હરિયાણા : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 27° 35´થી 30° 55´ ઉ. અ. અને 74° 20´થી 77° 40´ પૂ. રે. વચ્ચેનો 44,212 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વ તરફ દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને પશ્ચિમ તરફ રાજસ્થાન તથા વાયવ્ય તરફ પંજાબ રાજ્ય આવેલાં છે. આ રાજ્યનો આકાર ત્રિકોણ જેવો છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : ઉત્તરમાં આવેલા થોડાક શિવાલિક પહાડી પ્રદેશને બાદ કરતાં રાજ્યનું મોટા ભાગનું ભૂપૃષ્ઠ મેદાની છે. આ સમતળ પ્રદેશ સિંધુ-ગંગાના મેદાનનો એક ભાગ છે. યમુના નદી રાજ્યની પૂર્વ સીમા રચે છે. યમુના, સરસ્વતી, ઘગ્ગર અને માર્કંડ અહીંની મુખ્ય નદીઓ છે. ઘગ્ગર સહિત નાની નાની ઘણી નદીઓ યમુનાને મળે છે. રાજ્યનો પૂર્વતરફી ભાગ ‘ખદર’(કાંપ)થી બનેલો છે, જ્યારે મધ્યનો ભાગ જંગલ સહિત ભાંગર(કાંપ)થી બનેલો છે, પશ્ચિમ ભાગ રેતાળ છે. દક્ષિણ તરફ રેવાડીનો ઊંચાણવાળો પ્રદેશ અને દિલ્હી-ડુંગરધાર આવેલાં છે. રાજ્યનો સમગ્ર મેદાની પ્રદેશ જમના નદીની નહેરોની સિંચાઈ યોજનાથી ગૂંથાયેલો છે.

હરિયાણા

હરિયાણાની ખેતીલાયક 35 % જમીનોને સિંચાઈ ઉપલબ્ધ થાય છે. કરનાલ અને રોહતક જિલ્લાઓને વધુમાં વધુ, જ્યારે મહેન્દ્રગઢ જિલ્લાની રેતાળ જમીનોને ઓછામાં ઓછી સિંચાઈ મળે છે. આ રાજ્યને પૂર્વીય યમુના નહેરનાં તથા ભાકરા નહેરનાં પાણી મળી રહે છે. આ ઉપરાંત કૂવાઓ દ્વારા પણ સિંચાઈ મળે છે. પશ્ચિમ તરફના સૂકા પ્રદેશમાં બળદોની મદદથી ઊંડા કૂવાઓમાંથી ખેંચીને પાણી મેળવાય છે. હવે તો ટ્યૂબવેલ(નળકૂપ)નો પણ મોટા પાયા પર ઉપયોગ થાય છે.

હરિયાણા રાજ્યની આબોહવા પરિવર્તનશીલ રહે છે. સામાન્ય રીતે શિયાળા ઠંડા અને ઉનાળા ગરમ રહે છે. જાન્યુઆરી અને જૂનનાં લઘુતમ તાપમાન અનુક્રમે 7° સે. અને 26° સે. જેટલાં તથા મહત્તમ તાપમાન અનુક્રમે 20° સે. અને 39° સે. જેટલાં રહે છે. રાજ્યના પાટનગર ચંડીગઢનો સરેરાશ વાર્ષિક વરસાદ 1060 મિમી. જેટલો રહે છે, તે પૈકીનો 90 % જેટલો વરસાદ જૂન અને ઑક્ટોબરમાં પડી જાય છે.

