હતાશા (frustration) : આપણા જીવનમાં આપણી જૈવિક, મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક જરૂરતો હંમેશા સરળતાથી સંતોષાઈ જાય એવું બનતું નથી જ. આપણી વૃત્તિઓ, લાગણીઓ, જરૂરતો તેમજ લક્ષ્યોના સંતોષની પ્રક્રિયાના માર્ગમાં આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાંથી અનેક વિઘ્નો, અવરોધો ઊપજે છે. વ્યક્તિની જરૂરત-સંતોષ અને લક્ષ્યપ્રાપ્તિની પ્રક્રિયામાં આ વિઘ્નો તેમજ અવરોધો તેનામાં સંઘર્ષ, તનાવ ઉપજાવે છે તેમજ નવી અનુકૂળ સમાયોજન-વર્તનભાતો ઉપજાવવા માટે દબાણો સર્જે છે.
જ્યારે વ્યક્તિના જીવનમાં આવાં વિઘ્નો તેમજ અવરોધો આવે અને જ્યારે અન્ય વૈકલ્પિક માર્ગો કે બીજાં યોગ્ય લક્ષ્યો ન મળે ત્યારે હતાશા અનુભવાય છે; દા. ત., યુવાન પુત્ર-પુત્રીને માટે મા-બાપનાં કડક બંધનો તેમજ સમાજનાં નિયંત્રણો તેના પ્રેમલગ્નમાં વિઘ્નરૂપ બનતાં તે હતાશાનું કારણ બને છે. રણપ્રદેશમાં અટવાઈ ગયેલા મુસાફર માટે ખોરાક-પાણીનો અભાવ હતાશાનો પ્રેરક બને છે. વ્યક્તિના જીવનમાં તેના આંતરિક તેમજ બાહ્ય વાતાવરણમાંથી ઉદભવતા વિશાળ સંખ્યાનાં અનેક વિઘ્નો, અવરોધો હતાશા પ્રેરે છે. દુકાળ, રેલ, ધરતીકંપ જેવી દુર્ઘટનાઓ, શૅરબજારની ચઢઊતર, સામાજિક અસમાનતા, ગરીબાઈ, લગ્ન તેમજ વ્યવસાયમાં અસંતોષ, પરીક્ષામાં નિષ્ફળતા, સ્વજનનું મૃત્યુ જેવાં પરિસ્થિતિજન્ય પરિબળો તેમજ વ્યક્તિનાં પોતાનાં આંતરિક મૂલ્યો, આદર્શો, માન્યતાઓ, સ્વમાનભંગ જેવાં આંતરિક પરિબળોમાંથી એક યા અનેક તત્ત્વો તેના ઇચ્છિત લક્ષ્યપ્રાપ્તિના માર્ગમાં અવરોધરૂપ બને છે, વિઘ્નો ઊભાં કરે છે. બાહ્ય પરિબળો કરતાં આંતરિક પરિબળો વ્યક્તિની અંગત મર્યાદાઓ કે ક્ષતિઓમાંથી ઊપજતી હતાશા વધારે તનાવપ્રેરક બને છે; કારણ કે આથી વ્યક્તિને માનહાનિ, આત્મગૌરવભંગ તેમજ સ્વમાનભંગ લાગે છે. જિંદગી એ કંટકહીન સરળ યાત્રા તો નથી જ. તેથી ‘જીવનમાં તો આવું બન્યા કરે’ એવું મન મનાવી સહજપણે સ્વીકારી આપણે હતાશાને જીરવી લઈએ છીએ.
