હડસન (Hudson) : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યના પૂર્વ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 40° 44´ ઉ. અ. અને 74° 02´ પ. રે.. હડસન નદીના પૂર્વ કાંઠે આવેલું આ શહેર આલ્બેની શહેરથી દક્ષિણે 45 કિમી.ને અંતરે વસેલું છે. આ સ્થળે ડચ પ્રજાએ 1662માં સર્વપ્રથમ વસાહત સ્થાપી હતી. સુગંધીદાર ઘાસના ક્ષેત્રની શોધ માટે ખ્યાતિ અપાવનાર હેન્રી હડસનની યાદમાં 1785માં આ શહેરને હડસન નામ અપાયું છે. 1783માં અહીંના ન્યૂ ઇંગ્લૅન્ડના વેપારીઓએ આ પ્રદેશનો વિકાસ કર્યો અને તેને આજુબાજુના વિસ્તારમાં જાણીતું કર્યું. 1812 સુધી વિદેશવ્યાપાર માટે હડસનનું મહત્વ વધુ હતું. આજે અહીં સિમેન્ટ, રાચરચીલું, યંત્રો અને વિવિધ પ્રકારનાં પીણાં બનાવવાના એકમો સ્થપાયેલા છે.

નીતિન કોઠારી