હયગ્રીવ (વિષ્ણુ) : હયગ્રીવ રાક્ષસને મારવા એના જેવું જ સ્વરૂપ ધારણ કરેલા અષ્ટભુજ વિષ્ણુ. આ સ્વરૂપનું મૂર્તિવિધાન આપતાં વિષ્ણુધર્મોત્તર જણાવે છે કે હયગ્રીવનો વર્ણ શ્વેત હોય છે અને તેઓ નીલવર્ણનાં વસ્ત્રો ધારણ કરે છે. એમને અશ્વમુખ અને આઠ હાથ હોય છે જેમાંના ચારમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે. જ્યારે બાકીના ચાર હાથ, માનવ આકારમાં કરેલા ચાર વેદોના મસ્તક પર મૂકેલા હોય છે. હયગ્રીવનાં ઉપલબ્ધ શિલ્પોમાં આઠ હાથમાં ગદા, બાણ, ચક્ર, ખડ્ગ, શંખ, ખેટક, ધનુષ અને પદ્મ હોય છે. હયગ્રીવના પગ આગળ હાથમાં ઢાલ-તલવાર સાથે પરાજય પામેલા રાક્ષસ હયગ્રીવનું અંકન જોવા મળે છે.
પ્રવીણચંદ્ર પરીખ