હનુમન્તૈયા, કે. (જ. 1908, લક્કાપ્પનહલ્લી, જિ. બેંગલોર; અ. 1 ડિસેમ્બર 1980) : મૈસૂર રાજ્યના મુખ્ય પ્રધાન. પ્રમુખ, મૈસૂર પ્રદેશ કૉંગ્રેસ સમિતિ, ભારતની બંધારણ સભાના સભ્ય. હનુમન્તૈયા સાધારણ ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેઓ 1930માં મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી સ્નાતક થયા અને 1932માં પુણેની લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમના જીવન પર ‘રામાયણ’ અને ‘મહાભારત’ મહાકાવ્યો, તથા ટિળક, ગોખલે, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનો પ્રભાવ પડ્યો હતો. તેમણે 1925માં વિદ્યાર્થી સંઘના મંત્રી તરીકે કામ કર્યું હતું અને 1928માં સાયમન કમિશન વિરુદ્ધ વિદ્યાર્થી ચળવળનું નેતૃત્વ કર્યું હતું. 1927માં ચેન્નાઈ (મદ્રાસ) ખાતે મળેલ કૉંગ્રેસના અધિવેશનમાં વિદ્યાર્થી-પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધો હતો. આ બધી પ્રવૃત્તિઓ દરમિયાન સંગઠનકાર્યની તેમની શક્તિઓ પ્રગટ થઈ હતી.

તેમણે 1933માં વકીલાતની શરૂઆત કરી; પરંતુ જાહેર જીવન અને સમાજસેવામાં તેમને વધારે રસ હતો. તેઓ 1933માં બેંગલોર જિલ્લાના હરિજન સેવક સંઘના સેક્રેટરી અને 1934માં બેંગલોર શહેરની હિંદી પ્રચારક સભાના પ્રમુખ બન્યા. તેમને સ્વાતંત્ર્ય ચળવળમાં રસ હોવાથી 1936થી તેઓ કૉંગ્રેસના પૂર્ણ સમયના કાર્યકર બન્યા. તેઓ બેંગલોર જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયા અને 10 વર્ષ સુધી તે જવાબદારી સંભાળી. આ અનુભવ ભવિષ્યની સફળ રાજકીય કારકિર્દી માટે ઉપયોગી થયો. 1940માં તેઓ મૈસૂર પ્રતિનિધિ સભામાં ચૂંટાયા અને 1944 સુધી કૉંગ્રેસ ધારાસભા પક્ષના સેક્રેટરી તરીકે કામ કર્યું. 1944થી 1949 સુધી તેઓ ધારાસભામાં તે પક્ષના નેતા હતા. 1942માં તેઓ બેંગલોર શહેર મ્યુનિસિપલ સમિતિના પ્રમુખ થયા. 1947માં તેમણે પેલેસ સત્યાગ્રહ શરૂ કર્યો. તેને લીધે મહારાજાએ સરકારમાં લોકશાહી વ્યવસ્થા સ્વીકારવી પડી. સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા બદલ તેમણે સાત વખત જેલની સજા ભોગવી હતી.

મૈસૂર બંધારણ સભાના તેઓ સભ્ય હતા અને તે બંધારણ સભામાં કૉંગ્રેસ પક્ષના નાયબ નેતા હતા. 1948માં તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય થયા હતા.

સ્ટૉકહોમમાં 1949માં, ડબ્લિનમાં 1950માં અને બ્રાઝિલિયામાં 1962માં મળેલ ઇન્ટર-પાર્લમેન્ટરી યુનિયન કૉન્ફરન્સિઝમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1950માં તેઓ મૈસૂર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયા. 1957થી 1962 સુધી તેઓ મૈસૂર ધારાસભાના સભ્ય હતા. 1962થી ચાર વર્ષ સુધી તેમણે મૈસૂરના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું હતું. તેમણે મૈસૂર શિક્ષણ સુધારા સમિતિના અધ્યક્ષ અને રાષ્ટ્રીય વિકાસ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. તેમણે દક્ષિણ ભારતના પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ વર્કર્સ યુનિયનના પ્રમુખ અને દક્ષિણ પ્રદેશના મિલિટરી એન્જિનિયરિંગ સ્ટાફ વર્કર્સ યુનિયનના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.

તેમણે ઇન્ડિયન કૉફી ઍન્ડ કાર્ડેમમ બૉર્ડ્ઝ તથા ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ ટૅકનિકલ એજ્યુકેશન ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑવ્ ટૅકનૉલૉજીના સભ્ય તરીકે સેવા આપી હતી.

ઈ. સ. 1962માં તેઓ લોકસભામાં ચૂંટાયા અને 1967–68માં કૉંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીના નાયબ નેતા હતા. ભારતીય પ્રતિનિધિમંડળના નેતા તરીકે 1966માં ઓટાવા(કૅનેડા)માં મળેલ કૉમનવેલ્થ પાર્લમેન્ટરી કૉન્ફરન્સમાં તેમણે હાજરી આપી હતી. તેમણે ઇંગ્લૅન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ તથા કૅનેડાના જાહેર વહીવટીતંત્રનો અભ્યાસ કર્યો હતો. ઈ. સ. 1969માં સ્પેનમાં મળેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્મિનિસ્ટ્રેટિવ સાયન્સીઝની ગોળમેજી પરિષદમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળના નેતા હતા. ઈ. સ. 1969માં તેમને ભારત સરકારના એડ્મિનિસ્ટ્રેટિવ રિફૉર્મ્સ કમિશનના અધ્યક્ષ નીમવામાં આવ્યા હતા.

બેંગલોરમાં નવા સચિવાલય તથા વિધાનસભાનાં મકાનો તેમની દેખરેખ હેઠળ બાંધવામાં આવ્યાં હતાં. તેમણે સાહિત્ય અને સાંસ્કૃતિક વિકાસ ખાતાની શરૂઆત કરી. આ ખાતા દ્વારા કન્નડ ભાષામાં મહાકાવ્યો અને શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિઓનું સંપાદન કરીને પ્રગટ કરવામાં આવ્યું. આ જ ખાતા તરફથી કન્નડ ભાષાના શબ્દકોશ તથા વિશ્વકોશના કામની શરૂઆત કરી.

જયકુમાર ર. શુકલ