હરિદાસ સ્વામી (જ. 1520, ગ્રામ રાજપુર, જિલ્લો મથુરા, ઉત્તર પ્રદેશ; અ. 1615, વૃંદાવન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રવર્તક અને વૈષ્ણવ ધર્મના મહાન સંત. તેમના અંગત જીવન વિશે જે માહિતી પ્રચલિત થઈ છે તેમાંની મોટા ભાગની વિગતો કિંવદંતી હોવાથી તે પ્રમાણભૂત ગણાય નહિ; પરંતુ જે માહિતી વિશ્વાસપાત્ર છે તે મુજબ તેઓ ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન જ્ઞાતા અને ગાયક હતા. પિતાનું નામ ગંગાધર. તેઓ મિયાં તાનસેનના ગુરુ હતા. અકબર બાદશાહ તાનસેનની સાથે તેમને મળવા વૃંદાવન ગયા હતા. તેમણે શાસ્ત્રીય સંગીત પર ‘કેલીમાલ’ નામક ગ્રંથ લખ્યો છે. આ ચાર બાબતો તેમના વિશે પ્રમાણભૂત ગણાય છે. તેઓ ‘રસિક-શિરોમણિ’ તરીકે જાણીતા હતા.

પચાસ વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કરી કાયમી વસવાટ માટે તેઓ વૃંદાવન જતા રહેલા, જ્યાં તેમણે શેષ જીવન ગાળ્યું હતું. તેમણે 96 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. તે દરમિયાન કૃષ્ણભક્તિ અને શાસ્ત્રીય સંગીત આ બે જ તેમની ખેવના હતી. મોટા ભાગનું રોજિંદું જીવન તેઓ એકાંતમાં ગાળતા. શ્રેષ્ઠ ગાયક હોવા ઉપરાંત તેઓ રચનાકાર હોવાથી – એટલે કે સાહિત્યકાર હોવાને નાતે તેઓ તેમના જમાનાના ગીતકાર ગણાતા. તેમની વિશિષ્ટ ઉપાસના-પદ્ધતિમાં સંગીત કેન્દ્રસ્થાને રહેતું. રામાનંદી સંપ્રદાયના નામાજી, લલિત સંપ્રદાયના કિશોરી અલિ અને વલ્લભ સંપ્રદાયના ગોવિંદ સ્વામી તેમને સંગીતના ઉચ્ચકોટિના જ્ઞાતા ગણતા. ‘ભક્તમાલ’ નામક ગ્રંથમાં એક ‘સમર્થ ગાંધર્વ’ તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમણે તેમના જીવનકાળ દરમિયાન રચેલાં આશરે 110 પદો પોતે લખેલાં ‘કેલિમાલ’ નામક ગ્રંથમાં સાંપડે છે. તેમાંથી મોટા ભાગની રચનાઓ તેમણે કૃષ્ણભક્તિને સમર્પિત કરી છે. તેમની રચનાઓમાં લય સંબંધી અનેક શબ્દો સાંપડે છે, જેના પરથી જણાય છે કે તેઓ લયના મોટા ગજાના જાણકાર હતા. તેમની રચનાઓમાં ધ્રુપદને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે; જ્યારે તેમની થોડીક રચનાઓ ધમાર અને રાસ જેવી શૈલીમાં લખાયેલી છે. તેમની કેટલીક રચનાઓ આધુનિક ખયાલ ગાયકીમાં પણ નિબદ્ધ કરી શકાય તેવી છે. તેમની રચનાઓમાં નૃત્ય સંબંધી વર્ણન, નૃત્યની ક્રિયાઓ, શબ્દો, બોલ, ભાવ અને શૃંગારની અનુભૂતિ પણ થાય છે. ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જે રાગોનો તેમાં મુખ્યત્વે ઉલ્લેખ સાંપડે છે તેમાં કેદાર, સુધરાઈ, મલ્હાર જેવા રાગોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. ઉપરાંત, તેમની રચનાઓમાં ઘણાં વાદ્યોનો ઉલ્લેખ પણ તેમણે કરેલ છે. દા.ત., મૃદંગ, ડફ, તાલવાદ્યો, રુબાબ, વીણા, કિન્નરી, તારવાદ્ય, મુરલી, બીન, નૂપુર વગેરે. આના પરથી સાબિત થાય છે કે સ્વામી હરિદાસ શાસ્ત્રીય સંગીતનાં બધાં જ પાસાંઓના ઉચ્ચ કોટીના જાણકાર હતા. તેમની રચનાઓનો એકમાત્ર વિષય કૃષ્ણની લીલા હતો. સંગીત દ્વારા બ્રહ્મપ્રાપ્તિ કરી શકાય છે, એવો તેમનો દૃઢ વિશ્વાસ હતો. આટલા માટે જ તેઓ નાદબ્રહ્મયોગી ગણાતા.

હરિદાસ પૂર્વે ભારતીય સંગીત સંસ્કૃત ભાષામાં ગવાતું; પરંતુ મુઘલ જમાનામાં તે ફારસી અને અરબી ભાષા તરફ વળ્યું. આ વલણ અટકાવવા માટે હરિદાસે પ્રાચીન સંસ્કૃતનાં સેંકડો ગીતોનો વ્રજભાષામાં અનુવાદ કર્યો અને તે દ્વારા મૂળ ભારતીય સંગીતને પુનર્જીવિત કર્યું.

બાદશાહ અકબરના આ સમકાલીન સંતશિરોમણિ હરિદાસ જેમણે શાસ્ત્રીય સંગીતને લોકરંજક બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા, તેમની સ્મૃતિમાં દર વર્ષે મુંબઈ જેવાં નગરોમાં સંગીત જલસાઓ તથા યુવા ગાયકોની શાસ્ત્રીય સંગીતસ્પર્ધાઓ આયોજિત કરવામાં આવે છે અને સારા ગાયક અને વાદકોને પુરસ્કારો અપાતા હોય છે. આ સમારોહોમાં ભાગ લેવો એ પણ એક લહાવો ગણવામાં આવે છે.

તેમના આઠ પ્રમુખ શિષ્યોમાં બૈજુ બાવરા, ગોપાલલાલ, મદનરાય, રામદાસ, દિવાકર પંડિત, સોમનાથ પંડિત, મિયાં તાનસેન અને રાજા શૌરસેનનો સમાવેશ કરવામાં આવે છે.

તેમના અવસાન સમયે તેમની ઉંમર 96 વર્ષની હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે