હડસનની સામુદ્રધુની : આટલાંટિક મહાસાગરમાં આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 62° 30´ ઉ. અ. અને 72° 00´ પ. રે.. આ સામુદ્રધુની બેફિન ટાપુસમૂહ અને ઉત્તર ક્વિબૅક(કૅનેડા)ની મધ્યમાં આવેલી છે. તે હડસનના અખાતને લાબ્રાડોર સમુદ્ર સાથે સાંકળે છે. તેની લંબાઈ 800 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 64–240 કિમી. જેટલી છે. તેની સૌથી વધુ ઊંડાઈ 942 મીટર જેટલી છે. હડસનના અખાત તેમજ ફૉક્સ(Foxe)ની ખાડીના મુખ ઉપર સેલિસબરી અને નૉટિંગહામ ટાપુઓ આવેલા છે, જ્યારે લાબ્રાડોર સમુદ્રના પૂર્વ કાંઠાના મુખ પાસે રિઝોલ્યૂશન (Resolution) અને એડજેલ (Edgell) ટાપુઓ આવેલા છે.

આ સામુદ્રધુનીનો વિસ્તાર વસંતઋતુ અને ઉનાળામાં નૌકાવહન માટે અનુકૂળ ગણાય છે, તેમ છતાં બરફ તોડતાં જહાજોની મદદથી બારે માસ તેનો ઉપયોગ થાય છે.

આ સામુદ્રધુની અંગેનું અંશત: સંશોધન 1578માં બ્રિટિશ મુસાફર સર માર્ટિન ફ્રોબિશેરે કર્યું હતું; ત્યાર બાદ 1610માં બ્રિટિશ સંશોધક હેન્રી હડસન આ સામુદ્રધુની પાર કરવામાં સફળ થયો હતો. ત્યાર પછીથી જ ‘હડસન બે કંપની’નાં જહાજોએ આ જળમાર્ગે વેપાર શરૂ કરેલો.

નીતિન કોઠારી