હનુમન્નાટક (મહાનાટક) : સંસ્કૃત સાહિત્યમાંનું સૌથી મોટું નાટક. શ્રી દામોદરમિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ રામકથા-આધારિત ચૌદ અંકની વિશાળકાય નાટ્યરચના છે; જેમાં શ્રીરામના જન્મથી શરૂ કરી શ્રીરામના રાજ્યાભિષેક અને સીતાત્યાગ સુધીની કથા ગૂંથી લેવામાં આવી છે.

આ નાટકનાં બે સંસ્કરણ મળે છે : એક દામોદર મિશ્રસંપાદિત ‘હનુમન્નાટક’ જેમાં ચૌદ અંક અને 579 શ્લોકો છે અને જે મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. બીજું સંસ્કરણ તે મધુસૂદન મિશ્રસંપાદિત ‘મહાનાટક’નું છે જેમાં નવ અંક અને 791 શ્લોકો છે અને જે બંગાળમાં પ્રચલિત છે. બંનેમાં 300 શ્લોકો સમાન છે.

એક જનશ્રુતિ પ્રમાણે હનુમાને આ નાટકની રચના કરી હતી. તેને જોઈ મહર્ષિ વાલ્મીકિને લાગ્યું કે આ અતિમધુર રચના અમર થઈ જશે અને પોતાના ‘રામાયણ’નો પ્રચાર થશે નહિ. તેથી તેમણે હનુમાનને વિનંતી કરી. હનુમાને પોતાની રચના સમુદ્રમાં ફેંકી દીધી. વર્ષો પછી કોઈક માછીમારોને આકસ્મિક રીતે જ સમુદ્રમાંથી ટંકિત પથ્થરો મળ્યા. તેની ભોજરાજાને વાત કરતાં કલાના જિજ્ઞાસુ ભોજે જે અંશો મળ્યા તેને પોતાના સભાપંડિત દામોદર મિશ્રને આપ્યા અને ગ્રંથની પૂર્તિ કરાવી. આ જનશ્રુતિનો ઉલ્લેખ ‘હનુમન્નાટક’ ઉપર લખેલી મોહનદાસની ‘दीपिका’ ટીકામાં મળે છે. શ્રી બલ્લાલરચિત ‘ભોજપ્રબંધ’માં અને મેરુતુંગના ‘પ્રબંધચિંતામણિ’માં પણ આ કથા મળે છે.

આમ મૂળ રચયિતા તરીકે હનુમાનનું નામ, ઉદ્ધારમાં ભોજ રાજાનું નામ અને સંદર્ભ-સંયોજકમાં દામોદર મિશ્રનું નામ મળે છે.

ગિરધરકૃત ‘રામાયણ’માં ‘હનુમન્નાટક’નો ઠેર ઠેર ઉલ્લેખ છે. ગોસ્વામી તુલસીદાસે પણ ‘રામચરિતમાનસ’માં ‘હનુમન્નાટક’ની કેટલીક સુંદર ઉક્તિઓ લીધી છે. એમ જણાય છે કે ‘હનુમન્નાટક’ ગુજરાતમાં અથવા ગુજરાતની નજીકના પરિસરમાં 13મી સદીની આસપાસમાં રચાયું છે. એમાં પુરોગામી નાટ્યકારોના શ્લોકો પણ આપવામાં આવ્યા છે.

આ નાટકના આરંભમાં બે મંગલ શ્લોકો છે, પરંતુ પ્રસ્તાવના નથી. પ્રથમ અંકમાં વિષ્ણુ રામ તરીકે અવતરે છે. એ પછી વિશ્વામિત્રના યજ્ઞરક્ષણનો અને સીતાના સ્વયંવરનો અને એ પછી પરશુરામનો પ્રસંગ આપવામાં આવ્યા છે.

બીજા અંકમાં રામ અને સીતાના લગ્નોત્તર વિલાસો રજૂ થયા છે.