ઘણા પ્રસંગોમાં હતાશા કે તનાવ માત્ર એકલ-દોકલ વિઘ્ન કે અવરોધમાંથી ઊપજતી હોતી નથી; પરંતુ બે લક્ષ્યો કે બે જરૂરતો વચ્ચે એકની પસંદગી વિશે સંઘર્ષ થાય અને ગમે તે એકની પસંદગી કરીએ તો બીજો પસંદ ન કરવા વિશે નિરાશા, હતાશા પ્રગટે છે. દા. ત., લગ્ન કરવાં છે, પરંતુ જીવનમાં આવનારી જવાબદારીઓ વિશે ડર લાગે છે (ઉપાગમન-પરિહરણ સંઘર્ષ); પરદેશમાં નોકરી માટે તક છે, પરંતુ નવોઢા પત્નીને મૂકીને જવું પડે (ઉપાગમન-ઉપાગમન સંઘર્ષ); યુદ્ધમાં મરવાની બીક લાગે અને ન જાય તો સમાજની ટીકાનો ડર (પરિહરણ-પરિહરણ સંઘર્ષ). સંઘર્ષ અને હતાશા એમ બે અલગ મનોવૈજ્ઞાનિક સ્થિતિઓ ગણાવીએ છીએ; પરંતુ વાસ્તવમાં સંઘર્ષ અને હતાશા એક પ્રકારની સંયુક્ત માનસિક પરિસ્થિતિ છે. સંઘર્ષ અનિવાર્યપણે હતાશા જન્માવે છે અને હતાશામાંથી સામાન્યપણે સંઘર્ષ જન્મે છે. હતાશા અને સંઘર્ષ બંને વ્યક્તિ માટે તનાવ ઉપજાવે છે.
હતાશા સામે પ્રતિક્રિયાઓ : હતાશાની પરિસ્થિતિઓ પ્રત્યે જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી આગવી રીતે પ્રતિકાર કે સામનો કરે છે. વ્યક્તિની પ્રતિક્રિયાઓમાં કેટલીક તંદુરસ્ત અને યોગ્ય ગણાય, જ્યારે કેટલીક અતંદુરસ્ત તેમજ અયોગ્ય પણ હોય. દા. ત., પરીક્ષામાં નપાસ થયેલો અને હતાશા અનુભવતો વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા માટે પોતાની નબળાઈઓ તપાસે અને કમર કસીને મહેનત કરવાનો નિર્ધાર કરે અથવા પરીક્ષાનું લક્ષ્ય છોડીને કોઈ ધંધામાં જોડાવાનું કે પરદેશ જવાનું વિચારે તે હતાશા પ્રત્યેની યોગ્ય અને તંદુરસ્ત પ્રતિક્રિયા છે; પરંતુ જો કોઈ નિષ્ફળ વિદ્યાર્થી આપઘાતના વિચારે ચઢી જાય કે બેફિકર બની કુટેવોમાં સરી પડે તો તે અયોગ્ય, અતંદુરસ્ત પ્રતિક્રિયાઓ છે.
હતાશા પ્રત્યેની પ્રતિક્રિયાઓનું નિરીક્ષણ તેમજ વિશ્લેષણ કરી મનોવિજ્ઞાનીઓએ ઓળખેલી પ્રતિક્રિયાઓની કેટલીક ભાતોને સંરક્ષણ પ્રયુક્તિઓ કહે છે; કારણ કે આવી વર્તનરીતિઓથી વ્યક્તિની હતાશા હળવી તો બને છે, સાથે તે તેનું સ્વમાન તેમજ માનસિક સમતુલા જાળવવાનું કામ પણ કરે છે.
સંરક્ષણપ્રયુક્તિયુક્ત વર્તન વૈવિધ્યભર્યું હોય છે. દા. ત., દુ:ખદ હતાશાપ્રેરક પ્રવૃત્તિને વ્યક્તિ ટાળે છે (નિષેધવૃત્તિ), લગ્નજીવનમાં નિષ્ફળ વ્યક્તિ સામાજિક સેવાની પ્રવૃત્તિમાં જોડાય છે (ઊર્ધ્વીકરણ), અભ્યાસમાં નબળો વિદ્યાર્થી રમતગમતમાં કૌશલ વિકસાવે છે (પ્રતિફલન), પોતાના ગમને ભૂલવા વ્યક્તિ પોતાની જાતને પ્રવૃત્તિમાં ડુબાડી દે છે (વધુ પ્રયત્નશીલતા), શિક્ષિત પત્ની ન મેળવી શકેલો યુવક સમાધાન શોધે છે કે ઓછું ભણેલી પત્ની સારી રીતે ઘર સંભાળશે (યૌક્તિકીકરણ), ભ્રષ્ટાચારમાં પકડાયેલા કર્મચારી કહેશે કે આખું તંત્ર જ ભ્રષ્ટાચારી છે (પ્રક્ષેપણ), ઓછું ભણેલો પિતા પુત્રને ભણાવવા મહેનત કરી તેની સફળતામાં ગૌરવ અનુભવે (તાદાત્મ્ય) વગેરે. હતાશા પ્રત્યેની આ પ્રતિક્રિયાઓ એટલા માટે સંરક્ષક પ્રતિક્રિયાઓ છે કે આથી હતાશ વ્યક્તિ વર્તન-વિકૃતિ કે વ્યક્તિત્વ- વિષમતાનો ભોગ બનતાં બચે છે અને હતાશા, ચિંતા તેના માટે સહ્ય બને છે.
