હરડે

દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia chebula Retz. (સં. હરીતકી, અભયા, પથ્યા; હિં. હરડ, હડ, હર્રે; બં. હરીતકી; મ. હિરડા; ક. અણિલેકાયી; ત. કદુક્કાઈ; તે. કરક્કાઈ; ઉ. કારેવી; અ. એહલીલજ; ફા. હલીલ; અં. ચિબુલિક માયરોબેલન) છે.

સ્વરૂપ : તે 15–24 મી. ઊંચું, 1.5–2.4 મી.ના ઘેરાવાવાળું અને 49 મી. ઊંચું મુખ્ય થડ ધરાવતું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે. તેની શાખાઓ ફેલાતી અને પર્ણમુકુટ ગોળાકાર હોય છે. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તે થાય છે. છાલ 6 મિમી. જાડી, ઘેરી-બદામી તથા ઘણી વાર ઊભી તિરાડોવાળી હોય છે અને કાષ્ઠમય શલ્ક સ્વરૂપે ખરી પડે છે. પર્ણકલિકા, નાની શાખાઓ અને કુમળાં નવાં પાન ઉપર નરમ, ચળકતા તાંબા જેવા રંગના રોમ હોય છે. પર્ણો સાદાં 7–20 સેમી. લાંબાં, 4–7 સેમી. પહોળાં, ચળકતાં, એકાંતરિક કે સંમુખ, 68 શિરાઓની જોડીવાળાં અંડાકાર કે ઉપવલયી (elliptic) હોય છે અને પર્ણદંડની ટોચ ઉપર મોટી ગ્રંથિઓની એક જોડ આવેલી હોય છે. પુષ્પનિર્માણ એપ્રિલ-મેમાં થાય છે. પુષ્પો 4 સેમી. લાંબાં, પીળાશ પડતાં સફેદ, ગંધયુક્ત અને અગ્રસ્થ શુકી (spike) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનાં, પ્રતિઅંડાકાર (obovate) કે અંડાકાર, છેડેથી અણીવાળાં, પીળાંથી માંડી નારંગી-બદામી, કેટલીક વાર રાતી કે કાળી છાંટવાળાં, પાકે ત્યારે કઠણ, 3–5 સેમી. લાંબાં અને સુકાય ત્યારે 5-ખાંચોવાળાં હોય છે. સારી પીળાશ પડતી લીલી હરડે 7–12 ગ્રા.ની હોય છે. ફળ શિયાળામાં બેસે છે. બીજ સખત અને આછાં પીળાં હોય છે.

આકૃતિ 1 : હરડે (T. Chebula) – પુષ્પિત શાખાઓ અને ફળ

વિતરણ : હરડે ઉપ-હિમાલયી (sub-Himalayan) માર્ગોમાં રાવી નદીની પૂર્વેથી પશ્ચિમ બંગાળ અને આસામમાં 1500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. ભારતનાં પર્ણપાતી (deciduous) જંગલોમાં તેનો ઘેરાવો 1.5–1.8 મી. સુધીનો અને મુખ્ય થડની ઊંચાઈ 4.5–6.0 મી. સુધીની હોય છે. પશ્ચિમના દરિયાકિનારાનાં ભેજવાળાં જંગલોમાં તેનો ઘેરાવો 2.4 મી. કે તેથી વધારે અને અનુકૂળ સ્થળોએ મુખ્ય થડની ઊંચાઈ 9.0 સુધી પહોંચે છે. બાહ્ય હિમાલયનાં ઊંચાં ખડકવાળાં અને શુષ્ક સ્થળોએ તથા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતની ટેકરીઓ પર તે નાના વૃક્ષ સ્વરૂપે થાય છે. પંજાબના કાંગડા અને અમૃતસર વિસ્તારમાં સારી હરડે થાય છે. તેના નૈસર્ગિક આવાસોમાં મહત્તમ  છાયા તાપમાન 36°–47.5° સે. અને લઘુતમ છાયા તાપમાન 0°–15.5° સે. અને સામાન્ય વરસાદ 75–330 સેમી. જેટલો હોય છે. તે વિવિધ શૈલસમૂહો(geological formations)માં સારા નિતારવાળી માટી તેમજ રેતાળ અને ગોરાડુ મૃદાઓમાં થાય છે.

આ વૃક્ષ અતિપ્રકાશાપેક્ષી (light-demander) છે અને તેને સીધો માથા પરનો સૂર્યપ્રકાશ જરૂરી હોય છે. તે છાંયડો કે અત્યંત સાંકડી જગા સહન કરી શકતું નથી. તરુણ છોડને અમુક પ્રમાણમાં છાંયડો આપતાં અને એક બાજુએ સૂર્યની ગરમીથી રક્ષણ આપતાં વધારે અનુકૂળતા પ્રાપ્ત થાય છે. તેને બહેડાં (Terminalia bellirica) કરતાં ઓછા ભેજની જરૂરિયાત રહે છે. તે સારા એવા પ્રમાણમાં હિમ-સહિષ્ણુ (frost-hardy) અને શુષ્કતારોધી (drought-resistant) હોય છે. તે આગ સામે સારી રીતે ટકી શકે છે અને આગથી ઉત્પન્ન થયેલાં ક્ષતચિહનો (scars) અને દાહ (burns) સામે નોંધપાત્ર પુન:પ્રાપ્તિ (recovery) કરે છે. તેના સ્થૂણ-પ્રરોહ (coppice-shoot) ખૂબ શક્તિશાળી હોવાથી ઝાડીવન સારી રીતે તૈયાર કરી શકાય છે. તે અંત:ભૂસ્તારી (sucker) ઉત્પન્ન કરતું નથી.

નૈસર્ગિક પુનર્જનન (regeneration) : કેટલાંક સ્થળોએ હરડેનું પુનર્જનન સારું થાય છે, તો અન્ય સ્થળોએ તેનું એક પણ વૃક્ષ હોતું નથી. કેટલાંક સ્થળોએ હરડેનાં ફળોનો પુષ્કળ પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવતો હોઈ તેનું નૈસર્ગિક પુનર્જનન અત્યંત અલ્પ પ્રમાણમાં થાય છે. સઘન છત્ર (canopy) હેઠળ, છાયાપ્રિય જાતિઓનું પુનર્જનન એટલા વિપુલ પ્રમાણમાં થાય છે કે હરડેને ઉત્તરજીવિતા (survival) માટેની તક બહુ ઓછી રહે છે. હરડેની અલ્પ બીજાંકુરણક્ષમતા અને કીટકો, ઉંદરો, ખિસકોલીઓ તથા અન્ય કૃંતકો (rodents) દ્વારા બીજના થતા નાશને કારણે પણ તેના નૈસર્ગિક પુનર્જનનમાં તદ્દન ઘટાડો થાય છે. ભૂમિમાં કે કચરામાં દટાયેલાં બીજ સારી રીતે અંકુરણ પામે છે. નૈસર્ગિક પુનર્જનન માટે સારી જલનિકાસ જરૂરી છે. ખાડાઓમાં સામાન્ય રીતે હરડેની વૃદ્ધિ અલ્પ પ્રમાણમાં થાય છે. બીજાંકુરો ભારે અને સતત વરસાદથી ઘણી વાર મૃત્યુ પામે છે. છત્રમાં નાની ખુલ્લી જગાઓ રાખવાથી પુનર્જનન સારી રીતે થાય છે. તરુણ રોપનું સ્થાપન ખૂબ કાળજી અને પુરુષાર્થ માગે છે.

