હમીરપુર (ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશ રાજ્યના ઝાંસી વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 25° 57´ ઉ. અ. અને 80° 09´ પૂ. રે.ની આજુબાજુનો 4,095 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ઉત્તરમાં યમુના નદીથી અલગ પડતા કાનપુર અને ફતેહપુર જિલ્લા આવેલા છે. પૂર્વમાં બાંદા જિલ્લો કેન નદીથી અલગ પડે છે. દક્ષિણ તરફ મહોબા જિલ્લો તથા પશ્ચિમ અને વાયવ્ય તરફ ઝાંસી અને જાલોન જિલ્લા આવેલા છે. જિલ્લામથક હમીરપુર જિલ્લાના ઈશાન ભાગમાં આવેલું છે.
હમીરપુર જિલ્લો (ઉત્તરપ્રદેશ)
ભૂપૃષ્ઠ–આબોહવા–જળપરિવાહ–વનસ્પતિ : સ્થળદૃશ્યના સંદર્ભમાં જોતાં જિલ્લાનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની ભૂમિથી બનેલું છે. જિલ્લાની જમીનો માર, કબાર, પારુઆ અને રાકર નામના બુંદેલખંડ પ્રકારની છે. પ્રથમ બે પ્રકારની જમીનો કાળી, જ્યારે છેલ્લા બે પ્રકારની જમીનો આછા રંગવાળી હોય છે. અહીંના ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા હોય છે. વરસાદની સરેરાશ 500 મિમી. જેટલી રહે છે.
યમુના, બેતવા, ઢસાણ અને કેન આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. આ ઉપરાંત ઘણી નાની નાની નદીઓ પણ છે. વરસાદની મોસમ દરમિયાન તેમાં વેગીલાં જળ વહે છે, જ્યારે બાકીના ગાળામાં તેમાં પાણીનો આવરો ઓછો રહે છે. બેતવા યમુનાની સહાયક નદી છે. બધી નદીઓ પૈકી જિલ્લામાં તે લાંબામાં લાંબી નદી છે. આ જિલ્લામાં કોઈ સરોવરો આવેલાં નથી.
જિલ્લાનો ઉત્તર વિભાગ વૃક્ષવિહીન છે. કાળી જમીનો પર બાવળનાં વૃક્ષો જોવા મળે છે, જ્યારે નદીકાંઠાના પ્રદેશમાં નાનાં અને બુઠ્ઠાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળે છે. અહીં જોવા મળતાં વૃક્ષોમાં બાવળ, ધાક, સૈજા, ટેન્ડુ, મહુડો, સાગ, શીમળો, લીમડો, જાંબુડો અને આંબાનો સમાવેશ થાય છે. જિલ્લામાં જંગલની કોઈ વિશિષ્ટ પેદાશો થતી નથી, માત્ર ઇંધનનાં લાકડાં મળે છે.
ખેતી–પશુપાલન : જિલ્લાના લોકોનો એકમાત્ર વ્યવસાય ખેતી છે, કારણ કે અહીં કોઈ મોટા પાયા પરના ઉદ્યોગો વિકસેલા નથી. વર્ષમાં અહીં ત્રણ (ખરીફ, રવી અને રોકડિયા) પાક લેવાય છે. ખરીફ પાકો મુખ્ય છે. તેમાં જુવાર, બાજરી અને ડાંગરની ખેતી થાય છે. રોકડિયા પાકોમાં શેરડી, કપાસ અને તલ થાય છે. રવી પાકોમાં ચણા, ઘઉં અને અળસી તથા દાળની ખેતી થાય છે.
ગાયો, ભેંસો અને ઘેટાં-બકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે. મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. ડેરી-ઉદ્યોગના એકમો તથા દૂધની સહકારી મંડળીઓ કાર્યરત છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં મોટા પાયા પરના ઉદ્યોગો નથી, ગામડાંમાં માત્ર કુટિર-ઉદ્યોગો ચાલે છે. હાથવણાટના બરછટ કાપડના તેમજ ઈંટો અને માટીનાં વાસણોના એકમો જોવા મળે છે. રાથ, હમીરપુર, સુમેરપુર અને મઉદાહામાં બજારો આવેલાં છે. જિલ્લામાં ઈંટો, ગોળ, સાબુ, ખાદીનું કાપડ અને ચામડાનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ઈંટો, ઘઉં, ગોળ, પગરખાં વગેરેની નિકાસ તથા કાપડ, ખાંડ, કપાસ અને સિમેન્ટની આયાત કરવામાં આવે છે.
