હરણ (deer) : ખરીવાળું, વાગોળનારું, સર્વિડી કુળ અને આર્ટિયોડેક્ટિલા શ્રેણીનું સસ્તન પ્રાણી. વન્ય પ્રાણીઓમાં તે ખૂબ નાજુક અને આકર્ષક પ્રાણીઓ પૈકીનું એક છે. આ કુળમાં 17 પ્રજાતિઓ અને 53 જાતિઓ મળી આવે છે. તે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કર સિવાયના લગભગ બધા જ પ્રદેશોમાં વિવિધ પ્રકારમાં જોવા મળે છે. હરણની મુખ્ય ખાસિયત એ છે કે તેનાં શિંગડાં શાખા-વિભાજિત અને ખરી જાય એવાં હોય છે. તેનાં શિંગડાં ઉપર મખમલ (valvata) જેવી રુવાંટીનું આચ્છાદન હોય છે. હરણ માટે ‘કુરંગ’ અને ‘મૃગ’ પર્યાયો વપરાય છે. કાળિયાર, શિંકારા, નીલગાય, ચતુ:શૃંગી વગેરેને પણ હરણ કે મૃગ તરીકે ઓળખવામાં આવે છે. કસ્તૂરીમૃગ પણ હરણનો જ પ્રકાર છે. આ હરણ કે મૃગ વર્ગીકરણની દૃષ્ટિએ સર્વિડી કુળ, મોશ્ચિડી કુળ કે ટ્રેગ્યુલિડી કુળનાં પ્રાણીઓ છે; જ્યારે કાળિયાર, શિંકારા નીલગાય કે ચતુ:શૃંગી જેવાં પ્રાણીઓ બોવિડી (Bovidae) કુળનાં છે અને તે બધાં ‘ઍન્ટિલોપ’ તરીકે ઓળખાય છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં વગેરે પણ બેવિડી કુળનાં પ્રાણીઓ છે. ઍન્ટિલોપ અને ગાય-ભેંસ વગેરેમાં શિંગડાં પોલાં અને શાખાવિહીન હોય છે. તે ખરી પડતાં નથી. તેનું મૂળ અસ્થિ સાથે જોડાયેલું હોય છે અને તેની ઉપર કિરેટિનનું કઠણ આવરણ આવેલું હોય છે. ઍન્ટિલોપનાં શિંગડાં વળદાર લાંબાં અને છેડે અણીવાળાં હોય છે. ઘેટાં-બકરાંમાં આવાં વળદાર શિંગડાં જોવા મળે છે. ‘ઍન્ટિલોપ’ હરણ(deer)ને મળતું આવે છે; પરંતુ તે ગાય-ભેંસ, બાયસન કે ઘેટાં-બકરાંના કુળની નજીકનું પ્રાણી છે.

હરણ

હરણની ઉત્ક્રાંતિ ઑલિગોસીન યુગમાં થઈ. મિયોસીન યુગમાં (24 મિલિયનથી 6 મિલિયન દરમિયાન) તે જિરાફની શ્રેણીથી જુદાં પડ્યાં. પ્રાગ્-ઐતિહાસિક માનવી તેનો શિકાર કરતા અને તેના ચામડાને કાપડની જેમ વાપરતા. હરણમાં શિંગડાં નર-પ્રાણીમાં સાધારણ રીતે જોવા મળે છે; જોકે રેન્ડિયર અને કેરિબોઉમાં નર અને માદા બંને શિંગડાં ધરાવે છે. કસ્તૂરીમૃગ અને ચીનનાં જલ-હરણ-(Hydropotes)માં નર-માદા બંને શિંગડાં ધરાવતાં નથી. આ ખરી પડનારાં શિંગડાં તેનું બચાવનું શસ્ત્ર છે અને માદાને આકર્ષવાનું સાધન પણ છે. નરમાં દર વર્ષે આ શિંગડાં ખરી પડે છે. ઠંડા પ્રદેશમાં આ શિંગડાં ખરવાની ક્રિયા 2થી 3 અઠવાડિયાં ચાલે છે. નવાં શિંગડાંના વિકાસ માટે ખોરાકમાં ક્ષારો અને વિટામિનો આવશ્યક છે.

હરણના પગ લાંબા, પાતળા અને છેડે મજબૂત ખરી સાથે બે પાદાંગુલિવાળા હોય છે. હરણની ચામડીનો રંગ સફેદ તેમજ સુવર્ણમય હોય છે અને તેના ઉપર વિવિધ રંગોની છાંટ જોવા મળે છે. પૂંછડી ટૂંકી અને અંદરથી સફેદ હોય છે.

વિવિધ પ્રકારનાં હરણોનું વ્યાપન મુખ્યત્વે ઉત્તર અમેરિકા, યુરોપ, આફ્રિકાના ઘાસિયા પ્રદેશો અને એશિયાખંડમાં જંગલો, પર્વતીય પ્રદેશો અને શુષ્ક-અર્ધશુષ્ક પ્રદેશોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. હરણની જાતોમાં મોટામાં મોટું હરણ મૂસ ઉત્તર અમેરિકા અને કૅનેડામાં જોવા મળે છે. તેની ખભા આગળથી ઊંચાઈ 180 સેમી. જેટલી હોય છે. તેનું વજન 810 કિગ્રા. હોય છે. દક્ષિણ અમેરિકામાં મળી આવતું ‘પુડુ’ (Pudu) પર્વતીય પ્રદેશમાં 4,000 મીટરની ઊંચાઈએ રહે છે, તે સૌથી નાનું હરણ છે. તે 30 સેમી. ઊંચું અને 6.8 કિગ્રા. વજન ધરાવે છે. હરણની અન્ય જાતોમાં યુરોપ અને એશિયાનું મૂસ અથવા એલ્ક, રેન્ડિયર, રેડડિયર, હંગલ (કાશ્મીરી સાબર), સાબર, ચીતળ, ભસતું હરણ, કસ્તૂરીમૃગ વગેરેનો સમાવેશ થાય છે.

હરણની ઘણી જાતો મોટાં ટોળાંમાં રહે છે, જેમાં માદા અને બચ્ચાંનું પ્રમાણ વધુ હોય છે. નરનાં ટોળાં અલગ પણ જોવા મળે છે. હરણોમાં ચોક્કસ પ્રજનનકાળ હોતો નથી. સામાન્ય સંજોગોમાં હરણી વર્ષમાં એક વાર એક બચ્ચાને જન્મ આપે છે. જન્મ્યા બાદ થોડી મિનિટોમાં જ બચ્ચું ઊભું થઈ ચાલવા લાગે છે.

તેમનું આયુષ્ય 10થી 23 વર્ષ જેટલું જોવા મળે છે. માંસાહારી પ્રાણીઓના ભક્ષણથી તેમની સંખ્યા મર્યાદિત રહે છે. પ્રાકૃતિક સમતુલા જાળવવા અને નિવસનતંત્રને સુરક્ષિત રાખવાનું મહત્વનું કાર્ય તે કરે છે. મનુષ્ય દ્વારા તેના શિકારને કારણે હરણની કેટલીક જાતિઓ વિરલ બનવા લાગી છે. આ નિર્દોષ પ્રાણીને પાલતુ બનાવી શકાય છે.

દિલીપ શુક્લ

રા. ય. ગુપ્તે