કૃત્રિમ પુનર્જનન : સ્થાન પર આધાર રાખીને ફળો નવેમ્બરથી માર્ચ સુધીમાં પાકે છે અને પાક્યા પછી તરત જ ખરી પડે છે. જમીન પર તેઓ પડે ત્યારે જાન્યુઆરીના પૂર્વાર્ધમાં તેમનું એકત્રીકરણ કરી, સૂકવી અને તેનાં બીજનો એક વર્ષ માટે સંગ્રહ કરી શકાય છે. બીજના સખત કવચને કારણે તેમની અંકુરણક્ષમતા (germinative capacity) ઓછી હોય છે. તેથી તેને પૂર્વ-ચિકિત્સા આપવી જરૂરી બને છે. બીજના આથવણ (fermentation) દ્વારા અંકુરણનાં સૌથી સારાં પરિણામો પ્રાપ્ત થાય છે. ભ્રૂણને નુકસાન પહોંચાડ્યા સિવાય બીજના પહોળા છેડે કાપ મૂકવાથી અથવા બીજને લગભગ 36 કલાક સુધી ઠંડા પાણીમાં રાખી ધરુવાડિયામાં છાંયડામાં રોપવાથી પણ સારાં પરિણામો મળે છે. 15 દિવસમાં તેનું અંકુરણ શરૂ થઈ 3–4 અઠવાડિયામાં પૂરું થાય છે. આ પદ્ધતિથી 80 % જેટલું અંકુરણ પ્રાપ્ત થાય છે. ચિકિત્સારહિત બીજને કેટલીક વાર ઊકળતા પાણીમાં રાખવામાં આવે છે. બીજ સીધેસીધાં વાવવાથી, તૈયાર રોપનું પ્રતિરોપણ કરવાથી અને મૂળ અને પ્રરોહના કટકા રોપવાથી વૃક્ષનો ખેતરમાં સફળતાપૂર્વક ઉછેર થઈ શકે છે. સ્થૂણ-રોપણ (stump-planting) કે સીધેસીધી વાવણી કરતાં એક વર્ષના રોપનું પ્રતિરોપણ કરવાથી વધારે સફળતા મળે છે. અન્ય એક પદ્ધતિ મુજબ ફળનો બહારનો ગરવાળો ભાગ કાઢી નાખી, સૂકવીને કાં તો લાકડાની પેટીમાં કે મૃદા વડે ઢાંકી ધરુવાડિયામાં રોપવામાં આવે છે અને નિયમિત પાણી પિવડાવાય છે. સામાન્ય માટીવાળી ગોરાડુ કે રેતાળ ગોરાડુ મૃદા પૂરતી હોય છે. ખાતર આપવાની કોઈ જરૂરિયાત હોતી નથી. પ્રથમ ઉનાળામાં છોડને પિયત આપવું જરૂરી હોય છે. બીજા વર્ષના વરસાદમાં મેળવેલા રોપ પ્રતિરોપણ માટે યોગ્ય ગણાય છે. ધરુવાડિયામાં રોપના પ્રારંભિક તબક્કે અને પ્રતિરોપણ પછી પણ છાંયડો ઇચ્છનીય હોય છે. વનસ્પતિની વૃદ્ધિ ધીમી થાય છે. કાષ્ઠ દર 2.5 સેમી.ની ત્રિજ્યાએ 4–12 વલયો (rings) ધરાવે છે. ઘેરાવાની વાર્ષિક વૃદ્ધિ 1.3–4.0 સેમી. જેટલી થાય છે.

આકૃતિ 2 : હરડે : ફળ અને બીજ

હરડે પર કોઈ ગંભીર જીવાત લાગુ પડતી નથી. કેટલાંક મહત્વનાં વિપત્રક (defoliator) કીટકો આ પ્રમાણે છે : Ascotis infixaria, Hyblaea puera and Asura dharma.

લણણી અને બંધારણ : શુષ્ક ફળો (6.0–7.5 ગ્રા.) ભારતમાં ઘણા લાંબા સમયથી સૌથી મહત્વના વાનસ્પતિક ચર્મશોધન (tanning) દ્રવ્ય પૈકીમાંનું એક ગણાય છે. જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન વૃક્ષને હલાવીને પાકાં ફળ એકત્રિત કરવામાં આવે છે અને છાંયડામાં આછા પડમાં સૂકવવામાં આવે છે. કાચી હરડેને તેની નક્કરતા, રંગ અને કીટકના આક્રમણથી મુક્તિને આધારે પસંદગી કરી વિવિધ વ્યાપારિક નામો હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે.

બીજની ફરતે આવેલા શુષ્ક ગરમાં ટૅનિન વિપુલ પ્રમાણમાં (સરેરાશ 30–32 %) હોય છે. જુદા જુદા વિસ્તારોમાંથી હરડેની જુદી જુદી જાત પ્રમાણે ટૅનિન દ્રવ્ય બદલાતું રહે છે. નિકાસ માટેની મહત્વની હરડેની જાતોમાં ‘ભિમ્લી’ (ચેન્નાઈ), ‘જબલપુર’ (જબલપુર, મધ્યપ્રદેશ), ‘રાજપુર’ (કોલ્હાપુર, મહારાષ્ટ્ર), ‘વિન્ગોર્લા’ (મુંબઈનાં જંગલો) અને ‘ચેન્નાઈ કોસ્ટ’નો સમાવેશ થાય છે. તામિલનાડુના સાલેમ જિલ્લાની હરડે સૌથી શ્રેષ્ઠ ગણાય છે; કારણ કે તેમાં ટૅનિન દ્રવ્ય વિપુલ પ્રમાણમાં હોય છે; તેનો રંગ અને નિષ્કર્ષનો રંગ આછો હોય છે. હરડેનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 10 %, ટૅનિન 24.6–33.5 %, અ-ટૅનિન 13.9–16.4 % અને અદ્રાવ્ય પદાર્થો 41.1–50.1 %; આસવનો pH 3.4–3.5.

હરડેનું ટૅનિન પાયરોગૅલોલ પ્રકારનું હોય છે. તે તદ્દન જટિલ પ્રકારનું હોય છે. તેનું વિવિધ માત્રામાં પુંજીભવન (agglomeration) થયેલું હોય છે. તેની જલાપઘટનની સંવેદનશીલતા પણ જુદી જુદી હોય છે. ચિબુલેજિક ઍસિડ (C41H30O27·10H2O), ચિબુલિનિક ઍસિડ (C41H32O27) અને કૉરિલેજિન મુખ્ય જલાપઘટનીય (hydrolyzable) ટેનિન છે અને તેઓ ઇલેજિટેનિન વર્ગનાં છે. તેઓના પૂર્ણ કે અપૂર્ણ જલાપઘટનથી વિવિધ પ્રમાણમાં ઉદભવતી ઊપજો આ પ્રમાણે છે : ચિબુલિક ઍસિડ (C14H12O11), 3 : 6ડાઇગૅલોઇલ ગ્લાયકોઝ (C20H20O14), ઇલેજિક ઍસિડ, ગૅલિક ઍસિડ અને β-D-ગ્લુકોગૅલિન, ટર્પેબિન, 1, 3, 6-ટ્રાઇગૅલોઇલ ગ્લુકોઝ અને 1, 2, 3, 4, 6-પેન્ટાગૅલોઇલ ગ્લુકોઝ : આ પૈકીના કેટલાક ઘટકો તાજાં પાકાં ફળોમાં હોતા નથી.

હરડેમાં રહેલા કાર્બોદિતો આ પ્રમાણે છે : ગ્લુકોઝ અને સૉર્બિટોલ (મુખ્ય ઘટકો), ફ્રુક્ટોઝ અને સુક્રોઝ (લગભગ 1.0 %), અલ્પ પ્રમાણમાં જૅન્શિયોબાયોઝ અને ઍરેબિનોઝ, માલ્ટોઝ, રહેમ્નોઝ અને ઝાયલોઝ (અત્યંત અલ્પ પ્રમાણમાં). બધા જ 18 પ્રકારના વિશિષ્ટ એમિનો ઍસિડ ઉપરાંત, ફૉસ્ફોરિક, સક્સિનિક, ક્વિનિક, શિકિમિક અને ડાઇહાઇડ્રો– અને ડીહાઇડ્રો–શિકિમિક ઍસિડની હાજરી જાણવા મળી છે. ફળોના પરિપક્વન દરમિયાન ટૅનિનનું પ્રમાણ ક્રમશ: ઘટતું જાય છે અને અમ્લતાનું પ્રમાણ વધતું જાય છે.

બજારમાં હરડે આખા ફળ સ્વરૂપે, ચૂર્ણિત ફળો (બીજવિહીન; જે અત્યંત અલ્પ પ્રમાણમાં ટૅનિન ધરાવે છે.) સ્વરૂપે અને ઘન તથા ફુવાર-શુષ્ક (spray-dried) નિષ્કર્ષોને (જે ચર્મશોધનમાં વપરાય છે.) સ્વરૂપે મળે છે.

સારણી 1 : હરડેના નિષ્કર્ષ માટે આઈ. એસ. વિનિર્દેશો (specifications)

લાક્ષણિકતાઓ ઘન

નિષ્કર્ષ

ફુહાર-શુષ્ક

નિષ્કર્ષ

રંગ † :
લાલ

પીળાશ પડતો લાલ

pH (0.4 ± 0.025 % ટૅનિન દ્રવ્યના દ્રાવણનો)

2.0

2.5

3.03.7

1.5

3.0

3.03.7

પાણી % 10 6
ટૅનિન, % વજનમાં ‡ 58 60
અ-ટૅનિન, % વજનમાં ‡ 37 36
અદ્રાવ્ય પદાર્થો, % વજનમાં ‡ 5 4
લોહ, મિગ્રા./100 ગ્રા. †, ‡ 5 5
તાંબું, મિગ્રા./100 ગ્રા. †, ‡ 5 5
સલ્ફેટયુક્ત ભસ્મ, % ‡ 4 4
†દ્રવ્યનું ચર્મશોધન જરૂરી હોય ત્યારે જ આ કસોટી કરવામાં આવે છે.

‡ જલવિહીન સ્થિતિમાં ગણતરી કરવામાં આવે છે.

ઉપયોગો : હરડેમાં ઇલેજિટેનિક ઍસિડ વધારે પ્રમાણમાં હોવાથી ચર્મશોધન માટે મુખ્ય ફાલ પૈકી એક ગણાય છે. તે પદતલ(sole)ના ચામડાના ઉત્પાદનમાં ખાસ વપરાય છે. વળી, તે શર્કરા (35 %) સારા પ્રમાણમાં ધરાવે છે; તેથી તેનામાં ઍસિડ બનાવવાનો ગુણધર્મ હોય છે; જે ચર્મશોધન-જલનું આથવણ કરવામાં મદદ કરે છે અને ચામડું વધારે ભરાવદાર બને છે. ચર્મશોધનમાં હરડે વજન અને સારો રંગ સ્થાયી કરવા, પ્રકાશરોધકતા માટે અને જૂનું થતું અટકાવવા વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. પુસ્તકોના બંધન-(binding)ના ચામડા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ગાય-ભેંસનાં ચામડાંનું પૂર્વ-ચર્મશોધન (pre-tanning) કરવા માટે તેનો નિષ્કર્ષ વાપરવામાં આવે છે.

હરડે સામાન્ય રીતે વૉટલ (Acacia mearnsii), આવળ (Cassia auriculata), ગરમાળો (C. fistula), બાવળ (Acacia nilotica ઉપજાતિ indica) અને ગોરન (Ceriops tagal) સાથે સંયોજનમાં, ચર્મશોધન અને પદતલના ચામડાના ચર્મશોધનમાં ઉપયોગી છે. જ્યારે તેનો એકલો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ટૅનિનનો પ્રવેશ ધીમા દરે થાય છે; ચામડાનું ઓછું ઉત્પાદન થાય છે; પાણી વધારે શોષાય છે અને ચામડું છિદ્રાળુ બને છે. ચામડાની ઘર્ષણરોધકતા (abrasion-resistance) ઘણી ઓછી હોય છે; નીચા તાપમાને સંકોચન થાય છે; ચામડાનો રંગ ઘેરો બને છે; તે તિરાડોવાળું અને દેખાવમાં તાંબા જેવું થાય છે. આ ત્રુટિઓને કારણે હરડેનો ચર્મશોધનમાં પૂર્ણપણે ઉપયોગ કરવામાં આવતો નથી અને ઔદ્યોગિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વૉટલની છાલ અને નિષ્કર્ષની નોંધપાત્ર જથ્થામાં આયાત કરવામાં આવે છે. હરડેના ચર્મશોધન-જલનું આથવણ થતાં સ્ફટિકીભવન (crystallization) થાય છે અને ચિબુલિનિક ઍસિડ તથા ઇલેજિક ઍસિડ ઉત્પન્ન થાય છે. હાજર ટૅનિનોનું અપઘટન થવાને કારણે કાદવ જેવા કચરાનું સર્જન થાય છે. ફૂગની વૃદ્ધિ દ્વારા થતા ઉપચયન (oxidation), જલાપઘટન કે ફળમાં રહેલા ઉત્સેચકો દ્વારા થતા જલાપઘટનને કારણે ચર્મશોધન-જલમાં રહેલા વિવિધ ઘટકોની પારસ્પરિક દ્રાવ્યતામાં ખલેલ પહોંચે છે. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નાઈ દ્વારા હરડેના ટૅનિનના રૂપાંતર માટે વિવિધ પદ્ધતિઓ આપવામાં આવી છે જેથી કાદવ જેવા કચરાનું નિર્માણ ઘટાડી શકાય અને તેનો વધારે ક્ષમતાથી ઉપયોગ થઈ શકે.

ચર્મશોધન ઉપરાંત, હરડેના નિષ્કર્ષનો એંજિનના ભરણ-જલ(feed-water)ની આંતરિક પ્રક્રિયામાં અને તેલ-વેધન (oil-drilling) રચનાઓમાં સહયોજ્ય (additive) તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. હરડે અને તેમાંથી બનાવેલ શુદ્ધીકૃત ટૅનિક ઍસિડ શાહી બનાવવામાં વપરાય છે. સુકાયો ન હોય તેવા ફળના ગરને સૂકવતાં કાળો અને ચૂર્ણ જેવો બને છે; જેમાંથી શાહી બનાવાય છે. પેટ્રોલિયમના શુદ્ધીકરણ, સિમેન્ટ-ઉત્પાદન, સ્લેટના પથ્થર રંગવામાં, આર્દ્ર પદ્ધતિ દ્વારા કોલસાની બનાવટમાં પાણી ધોવા માટે સમાક્ષેપક (flocculent) તરીકે અને સંક્ષારણ-રોધી (anti-corrosion) પ્રક્રિયક તરીકે હરડેના નિષ્કર્ષનો ઉપયોગ કરવામાં આવે છે. હરડેના ગરનો અથવા ટૅનિનના નિષ્કર્ષણ દરમિયાન પ્રાપ્ત થયેલ ભુક્તશેષ (spent) દ્રવ્યનો સક્રિયિત (activated) કાર્બન, ઇલેજિક ઍસિડ કે ફર્ફ્યુરાલ, કાર્ડબોર્ડ બનાવવામાં પૂરક (filler) તરીકે, આસંજક (adhesive) રાળમાં, ઈંધણ તરીકે અને કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. રંગકામમાં હરડેનો ઉપયોગ ઍનિલિન રંગોના રંગબંધક (mordant) તરીકે થાય છે. જોકે તેનું પીળું રંગદ્રવ્ય સુતરાઉ કાપડ અને રેશમને કેટલીક અણગમતી છાંય આપે છે.

વૃક્ષના અન્ય ભાગો જેમ કે મૂળ, છાલ, અંત:કાષ્ઠ (heartwood), રસકાષ્ઠ (sapwood) અને પર્ણો પણ ટૅનિન ધરાવે છે. વૃક્ષમાં સૌથી વધારે ટૅનિન ફળોમાં અને ત્યાર પછી ઊતરતા ક્રમમાં મૂળ, છાલ, અંત:કાષ્ઠ, રસકાષ્ઠ અને પર્ણો આવે છે. છાલનું ટૅનિન પાયરોગૅલોલ અને સંઘનિત (condensed) પ્રકારોનું મિશ્રણ ધરાવે છે; જ્યારે અન્ય ભાગોનું ટૅનિન પાયરોગૅલોલ પ્રકારનું હોય છે.

ફળો રેચક (laxative), ક્ષુધાવર્ધક (stomachic), બલકર અને રૂપાંતરક (alterative) ગુણધર્મો ધરાવે છે. ભારતીય ઔષધકોશ (Indian Pharmacopoeia) પ્રમાણે પાકી કે કાચી શુષ્ક હરડેમાં બહારનું કાર્બનિક દ્રવ્ય 1.0 %થી વધવું જોઈએ નહિ. આમળાં (Emblica officinalis) અને બહેડાં (Terminalia bellirica) સાથે સંયોજનમાં ત્રિફળા બનાવવામાં તેનો પુષ્કળ ઉપયોગ થાય છે. લગભગ બધા જ રોગોના ઔષધોમાં તે સહબંધ (adjunct) તરીકે ઉપયોગી છે. ત્રિફળામાં હરડે મુખ્ય રેચક ઘટક છે; જ્યારે બાકીના બે ઘટકો અનિયમિત પરિસંકોચક (peristaltic) ગતિને એક સમાન રીતે વધારીને હરડેની રેચક સક્રિયતામાં વધારો કરે છે. હરડેમાં રેચક ઘટક ફલાવરણ(pericarp)માં આવેલું હોય છે; જે સેનોસાઇડ Aને મળતું આવતું ગ્લાયકોસાઇડ છે. હરડેની વિવિધ જાતોની તુલનાત્મક રેચક સક્રિયતાનો ઉંદરોમાં પ્રયોગ થયેલો છે; એક ગ્રામ ‘સુરવારી હરડે’ની ક્ષમતા 1.47 ગ્રા. ‘બાલા હરડે’ કે 1.76 ગ્રા. ‘જાવા હરડે’ જેટલી હોય છે.

ત્રિફળાની કૃમિહર (anthelmintic) સક્રિયતા પણ યોગવાહી (synergistic) અસરોને કારણે તેના ત્રણેય ઘટકો પૈકી કોઈ પણ ઘટક કરતાં વધારે હોય છે. ફળોના આલ્કોહોલીય (80 %) નિષ્કર્ષની હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરાવી અને ઇથરમાં નિષ્કર્ષિત કરતાં મળતો અંશ ઘણા બૅક્ટેરિયા અને ફૂગ સામે વધારે સક્રિયતા દાખવે છે. ફળમાં રહેલ ચિબુલિન (C28H48O4, ગ.બિં. 249–50° સે.) નામનો નાઇટ્રોજનરહિત તટસ્થ ઘટક પેપાવરિન જેવી જ ઉદ્વેષ્ટરોધી (antispasmodic) સક્રિયતા ધરાવે છે.

