હડસનનો ઉપસાગર (હડસનનો અખાત)

February, 2009

હડસનનો ઉપસાગર (હડસનનો અખાત) : કૅનેડાના ઈશાન ભાગમાં આવેલો વિશાળ સમુદ્રફાંટો. ભૌગોલિક સ્થાન : તે 60° ઉ. અ. અને 86° પ. રે.ની આજુબાજુનો આશરે 8,19,730 (આજુબાજુના અન્ય ફાંટાઓ સહિત 12,33,000) ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ઉપસાગર તેના દક્ષિણ ફાંટા જેમ્સના અખાત સહિત ઉત્તર–દક્ષિણ 1,690 કિમી. લાંબો અને પૂર્વ–પશ્ચિમ 1,118 કિમી. પહોળો છે. તેની સરેરાશ ઊંડાઈ 100 મીટર જેટલી છે. આ ઉપસાગર પૂર્વ તરફ હડસનની સામુદ્રધુની મારફતે આટલાંટિક મહાસાગર સાથે તથા ઉત્તર તરફ ફૉક્સની ખાડી મારફતે આર્ક્ટિક મહાસાગર સાથે જોડાયેલો છે.

આ ઉપસાગરની ઉત્તર તરફ ઠંડી આબોહવાવાળો, વૃક્ષવિહીન, સમતળ ટુન્ડ્ર પ્રદેશ આવેલો છે. દક્ષિણ તરફ જંગલો છે, પૂર્વ તરફ ભેખડોવાળો ભૂમિભાગ તથા પશ્ચિમ તરફ કળણ ધરાવતો સમતળ વિસ્તાર પથરાયેલો છે.

હડસનનો ઉપસાગરનો નકશો

હડસનના ઉપસાગરમાં ચાલતી મુખ્ય વાણિજ્ય પ્રવૃત્તિ વહાણો દ્વારા થતી માલસામાનની હેરફેરની છે. મધ્ય જુલાઈથી મધ્ય ઑક્ટોબર દરમિયાન આ ઉપસાગર બરફમુક્ત રહેતો હોવાથી આ ત્રણ માસના ગાળામાં આ પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે છે. ઘણા દેશોનાં વહાણો હડસનની સામુદ્રધુની મારફતે અવરજવર કરે છે. આ વહાણો અનાજ અને માંસ ભરીને લઈ જાય છે. મેનિટોબામાંનું ચર્ચિલ નદીના મુખ પરનું ચર્ચિલ બંદર અનાજ-નિકાસ માટેનું મુખ્ય મથક છે. હડસનના અખાતનો રેલમાર્ગ ચર્ચિલ બંદરને પશ્ચિમ કૅનેડાના ઢોરવાડાના તેમજ અનાજ ભંડારના વિસ્તાર સાથે જોડે છે.

હડસનના ઉપસાગરની નજીક કાંઠા પર વસનારા સર્વપ્રથમ લોકો એસ્કિમો અને ઇન્ડિયનો હતા; પરંતુ આજે એસ્કિમો ટુન્ડ્ર પ્રદેશમાં છૂટાંછવાયાં જૂથોમાં રહે છે, જ્યારે ઇન્ડિયનો ચર્ચિલ બંદર અને જેમ્સના અખાત નજીક ઉપસાગરના દક્ષિણ છેડા પર વસે છે. અહીંના બીજા કેટલાક લોકો સરકારી એજન્સીઓમાં સેવાઓ આપે છે, તો કેટલાક માછીમારી અને શિકાર કરી પોતાનો જીવનનિર્વાહ કરે છે.

1610માં અહીં આવેલા અંગ્રેજ અભિયન્તા હેન્રી હડસનના નામ પરથી આ ઉપસાગરને નામ અપાયેલું છે. 1670માં ‘હડસન બે કંપની’ દ્વારા તેના કાંઠા પરના ભાગમાં ઉત્તર અમેરિકાનાં સર્વપ્રથમ રુવાંટીના વેપારનાં મથકો સ્થપાયાં. આ કંપની અંગ્રેજ વેપારીઓએ સ્થાપેલી, તેથી ગ્રેટ બ્રિટને અખાતી વિસ્તાર પર પોતાનો દાવો મૂકેલો. 1811માં અહીંના વસાહતીઓએ પશ્ચિમ કૅનેડાનાં ખેતરોમાં જવા-આવવા માટે આ ઉપસાગરનો ઉપયોગ શરૂ કર્યો. વર્ષો સુધી અહીં બ્રિટનનું આધિપત્ય રહ્યું. 1870માં બ્રિટને આ ઉપસાગર કૅનેડાને સોંપી દીધો.

1971 સુધી તો આ વિસ્તાર બહુ જ ઓછા પ્રમાણમાં વિકસ્યો હતો. એ જ વર્ષે ક્વિબેક પ્રાંતે જેમ્સના અખાતમાં ઠલવાતી લા ગ્રાન્ડે નદી પર લાંબા ગાળાની વિકાસ યોજનાના ભાગ રૂપે જળવિદ્યુત મથક બાંધવાનું શરૂ કર્યું. 1980ના દશકા દરમિયાન, ત્રણ મથકો પૂરાં કરાયાં છે. આ જળવિદ્યુતમથકો લાંબા ગાળાની વિકાસ યોજનાના પ્રથમ ભાગરૂપ ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા