હરાજી (લીલામ) : અનેક ખરીદનારાઓની હાજરીમાં નિયત ન્યૂનતમ ભાવથી વેચાણપાત્ર ચીજ કે ચીજો વેચવાની જાહેરાત કરીને સૌથી વધારે બોલી બોલનારને તે વેચી દેવાની પ્રક્રિયા. હરાજી દ્વારા વેચાણની વ્યવસ્થા કરનાર તેમજ તે માટે બોલી બોલાવનાર હરાજી કરનાર તરીકે ઓળખાય છે. હરાજી કરવાનો સૌથી પહેલો નિર્ણય વેચનાર કરે છે. પોતાની ચીજ અથવા ચીજોની ઓછામાં ઓછી કિંમત કેટલી મળવી જોઈએ તે બાબતમાં એ નિશ્ચિત છે; પરંતુ વધારેમાં વધારે કેટલી મળી શકે તેમાં એ બાબતમાં તે અનિશ્ચિત છે. તેથી પોતાની ચીજો વેચવાની ઇચ્છા ધરાવનાર વ્યક્તિ હરાજીનો વ્યવસાય કરનાર વ્યક્તિને હરાજીનું કાર્ય સોંપે છે તથા પોતાની ચીજો વધારેમાં વધારે લોકો ખરીદવા તૈયાર થાય તેવા પ્રયત્નો કરે છે. આ પ્રયત્નોમાં હરાજી કરનાર પણ સહીઓ કરે છે. કેટલીક વાર વેચનાર પોતાની ઓળખ છતી કરવા નહિ માગતો હોય તો આવા પ્રયત્નો માત્ર હરાજી કરનાર કરતો હોય છે. નિયત સમયે અને સ્થળે હરાજી ગોઠવાય છે. ત્યાં વેચવા માટેની ચીજોની ચકાસણી થઈ શકે છે. ચા, રબર, શણ વગેરે પેદાશોની પ્રણાલિકાગત હરાજી ગોઠવવામાં આવે છે. આવી પેદાશોનો જથ્થો ખૂબ વધારે હોય છે, તેથી હરાજી કરનાર તેમાંથી જથ્થાના પ્રતિનિધિ સ્વરૂપ નમૂના તૈયાર કરે છે. સંભવિત ખરીદનારાઓ નમૂનાને તપાસે છે. નિયત સમયે હરાજીમાં સૌથી પહેલાં કેટલી ન્યૂનતમ કિંમતની અપેક્ષા છે તેની જાહેરાત કરવામાં આવે છે. આડતની રકમ અને તે કોણે ચૂકવવાની તેની સ્પષ્ટતા શરૂઆતમાં કરવામાં આવે છે. ત્યાર બાદ હરાજી કરનાર ઘંટ વગાડીને ખરીદનારાઓને બોલી બોલવા માટે સાબદા કરે છે. ખરીદનારાઓ ન્યૂનતમ કિંમતથી વધારે ભાવ બોલવા માટે બંધાયેલા છે. ખરીદનારાઓ વધારે ભાવ બોલવાની સ્પર્ધા કરતા હોય છે. હરાજીમાં હરાજી કરનાર દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી સ્પર્ધા થાય. પ્રત્યેક ખરીદનારને બોલી બોલવાની તક મળવી જોઈએ. હરાજીની આ પ્રક્રિયા શરૂ થયા બાદ વેચનાર હરાજીમાંથી ખસી જઈ શકતો નથી. આથી હરાજી શરૂ થાય તે પ્રસંગે હરાજી કરનાર ચીજ અથવા ચીજોનો કબજો લઈ લે છે. હરાજી કરનારને જ્યારે એમ લાગે કે ખરીદનારાઓ છેલ્લા બોલાયેલા ભાવ કરતાં વધારે ભાવ આપવા માટે જરા પણ તૈયાર નથી ત્યારે તે ભાવ અને ખરીદનાર નક્કી કરી વેચે છે અને તેની નોટિસ બધાને આપવા માટે એ છેલ્લા બોલાયેલા ભાવને ત્રણ વખત બોલવા માંડે છે તે દરમિયાન જો કોઈ ખરીદનાર વધારે ભાવ બોલે તો તે સ્વીકારવાને માટે હરાજી કરનારો બંધાયેલો છે; પરંતુ જો એ ત્રણ વખત ભાવ બોલી દે અને હરાજી પૂરી થયાની નિશાની તરીકે ઘંટ વગાડી દે તો ત્યાર પછી કોઈ વ્યક્તિ વધારે ભાવ બોલી શકતી નથી.

