હડસન નદી : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલી નદી તથા મહત્વનો વેપારી જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 42° ઉ. અ. અને 74° પ. રે.. તે ઍડિરૉનડૅક પર્વતના 1,317 મીટર ઊંચાઈએ આવેલા ટિયર-ઑવ્-ધ-ક્લાઉડ્ઝ નામના સરોવરમાંથી નીકળે છે, ત્યાંથી તે દક્ષિણ તરફ વહે છે અને ન્યૂયૉર્ક શહેર નજીક આટલાંટિક મહાસાગરમાં ઠલવાય છે. તેની લંબાઈ 492 કિમી. જેટલી છે.

વનવિસ્તારમાંથી પસાર થતી હડસન નદી

આ નદી ઈશાન યુ.એસ.ના વેપાર માટે ઘણો અગત્યનો જળમાર્ગ રચે છે. તેના મુખ પર ન્યૂયૉર્કનું બારું આવેલું છે. 1609માં અંગ્રેજ અભિયન્તા હેન્રી હડસન આ નદીને ખૂંદી વળનાર સર્વપ્રથમ ગોરો માનવી હતો. તેના નામ પરથી આ નદીને હડસન નામ અપાયેલું છે. હડસનના કાંઠા પરનાં કેટલાંક દૃશ્યો જર્મનીની રહાઇન નદીને મળતાં આવતાં હોવાથી અહીંના લોકો તેને અમેરિકાની રહાઇન તરીકે ઓળખાવે છે. યુ.એસ.ના ઇતિહાસમાં આ નદીએ ઘણો મહત્વનો ભાગ ભજવેલો છે.

આ નદીના ઉપરવાસના ઊંચાણ-નીચાણવાળા પટમાં ઘણા જળપ્રપાતો આવેલા છે, ત્યાંના પ્રવાહો વેગવાળા હોવાથી તેમાંથી જળવિદ્યુત મેળવાય છે. ત્યાંથી વધુ દક્ષિણ તરફ તે રમણીય દૃશ્યો ધરાવતા ઉચ્ચપ્રદેશમાં થઈને પસાર થાય છે. અહીં તે સાંકડી ખીણમાં આશરે 26 કિમી.નો ગોળાકાર વળાંક લે છે. ત્યાંની વિશાળ ભેખડો જર્મનીની રહાઇન નદીના કાંઠા પરના કિલ્લાઓ જેવો ભાસ કરાવે છે.

ટ્રૉય શહેરની ઉત્તરે તેને મોહૉક નદી મળે છે. આ સંગમથી દક્ષિણે હડસન નદીમાં આટલાંટિક મહાસાગરની ભરતીનાં પાણી આવી મળે છે. ભરતીનાં પાણી ઉમેરાતાં રહેવાથી નદીના મુખથી 232 કિમી.ના ઉપરવાસ સુધી (આલ્બેની સુધી) મોટા કદનાં જહાજો અવરજવર કરી શકે છે. તે પછીના 10 કિમી.ના ઉપરવાસ સુધી (ટ્રૉય સુધી) નાની હોડીઓ લઈ જઈ શકાય છે. યુરોપથી મનોરંજન માણવા આવતા પ્રવાસીઓ હડસનના મુખના પૂર્વ કાંઠા પરની ન્યૂયૉર્કની વિશાળ ગોદીઓના નાકા સુધીનાં દૃશ્યો જોવાની મોજ માણે છે. અહીં તેના મુખ પર જ્યૉર્જ વૉશિંગ્ટન પુલ બાંધવામાં આવેલો છે.

1524માં ઇટાલિયન વહાણવટી જિયોવાની દ વેરાઝાનો આ નદી પર પહોંચનાર સર્વપ્રથમ યુરોપિયન હતો. એ જ રીતે હડસન નદીના ખીણ વિસ્તારમાં વસનારા સર્વપ્રથમ યુરોપિયનો ડચ લોકો હતા. નદીમુખ પરના ઉત્તમ કક્ષાના બારાની સુવિધાને કારણે ન્યૂયૉર્ક શહેરનો વિકાસ થયેલો છે. જૂના વખતમાં ઘણા અભિયન્તાઓએ હડસન નદીમાર્ગે હંકારીને કૅનેડા સુધી સફર કરેલી છે.

1775–1783ની અમેરિકી ક્રાંતિ દરમિયાન બ્રિટિશ વહાણોને પસાર થતાં રોકવા માટે નદીની આડે કૉન્સ્ટિટ્યૂશન ટાપુ અને ગી પૉઇન્ટ વચ્ચે મોટી સાંકળ બાંધી રાખેલી. 1807માં રૉબર્ટ ફલ્ટને આ નદીમાં સર્વપ્રથમ સ્ટીમબોટ સફળતાપૂર્વક ચલાવેલી.

ગિરીશભાઈ પંડ્યા