ત્રીજા અંકમાં રામનું સીતા અને લક્ષ્મણ સાથે વનગમન, દશરથનું મૃત્યુ અને સુવર્ણમૃગનો પ્રસંગ નિરૂપાયાં છે.

ચોથા અંકમાં સીતાહરણ અને જટાયુવધનો પ્રસંગ અને હનુમાન વગેરેને જોઈ સીતા ઘરેણાં ફેંકે છે તે વાત આપી છે.

પાંચમા અંકમાં રામનો હનુમાન અને સુગ્રીવ સાથે મેળાપ, વાલીવધ અને સુગ્રીવનો રાજ્યાભિષેક એ પ્રસંગો આપ્યા છે.

છઠ્ઠા અંકમાં હનુમાનનું લંકાગમન, સીતા સાથે વાતચીત અને લંકાદહન પછી હનુમાનનું પરત આવવું એ વાત રજૂ થઈ છે.

સાતમા અંકમાં રામનું વાનરસેના સાથે પ્રયાણ અને રાવણે અપમાનિત કરેલા વિભીષણનું રામનું શરણું લેવું એ વાત રજૂ થઈ છે.

આઠમા અંકમાં વાનરસેનાનો સુવેલ પર્વત પર પડાવ અને અંગદદૌત્યના પ્રસંગો આપ્યા છે.

નવમા અંકમાં મંદોદરી અને વિરૂપાક્ષ વગેરે પ્રધાનોની સમજાવટ છતાં રાવણે સીતાને પાછી સોંપવાની ના પાડવાની વાત છે.

દસમા અંકમાં માયાથી રામ અને લક્ષ્મણનાં મસ્તકો સીતાને બતાવ્યાંનો અને પોતે રામનું રૂપ માયાથી લીધાનો જે પ્રપંચ રાવણે કરેલો તે નિષ્ફળ ગયાની વાત છે.

અગિયારમા અંકમાં રાવણના ગુસ્સાથી અનિચ્છાએ યુદ્ધમાં ગયેલા કુંભકર્ણના વધનો પ્રસંગ નિરૂપાયો છે.

બારમા અંકમાં માયાવી સીતાને બતાવવાનો પ્રપંચ કરતા અને શક્તિ માટે હોમનો પ્રયોગ કરતા મેઘનાદનો યુદ્ધમાં લક્ષ્મણે કરેલો વધ રજૂ થયો છે.

તેરમા અંકમાં રાવણ લક્ષ્મણ પર ઘાતક શક્તિ છોડે છે; પરંતુ સંજીવની ઔષધિ વડે લક્ષ્મણની ફરી સ્વસ્થ થવાની વાત આવે છે.

ચૌદમા અંતિમ અંકમાં રાવણે કરેલી પરશુરામના પરશુના બદલામાં સીતાને આપવાની શરત રામ સ્વીકારતા નથી. અંતે યુદ્ધમાં રામ રાવણનો વધ કરે છે અને સીતાની અગ્નિપરીક્ષા પછી રામનું અયોધ્યાગમન અને તેમના રાજ્યાભિષેકના પ્રસંગો રજૂ થયા છે. પિતાના મૃત્યુનો બદલો લેવા અંગદ રામનો વધ કરવા તૈયાર થતાં રામ નિરપરાધી વાલીના વધ માટેની શિક્ષા ખમવા તૈયાર થાય છે; છતાં વાલી પારધીના રૂપે કૃષ્ણાવતારમાં તેનો બદલો લેશે તેવી આકાશવાણી થતાં અંગદ રામની સ્તુતિ કરે છે. એ પછી ત્રણ શ્લોકોમાં રામે લોકાપવાદ માટે સીતાના કરેલા ત્યાગનો પ્રસંગ ઉલ્લેખ્યો છે. એ સાથે પ્રસ્તુત નાટક સમાપ્ત થાય છે.

મમતા રામી