સારણી 2 : હરડેમાં રહેલાં વનસ્પતિપોષકો (phytonutrients) અને તેમની પ્રક્રિયાઓ

વનસ્પતિપોષક પ્રક્રિયાઓ
આર્જિનિન મધુમેહરોધી (antidiabetic), અતિરક્તદાબરોધી (anti-hypertensive), વાજીકર (aphrodisiac), અલ્પઍમોનેમીય (hypoammonemic), પીયૂષિકા-ઉત્તેજક (pitutary-stimulant)
ઍસ્કોર્બિક ઍસિડ અમ્લકારી (acidulant), આલ્ડોઝ-રિડક્ટેઝ-અવરોધક, એન્જિયોટેન્સિન-ગ્રાહક-અવરોધક, પ્રતિ AGE, વાર્ધક્ય-રોધી (antiaging), હૃદવાહિકા કાઠિન્યરોધી (anti-atherosclerotic), પ્રતિ-અવસાદક (anti-depressant), ઍલ્યુમિનિયમ-પ્રતિકારક (antidote), ઔષધવિનાશક પ્રતિકારક (antidote-paraquat), શોફરોધી (anti-edemic), દંતવેષ્ટ-રોધી (anti-gingivitic), પ્રતિ-યકૃતવિષકારી (anti-hepatotoxic), પ્રતિ-હિસ્ટમિનીય-રોધી (anti-histamine), અતિરક્તદાબરોધી, પ્રતિ-શોથજ (anti-inflammatory), ઓરી-રોધી (anti-measles), શિરોવેદના-રોધી (anti-migrane), પ્રતિ-વિકૃતિજન્ય (antimutagenic), સ્થૂલતારોધી (antiobesity), વૃષણશોથ-રોધી (anti-orchitic), પ્રતિ-ઉપચાયક (anti-oxidant), પ્રતિ-પાર્કિન્સનતા (anti-parakinsonism), જંતુઘ્ન (antiseptic), ક્રમિક મૃત્યુધર્મિતા (apoptotic), બીટા-ઍડ્રિનાલિન કાર્યોત્તેજક (Beta-adrenergic) ગ્રાહક અવરોધક, બીટા-ગ્લુક્યુરોનિડેઝ-અવરોધક, કોલેજનીય (collegenic), નાલવ્રણનિરોધક (fistula-preventive), પ્રતિડિક્યુબિટીય (antidecubitic), અલ્પરક્તદાબી (hypotensive), પ્રતિરક્ષી-ઉત્તેજક (immuno-stimulant), શ્લેષ્મ-સંલાયી (mucolytic), મૂત્ર-અમ્લકારી (urinary-acidulant), સુભેદ્ય (vulnery)
ઍસ્પર્જિન પ્રતિદાત્રીયન (anti-sickling)
ચિબુલેજિક ઍસિડ પ્રતિ-પૅરોક્સિડંટ (anti-peroxidant), લિપો-લયનકારી
ચિબુલિનિક ઍસિડ પ્રતિ-પૅરોક્સિડંટ, લકવા-રોધી (anti-polio), લિપો-અપઘટનીય
કોરિલેજિન ACE-અવરોધક, પ્રત્યૂર્જકરોધી (anti-allergic), પ્રતિ-યકૃતવિષકારી, પ્રતિશોથજ, પ્રતિ-લિપો-અપઘટનીય (antilipolytic), પ્રતિ-વિકૃતિજન્ય, પ્રતિ-ઉપચાયક, પ્રતિ-પૅરોક્સિડંટ
ઇલેજિક ઍસિડ ACE-અવરોધક, આલ્ડોઝ-રિડક્ટેઝ-અવરોધક, પ્રતિ-GTF, પ્રતિ-HIV, પ્રતિ-તીવ્રગાહી (anti-anaphylactic), ગર્ભાશયમુખ (cervix) માટે પ્રતિ-કૅન્સર (anti-cancer), દંતવેષ્ટ-રોધી, પ્રતિશોથજ, પ્રતિ-વિકૃતિજન્ય, પ્રતિ-ઉપચાયક, પરિદંતશોથ-રોધી (antiperiodontic), પ્રતિ-પૅરોક્સિડંટ, પૂતિ-રોધી, અર્બુદ-રોધી (anti-tumor), યીસ્ટ-રોધી (anti-yeast), ક્રમિક મૃત્યુધર્મિતા, સંકોચક (astringent), કોષ-વિષારી (cytotoxic), ગ્લુકોસિલ-ટ્રાન્સફરેઝ-અવરોધક, યકૃતસંરક્ષી (hepatoprotective), જુવેબાયોનીય (juvabional), આતપરોધ (sunscreen), ટોપોઆઇસોમરેઝ-1-વિરોધી
ગૅલિક ઍસિડ ACE-અવરોધક, પ્રતિ-HIV, ઍડિનોવાઇરસ-રોધી (anti- adenovirus), પ્રતિ-તીવ્રગાહી, શ્વસનીશોથ-રોધી (anti-bronchitic), પ્રતિ-ઇશ્ચેરિશીય (anti-escherichic), પ્રતિ-યકૃતવિષકારી, પ્રતિ-શોથજ, પ્રતિલિશ્માનીય (anti-leishmanic), પ્રતિ-વિકૃતિજન્ય, પ્રતિ-ઉપચાયક, પ્રતિ-પૅરોક્સિડંટ, લકવા-રોધી, પ્રતિ-પ્રોટીનલયનકારી (anti-proteolytic), જંતુઘ્ન, પ્રતિ-સ્ટેફાઇલોકોકીય (anti-staphylococcic), અર્બુદ-રોધી, ક્રમિક મૃત્યુધર્મિતા, સંકોચક, જીવાણુસ્તંભક (bacteriostat), શ્વસનીવિસ્ફારક (bronchodilator), કૅન્ડિડાનાશક (candidicide), પિત્તવર્ધી (choleretic), કોષવિષારિ, પુષ્પ-અવરોધક, ગ્રામ ઋણાત્મક-નાશક (gram() cide), રક્તસ્તંભક (hemostat), યકૃતરક્ષી, પ્રતિરક્ષી-ઉત્તેજક, સ્નાયુ-વિશ્રાંતક (myorelaxant), NO-અવરોધક, વૃક્ક-વિષારિ (nephrotoxic), સ્તંભક (styptic),
લિનોલિક ઍસિડ ખીલરોધી (antiacne), પ્રતિ-તીવ્રગ્રાહી, ધમની-કાઠિન્ય- રોધી (anti-arteriosclerotic), પ્રતિ-હિસ્ટેમિનીય, પ્રતિશોથજ, પુરસ્થશોથ-રોધી (anti-prostatic), ત્વક્કીલસંસાધી (comedolytic), યકૃતરક્ષી, કીટઘ્ન (insectifuge), કૃમિનાશક (nematicide)
પૅક્ટિન પ્રતિ-વિકૃતિજન્ય, સ્થૂલતારોધી, રસાયણરક્ષી (chemoprotective), શામક (demulcent), રક્તસ્તંભક, પરિસંકોચક (peristaltic)
શિકિમિક ઍસિડ પ્રતિ-આક્ષેપક (anti-convulsant), પ્રતિ-ઉપચાયક, અર્બુદ-રોધી, બ્રુકિફ્યુજ (bruchifuge), વિકૃતિજન્ય (mutagenic)
સૉર્બિટોલ પ્રતિકીટોનીય (anti-ketoic), વિરેચક (cathartic), રેચક (laxative), મધુરક (sweetener)
ટર્કેબિન મધ્યસ્થ ચેતાતંત્ર-અવસાદક (CNS-depressant), યકૃતસંરક્ષી, ટોપોઆઇસોમરેઝ-II-અવરોધક

