હમ્બર (નદી) : ઇંગ્લૅન્ડના ઈશાન ભાગમાં હમ્બરસાઇડ પરગણામાં થઈને પૂર્વ તરફ વહેતી, ઉત્તર સમુદ્રને મળતી નદી. ભૌગોલિક સ્થાન : 53° 32´ ઉ. અ. અને 0° 08´ પૂ. રે.. તેની લંબાઈ આશરે 64 કિમી. જેટલી તથા પહોળાઈ સ્થાનભેદે 1.5 કિમી.થી 11 કિમી. જેટલી છે. ઔસ અને ટ્રેન્ટ તેની સહાયક નદીઓ છે. વેપારી માલની હેરફેર આ નદીઓ મારફતે થતી રહે છે. હમ્બર નદીમાં મુખથી ઉપરવાસ તરફ આશરે 32 કિમી.ના અંતર સુધી મોટાં જહાજો હંકારી લઈ જઈ શકાય છે. આ નદીને કાંઠે હલ અને ગ્રિમ્સ્બી નામનાં બે મહત્વનાં શહેરો વસેલાં છે. ઉત્તર સમુદ્રમાં જવા માટે હલ બંદર અંતિમ મથક ગણાય છે, ત્યાંથી ફેરી સેવા ચાલુ રહે છે. નવમી અને દશમી સદી દરમિયાન નૉર્સમૅનોએ ઇંગ્લૅન્ડ પર આક્રમણો કરેલાં ત્યારે તેઓ તેમની નૌકાઓ હમ્બર નદીમાં થઈને હંકારી ગયેલા. હલ શહેર નજીક આ નદી પર 1981માં હમ્બર પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. દુનિયામાં આવેલા ઝૂલતા પુલો પૈકી આ પુલ લાંબામાં લાંબો ગણાય છે, તેનો મુખ્ય ગાળો જ 1,410 મીટર લંબાઈનો છે.

ગિરીશભાઈ પંડ્યા