હતાશાની સ્થિતિમાં સમાધાનકારક માર્ગ ન શોધી શકનારા કેટલાક માણસો તેમની દુ:ખદ અને અસહ્ય પરિસ્થિતિમાંથી પલાયન થવા માટેના માર્ગ શોધે છે. દા. ત., પ્રયત્નો કરવાને બદલે કેવળ તરંગો કે કાલ્પનિક ઉપાયોમાં રાચે છે (દિવાસ્વપ્ન), આવી કોઈ સમસ્યા જ નથી એવું મજબૂત વલણ સેવે (નકારાત્મક વર્તન), લગ્નજીવનની મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે યુવતી પિયરના સલામત વાતાવરણમાં દોડી જાય (પ્રત્યાગતિ), હતાશાપ્રેરક ઘટના જેવું કશું બન્યું જ નથી એમ ભારપૂર્વક માને (દમન-વિસ્મરણ) વગેરે. કેટલીક વ્યક્તિઓને સંઘર્ષ અને હતાશાનો તનાવ સહન ન થતાં તેઓ ઉન્માદ, અકારણ ભય, દબાણયુક્ત વર્તન, વ્યક્તિત્વવિકૃતિઓ કે છિન્ન માનસ જેવી વિષમતાઓનો ભોગ બને છે. તીવ્ર અભાવ અને હતાશા તેમજ વિફળતાની પરિસ્થિતિઓમાં માણસ ખૂન-બળાત્કાર કરે, ઘર છોડી ભાગી જઈ બાવા બની જાય, હીપ્પી બની જાય, ઔષધના નશાના રવાડે ચઢે, અતિશય સ્વચ્છંદી જાતીય પ્રવૃત્તિમાં સરી પડે, દબાણયુક્ત જુગારની બદીમાં ફસાઈ જાય, ગુનાખોરીમાં સંડોવાય એવું બને છે. સમાજવિમુખ થવાની અને સમાજવિરોધી વર્તનની આવી ક્રિયાઓ હતાશા પ્રત્યેની અયોગ્ય, અતંદુરસ્ત પ્રતિક્રિયાઓ છે. હતાશા પ્રત્યેના પ્રતિભાવ રૂપે મનોવિકૃતિઓ, વર્તનવિકૃતિઓ કે સમાજવિરોધી વર્તનમાં સરી પડતાં સ્ત્રી-પુરુષોને તેમના કુટુંબ, સમાજ તરફથી હૂંફ, હમદર્દી તેમજ માનસોપચાર દ્વારા સારવારની જરૂર હોય છે.
હતાશા પ્રત્યેની પ્રતિક્રિયાઓ પરત્વે વિશાળ વૈયક્તિક તફાવતો જોવા મળે છે. પરીક્ષા કે ધંધામાં માર ખાધેલી એક વ્યક્તિ આપઘાત કરે, જ્યારે બીજી વ્યક્તિ રાખમાંથી ફરી બેઠી થાય છે. પ્રેમમાં નિષ્ફળ ગયેલી યુવતી રોદણાં રડવાને બદલે પિતાની પસંદગીના પાત્ર સાથે પરણી સુપેરે સંસારમાં ગોઠવાઈ જાય છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિનું હતાશાજનક પરિસ્થિતિ વિશેનું પ્રત્યક્ષીકરણ તેમજ તેનું પોતાનું મનોબળ અને માતાપિતા, કુટુંબીજનોનો સહકાર, તેને હતાશાને સમજવાનું તેમજ તેની સામે લડવાનું બળ પૂરું પાડે છે.
હતાશાસહ્યતા (frustration-tolerance) : હતાશાસહ્યતા એટલે વિકૃત કે અયોગ્ય વર્તનનો આશ્રય લીધા વિના હતાશા, સંઘર્ષને સહન કરવાની, જીરવવાની શક્તિ. હતાશાસહ્યતા પરત્વે વૈયક્તિક તફાવતો પ્રવર્તે છે. કેટલાક માણસો માત્ર જરા જેટલી મુશ્કેલીમાં બાવરા, નિરાશ બની જાય છે અને કેટલાક ગમે તેવી પરિસ્થિતિમાં હતાશ થયા વગર લડી લેવાની મનોદશા ધરાવનારા હોય છે. કેટલાક તરત જ હતાશ બની જાય છે અને હતાશામાં પડી ભાંગે છે. વ્યક્તિની હતાશાસહ્યતા અનેક પરિબળો ઉપર આધાર રાખે છે. જેનું જીવન જ કઠિનાઈઓમાં વીત્યું છે તેવા પૂર્વ અનુભવવાળી વ્યક્તિને કદાચ એક વધારે નિષ્ફળતા વધારે હતાશ ન બનાવે. જોકે એમ પણ બને કે સતત સંઘર્ષમાં જિંદગી જીવતી વ્યક્તિ સારા દિવસોની આશાએ જિંદગીનો બોજ ખેંચતી હોય ત્યાં એક નવી મુશ્કેલી તેને તદ્દન ભાંગી નાંખે છે. વ્યક્તિની સંઘર્ષનો બોજો સહન કરવાની શક્તિને પણ મર્યાદા હોય છે.
દૈહિક જરૂરતોની હતાશા કરતાં સામાજિક, આવેગિક જરૂરતોની હતાશા વધારે અસહ્ય હોય છે. વ્યક્તિ ગરીબી સહન કરી શકે; પરંતુ પ્રેમમાં નિષ્ફળતા, સમાજ કે મિત્રોની અસ્વીકૃતિ સહન કરવાનું વધારે મુશ્કેલ છે. પૈસાની મુશ્કેલી કરતાં પ્રતિષ્ઠાની નુકસાની વધારે વ્યગ્ર બનાવે છે. જ્યારે હતાશાના અનુભવમાં જરૂરતના અસંતોષ સાથે વ્યક્તિનો અહમ્ સંકળાયેલો હોય ત્યારે તે હતાશા વધારે ધમકીરૂપ લાગે છે. પતિ માંદગીમાં અવસાન પામે તે સ્ત્રી સહન કરી લે; પરંતુ પત્નીની વફાદારી ઉપર શંકા લાવી પતિએ આપઘાત કર્યો હોય તો તે સ્ત્રીમાં હતાશાની સાથે અપરાધભાવ ઉપજાવે છે અને તેને પીડે છે. દરેક વ્યક્તિને તેને ઊપજતી હતાશાનો જુદો જુદો આગવો અર્થ કે પ્રતીકાત્મક મૂલ્ય હોય છે. દા. ત., પોતાની દીકરીને પરજ્ઞાતિના મનપસંદ યુવક સાથે લગ્ન કરવાની માતાપિતા ના પાડે અને દીકરી તેને પોતાની પ્રત્યે પ્રેમ નથી એમ અર્થ ઘટાવે, ત્યારે જેટલાં અપમાન અને હતાશા ઊપજે તેના કરતાં તે અસંમતિને માબાપની સામાજિક લાચારી સમજે તો હતાશા, અપમાનની માત્રા ઓછી લાગે.
સંઘર્ષ અને હતાશા જીવનમાં સ્વાભાવિક ઘટના તરીકે જોવાય ત્યારે વ્યક્તિની હતાશાસહ્યતા ઊંચી રહે છે અને સામાન્ય હતાશા, નિષ્ફળતા પણ સ્વમાનભંગ તથા સર્વનાશ તરીકે જોવાય ત્યારે તે અસહ્ય બને છે. જો વ્યક્તિ હતાશાની પરિસ્થિતિનું વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન કરી તેને વાસ્તવિક પરિપ્રેક્ષ્યમાં સમજવાનો પ્રયાસ કરે તો તે હતાશાનાં પરિબળોને ઓળખી શકે છે અને તેની હતાશાસહ્યતા ઊંચી રહે છે. વ્યક્તિ શરીરથી તંદુરસ્ત હોય અને સ્ફૂર્તિમાં હોય ત્યારે હતાશા સહન કરવાની સીમા પણ ઊંચી રહે છે. રોગિષ્ઠ, થાકેલી કે મૂંઝાયેલી વ્યક્તિની હતાશા સહન કરવાની શક્તિ બહુ નીચી હોય છે.
