુરૂપ તેમની વાજબી માગણીઓ સ્વીકારવાની તૈયારી બતાવી હતી.

આ અધિવેશનમાં 9 ઠરાવો થયા હતા, જેમાં કૉંગ્રેસનાં પ્રધાનમંડળો, સમવાયતંત્ર, નાની કોમો(લઘુમતી)ના હક્કો, દેશી રાજ્યોમાં પ્રજાની ખરાબ સ્થિતિ, કિસાનસભાઓ, ઝાંઝીબારના હિંદીઓ, ચીનમાંનો સામ્રાજ્યવાદ, રાષ્ટ્રીય કેળવણીને પ્રોત્સાહન, ખાદીપ્રચાર વગેરે બાબતોનો સમાવેશ થતો હતો. સામાન્ય રીતે કૉંગ્રેસનાં અધિવેશનોમાં તત્કાલીન પરિસ્થિતિની સમીક્ષા અથવા કૉંગ્રેસની સરકાર પાસેની અપેક્ષા વિશે ઠરાવો કરવામાં આવતા. દેશની અને વિદેશની પરિસ્થિતિને પણ મહત્વ આપવામાં આવતું. દેશી રાજ્યોની પ્રજાને રાજાઓ સામે લડવાની આ અધિવેશને પ્રેરણા આપી હતી. આ અધિવેશન યોજાયા પછી 1938માં રાજકોટ રાજ્ય અને 1939માં લીંબડી રાજ્યની પ્રજાએ નાગરિક અધિકારો માટે લડત ચલાવી હતી.

આમ, હિંદી રાષ્ટ્રીય મહાસભાનું હરિપુરા અધિવેશન વિશિષ્ટ, ઐતિહાસિક અને યાદગાર હતું. આઝાદી પૂર્વે ગુજરાતમાં કૉંગ્રેસનાં ચાર અધિવેશનો યોજાયાં હતાં. એમાંથી બે અમદાવાદમાં (1902 અને 1921માં), એક સૂરતમાં (1907માં) અને એક સૂરત જિલ્લામાં (1938માં) યોજાયું તે પરથી સ્વાતંત્ર્યસંગ્રામમાં અમદાવાદ તથા સૂરતના પ્રદાન, પ્રભુત્વ અને પ્રભાવનો ખ્યાલ આવે છે. રાષ્ટ્રીય રાજકીય પ્રવાહમાં ગુજરાત પણ સક્રિય હતું એની એ પ્રતીતિ કરાવે છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી