હટન, લેન (સર લિયોનાર્ડ હટનનું લાડકું નામ) (જ. 1916, પશ્ચિમ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1990) : ઇંગ્લૅન્ડના અગ્રણી ક્રિકેટ-ખેલાડી, પૂર્વ કપ્તાન અને બીજા વિશ્વયુદ્ધ પછી ક્રિકેટ-ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બૅટ્સમૅન.
લેન હટન
1953માં ‘ઍશીઝ’ પાછી મેળવનાર ટીમનું કપ્તાનપદ તેમણે સંભાળ્યું હતું. તે ઇંગ્લૅન્ડના સૌપ્રથમ વ્યવસાયી કપ્તાન લેખાયા. તેમણે પોતાની કાઉન્ટી યૉર્કશાયર વતી ક્યારેય કપ્તાનપદ સંભાળ્યું ન હતું. 1938માં ઇંગ્લૅન્ડ વતી ઑસ્ટ્રેલિયા સામે રમતી વખતે ઑવલ ખાતે તેમણે વિશ્વવિક્રમ 364 રન નોંધાવ્યા હતા. 1937 અને 1955 વચ્ચે 79 મૅચમાં તેમણે કુલ 6,971 ટેસ્ટ રન (56.67 રનની સરેરાશ) નોંધાવ્યા. પ્રથમ કક્ષાની રમતની કારકિર્દી (1934–1960) દરમિયાન તેમણે કુલ 40,140 (55.51 રનની સરેરાશ) રન નોંધાવ્યા; તેમાં 129 સદી હતી.
1954માં ઇંગ્લૅન્ડની રાણીએ તેમને ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો.
મહેશ ચોકસી