ઉપર જણાવેલ પેદાશો ઉપરાંત ઐતિહાસિક મૂલ્ય ધરાવતી, ઉત્તમ કારીગરીવાળી, કીમતી વસ્તુઓનું વેચાણ પણ હરાજી દ્વારા થાય છે. બિનવારસી મિલકતો અને ચીજોની હરાજી મહદ્અંશે સરકાર તરફથી થાય છે. સમાજમાં પ્રભાવક વ્યક્તિઓ તરીકે ઉભરેલા નેતાઓ, અભિનેતાઓ, ચિંતકો અને સાહિત્યકારો જેવાનાં કપડાંથી માંડી એમને મળેલી ભેટસોગાદોની પણ હરાજી થાય છે. કેટલીક વાર આવી હરાજી સાથે સમાજોપયોગી કાર્યમાં હરાજીની રકમ વાપરવાની પણ જાહેરાત થાય છે. જે મિલકતો કે ચીજો ગીરો લઈને બૅંકો કે એવી સંસ્થાઓ ધિરાણ કરે; પરંતુ ધિરાણ લેનાર ધિરાણ પરત ન કરે ત્યારે તેવી મિલકતો અને ચીજોની હરાજી થાય છે. એ જ પ્રમાણે કરવેરા નહિ ભરનારા અને નાદાર જાહેર થયેલાઓની પણ મિલકતો અને ચીજોની સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા હરાજી થતી હોય છે.

ઇ-કૉમર્સ શરૂ થવાથી હવે ઇન્ટરનેટ પર પણ હરાજી થાય છે. હરાજી કરનાર વેબસાઇટ ધરાવતો હોય છે. ઇન્ટરનેટનાં અને અન્ય માધ્યમો દ્વારા એ વેબસાઇટ પર નિયત દલાલી આપીને હરાજીની સેવા મળી શકશે તેવી તે જાહેરાત કરે છે. આથી ઉત્સુકો આ વેબસાઇટ ખોલીને પોતાને જરૂરી કઈ ચીજોની હરાજી થાય છે તે તપાસતા હોય છે. આ લોકો સંભવિત ગ્રાહકો હોય છે જેણે પોતાનો માલ હરાજીમાં વેચવો છે તે આ વેબસાઇટ પર જઈને પોતાના માલનું વિવરણ અને ન્યૂનતમ અપેક્ષિત કિંમત દર્શાવે છે. સામાન્ય હરાજીની જેમ ત્યાં પણ બોલી બોલાય છે અને સૌથી ઊંચી કિંમત આપનારને તે વસ્તુ વાહનવ્યવહારનાં અન્ય માધ્યમો દ્વારા મળી જાય છે. મહદ્અંશે ક્રેડિટકાર્ડની મદદથી પૈસા વેચનારના ખાતામાં જમા થાય છે. હરાજી કરનારને તેની સેવાના વળતર રૂપે જે રકમ ચૂકવવામાં આવે છે તે સામાન્ય રીતે કિંમત-આધારિત હોય છે, એટલે કે જે કિંમતે ચીજ વેચાય તેના નિયત ટકા જેટલી રકમ હરાજી કરનારને મળે છે. બહુ જ ઓછા કિસ્સામાં આડતની રકમ પહેલેથી નક્કી કરવામાં આવે છે.

અશ્વિની કાપડીઆ