ફળના ગરનો ઉપયોગ દંતમંજન (dentifrice) તરીકે રક્તસ્રાવ અને પેઢામાં થતાં ચાંદાં મટાડવા માટે થાય છે. આખી હરડેને પાણીમાં રાખી; તે પાણી વડે આંખો ધોવાથી ઠંડક મળે છે; અને નેત્રશ્લેષ્મલા શોથ(conjuctivitis)માં આરામ મળે છે. તેના ચૂર્ણનું ધૂમ્રપાન કરવાથી દમમાં રાહત પ્રાપ્ત થાય છે. કૅરોન તેલ (અળસી અને ચૂનાના પાણીના મિશ્રણને ‘કૅરોન તેલ’ કહે છે.) અને હરડેનો મલમ બનાવી દાઝ્યા ઉપર અને દ્રવદાહ (scald) ઉપર લગાડતાં એકલા કૅરોન તેલ કરતાં વધારે ઝડપથી આરામ મળે છે. છાલ મૂત્રલ અને હૃદ્-બલ્ય (cardiotonic) ગુણધર્મો ધરાવે છે. થડની છાલનો મિથેનોલીય નિષ્કર્ષ રુધિરના દબાણ પર દેહધાર્મિક સક્રિયતા તથા સસલાના આંતરડા પર અને ગિનિપિગના ગર્ભાશય પર પ્રક્રિયા દર્શાવે છે. પર્ણોમાં શિકિમિક, ડીહાઇડ્રોશિકિમિક અને ક્વિનિક ઍસિડ હોય છે.

ઔષધીય હેતુઓ માટે હરડે સામાન્ય રીતે લીલી લેવામાં આવે છે અને કાળી થાય ત્યાં સુધી સૂકવવામાં આવે છે. ભારતીય ઔષધકોશમાં છ પ્રકારની હરડે વર્ણવવામાં આવી છે : ‘હલેલે-જીર’, જ્યારે કદ જીરાના બીજ જેટલું હોય; ‘હલેલે જવા’, જ્યારે કદ જવ જેટલું હોય; ‘હલેલે-જંગી’, જ્યારે કદ સૂકી દ્રાક્ષ જેટલું હોય; ‘હલેલે-ચીની’, જ્યારે ફળ લીલાશ પડતું પીળું અને સખત હોય;, ‘હલેલે-અસ્ફર’, જ્યારે ફળ લગભગ પરિપક્વતાએ હોય; અને ‘હલેલે-કાબુલી’, જ્યારે ફળ પૂર્ણપણે પરિપક્વ હોય. ઉપર્યુક્ત પૈકી બીજા, ત્રીજા અને છઠ્ઠા પ્રકારની હરડે ઔષધમાં ઉપયોગમાં લેવાય છે અને ચોથા તથા પાંચમા પ્રકારની ચર્મશોધન માટે સારી રહે છે.

પેટ્રોલિયમ-ઇથર વડે મીંજનું નિષ્કર્ષણ કરતાં 36.4 % જેટલું પીળા રંગનું મેદીય તેલ ઉત્પન્ન કરે છે. તેની ભૌતિક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ. ગુ.25° 0.9132, વક્રીભવનાંક  1.47, સાબૂકરણ આંક 190.2, આયોડિન આંક 105.1, હૅનર આંક 96.0, ઍસિડ આંક 3.4, ઍસિટિલેશન આંક 5.25, અસાબુનીકૃત દ્રવ્ય 1.15 %. તેલનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : સંતૃપ્ત (saturated) 17.75 %, ઑલિક 58.6 % અને લિનોલિક 23.3 %. તેલનો ઉપયોગ ઔષધો બનાવવામાં થાય છે.

વૃક્ષ ગુંદર ઉત્પન્ન કરે છે; જે મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં એકત્રિત કરવામાં આવે છે. તે બાવળ, ધાવડો (Anogeissus latifolia), મહુડો (Madhuca longifolia) અને લીમડા(Azadirachta indica)ના ગુંદર સાથે મિશ્ર કરવામાં આવે છે. આ મિશ્રિત ગુંદરનો ઔષધીય હેતુઓ માટે કે રંગો સાથે મિશ્ર કરવામાં ઉપયોગ થાય છે.

પંડિત ભાવમિશ્રે ભાવપ્રકાશ ગ્રંથમાં હરડેની સાત જાતો કહી છે : વિજયા, રોહિણી, પૂતના, અમૃતા, અભયા, જીવંતી અને ચેતકી. વિજયા તુંબડી જેવી ગોળ અને સર્વ રોગો પર સારી હોય છે. રોહિણી સાધારણ ગોળ અને વ્રણરોધક હોય છે. પૂતના મોટી ગોટલીવાળી અને પાતળી છાલવાળી હોય છે. તે લેપ માટે ઉત્તમ ગણાય છે. તે સરસ રેચ લાવી શરીરને સ્વચ્છ અને પવિત્ર રાખે છે. અમૃતા નાની ગોટલીવાળી અને માંસલ દળદાર ગરવાળી હોય છે અને જુલાબ માટે ઉત્તમ જાત ગણાય છે. અભયા પર પાંચ ઊભી રેષાઓ હોય છે, તે નેત્રરોગ માટે ઉપયોગી છે. તેનું સેવન કરનારને કોઈ જાતનો ભય રહેતો નથી. જીવંતીના ફળનો રંગ સોના જેવો પીળો હોય છે. તે સર્વરોગપરિહારક છે. ચેતકીના ફળ ઉપર ત્રણ ઊભી રેખાઓ હોય છે. તે ચૂર્ણ બનાવવા માટેની સારી જાત છે. તે સ્રોતોની શુદ્ધિ સાધી ચેતન વધારે છે. હરડેનાં નાનાં કુમળાં ફળ ઉતારી સૂકવ્યા બાદ જે નાની હરડે મળે તેને બાળહરડે કહે છે. જે હરડે અત્યંત કઠણ, જાડી, લાંબી, અણીદાર, પાણીમાં ડૂબી જાય તેવી અને 22થી વધારે ગ્રામ વજન ધરાવતી જાતને સુરવારી હરડે કહે છે. તે ઉત્તમ ગુણકારી હોય છે. હાલમાં વ્યાવહારિક દૃષ્ટિએ હરડેની ત્રણ જાત મળે છે : (1) નાની હરડે કે હીમેજ, (2) પીળી હરડે (મધ્યમ ફળ = ચાલીસા) અને (3) મોટી હરડે કે કાબુલી હરડે. આ સિવાય ‘હરડાં’ નામની પીળી હરડે(ચાલીસા)થી નાની અને કંઈક ગોળ એવી હલકી જાત છે. હરડે આયુર્વેદની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી હોવાથી તેને માટે સંસ્કૃતમાં ‘नास्ति यस्य गृहे माता तस्य माता हरीतकी।’ કહ્યું છે.