હતાશાનું મૂલ્ય : હતાશા હંમેશાં નકારાત્મક, ટાળવાયોગ્ય અનુભવ છે એ ખ્યાલ ખોટો છે. અમુક પ્રકારની અને અમુક હદમાં નિષ્ફળતા, સંઘર્ષ, હતાશા વ્યક્તિને પોતાના પ્રયાસો સુધારવાનું, વધારે મહેનત કરવાનું પ્રોત્સાહન આપે છે. તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે ભૂમિકા પૂરી પાડે છે. અબ્રાહમ લિંકન, ભીમરાવ આંબેડકર કે ધીરુભાઈ અંબાણી જેવાની સંઘર્ષકથા વ્યક્તિને હતાશામાં ટકી રહી લડી લેવા માટે પ્રેરણા આપે છે. વ્યક્તિએ હતાશાને પડકાર તરીકે સ્વીકારવાનું વલણ વિકસાવવું જોઈએ. કોઈ પણ સિદ્ધિ તેનું મૂલ્ય ચૂકવ્યા વગર મળતી નથી અને જિંદગીમાં ચઢાવ-ઉતાર તો આવ્યા જ કરે એવું હકારાત્મક વાસ્તવવાદી વલણ હતાશાને ખંખેરી નાંખે છે. તે માટે જીવન પ્રત્યે આશાવાદી વલણ કેળવવું જોઈએ.
હતાશા અને આક્રમણ : હતાશા હંમેશા લડાયક આક્રમક વર્તન પ્રગટાવે છે એવો મત ડોલાર્ડ જે. અને મીલર એન. ઇ.(1941)એ રજૂ કર્યો. આ મત પ્રમાણે આક્રમણ એ હતાશાનું સંભવિત તેમજ તાર્કિક પરિણામ છે. તેનો હેતુ જરૂરત સંતોષવા માર્ગમાંનાં વિઘ્નોને દૂર કરવાનો કે ખતમ કરવાનો છે. હતાશામાં આક્રમણ કરવાનું વર્તન એ આક્રમણ કરવાના આંતરિક માનસ તેમજ બાહ્ય જગતમાં જેમની પ્રત્યે આક્રમક વર્તન કરવાનું છે તે નિશાનો અને સંકેતો ઉપર આધાર રાખે છે. આંતરિક માનસ તેમજ બાહ્ય પરિબળો બંને સંયુક્ત રીતે વ્યક્તિને આક્રમક બનવા પ્રેરે છે. આક્રમણ કરવાની આંતરિક તત્પરતા હતાશાની તીવ્રતા અને વિસ્તાર ઉપર આધાર રાખે છે. પરિબળોની પ્રબળતા આક્રમણ કરવા માટેના સંજોગો અને તેનાં સંભવિત પરિણામો ઉપર આધાર રાખે છે. હતાશામાં આંતરિક લાગણીઓ તેમજ બાહ્ય પરિસ્થિતિ, સંજોગો વચ્ચેની આંતરક્રિયાના પરિણામ રૂપે આક્રમક વર્તન પ્રગટવાનાં ઉદાહરણો તરીકે દલિતોની ચળવળ, નક્સલવાદી પ્રવૃત્તિ, લઘુમતી જૂથોમાં અસંતોષ વગેરે ગણાવી શકાય. ઊંચાં જતાં જીવનધોરણ અને સગવડો તેમજ માહિતી વિસ્ફોટના પરિણામે ગરીબો તેમજ વંચિતોમાં અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ જાગી છે; પરંતુ તેમાં જ્યારે અવરોધો આવે છે ત્યારે આ વંચિતો, ગરીબો, લઘુમતીઓમાં હતાશા, ક્રોધ અને આક્રમકતા વધતાં જાય છે. વ્યક્તિની જેમ કોઈ પ્રજાજૂથ કે દેશની સમસ્ત પ્રજા પણ હતાશામાં સરી પડતી હોય છે અને પછી કોઈ તાકતવર નેતા આ પ્રજાને હતાશા ખંખેરી ઊભા થવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
ભાનુપ્રસાદ અ. પરીખ