પરિવહન : જિલ્લામાં રેલમાર્ગો વિકસ્યા નથી, માત્ર કાનપુર-બાંદાનો રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે, જેના પર સાત જેટલાં રેલમથકો આવેલાં છે. રાજ્યના ધોરી માર્ગોની સારી ગૂંથણી અહીં જોવા મળે છે. 17 અને 21 નંબરના રાજ્યધોરી માર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે.
હમીરપુર નજીક યમુના નદીના કિનારે આવેલું પ્રાચીન વૃક્ષ
પ્રવાસન : જિલ્લામથક હમીરપુર યમુના અને બેતવા નદીઓના સંગમથી નજીકમાં વચ્ચેની જિહવાકાર ભૂમિ પર આવેલું છે. આ નગર હમીરદેવે અગિયારમી સદીમાં સ્થાપ્યું હોવાનું કહેવાય છે. અલ્વરમાંથી કાઢી મુકાયેલો તે રાજપૂત હતો. તેણે અહીં આવીને એક કિલ્લો બાંધેલો, જે આજે ખંડિયેર સ્થિતિમાં છે. એવું પણ કહેવાય છે કે દિલ્હીના શાસક પૃથ્વીરાજે 1180માં મહોબા જતાં હમીરપુર ખાતે લશ્કરનું દળ મૂકેલું. અહીં હમીરપુરમાં જૂના વખતનો કિલ્લો તથા થોડીક મસ્જિદો આવેલાં છે. જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે.
લોકો–વસ્તી : 2001 મુજબ હમીરપુર જિલ્લાની વસ્તી 10,42,374 છે. સ્ત્રીઓ કરતાં પુરુષોનું પ્રમાણ થોડુંક વધુ છે. વસ્તીની ગીચતા પ્રત્યેક ચોકિમી. વિસ્તારદીઠ સરેરાશ 205 વ્યક્તિઓની છે. જિલ્લામાં ઉપયોગમાં લેવાતી મુખ્ય ભાષાઓ હિન્દી અને ઉર્દૂ છે. જિલ્લામાં અંદાજે 75 % વસ્તી હિન્દુઓની છે, બાકીના 25 %માં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈનોનો સમાવેશ થાય છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ માત્ર 40 % જેટલું છે. હમીરપુર ખાતે કૉલેજ-શિક્ષણની સુવિધા છે. હમીરપુર તેમજ અન્ય શહેરી વિસ્તારોમાં દવાખાનાંની સગવડ ઉપલબ્ધ છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ જિલ્લાને ત્રણ તાલુકાઓ અને સાત સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં સાત શહેરો અને 647 (142 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગે ઈ. સ. 641–642ના અરસામાં આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તે જણાવે છે કે આ પ્રદેશની જમીન ફળદ્રૂપ છે અને પુષ્કળ પાક થાય છે. આ પ્રદેશનો રાજા બ્રાહ્મણ હતો અને તે બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો. તે વિદ્વાનોને પ્રોત્સાહન આપતો હતો. 13મી સદી સુધી ચંદેલ વંશના રાજાઓ અહીં રાજ્ય કરતા હતા. આ પ્રદેશનો 13મીથી 16મી સદી સુધીનો ઇતિહાસ અપ્રાપ્ય છે. તે પછી અંગ્રેજોના આગમન અગાઉ અહીં મુસ્લિમોની સત્તા હતી. 16મી સદીથી આ પ્રદેશમાં બુંદેલા લોકો મહત્વનો ભાગ ભજવતા હતા. ઈ. સ. 1804માં આ વિસ્તારમાં ઈસ્ટ ઇંડિયા કંપનીની સત્તા સ્થપાઈ. 1812થી 1857 સુધી આ પ્રદેશમાં શાંતિ પ્રવર્તી. 1857ના વિપ્લવ દરમિયાન અશાંતિ ફેલાઈ હતી. બાંદાનો નવાબ વિપ્લવ દરમિયાન હારીને નાસી ગયો. તે સાથે વિપ્લવનો આ પ્રદેશમાં અંત આવ્યો. વિપ્લવ બાદ સામાન્ય જનજીવન ફરીથી સ્થપાયું. 11 ફેબ્રુઆરી, 1995ના રોજ હમીરપુર જિલ્લાનું વિભાજન થયું હતું.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