હયવદન (1971) : મૂળ કન્નડ ભાષામાં લખાયેલું જાણીતું નાટક. તે સુપ્રસિદ્ધ નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા ગિરીશ રઘુનાથ કર્નાડ(જ. 3 મે 1938)ની પ્રખ્યાત નાટ્યકૃતિ છે. 1975માં તેમણે પોતે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. આજે ભારતની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ ઉપલબ્ધ છે અને તેના સંખ્યાબંધ સફળ નાટ્યપ્રયોગો થયા છે. જર્મન વાર્તાકાર થૉમસ માનેની વાર્તા ‘ધ ટ્રાન્સપોઝ્ડ હેડ્ઝ’માં ઉચિત ફેરફાર કરી તેનું નવેસરથી પુનર્ઘટન કરીને કર્નાડ તેને અનુસર્યા છે.
પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વહેંચાયેલી આ નાટ્યકૃતિમાં ત્રણ અલગ અલગ પ્રવાહો જોવા મળે છે, પણ નાટ્યકારે એવી સૂક્ષ્મતાથી નાટ્યશિલ્પ ઘડ્યું છે કે આ પ્રવાહો એકબીજાને પૂરક બની કેન્દ્રીય ભાવને કલાત્મક રીતે ઉપસાવે છે. તેમાંનો એક કથાપ્રવાહ તે ભાગવત એટલે સૂત્રધાર અને તેની નટમંડળીના પ્રશ્નોને વાચા આપતો પ્રવાહ. બીજો પ્રવાહ તે હયવદનની વ્યથાકથાનો પ્રવાહ. હયવદન એટલે કર્ણાટકની રાજકન્યા અને હય(ઘોડા)ના અટપટા સંયોગથી જન્મેલો અડધો ઘોડો અને અડધો માનવી. માથું ઘોડાનું અને શરીર માનવીનું. તેને ગમે તે રીતે પૂર્ણાંગ બનવું છે. તે માટે એ અનેક માનતાઓનો આશરો લે છે.
નાટકનો ત્રીજો પ્રવાહ અને મુખ્ય પ્રવાહ તે દેવદત્ત-પદ્મિની-કપિલનો છે. રૂપ અને બુદ્ધિમાં અપ્રતિમ એવો દેવદત્ત પદ્મિની જેવી રૂપસુંદરીના પ્રથમ દર્શને પ્રેમમાં પડે છે. અને આકરી પ્રતિજ્ઞા લે છે કે જો આ કન્યારત્ન મને પ્રાપ્ત થશે તો હું મારા બંને હાથ મહાકાલીદેવીના ચરણમાં અર્પણ કરીશ અને ભગવાન રુદ્રના ગળામાં મારું મસ્તક લટકાવીશ. શરીરમાં અસાધારણ બાહુબળ ધરાવતો પણ બુદ્ધિ અને રૂપમાં ન્યૂનતાને કારણે લઘુતાગ્રંથિ અનુભવતો કપિલ મિત્ર દેવદત્તનો દૂત બનીને પદ્મિની પાસે જાય છે અને બંનેનાં લગ્ન કરાવી આપવામાં સફળ થાય છે. દેવદત્તની બુદ્ધિપ્રતિભા અને રૂપવૈભવથી આકર્ષાયેલી પદ્મિની કપિલની આકર્ષક દેહયષ્ટિ જોઈને તેના તરફ આકર્ષાય છે. કપિલની પણ એ જ સ્થિતિ છે. નાટ્યકારે આ ત્રણેય પાત્રોની ચૈતસિક ગતિવિધિને સ્વગતોક્તિઓ, મહોરાં, ચિત્રિત પડદાઓ, યક્ષગાનપરંપરા, કોરસગીતો વગેરે રંગમંચનાં માધ્યમો દ્વારા શ્રેષ્ઠ રીતે ઉપસાવી છે.