હરડેમાં ખારા રસ સિવાય બાકીના પાંચેય રસ હોય છે. ગુણમાં તે હળવી, રુક્ષ, વિપાકે મધુર, ઉષ્ણવીર્ય અને પ્રભાવથી ત્રિદોષહર છે. આમ છતાં તે કફદોષની વધુ શાંતિ કરે છે. બહારથી તેનો લેપ સોજા, પીડા અને વ્રણ મટાડી તેને રુઝવે છે અને રક્તસ્રાવ બંધ કરે છે. હરડે જઠરાગ્નિવર્ધક, બુદ્ધિવર્ધક, આયુષ્યવર્ધક, નેત્રોને હિતકર, વાયુની સવળી ગતિ કરનાર તથા મધુર રસાયન હોય છે. તે શ્વાસ, ખાંસી, પ્રમેહ, હરસ, કોઢ, સોજા, કૃમિ, ઉદર (પેટ) રોગ, સ્વરભંગ, કબજિયાત, વિષમજ્વર (મલેરિયા), ગોળો, આફરો, તૃષા, ઊલટી, હેડકી, ખૂજલી, હૃદયરોગ, કમળો, શૂળ, પ્લીહા (બરોળ), યકૃતરોગ, મૂત્રકષ્ટ તથા મૂત્રનાશના દર્દને મટાડે છે. ટૂંકમાં તે વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષથી થતાં દર્દો મટાડે છે. હરડે ચાવીને ખાવાથી જઠરાગ્નિ વધે છે. ચૂર્ણ કરી ખાવાથી રેચ થાય છે. પકાવીને ખાવાથી ઝાડો બંધાય છે, અટકે છે. શેકીને ખાધેલી હરડે ત્રિદોષશામક છે. ભોજન સાથે ભેળવીને તે ખાવાથી બળ, બુદ્ધિ તથા ઇન્દ્રિયોને તેજ (ચપળતા) આપે છે. હરડે સિંધવ સાથે ખાવાથી કફ, સાકર સાથે ખાવાથી પિત્ત, ઘી સાથે ખાવાથી વાયુદોષના રોગ મટે છે અને ગોળ સાથે ખાવાથી સર્વરોગોનો નાશ થાય છે. હરડે ગ્રીષ્મ ઋતુમાં ગોળમાં, વર્ષાઋતુમાં સિંધવમાં, શરદ ઋતુમાં સાકર સાથે, હેમંત ઋતુમાં સૂંઠ સાથે, શિશિર ઋતુમાં લીંડીપીપર અને વસંત ઋતુમાં મધ સાથે ખાવી હિતકારક છે.

સગર્ભા સ્ત્રીને, ચાલીને થાકેલાને, દુર્બળ કે ખૂબ પાતળા માણસને, ખૂબ તરસ લાગતી હોય તેવી વ્યક્તિને, ઉપવાસીને, હડપચી જકડાઈ જતી હોય તેવા દર્દીને, શોષવાળા નવા તાવના દર્દીને તથા રક્તસ્રાવી કે રક્તદાન કરેલ વ્યક્તિને માટે હરડેનો નિષેધ કરવામાં આવ્યો છે.

હરડેના બીજનો મીંજ ચક્ષુષ્ય અને ગુરુ હોય છે અને વાયુ તેમજ પિત્તનો નાશ કરે છે. ત્રિફળા (હરડે, બહેડાં અને આમળાં) દીપન, રુચિકર, ચક્ષુને હિતાવહ, રસાયન, વય:સ્થાપક, વૃષ્ય, સારક, હૃદ્ય અને બલકર હોય છે. તે પિત્ત, કફ, ત્રિદોષ, કોઢ, મેહ, નેત્રરોગ, રક્તદોષ, મેદ, ક્લેદ, જ્વર અને વિષમજ્વરનો નાશ કરે છે. સુરવારી હરડે મૃદુવિરેચન, અર્શોઘ્ન, શ્લેષ્મહર, શોથનાશક, રક્તસંગ્રાહક, બલ્ય, પથ્ય, ગુલ્મહર, વ્રણરોપણ અને વય:સ્થાપન છે. નાની હરડે મૃદુ રેચક, વાતહર અને બલ્ય હોય છે.

ઔષધિપ્રયોગો : (1) વાતરક્ત (gout) રોગમાં : સુરવારી હરડે કે હીમેજનું ચૂર્ણ ગોળમાં મેળવી ગોળી કરી રોજ સવાર-સાંજ આપવામાં આવે છે. (2) દમ અને હેડકી : હરડે અને સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે આપવામાં આવે છે. (3) આમ (મરડા) ઉપર : હરડે અને સૂંઠનું ચૂર્ણ ગોળ સાથે સમભાગે લઈ, તેમાં લીમડાના પાનનો રસ ઉમેરી ગોળી બનાવી રોજ 2–3 વાર આપવામાં આવે છે; અથવા હીમેજનું 2 ગ્રામ ચૂર્ણ 50 ગ્રામ દૂધમાં અપાય છે. (4) કાયમી નીરોગી રહેવા માટે : રાત્રે સૂતી વખતે હરડેનું 2–3 ગ્રામ ચૂર્ણ લઈ ઉપર ગરમ કરેલું દૂધ 100 ગ્રામ લેવામાં આવે છે. દર અઠવાડિયે એક વાર આ ઔષધ આપવામાં આવે છે. (5) પિત્ત(ગરમી)ના દોષથી શરીર સૂકાય તે માટે : હરડે ચૂર્ણ 2–3 ગ્રામ સાંજે છાશમાં પલાળી રાખી સવારે તે છાશ પિવાય છે. વધુ રેચ થાય તો ઘી-ભાત ખાવાનાં હોય છે. (6) અમ્લપિત્ત : હરડે ચૂર્ણ એક ભાગ, કાળી દ્રાક્ષ એક ભાગ અને સાકર બે ભાગ સાથે વાટી, 10 ગ્રામની ગોળી બનાવી રોજ એક-એક ગોળી અપાય છે. સાદો-સાત્વિક ખોરાક અપાય છે. (7) ઊલટી : હરડેનું ચૂર્ણ મધમાં આપવામાં આવે છે. આ પ્રયોગથી કફ, રક્તપિત્ત, શૂળ અને ઝાડાનું દર્દ મટે છે. (8) કબજિયાત : એકલી હરડેનું ચૂર્ણ 3-5 ગ્રામ જેટલું પાણી સાથે લેવાથી અથવા હરડેને ગોમૂત્રમાં પલાળી, કાઢીને સૂકવ્યા પછી બનાવેલ (ગોમૂત્ર હરીતકી) ચૂર્ણ રોજ લેવાથી કફદોષથી થતી કબજિયાત મટે છે, અથવા હીમેજ, મીંઢીઆવળ, વરિયાળી, અને સંચળનું ચૂર્ણ બનાવી રાત્રે લેવાથી ગૅસ, અપચો, આમદોષ કે કફદોષથી થયેલી કબજિયાત મટે છે. હીમેજ(નાની હરડે)ને કડાઈમાં દિવેલ મૂકી, તેમાં શેકી-ફુલાવીને, તેની બનાવેલી ફાકી (એરંડભૃષ્ટ-હરીતકીચૂર્ણ) રોજ 3-4 ગ્રામ લેવાથી વાયુ-પિત્તદોષથી થયેલ કબજિયાત, અમ્લપિત્ત તથા હરસ-મસાની પીડા અવશ્ય મટે છે. (સાથે યોગ્ય પરેજી પણ પણ પાળવી જરૂરી છે.) (9) શીતજ્વર : હરડે અને ઇન્દ્રજવનું ચૂર્ણ ગોળ સાથે ખાવાથી લાભ થાય છે.