અર્થતંત્ર : દિલ્હી નજીક આવેલું આ રાજ્ય ભારતનો ઘણો જ અગત્યનો કૃષિવિસ્તાર ગણાય છે. ખેતી આ રાજ્યની મુખ્ય પ્રવૃત્તિ છે, તેમાં રાજ્ય સરકાર પણ સંકળાયેલી છે, આખા રાજ્યમાં સિંચાઈની ગૂંથણી મોટા પાયા પર થયેલી જોવા મળે છે. કૃષિપાકો માટે અહીં આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે; એટલું જ નહિ, રાજ્ય તે માટે પૂરતું પ્રોત્સાહન પણ આપે છે. અહીં 90 % પાક અનાજનો થાય છે. ઘઉં, બાજરી, કઠોળ (મુખ્યત્વે ચણા) અને તેલીબિયાં અહીંના પશ્ચિમ વિભાગના મુખ્ય પાકો છે; જ્યારે ઘઉં, કપાસ, શેરડી, ડાંગર, જવ, કઠોળ, તેલીબિયાં, મરચાં અને મકાઈ પૂર્વ વિભાગના મુખ્ય પાકો છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા ઉદ્યોગો વિકસ્યા છે : હિસાર, ભિવાની, ફરીદાબાદ, ગુરગાંવમાં કાપડ ઉદ્યોગ; પાણીપત, જગાધરી, ફરીદાબાદ, યમુનાનગરમાં કાગળ ઉદ્યોગ; ફરીદાબાદ અને સોનિપતમાં સાઇકલ ઉદ્યોગ; રોહતક, પાણીપત અને યમુનાનગરમાં ખાંડ ઉદ્યોગ; પાણીપતમાં ઊની કાપડનો ઉદ્યોગ; કાલકા અને દાદરીમાં સિમેન્ટ ઉદ્યોગ જોવા મળે છે. આ ઉપરાંત, કાચનાં અને પિત્તળનાં વાસણો તથા પુરજા અને ચીજવસ્તુઓ; યંત્રસામગ્રી, ટ્રૅક્ટર અને કૃષિવિષયક ઓજારો; ગુરગાંવમાં મારુતિ સુઝુકી, મોટરો અને વાન; કરનાલ નજીક તેલ રિફાઇનરી, પંચકુલા ખાતે ભારત ઇલેક્ટ્રૉનિક્સનો ટેલિકૉમ્યુનિકેશન પ્રોજેક્ટ તૈયાર કરાયાં છે.

રૂ અને શેરડીનું પ્રક્રમણ કરતા એકમો અહીં ચાલે છે. ઊંચી ઓલાદના બળદનો તથા દુધાળાં ઢોરનો ઉછેર થાય છે. રાજ્યના દક્ષિણ ભાગમાં નાના પાયા પરના ઉદ્યોગોનું પ્રમાણ સારું છે. આ રાજ્ય નાનામોટા ઉદ્યોગો અને એકમો દ્વારા તૈયાર થતી ચીજવસ્તુઓનું મોટા પાયા પર ઉત્પાદન કરે છે. રાજ્યમાં તૈયાર થતી ચીજવસ્તુઓમાં સાઇકલો, મોટરસાઇકલો, ટ્રૅક્ટરો, ટાયરો, રેફ્રિજરેટર, પિત્તળનો સામાન, કાચનો સામાન, ટેલિવિઝન, સિમેન્ટ અને ખાંડનો સમાવેશ થાય છે. મહેન્દ્રગઢ જિલ્લામાં લોહઅયસ્ક, સ્લેટના પથ્થર અને ચૂનાખડકો મળે છે, જ્યારે અંબાલા જિલ્લામાં ચિરોડી અને ચૂનાખડકો મળે છે.

રાજ્યનાં મુખ્ય શહેરો ગ્રાન્ડ ટ્રંક રોડ પર આવેલાં છે. લાહોરથી કોલકાતા જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ રાજ્યમાંથી પસાર થાય છે. વળી તે દિલ્હી નજીક આવેલું હોવાથી સડકમાર્ગો અને રેલમાર્ગોનું પ્રમાણ પણ સારું છે.

વસ્તી : રાજ્યની કુલ વસ્તી 2001 મુજબ 2,10,82,989 છે. અહીંની 90 % વસ્તી હિન્દુઓની છે. વસ્તીનો મોટો ભાગ ગામડાંઓમાં વસે છે. કેન્દ્રશાસિત ચંડીગઢ હરિયાણા રાજ્યનું પાટનગર છે. રાજ્યમાં આવેલાં શહેરો મોટાં બજારો ધરાવે છે અને તે બધાં વેપારી કેન્દ્રો બની રહેલાં છે. હિન્દી આ રાજ્યની મુખ્ય ભાષા છે. ઉર્દૂ અને પંજાબી ભાષાઓ પણ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 60 % જેટલું છે. રાજ્યને 19 જિલ્લાઓમાં વહેંચેલું છે. રાજ્યમાં 12 શહેરો અને આશરે 7000 ગામડાં આવેલાં છે.

