હમ્ફ્રી, હુબર્ટ (જ. 27 મે 1911, વાલેસ સાઉથ, ડાકોટા; અ. 13 જાન્યુઆરી 1978) : અમેરિકાના 38મા ઉપપ્રમુખ (1965–1969). અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર અને ફાર્મસીના વિષયોનો અભ્યાસ કર્યો. 1944માં ડેમોક્રેટિક પક્ષના સંગઠક બન્યા. 1945માં મિન્યાપોલિસના નગરપતિ (મેયર) ચૂંટાયા.
હુબર્ટ હમ્ફ્રી
પક્ષમાં તેઓ ઉદારમતવાદી વલણો તરફી ઝોક ધરાવનાર નેતા તરીકે જાણીતા હતા. 1948માં તેમણે પક્ષના સંમેલનમાં નાગરિક અધિકારોની ભારે તરફેણ કરી હતી. 1945–1965 મિનેસોટા રાજ્યના પ્રતિનિધિ તરીકે સેનેટમાં કામગીરી કરી. 1960માં અમેરિકાના પ્રમુખની ઉમેદવારીનો અસફળ પ્રયાસ કર્યો, જેમાં તેઓ પ્રમુખની પ્રાયમરી ચૂંટણીઓમાં અન્ય ઉમેદવાર જ્હૉન કૅનેડી સાથે સ્પર્ધામાં હતા. પક્ષના વરિષ્ઠ સભ્યોના સમર્થનનો અભાવ અને ટાંચાં સાધનો તેમની મર્યાદાઓ બન્યાં હતાં. 1961–1965ના ગાળામાં નાગરિક અધિકારો અંગેના કાયદામાં તથા ન્યૂક્લિયર ટેસ્ટ બાન ટ્રીટી અંગેના કાયદાઓ વેળા બહુમતીના દંડક તરીકે તેમણે સક્રિય ભૂમિકા નિભાવી હતી. પ્રમુખ કૅનેડીની હત્યા બાદ જોન્સન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે તેઓ તેના પ્રખર સમર્થક હતા. એ સમયે અમેરિકા વિયેટનામ યુદ્ધ લડતું હતું તેને પણ તેમણે સમર્થન આપેલું.
1971માં ફરીથી સેનેટમાં ચૂંટાઈને તેઓ જીવનપર્યંત સેનેટ સભ્ય રહ્યા. 1972માં પ્રમુખીય ઉમેદવારી માટે તેમણે વધુ એક નિષ્ફળ પ્રયાસ કર્યો. તેઓ જૂની શૈલીના લિબરલ-ડેમોક્રેટ હતા અને તેથી ‘ન્યૂ ડીલ’નાં મૂલ્યોને વળગી રહ્યા હતા. આથી સરકારી પગલાંના લાભોનું સમર્થન કરવાની ટેવ ધરાવતા હતા.
રક્ષા મ. વ્યાસ