તેની રહસ્યમય કથા આગળ વધે છે : આ ત્રણેય પાત્રો યાત્રામાં ભાર્ગવ નદીના કિનારે વિશ્રામ કરવાના હેતુથી રોકાય છે. એકલો પડેલો દેવદત્ત મહાકાલીના દર્શને જઈ પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું બહાનું બતાવી પોતાનો શિરચ્છેદ કરે છે. મિત્રને વાર લાગતાં કપિલ મહાકાલીના મંદિરમાં જઈ મૃત દેવદત્તને જોઈ સમર્પણનું દેખીતું કારણ દર્શાવી પોતાનો શિરચ્છેદ કરે છે. બંને મિત્રોની તપાસ કરવા આવેલી પદ્મિની બંનેના મૃતદેહો જોઈ ‘હવે મારે જીવીને શું કરવું ?’ એવા ખ્યાલથી તે પણ પોતાનો શિરચ્છેદ કરવા તૈયાર થાય છે. એ જ ક્ષણે સર્વજ્ઞ મહાકાલી સાક્ષાત્ પ્રગટ થાય છે અને પ્રસન્ન થઈને પદ્મિનીને બંને મિત્રોનાં મસ્તક યોગ્ય જગ્યાએ મૂકી દેવા આદેશ આપે છે. હર્ષાવેશમાં પદ્મિનીથી દેવદત્તનું મસ્તક કપિલના ધડ પર અને કપિલનું મસ્તક દેવદત્તના ધડ પર મુકાઈ જાય છે. મસ્તકની હેરાફેરીથી ત્રણે આશ્ચર્ય સાથે અવનવા અનુભવોને કારણે આનંદિત થાય છે. મસ્તકની અદલાબદલીનો પ્રસંગ પરિસ્થિતિજન્ય પ્રહસન પૂરું પાડે છે.
નાટ્યકાર કર્નાડે મુખ્ય કથા સાથે હયવદનની પૂરી કથાનું પ્રકરણ રચી પોતાની સર્જક પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. પૂર્ણાવસ્થાને પામવા માટે વલખાં મારતો હયવદન હજુ અપૂર્ણ છે. પરિપૂર્ણતા માટેની મનુષ્યની શોધ શાશ્વત છે એવી વિભાવના વ્યક્ત કરવાનો નાટ્યકારનો આશય છે. જ્યારે હયવદનને ઘોડસવારી કરતાં જોઈને બાળક ખિલખિલાટ હસે છે ત્યારે હયવદન ઘોડાની હણહણાટી પ્રાપ્ત કરે છે. નાટ્યકારે આમ ત્રણેય પ્રવાહોને જોડાજોડ મૂકી હયવદનને સંપૂર્ણ માનવ નહિ પણ સંપૂર્ણ ઘોડો બનાવી ઉત્તમાંગ મસ્તકનો નહિ પણ પશુદેહનો વિજય દર્શાવ્યો છે. હયવદનને હણહણાટી કરતા અશ્વને ચક્રાકારમાં ગોળ ગોળ ફરતો બતાવી સાંપ્રત યાંત્રિક જીવનની એકવિધતા, શુષ્કતા અને સર્વોપરિતાને તાકી છે. મસ્તકની અદલાબદલીનો પ્રસંગ ઊભો થતાં આપણે પરિસ્થિતિજન્ય પ્રહસનને માણીએ છીએ પણ જેમ જેમ આ ટોટલ થિયેટરનું નાટક આગળ વધતું જાય છે તેમ તેમ તેમાંનો કરુણગર્ભ ભાવ આપણને સ્પર્શી જાય છે.
ભારતીય દર્શન અને મનોવિજ્ઞાનની ભૂમિકા પર રચાયેલા આ પડકારક્ષમ નાટકના અંગ્રેજીમાં અને ભારતની જુદી જુદી ભાષાઓમાં અનેક પ્રયોગો થયા છે. આરંભમાં અંગ્રેજીમાં લક્ષ્મી કૃષ્ણમૂર્તિએ અને યમુનાપ્રભુએ હિંદીમાં એનું મંચન કર્યું હતું. બી. વી. કારંથ, સત્યદેવ દૂબે, રાજિન્દરનાથ, વિજય મહેતા જેવા સશક્ત દિગ્દર્શકોના નેજા હેઠળ પણ તેનું રંગમંચન થયું છે. મ. સ. યુનિવર્સિટીના પ્રાધ્યાપક બિરજે પાટિલે અંગ્રેજીમાં તો ગુજરાતી ભાષામાં દિગ્દર્શક પ્રા. જગદીશ ભટ્ટે (અનુવાદ પોતે), હર્ષદ શુક્લે (અનુ. ચિનુ મોદી) અને કપિલદેવ શુક્લે (અનુ. ભગવતીકુમાર શર્મા) ‘હયવદન’ની ભજવણી કરી હતી. આ નાટ્યકૃતિ માટે ભારતીય નાટ્ય સંઘ દ્વારા નાટ્યકારને કમલાદેવી ઍવૉર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે, તે ઉપરાંત નાટ્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ 1974માં ‘પદ્મશ્રી’ અને 1992માં ‘પદ્મભૂષણ’ના ખિતાબથી નવાજવામાં આવ્યા છે. વળી 1998માં જ્ઞાનપીઠ ઍવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
લવકુમાર મ. દેસાઈ