હથોડાફેંક (hammer throw) : મૂળ શક્તિની રમત ગણાતી, પણ હવે કલા બની ગયેલી એક રમત. તેમાં ભાગ લેનાર રમતવીરને ઓછામાં ઓછું 7.257 કિલોગ્રામનું વજન ધરાવતો લોખંડનો ગોળો સપાટ, સ્વચ્છ અને કોઈ પણ જાતના અવરોધ વિના ફેંક પ્રદેશમાંથી ફેંકવાનો હોય છે. પકડની અંદરથી માપતાં હથોડાની લંબાઈ ઓછામાં ઓછી 117.5 સેમી. અને વધુમાં વધુ લંબાઈ 121.5 સેમી. હોવી જોઈએ.

હથોડાફેંક સ્પર્ધામાં હથોડો ફેંકતો સ્પર્ધક

 ઉપરાંત હથોડાના ગોળાનો વ્યાસ 102 મિલીમીટરથી 120 મિલીમીટર હોવો જોઈએ. તેની સાથે જોડાયેલું હૅન્ડલ 3 મિલીમીટર જાડાઈ કે વ્યાસવાળા સળંગ સ્ટીલના વાયરમાંથી બનાવાય છે. 2.135 મીટર જેટલો અંદરનો વ્યાસ ધરાવતી 6 મિલીમીટર જાડી લોખંડની રિંગને, ફેંકવર્તુળ ઉપર બેસાડવામાં આવે છે. હથોડાફેંકનાં કૌશલ્યો કુલ આઠ પ્રકારનાં હોય છે : (1) પકડ, (2) ઊભણી, (3) પ્રાથમિક ઝોલા, (4) ઝોલામાં ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુઓના સંબંધમાં સંકળાયેલી પ્રાથમિક ઝોલા સાથેની ગતિઓ, (5) ફીરકી, (6) છૂટ માટેની ફીરકીઓ અને છૂટની ક્રિયા, (7) છૂટ પછી પુન:પ્રાપ્તિ અને (8) ઉડાણ.

આ રમતનો સૌથી જૂનો સંદર્ભ જોતાં જણાય છે કે આ રમતની શરૂઆત આયર્લૅન્ડમાં થઈ હતી. જૂના વખતમાં આ રમત what featના નામે ઓળખાતી. બ્લૅકસ્મિથે તેને હથોડાફેંક નામ આપ્યું. 1860માં ઇંગ્લૅન્ડના યુનિવર્સિટી રમતોત્સવમાં આ રમત અધિકૃત રમત તરીકે દાખલ થઈ અને હવે તે ઑલિમ્પિકમાં પણ રમાય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછી યુરોપ અને ખાસ કરીને જર્મનીમાં આ રમતનો ખૂબ પ્રચાર થયો. જર્મનીએ આ રમત રમવાની પદ્ધતિમાં ફેરફાર કર્યા પછી તે પ્રચલિત બની. આ પદ્ધતિમાં હથોડાફેંકનો આંક 200 ફૂટની હદને ઓળંગી ગયો અને હવે (2008) આ આંક 230 ફૂટ કરતાં પણ વધારે છે.

ચિનુભાઈ શાહ