રાજ્યમાં આવેલાં મુખ્ય શહેરો નીચેની બાબતો માટે જાણીતાં છે :

અંબાલા : લશ્કરી મથક, રેલજંક્શન, હવાઈ મથક કાપડ–કપડાં, કાચનો માલસામાન, રસાયણો, રમતગમતનાં સાધનો અને વાસણો.

બ્રિટિશ શાસન દરમિયાન અંબાલા કૅન્ટૉનમેન્ટ ખાતેનો ગ્રાન્ડ ટ્રંક રોડ

કરનાલ : બળદો અને ઢોર, સુતરાઉ-ઊની કાપડ, નજીકના નિલોખારી ખાતે ઔદ્યોગિક વસાહત.

હિસાર : સરકારી ઢોરઉછેર ક્ષેત્ર, શૅરબજાર, સુતરાઉ-ઊની કાપડની મિલો.

રોહતક : ખાંડનાં અને કપાસ જિનિંગનાં કારખાનાં, ઢોરબજાર, અનાજબજાર, રૂ બજાર.

કુરુક્ષેત્ર (થાનેસર) : મહાભારતનું યુદ્ધક્ષેત્ર, યાત્રાધામ, સૂર્યગ્રહણ ટાણે લાખો લોકો આવે.

સોનિપત : સાઇકલનું કારખાનું.

જગાધરી–યમુનાનગર : લાકડાં, કાગળ, વનસ્પતિ તેલ, ખાંડનું બજાર.

પાણીપત : ત્રણ ઐતિહાસિક લડાઈઓનું ક્ષેત્ર, ખાંડ-કાપડનું ઉત્પાદન.

ફરીદાબાદ : ઔદ્યોગિક કેન્દ્ર, સાઇકલો, મોટરસાઇકલો, સિલાઈ-સંચા, પગરખાં, ટ્રૅક્ટરો.

રેવાડી : વાસણો.

ગુરગાંવ : મારુતિ ઉદ્યોગ (જાહેર સાહસ).

ભિવાની : દાદરી ખાતે સિમેન્ટ ઉત્પાદન.

મારુતિ ઉદ્યોગ (જાહેર સાહસ), ગુરગાંવ

ઇતિહાસ : વેદોના સમયથી હરિયાણાનો આનુશ્રુતિક તથા ગૌરવપૂર્ણ ઇતિહાસ મળે છે. આપણા દેશને ભારત નામ જેના પરથી મળ્યું, તે ભરતવંશના રાજાઓ, આ પ્રદેશમાં થઈ ગયા. ‘મહાભારત’ મહાકાવ્યમાં હરિયાણાનો ઉલ્લેખ થયેલો છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું તે કુરુક્ષેત્રનું મેદાન હરિયાણામાં આવેલું છે. મધ્ય યુગ દરમિયાન, હાલના હરિયાણા રાજ્યમાં અનેક ઐતિહાસિક લડાઈઓ થઈ હતી. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં આ પ્રદેશના લોકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. અંગ્રેજોએ વિપ્લવ કચડી નાખ્યો અને બ્રિટિશ સત્તા પુન:સ્થપાયા બાદ, જજ્જાર અને બહાદુરગઢના નવાબો, વલ્લભગઢના રાજા તથા રેવાડીના રાવ તુલારામનાં રાજ્યો લઈ લેવામાં આવ્યાં. તેમના પ્રદેશો બ્રિટિશ પ્રદેશો સાથે જોડી દેવામાં આવ્યા; અથવા પતિયાલા, નાભા અને જિંદના રાજાઓને આપી દેવામાં આવ્યા. આમ હરિયાણા પંજાબ પ્રાંતનો પ્રદેશ બન્યો. નવેમ્બર 1966માં હરિયાણાના અલગ રાજ્યની રચના કરવામાં આવી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