હરિશ્ચન્દ્ર બીજો : પારસી કલાકારોએ લંડનમાં ભજવેલું રણછોડભાઈ ઉદયરામનું નાટક. રણછોડભાઈ ઉદયરામ દવેના ‘હરિશ્ચન્દ્ર’ નાટકમાં ફેરફાર કરી કેખુશરૂ કાબરાજીએ નાટક ઉત્તેજક મંડળીમાં શનિવાર તા. 30–10–1875ની રાત્રે પારસી કલાકારોને લઈ આ નાટક ભજવ્યું. ખુરશેદજી બાલીવાલાએ આ નાટક લંડનમાં ભજવી પુરસ્કાર મેળવ્યો હતો. ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ સને 1921માં ‘રાજા હરિશ્ચન્દ્ર’ નામે પણ આ નાટક રજૂ કર્યું હતું. જૂની રંગભૂમિ પર આ નાટક જહાંગીર વાડિયાના નામે પણ ભજવાયું છે. પ્રતિનાટક સ્વરૂપે ભજવાયેલા આ પ્રયોગો નાટકની લોકપ્રિયતા સૂચવે છે.

‘હરિશ્ચન્દ્ર બીજો’ એ ફિરોઝ આંટિયાએ લખેલું ધારદાર એકાંકી છે. શ્રી આંટિયાના ‘નવરંગ’ નામના એકાંકી સંગ્રહમાં આ નાટક છે. હાસ્યરસના એકાંકીની આ અતિપ્રવાહી રચના છે. પેટ પકડીને હસે તેવા સંવાદો, ભાષા, સંકલન, પાત્રવિધાનને કારણે મૈત્રીસંઘની હરીફાઈમાં આ નાટક પ્રથમ ઇનામને પાત્ર ઠર્યું હતું. આ એકાંકી મૌલિક કૃતિ છે. ‘હરિશ્ચન્દ્ર બીજો’ સને 1949ના ઑગસ્ટ માસમાં ભારતીય વિદ્યાભવનના રંગમંચ પર પ્રેક્ષકોની ભરચક હાજરી વચ્ચે ભજવાયું હતું. પિલુ વાડિયાને ઉત્તમ અભિનય માટે પ્રથમ ઇનામ મળ્યું હતું. ફિરોઝ આંટિયા, અભિનેત્રી દિનુ નિકલસ પણ આ રચનામાં અભિનય આપી ચૂક્યાં છે. અમદાવાદ, વડોદરા, મુંબઈમાં નાટ્યવિદ્યાલય તથા અન્ય સંસ્થાઓએ પણ આ પ્રહસન ભજવ્યું છે.

એકાંકીકાર તરીકે નટ, દિગ્દર્શક ફિરોઝ આંટિયાની યશસ્વી પ્રતિભાનું દર્શન આ એકાંકીમાં થાય છે. આ એકાંકીના કથાઘટકને નાટ્યકારે સમજદારીપૂર્વક પારસી વાઘા પહેરાવ્યા છે. એક પારસી યુગલને નાટકનો ઘણો શોખ છે. એમાં પતિ કરતાં પત્નીની નાટક તરફની પ્રીતિ અપાર છે. પોતાના શહેરમાં નાટ્યસ્પર્ધા યોજાય છે. નાટ્યસ્પર્ધામાં ઉલ્લાસપૂર્વક ભાગ લેવા નાટકની સંપૂર્ણ તૈયારી કરે છે. હવે નાટકમાં એક અણધાર્યો બનાવ બને છે. હરીફાઈના છેલ્લા બે દિવસ પહેલાં ‘હરિશ્ચન્દ્ર રાજા’ બનનાર નાયકમાંથી ખસી જાય છે. આ વિષમ પરિસ્થિતિના સ્વાભાવિક ઉકેલ માટે પત્ની પતિને રાજા બનાવી દે છે. એ પછીના એકાંકીના કથાઘટકમાં સતત હિંદી ભાષા બોલતા પતિના રમૂજી છબરડા શરૂ થાય છે. નાટકની તાલીમ દરમિયાન ચાલતા રમૂજી ગોટાળા કથાને આગળ ધપાવે છે. એકાંકીના અંતમાં આયોજકો તરફથી એક પત્ર મળે છે કે નાટ્યહરીફાઈમાં માત્ર એક જ નાટક સ્પર્ધા માટે આવેલું હોઈ હરીફાઈ બંધ રાખવામાં આવી છે.

નાટકનું વસ્તુ કુતૂહલપ્રેરક અને પ્રેક્ષકોને ચુસ્ત રીતે પકડી રાખે તેવું છે. દ્વિઅર્થી સંવાદો, ચેનચાળા, બાલિશપણું આ એકાંકીમાં નથી. એકાંકીકારની દૃષ્ટિ આશાવાદી છે. એમના હાસ્યમાં પણ ગર્ભિત કરુણાંશ છે. માનવસહજ નિર્બળતાનો સ્વાભાવિક સ્પર્શ આપી તેઓ બોધથી દૂર રહી વિનોદનો સૂર રેલાવે છે.

યઝદી કરંજિયા ગ્રૂપ ઑવ્ ડ્રામેટિક્સના કલાકારોએ આ એકાંકી ભજવ્યું છે. આ એકાંકીના ફિરોઝના પાત્રમાં યઝદી કરંજિયાનો અભિનય સ્વાભાવિક અને સહજ રહેતો. સમકાલીન રંગભૂમિની આ એકાંકીમાં વાચા છે. આ એકાંકીને યઝદી કરંજિયાએ પોતાની કૉલેજની રંગભૂમિ તેમજ રેડિયો પર પણ રજૂ કર્યું હતું. રેડિયો રૂપાંતર પણ તેમણે જ કર્યું હતું. નિ:શંકપણે પારસીઓએ પ્રારંભથી જ અપનાવેલી ગુજરાતી ભાષાનું એક દંશરહિત એકાંકી છે.

દિનકર ભોજક