હમ્બોલ્ટ ઍલેક્ઝાન્ડર, ફૉન (Humboldt Alexander, Von) (જ. 1769; અ. 1859) : મહાન જર્મન ભૂગોળવેત્તા. 18 વર્ષની વયે ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી, જીવવિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્રમાં રસ લેતા થયા. 1790માં જ્યૉર્જ ફૉર્સ્ટર સાથે પશ્ચિમ યુરોપ, નેધરલૅન્ડ, બેલ્જિયમ, યુ.કે. અને ઉત્તર ફ્રાન્સનો પ્રવાસ ખેડેલો. 1799માં દક્ષિણ અમેરિકાના દેશોના પ્રવાસ દરમિયાન ભૂસ્તરશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને ઘણી માહિતી એકઠી કરી હતી.
હમ્બોલ્ટ ઍલેક્ઝાન્ડર, ફૉન
તેમણે ઍમેઝોન પ્રદેશનો નકશો સર્વપ્રથમ વાર તૈયાર કર્યો હતો. 1804થી 1824 દરમિયાન તેઓ પૅરિસમાં સ્થાયી થયેલા. તે ગાળામાં તેમણે ઇતિહાસ, ભૂગોળ, તત્વજ્ઞાન અને રસાયણશાસ્ત્રના વિષયોમાં ઘણાં સંશોધનપત્રો બહાર પાડેલાં. 1827માં તેઓ બર્લિન પાછા ફર્યા. 1829માં રશિયાની સરકારે યુરલ, અલ્તાઈ અને સાઇબિરિયાનાં ખનિજક્ષેત્રોની મુલાકાત લેવા તેમને આમંત્રેલા. તેમના સંશોધનને આધારે ‘Asia Centrale in French’ નામનાં બે પુસ્તકો 1843માં પ્રગટ કરેલાં. 1830માં રશિયાથી બર્લિન આવ્યા. તે પછીનાં તેમના જીવનનાં 29 વર્ષ બર્લિન ખાતે ગાળેલાં. તે દરમિયાન તેમણે જર્મનીમાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવાઓ આપેલી.
તેમણે ‘Kosmos’ શીર્ષક હેઠળ સમગ્ર વિશ્વની માહિતી આપતી પુસ્તકશ્રેણી લખેલી, જેના પાંચ ભાગ પ્રગટ થયેલા. આ શ્રેણીનું લેખનકાર્ય 1845માં પૂરું થયેલું; પરંતુ આ શ્રેણી તેમના મૃત્યુ બાદ 1862માં પ્રગટ થયેલી.
નીતિન કોઠારી