આકૃતિ 3 : હરડેના કાષ્ઠનો આડો છેદ

આ ઉપરાંત હરડેનો ઉપયોગ પાંડુરોગ, નાના બાળકને આંકડી આવે તે ઉપર, પિત્તગુલ્મ, શ્લીપદ (હાથ કે પગ મોટા થાય તે), અજીર્ણ, ગરમીનાં ચાંદાં, વ્રણ, સર્વ પ્રકારના પ્રમેહ, અંડવૃદ્ધિ, કાસ, શ્વાસ, મેદોરોગ, શૂળ, બરોળ, વૃષણશોથ, ભગંદર, અમ્લપિત્ત, સંધિગત સન્નિપાત, અંતક સન્નિપાત, આમાતિસાર, આનાહ, વિબંધ, વિષૂચિકા, ગૃધ્રસી નાડીવ્રણ, અંતવિદ્રધિ વગેરેમાં કરવામાં આવે છે.

હરડેથી હૃદય અને રુધિરવાહિનીઓની શિથિલતા દૂર થાય છે. રુધિરાભિસરણ સુધરવાથી મગજમાં રુધિર વધારે જાય છે. તેથી ઊંઘ સારી આવે છે, વીર્ય ઘટ્ટ થાય છે, શરીરનો રંગ સુધરે છે, વજન વધે છે, તેજી આવે છે અને સ્ત્રીસમાગમથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ઉપર્યુક્ત લક્ષણો હરડે લાંબો સમય સુધી લેવાથી જોવા મળે છે. શરદીમાં કફ પડતો હોય તથા પરુ વહેતું હોય તે માટે હરડે ખૂબ લાભદાયી છે.

હીમેજ અજીર્ણથી થયેલ અતિસાર, કૉલેરા, જીર્ણ અતિસાર, જીર્ણ મરડો, ગુલ્મ, પ્લીહાવૃદ્ધિ અને હરસ ઉપર અત્યંત ગુણકારી છે. કબજિયાતથી થતા હરસમાં પણ હીમેજ ઉપયોગી છે.

કાષ્ઠ : રસકાષ્ઠ (sapwood) આછા લીલા રંગનું, પીળું કે બદામી ભૂખરું હોય છે. અંત:કાષ્ઠ (heartwood), ઘેરું જાંબલી, નાનું અને અનિયમિત હોય છે. કાષ્ઠ ઝાંખાથી માંડી ચળકતું લીસું, ખુલ્લામાં કે પાણીમાં ટકાઉ, સાંકડા પટાઓમાં અંતર્ગ્રથિત (interlocked) કણિકાયુક્ત અને ઘણી વાર અરીય સમતલમાં અમળાયેલ-કણિકાયુક્ત અથવા કુંચિત (curly) – કણિકાયુક્ત, મધ્યમ સૂક્ષ્મ ગઠનવાળું અને ભારેથી ઘણું ભારે (વિ. ગુ. 0.80–1.03; વજન 945 કિગ્રા./ઘ.મી.) હોય છે. કાષ્ઠને અત્યંત ઉચ્ચતાપસહ (refractory) વર્ગમાં મૂકવામાં આવે છે. તેનું સંશોષણ (seasoning) કરવું મુશ્કેલ હોય છે. તેનું ધીમું અને એકસરખું શુષ્કન (drying) કરવામાં આવે છે; નહિતર તેની સપાટી પર તિરાડો પડે છે, વળી જાય છે અને ચિરાઈ જાય છે. ચોમાસા દરમિયાન કે તે પછી તરત જ વાયુ-સંશોષણ સૌથી સારો ઉપાય ગણાય છે. ચોમાસા દરમિયાન રૂપાંતરિત (converted) અને છાંયામાં થપ્પી કરેલા દ્રવ્યનું સંશોષણ સારું થાય છે. થપ્પીઓ ઉપર વજન રાખવાથી કાષ્ઠના વળી જવાથી થતું નુકસાન ઘટે છે. તેના સૂકા કાષ્ઠ પર કરવતકામ કે ખરાદીકામ કરવું મુશ્કેલ હોય છે. તેની પરિષ્કૃતિ (finishing) સખત અને લીલી સપાટીમાં પરિણમે છે. કાષ્ઠની પૉલિશ સારી રીતે થાય છે. તેના કાષ્ઠની સાગના કાષ્ઠના ગુણધર્મો સાથેની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 135, પાટડાનું સામર્થ્ય 100, પાટડા તરીકેની દુર્નમ્યતા (stiffness) 105, સ્તંભ તરીકેની ઉપયુક્તતા 105, આઘાત-અવરોધકક્ષમતા 125, આકારની જાળવણી 55, અપરૂપણ (shear) 130 અને કઠોરતા (hardness) 185.

તેનું પ્રકાષ્ઠ (timber) તરીકેનું ખાસ મૂલ્ય નથી. છતાં તેનો ઉપયોગ બાંધકામ માટે અને સ્તંભ તથા પાટડા તરીકે થાય છે. તે ગાડાંઓ, મુખ્યત્વે માળખાંઓ, ધરીઓ અને દંડ (shaft) બનાવવામાં ઉપયોગી છે. કેટલીક વાર તેનો ઉપયોગ હોડીઓ અને રેલવેના વૅગનનું તળિયું, રેલવે ચાવીઓ, બફર (buffer) અને બ્રેક-બ્લૉક (brake-block), સારી ગુણવત્તાવાળાં ઓજારોના હાથાઓ બનાવવામાં થાય છે. તેનું ઉષ્મીયમાન (calorific value) 3,967 કૅલરી અને 7,141 બ્રિટિશ ઉષ્ણતા એકમ (British thermal unit, B.T.U.) હોવાથી ઈંધણ તરીકેનું મૂલ્ય નીચું છે. હરડેની છાલમાં થોડાક પ્રમાણમાં પૅરાફૉર્માલ્ડિહાઇડ કે ફર્ફ્યુરાલ ઉમેરવાથી બીબાકામ (moulding) માટેનું સારું ચૂર્ણ બને છે.

બળવંતરાય, વલ્લભભાઈ પઢિયાર

બળદેવપ્રસાદ પનારા, બળદેવભાઈ પટેલ